કર્ણાવતી : ગુજરાતના સોલંકી રાજા કર્ણદેવ પહેલાએ અગિયારમી સદીના અંતભાગમાં આશાપલ્લીના ભિલ્લ રાજા આશા ઉપર આક્રમણ કરી, એને હરાવી, વસાવેલી નગરી. પછી પોતે પણ ત્યાં રહ્યો. આ આક્રમણમાં એને જે જગ્યાએ ભૈરવદેવીના શુક્ધા થયેલા ત્યાં એણે કોછરવાદેવીનું મંદિર બંધાવ્યું. અમદાવાદ પાસે સાબરમતીની પશ્ચિમે આવેલા ‘કોચરબ’ પરામાં એ દેવીનું નામ જળવાયું છે. જે જગ્યાએ કર્ણદેવને વિજય મળ્યો ત્યાં તેણે જયંતદેવીનું મંદિર બંધાવ્યું. વળી એણે કર્ણાવતીમાં કર્ણસાગર નામે જલાશયથી અલંકૃત કર્ણેશ્વર મંદિર બંધાવ્યું. આ બે સ્થાન ખાતરીપૂર્વક ઓળખાયાં નથી. સપ્તર્ષિના આરા પાસેથી મળેલા એક ખંડિત શિલાલેખમાં કર્ણાવતીનો ઉલ્લેખ છે ને સરદારપુલ જવાનો માર્ગ તૈયાર કરતાં નદીની પશ્ચિમે કોચરબ-પાલડીની વચ્ચે સોલંકી કાળની શિલ્પકૃતિઓ મળી છે. આ પરથી કર્ણાવતી જૂની આશાપલ્લીની દક્ષિણ પશ્ચિમે નદીની બંને બાજુએ વસી હોવાનું સૂચિત થાય છે. સમય જતાં આશાપલ્લી અને કર્ણાવતી એકાકાર થઈ. પંદરમી સદીમાં આશાપલ્લીની ઉત્તરે અમદાવાદ વસ્યું.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી