કર્ણાસ્થિકાઠિન્ય (otosclerosis, otospongiosis) : મધ્યકર્ણના ‘પેંગડું’ નામના હાડકાની પાદપટ્ટી(foot-plate)ના ચોંટી જવાથી આવતી બહેરાશ. વાદળી (sponge) જેવું પોચું હાડકું અથવા મૃદુ અસ્થિનું બનેલું પેંગડું ચોંટી જવાથી બહારથી આવતા અવાજના તરંગો મધ્યકર્ણમાંથી અંત:કર્ણમાં જઈ શકતા નથી. અવાજના તરંગોના વહનમાં ક્ષતિ આવે ત્યારે વહન-ક્ષતિ(conduction defect)જન્ય બહેરાશ ઉદભવે છે. તે વારસાગત વિકાર હોવાને કારણે ઘણી વખત એક જ કુટુંબની વ્યક્તિઓમાં જોવા મળે છે. ગુજરાતમાં તથા દક્ષિણ ભારતમાં તેનું પ્રમાણ વધારે છે. તેનાથી ઉદભવતી બહેરાશ સૌપ્રથમ 20-30 વર્ષની ઉંમરે અને ક્યારેક તેથી મોટી ઉંમરે જાણવા મળે છે. તાવ આવે ત્યારે, વાગ્યું હોય ત્યારે, સગર્ભાવસ્થામાં તથા અન્ય બીમારી થાય ત્યારે તેની તીવ્રતા વધે છે. આવા દર્દી શાંત વાતાવરણમાં સાંભળવાની મુશ્કેલી અનુભવે, પરંતુ અન્ય અવાજોથી થતા ઘોંઘાટમાં સહેલાઈથી સાંભળી શકે છે. દર્દીને કાનમાં તમરાં જેવો અવાજ આવતો હોય છે. તેની બહેરાશ ધીમે ધીમે વધે છે. તેમનું કર્ણનિરીક્ષણ (otoscopy) અવિષમ (normal) હોય છે. પરંતુ શ્રવણ-આલેખ (audiometry) વિષમ (abnormal) હોય છે. શુદ્ધનાદીય (pure tone) અને અવરોધ-નાદીય (impedance) શ્રવણ-આલેખ વડે નિદાન કરી શકાય છે. જરૂર પડ્યે શ્રવણવર્ધક યંત્ર (hearing aid) વાપરવાનું સૂચવાય છે. એક વર્ષ સુધી સોડિયમ ક્લોરાઇડની ગોળીઓ લેવાથી ફાયદો થઈ શકે છે. પેંગડું-ઉચ્છેદક શસ્ત્રક્રિયા કરીને પેંગડુંને સ્થાને કૃત્રિમ ઉપાંગ (prosthesis) મૂકવાથી ફાયદો થઈ શકે છે. કૃત્રિમ ઉપાંગરૂપે ટૅક્લોનનો પિસ્ટન વપરાય છે. ક્યારેક ચેતાતંત્રીય પ્રકારની બહેરાશ આવતી હોવાથી ફક્ત એક જ કાન પર શસ્ત્રક્રિયા કરવાનું સૂચવાય છે.

શિલીન નં. શુક્લ

રાજેન્દ્ર બાળગે