કર્ણાટકી સંગીત

January, 2006

કર્ણાટકી સંગીત : દક્ષિણ ભારતીય શાસ્ત્રીય સંગીતનું મુખ્ય સ્વરૂપ. ભારતના દક્ષિણ તરફના પ્રદેશોમાં તે બહુ પ્રચલિત છે. તેનો સળંગ ઇતિહાસ પ્રાચીન છે. ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનો ઉદગમ અને તેની પરંપરા સાથે કર્ણાટકી સંગીત ઘણી બાબતોમાં સામ્ય ધરાવતું હોવા છતાં રાગોનું માળખું, રજૂઆતની શૈલી તથા વિગતોની બાબતમાં તે ભિન્નતા ધરાવે છે.

સંગીત જેવી લલિત કળાની સંસ્કૃતિ, તેની વિદ્યા અને તેના જ્ઞાન પરત્વે ભારતનો ભૂતકાળ ખૂબ ઉજ્જ્વળ અને જાણીતો છે. સંગીત અને તેના શાસ્ત્રની માવજત તથા તેના વિકાસની બાબતમાં ભારત વિશ્વમાં મોખરે રહ્યું છે.

કર્ણાટકી સંગીતના આદ્યપ્રવર્તક ત્યાગરાજ (1767-1847)

ભારતીય સંગીતની ઉત્ક્રાન્તિનો ઇતિહાસ છ તબક્કામાં વહેંચી શકાય : સામ સંગીત, ગાંધર્વ અથવા માર્ગ સંગીત, દેશી સંગીત, સમન્વયકારી પુરાણું ભારતીય સંગીત, હિંદુસ્તાની-કર્ણાટક સંઘભેદ(schism)ની અભિવ્યક્તિ કરાવતું સંગીત તથા બંને પદ્ધતિઓની રજૂઆતની શૈલીની ભિન્નતાના વિકાસનો અર્વાચીન તબક્કો. આધુનિક કર્ણાટકી સંગીતને પણ પ્રાચીન અને અર્વાચીન યુગની સંજ્ઞા ધરાવતા તબક્કામાં વહેંચી શકાય.

સી. વૈદ્યનાથ ભાવગતર

ભારતનું પ્રાચીનતમ સંગીત સામવેદના મંત્રોચ્ચાર દ્વારા અભિવ્યક્ત થતું હતું. સાહિત્યનું મનોહારી સ્વરૂપ ધરાવતી વૈદિક ઋચાઓને  સંગીતના સ્વરોમાં ઢાળવાનો પ્રયાસ વેદકાળમાં થયો હતો, પરંતુ સંગીતબદ્ધ થયેલ વેદના મૂળ પાઠ(text)માં સમયાંતરે ફેરફારો થતા ગયા અને તેને લીધે તેમાં દાખલ થયેલી વિકૃતિઓ આધુનિક જમાનાના શાસ્ત્રીય સંગીત માટે લાભદાયી નીવડી, કારણ કે ગીતના શબ્દોના શુદ્ધ અને સચોટ ઉચ્ચારોનો આગ્રહ રાખવા જતાં તેના આલાપ અને બોલનું સંગીતતત્વ ગૌણસ્થાને ધકેલાઈ જાય તેવી સંભાવના હતી. જોકે તેમ બન્યું ન હતું. ભારતીય શાસ્ત્રીય સંગીતનો મૂળ સ્રોત સામવેદ છે તે અંગેના ઘણા પુરાવા છે.

પૌરસ્ત્ય સંગીતનું શ્રેષ્ઠ વિવરણ સારંગદેવના ‘સંગીતરત્નાકર’માં સાંપડે છે. લગભગ તે પછી જ ભારતીય સંગીત હિંદુસ્તાની અને કર્ણાટકી એવી બે ભિન્ન પદ્ધતિઓમાં વહેંચાઈ ગયું.

એ. રામાનુજ આયંગર

કર્ણાટકી સંગીત અંગેનો જૂનામાં જૂનો લિખિત ઉલ્લેખ ચેરા રાજ્યના રાજકુમાર ઇલંગોવાગલ દ્વારા ચોથી સદીમાં રચિત ‘સિલપ્પાદિકરણ’માં સાંપડે છે. વીણા, ઢોલક, નગારું વગેરે વાદ્યોના નિર્દેશ ઉપરાંત તે જમાનાની સ્વરરચના તથા રાગરાગિણીનો ઉલ્લેખ પણ તેમાં છે. બારમી સદીના દક્ષિણના એક રાજા સોમેશ્વર ભુલ્લોંકમલે (1116થી 1127) તે પ્રદેશના સંગીતને ‘કર્ણાટકી સંગીત’ નામ બક્ષ્યું અને ત્યારથી ઉત્તર ભારત તથા દક્ષિણ ભારતની સંગીતપદ્ધતિઓ વચ્ચે પ્રથમ વાર ભૌગોલિક ભેદરેખા દોરવામાં આવી. તેરમી સદીના આગમન પૂર્વે ઘણા સમયથી દક્ષિણ ભારતમાં ઉત્તર હિંદુસ્તાની સંગીત તથા દક્ષિણના પ્રાદેશિક સંગીતનું મિશ્રણ થતું રહ્યું; તેમાંથી દક્ષિણ ભારતની વિશિષ્ટ અને અલાયદી સંગીતશૈલીનું સર્જન થયું. તેમ છતાં ઉત્તર અને દક્ષિણ હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત વચ્ચેનું શાસ્ત્રીય ધોરણે નિશ્ચિત ગણાય તેવું વિભાજન વિજયનગર સામ્રાજ્યના વિદ્યારણ્ય (1302-1387) દ્વારા થયું, જેણે કર્ણાટકી સંગીતના વિશિષ્ટ રાગોની સંહિતા કરવાનો પ્રયાસ કર્યો. તેમ છતાં સંગીતની આ પદ્ધતિ માટે નિશ્ચિત નિયમોનું માળખું વિકસાવવામાં તેને ઝાઝી સફળતા મળી ન હતી. પરિણામે કર્ણાટકી સંગીતપદ્ધતિ અમુક ગાળા સુધી ઝાંખા કે અસ્પષ્ટ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતી રહી. કર્ણાટકી સંગીતપદ્ધતિને ચોક્કસ ઘાટ અને નિશ્ચિત સ્વરૂપ આપવાનું કાર્ય પુરંદર દાસ (1484–1564) નામના બહુશ્રુત અને પ્રતિભાસંપન્ન સાધુએ કર્યું; તે પોતે એક વિચક્ષણ રચનાકાર અને સંત કવિ હતા. તેમણે પોતાની ભક્તિરચનાઓને સંગીતનો જે ઢાળ આપ્યો, જે રાગો પર તે રચનાઓ રજૂ કરી તથા તેનું જે અર્થઘટન કર્યું તેમાંથી કર્ણાટક શાસ્ત્રીય સંગીતપદ્ધતિનું એક અલાયદું અને નક્કર સ્થાન ઊપસી આવ્યું. વિજયનગર સામ્રાજ્યના રામામાત્યે રચેલી ‘સ્વરમેળ કલાનિધિ’ (1550) દક્ષિણ ભારતીય શાસ્ત્રીય સંગીતપદ્ધતિમાં એક શકવર્તી કૃતિ ગણાય છે. તે ગ્રંથે કર્ણાટકી સંગીતને સ્થાયી સ્વરૂપ બક્ષ્યું છે. વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયી નાયનારો તથા શૈવ સંપ્રદાયના અનુયાયી અલ્વારોના સંગીતે આધુનિક કર્ણાટક સંગીતનાં લક્ષણો નિર્ધારિત કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે. રામામાત્યે કર્ણાટકી સંગીતનું વર્ગ, જાતિ તથા ઉપજાતિરૂપે વર્ગીકરણ કરવાની શાસ્ત્રીય પદ્ધતિનું સર્જન કર્યું તથા તેમાં એક નવા અધ્યાયનો ઉમેરો કર્યો, જેને લીધે ઉત્તર ભારતના શાસ્ત્રીય સંગીત તથા દક્ષિણ ભારતના કર્ણાટકી સંગીત વચ્ચેનો તફાવત સ્પષ્ટ બન્યો.

એમ. એલ. વસંતકુમારી

સોળમી સદીમાં થઈ ગયેલ વેંકટમુખીએ કર્ણાટકી સંગીતનો પાયો મજબૂત કર્યો અને તેમાં અલંકારમ્, ગીતમ્, વર્ણમ્ વગેરે દાખલ કર્યાં. આ સંગીતશૈલીની પૃથક્તાના તથા આધુનિક કર્ણાટકી સંગીતનાં કેટલાંક વિશિષ્ટ સ્વરૂપોના તે સર્જક ગણાય છે.

દક્ષિણ ભારતીય સંગીતની રાગરાગિણીઓ બે અલગ વિભાગમાં વહેંચાઈ છે : જનક (generic) તથા જન્ય (generated). જન્ય રાગ જનક રાગમાંથી વ્યુત્પન્ન થાય છે. જોકે આવા રાગોની સંખ્યા જનક રાગોની સંખ્યા કરતાં ઘણી મર્યાદિત છે. જન્ય રાગના વર્જ્ય તથા વક્ર પેટાવિભાગ છે. જે તાન પર તિર્યક્તા (obliquity) લેવાય છે તેને વક્રસ્વર પર આધારિત તાન કહેવામાં આવે છે.

સંતાનમ્ મહારાજપુરમ્

જનક રાગોનાં ત્રણ મુખ્ય લક્ષણો છે : (1) સ્વરોના આરોહ તથા અવરોહ દરમિયાન સાતે સ્વરોનો પૂર્ણ ઉપયોગ, (2) સ્વરોના આરોહ તથા અવરોહ વચ્ચે નિયમબદ્ધતા અને નિયમિતતા તથા (3) રજૂ થતા સ્વરોની એકરૂપતા.

જે રાગ માત્ર તેના જનક સપ્તકના સ્વરોનો જ ઉપયોગ કરે છે તેને ઉપાંગ રાગ કહેવામાં આવે છે, પરંતુ જે રાગોમાં જનક સપ્તકના સ્વરો ઉપરાંત અન્ય પરકીય સ્વરોનો પણ સમાવેશ થાય છે, તેમને ભાષાંગ રાગ તરીકે ઓળખવામાં આવે છે.

કર્ણાટકી સંગીતના શરૂઆતના કાળમાં ગવાતા રાગોમાં સાત મુખ્ય સ્વરોનો જ સમાવેશ કરવામાં આવતો. તેમાં વિસર્પ સ્વરો (gliders) પાછળથી દાખલ થયા છે અને હવે કુલ બાવીસ શ્રુતિઓનો તેમાં ઉપયોગ થાય છે. દક્ષિણ ભારતીય સંગીતના ઉચ્ચ કોટિના ગાયકો પણ સંગીતના માધુર્ય કરતાં સ્વરોના ક્રમપરિવર્તન (permutation) તથા સંયોજન (combination) પર અને સ્વર-રચનાની તાલબદ્ધતા પર પોતાની ગાયકી દરમિયાન વધુ ભાર મૂકતા હોય છે, જે આ સંગીતની આગવી લાક્ષણિકતા છે. કર્ણાટકી શૈલીના ગાયકો તાલની સમયબદ્ધતા અંગે કોઈ છૂટછાટ લઈ શકતા નથી, આ હકીકત પણ મહત્વની છે એટલું જ નહિ, પરંતુ તેઓ ગાયકીની બાબતમાં અત્યંત રૂઢિચુસ્ત વલણ ધરાવતા હોય છે અને તેથી જ દરેક ગાયકનું સંગીત તક્નીકની ર્દષ્ટિએ એકસરખું હોય છે. ગાયકની વ્યક્તિગત અભિવ્યક્તિની કળા(improvisation)ને તેમાં ભાગ્યે જ કોઈ સ્થાન કે અવકાશ હોય છે.

ડૉ. બાલામુરલીકૃષ્ણ

દક્ષિણ ભારતીય સંગીત પર દ્રવિડ સંસ્કૃતિની સ્પષ્ટ અને વ્યાપક અસર વર્તાય છે અને તેમાં આર્ય કલાકૃતિનાં અંગભૂત લક્ષણ તથા દ્રવિડ સંપ્રદાયની રીતરસમોનું મિશ્રણ થયેલું છે.

આધુનિક શાસ્ત્રીય કર્ણાટકી સંગીત તેના ત્રણ મહાન રચનાકાર ત્યાગરાજ અને તેમના બે સમકાલીન સંગીતકારો શ્યામ શાસ્ત્રી અને મુથુસ્વામી દીક્ષિતારના પ્રયાસનું ફળ છે. કર્ણાટકી સંગીતના વિકાસમાં લક્ષ્યના સિદ્ધાંતે મોટો ફાળો આપ્યો છે. લક્ષણ અને લક્ષ્યમાં જ્યારે જ્યારે સંઘર્ષ ઊભો થયો છે, ત્યારે ત્યારે વિદ્વજ્જનોએ લક્ષણનું અર્થઘટન એવી સિફતથી કર્યું છે કે જેથી લક્ષ્ય અંગે કોઈ બાંધછોડ ન થાય, ઊલટું, કૃતિમાં લક્ષણ અંગે સુમેળ સ્થપાઈ જાય અને તેની અવગણના પણ ન થાય. તેમ કરતી વેળાએ સંગીતના મૂળભૂત નિયમો અને હકીકતોનું જતન થાય તેવી પણ તકેદારી રાખવામાં આવી છે.

કર્ણાટકી સંગીતની લાંબી કારકિર્દી દરમિયાન તેમાં સમાવિષ્ટ અસંખ્ય રાગો, તાલ અને સંગીતરચનાઓમાંથી સમયના વહેણમાં જન્મજાત રુચિ, રસાનુભવ અને સંગીત અંગેની સંવેદનશીલતાને લગતી નિષ્ણાતોની કસોટીઓમાં પાર ઊતરેલી રચનાઓ જ ટકી શકે છે. સપ્તકના માળખાની ર્દષ્ટિએ કર્ણાટકી સંગીતમાં હાલ ગવાતા રાગોના પ્રકાર નીચે મુજબ ગણાવી શકાય :

(1) સપ્તસ્વર અને લયસંબંધી સંવાદિતા, (2) સપ્તસ્વર અને લયસંબંધી વિસંવાદિતા, (3) સપ્તસ્વર અને લયસંબંધી એકરૂપતાના લક્ષણ સાથે સંવાદી પંચમ, (4) સપ્તસ્વર અને લય અંગે એકરૂપતા સાથે વિસંવાદી પંચમ, (5) સપ્તસ્વર અને લય અંગે વિષમતા સાથે શુદ્ધ સંવાદી પંચમ, (6) સપ્તસ્વર અને લય અંગે વિષમતા સાથે વિસંવાદી પંચમ, (7) વર્જ્ય સપ્તક : (क) આરોહમાં, (ख) અવરોહમાં, (ग) ઉભયમાં વર્જ્ય; (8) વક્રરાગ : (क) સંપૂર્ણ વક્ર, (ख) વર્જ્ય વક્ર, (ग) આરોહ વક્ર, (घ) અવરોહ વક્ર, (ङ) ઉભય વક્ર; (9) ઉપાંગ રાગ, રાગાંગ, ભાષાંગ તથા ક્રિયાંગ એ ત્રણેના મિશ્રણથી બનતો રાગ; (10) ભાષાંગ (એટલે કે ભાષા અથવા મધ્યકાલીન ગીતપ્રકાર જેવી પ્રાદેશિક ગીતિની છાપ ધરાવતો) રાગ તથા તેના ભિન્ન ભિન્ન પ્રકારો વર્જ્ય રાગ ષડ્જ કે સ્વરાંતર પ્રકારના પણ હોઈ શકે.

એસ. નિત્યશ્રી

ઉપર દર્શાવેલ રાગોમાંથી ઉપાંગ અને ભાષાંગ રાગો બાદ કરીએ તો બાકીના રાગ માત્ર સપ્તકના માળખાને સ્પર્શે છે, જ્યારે ઉપાંગ અને ભાષાંગ તથા કેટલાક અન્ય રાગો શુદ્ધ સંકીર્ણ મુક્તાંગકંપિત અર્ધકંપિત કંપવિહીન રાગો, ઉત્તમ મધ્યમ અને અધમ રાગો, ધન, નય અને દેશ્ય રાગો વ્યવહારર્દષ્ટિએ મહત્વ ધરાવે છે.

દક્ષિણ ભારતીય સંગીત વિપુલ રચનાઓથી ભરપૂર છે. તેના પ્રકારો પણ વિપુલ છે. કેટલીક ભિન્ન છતાં સંલગ્ન કળાઓની રજૂઆતમાં સંગીત એક અવિભાજ્ય અંગ છે; દા.ત., નાટ્ય તથા તેની સાથે સંલગ્ન નૃત્યનાટક, ગેય નાટક અને હરિકથા કલાક્ષેપમ્, ભજન, સામૂહિક (congregational) પૂજા વગેરે. આ બધાં ક્ષેત્રોમાં વિપુલ સંગીતરચનાઓ છે, જેમાંની કેટલીક જે તે ક્ષેત્ર માટે વિશિષ્ટ પ્રકારની છે તો બાકીની કેટલીક અનેક ક્ષેત્રોમાં પ્રવર્તે છે.

સંગીતરચનાઓના પ્રકાર : કર્ણાટકી સંગીતનાં જુદાં જુદાં સ્વરૂપો તેનાં વિશિષ્ટ લક્ષણો ધરાવે છે. અલારિપુ ભરતનાટ્યમ્ સાથે જ્યારે દરૂ નૃત્ય તથા નૃત્યનાટક સાથે ખાસ સંબંધ ધરાવે છે. નિરૂપણ હરિકથા કલાક્ષેપમના ક્ષેત્રનું વિશિષ્ટ લક્ષણ છે. નામાવલિ એ ભજનપદ્ધતિનું અવિભાજ્ય અંગ છે. કૃતિ, વર્ણ, પદ, રાગમાલિકા, જાવલી અને તિલ્લાના જેવા પ્રકારો શાસ્ત્રીય કલા-સંગીત પર વર્ચસ્ ધરાવે છે. સ્વરજાતિ, પદ, પદવર્ણ, જાવલી તથા તિલ્લાના આ બધા જ પ્રકારો નૃત્યસંગીત તથા શાસ્ત્રીય કલા-સંગીત માટે સમાન છે. કર્ણાટકી સંગીતની ચર્ચા દરમિયાન લોકસંગીતની અવગણના કોઈ પણ રીતે કરી શકાય તેમ નથી.

સુધા રઘુનાથન્

કર્ણાટકી સંગીતને પ્રાચીન તમિળમાંથી સંગીતરચનાઓનો મોટો વારસો મળ્યો છે. તેવરમની ભજનાવલિ તથા પ્રાર્થનાગીતો પ્રાચીન કર્ણાટક સંગીતના છંદોબદ્ધ પ્રકાર તથા રચના તરીકે સ્વીકૃતિ પામ્યાં છે. અરુણગિરિનાતરનાં તિરુપ્પગંડ સ્તોત્રોને શબ્દ અને તાલની અજોડ સંગીતરચનાઓ ગણવામાં આવે છે.

કર્ણાટકી સંગીતનો મધ્યકાલીન ઇતિહાસ સંગીતરચનાઓના વિષયો પર ઘણો પ્રકાશ પાડે છે. સલાદિ, પ્રબંધો તથા ગીત તે જમાનામાં વધુ પ્રચલિત હતાં. તેમાંથી માત્ર સલાદિ તથા પ્રબંધ-રચનાઓ તેમનાં વિવિધ સ્વરૂપોમાં રચાતી રહી હોત તોપણ કર્ણાટકી સંગીતરચનાઓ તથા વિષયવસ્તુ વિપુલ રહ્યાં હોત.

કર્ણાટકી સંગીતની જુદા જુદા ક્ષેત્રને સ્પર્શતી મોટાભાગની રચનાઓ કાં તો સંગીતલક્ષી અથવા સાહિત્યલક્ષી અથવા ઉભયમિશ્રિત રચનાઓ હોય છે. ઉપરાંત, સંગીતરચનાઓના તેમાં ઉપલબ્ધ ભંડારમાંના પાઠ પવિત્ર વિચારોથી ભરેલા છે. ભક્તિ-આંદોલન તથા ‘જીવાત્મા-પરમાત્મા-ઐક્ય વૈદાંતરહસ્ય તત્વ’ આ બંનેને લીધે કર્ણાટકી સંગીતમાં વિશિષ્ટ પ્રકારની સંગીતરચનાઓનું સર્જન થયું છે. એકધાતુ અને દ્વિધાતુ પ્રબંધોના પ્રકારો તથા સ્થાનિક ભાષાઓ અને બોલીઓમાં રચાયેલાં પદો અને જાવલીઓનો પણ કર્ણાટકી સંગીતમાં મોટો ભંડાર છે. આ અંગે પુરંદર દાસની રચનાઓનો ખાસ ઉલ્લેખ કરવો ઘટે.

ઉપયોગિતાની ર્દષ્ટિએ કર્ણાટકી સંગીતની રચનાઓ અને બંદિશો ભિન્ન ભિન્ન સ્વરૂપની છે. દા.ત., કેટલીક વર્ણ, પ્રબંધ અને સલાદિ જેવી રચનાઓ ઉચ્ચ કોટિનું તકનીકી મૂલ્ય ધરાવે છે, તો કૃતિ ને રાગમાલિકા જેવી કેટલીક રચનાઓ ઉત્સવને યોગ્ય ચિરંતન સંગીતનું મૂલ્ય ધરાવે છે. દક્ષિણ ભારતીય (કર્ણાટકી) સંગીતની દરેક રચના સ્વયંસંપૂર્ણ અને હેતુલક્ષી ચીજ હોય છે. નાદ અને અક્ષરસંભવ(text)ની સંગીતિક સંરચનામાં સુગ્રથિત ક્રમ-નિબંધન જોવા મળે છે. તેના અક્ષરસંભવમાં ઘટનાત્મક પરિવેશ સૂક્ષ્મ રીતે ગૂંથાયેલો હોય છે. જુદી જુદી રચનાઓનું ભૌતિક માળખું સ્પષ્ટ રીતે નિર્ધારિત કરેલું હોય છે, જેને લીધે તેનું વિશ્લેષણ સુગમ બને છે. મધ્યયુગનાં પ્રબંધ તથા તે પછી વિકાસ પામેલાં વર્ણ, પદ, જાવલી અને તિલ્લાના જેવાં સ્વરૂપો પોતપોતાના વિભાગ અને પેટાવિભાગો ધરાવે છે, તેના ક્રમનું અર્થનિરૂપણ પણ નિશ્ચિત હોય છે.

સંગીતરચનાઓનું વિષયવસ્તુ તે રચનાઓ કયા વિભાગની કે ક્ષેત્રની છે તેના પર અવલંબે છે; દા.ત., ગીતમાં ઈશ્વરને સંબોધન કરવાનો આશય હોય છે. સિવાય કે જુદા જુદા સંજોગોના સંદર્ભમાં તેમાં પરિવર્તન જરૂરી બને. પદમાં નાયક-નાયિકાભાવને વ્યક્ત કરવાનો હેતુ હોય છે, તો જાવલી રચનાઓમાંની અભિવ્યક્તિમાં શૃંગાર કેન્દ્રસ્થાને હોય છે. રાગમાલિકા આશ્રયદાતા કે દાનવીરના મનોભાવ તથા તેમની સિદ્ધિઓ પર પ્રકાશ પાડે છે. નૃત્યનાટિકા, ગેય નાટકો તથા હરિકથા કલાક્ષેપમમાં તેમના ખાસ કથાવસ્તુનું નિરૂપણ હોય છે. કૃતિ જ એક એવો પ્રકાર છે, જેમાં રચનાકારને વિશાળ ફલક મળે છે. ત્યાગરાજની ઘણી રચનાઓમાં રામાયણની ઘટનાઓનું નિરૂપણ છે.

એન. ક્રિશ્નન્

કર્ણાટકી સંગીતની રચનાઓમાં જોવા મળતો સંવેગાત્મક કે ભાવાત્મક સંનિવેશ વિશ્લેષણની ર્દષ્ટિએ કદાચ સૌથી અગત્યની બાબત ગણાય. ત્યાગરાજે તેમના ‘સોગ સુગ મૃદંગતાલમુ’માં તેના પર સમર્થ ચર્ચા કરી છે. દરેક સંગીતરચના ભાવાત્મક સંનિવેશની બાબતમાં પોતાની કેટલીક ખાસિયતો પ્રગટ કરે છે. કેટલીક રચનાઓ ગણરસ કે સંગીતાનંદરસને પ્રગટ કરે છે. તાનવર્ણો તથા રાગમાલિકાઓ આ કક્ષાનાં છે.

દક્ષિણ ભારતીય સંગીતમાં સામાન્ય રીતે વાદ્યોને અનુરૂપ રચનાઓ હોતી નથી. છતાં માત્ર વાદ્યો પર વગાડી શકાય તેવી કેટલીક સંગીતરચનાઓ તૈયાર કરવામાં આવે છે. પશ્ચિમના સંગીતમાં જોવા મળતાં માત્ર વાદ્યવૃંદો કે તેમના માટે જ તૈયાર કરવામાં આવેલી રચનાઓ કર્ણાટક સંગીતમાં ભાગ્યે જ જોવા મળે.

રાગરાગિણી તથા સંગીતરચનાઓની સમકક્ષ અત્યુચ્ચ તાલપદ્ધતિ પણ કર્ણાટકી સંગીતમાં વિકસી છે. આદિ, રૂપક, ત્રિપુટ તથા ચાપુ કર્ણાટકી સંગીતના રોચક તાલ છે.

કર્ણાટકી સંગીતના રાગો અને તાલની વિશિષ્ટતાઓ ધ્યાનપાત્ર છે. વિશિષ્ટ વ્યક્તિની જેમ રાગ અને તાલનાં પણ વિશિષ્ટ લક્ષણો હોય છે. તેથી રચનાકારોના હાથે તેમની વધારે માવજત થઈ હોય તે સ્વાભાવિક છે, કર્ણાટકી તથા ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત કેટલીક મૂળભૂત બાબતો અંગે સામ્ય ધરાવતાં હોવા છતાં કેટલીક બાબતો અંગે તેમાં મહત્વનો તફાવત જોવા મળે છે. ઉત્તર હિંદુસ્તાની સંગીત મુસ્લિમ શાસનકાળ દરમિયાન પર્શિયન સંગીતના પ્રભાવથી રંગાયું તે પહેલાં જયદેવના જમાના સુધી ઉત્તર અને દક્ષિણ ભારતના સંગીત વચ્ચે કોઈ ખાસ તફાવત ન હતો. અત્યારે પણ બંને સંગીતપદ્ધતિમાં સરખાં નામ ધરાવતા લગભગ સરખા સ્વરો(notes)નો ઉપયોગ થાય છે અને એ સ્વરો પણ સરખા શ્રુતિમાળખામાં વહેંચાયેલા હોય છે. સંગીતની આ બંને પદ્ધતિઓના સ્વરમાળખાનો ખ્યાલ નીચેના કોષ્ટકમાં સ્પષ્ટ રીતે આપવામાં આવ્યો છે :

હિંદુસ્તાની સંગીત કર્ણાટકી સંગીત
(1)

(2)

(3)

 

(4)

(5)

(6)

(7)

(8)

(9)

(10)

 

(11)

 

(12)

ષડ્જ

કોમલ ઋષભ

શુદ્ધ અથવા તીવ્ર ઋષભ

 

કોમલ ગાંધાર

શુદ્ધ અથવા તીવ્ર ગાંધાર

શુદ્ધ અથવા કોમલ મધ્યમ

તીવ્ર મધ્યમ

પંચમ

કોમલ ધૈવત

શુદ્ધ અથવા તીવ્ર ધૈવત

 

કોમલ નિષાદ

 

શુદ્ધ અથવા તીવ્ર નિષાદ

ષડ્જ

શુદ્ધ ઋષભ

ચતુ:શ્રુતિ ઋષભ અથવા

શુદ્ધ ગાંધાર (શુદ્ધ ગ)

ષટ્શ્રુતિ ઋષભ

અંતર ગાંધાર (સાધારણ ગાંધાર)

શુદ્ધ મધ્યમ

પ્રતિ મધ્યમ

પંચમ

શુદ્ધ ધૈવત

ચતુ:શ્રુતિ ધૈવત અથવા

શુદ્ધ નિષાદ

ચતુ:શ્રુતિ ધૈવત અથવા

કૈશિક નિષાદ

કાકલી નિષાદ

મૂળ ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત અને પર્શિયન સંગીતના વધતા મિશ્રણને કારણે હિંદુસ્તાની સંગીતના મૂળ શુદ્ધ સ્વરૂપમાં કેટલીક વિકૃતિઓ દાખલ થવા લાગી અને તેની સાથે જ હિંદુસ્તાની અને કર્ણાટકી સંગીત વચ્ચેની ભિન્નતામાં વધારો થતો ગયો. ભારતીય સંગીતના ક્ષેત્રે તેને લીધે ઉદભવતી કટોકટી જ્યારે જ્યારે તીવ્ર સ્વરૂપ ધારણ કરવા લાગી, ત્યારે ત્યારે ભારતીય સંગીતનું શુદ્ધ સ્વરૂપ ટકાવી રાખવા માટે અને બંને પદ્ધતિઓને વધુમાં વધુ નજીક લાવવા માટે, ઉત્તર અને દક્ષિણ ભારતના સંગીતકારોએ સંયુક્તપણે પ્રયાસ કર્યા છે. આવા સંગીતકારોમાં પુંડરિક વિઠ્ઠલ, ભાવભટ્ટ તથા ગોપાળ નાઈકનાં નામ મોખરે આવે.

ઉત્તર અને દક્ષિણ ભારતીય સંગીતપદ્ધતિઓમાં ગવાતી રાગરાગિણીઓમાં પણ, કેટલીકનાં નામ જુદાં હોવા છતાં સંગીતતત્વની બાબતમાં ઘણું સામ્ય છે; દા.ત., ઉત્તર હિંદુસ્તાની સંગીતમાંનો રાગ કાફી અને કર્ણાટકી સંગીતમાંનો રાગ કરાહરપ્રિયા, ઉત્તર હિંદુસ્તાની સંગીતનો રાગ જોગિયા અને કર્ણાટકી સંગીતનો રાગ સાવેરી, ઉત્તરનો કલ્યાણ ને દક્ષિણનો યમુના કલ્યાણી, ઉત્તરનો બાગેશ્રી ને દક્ષિણનો શ્રીરંજની, ઉત્તરનો પીલુ ને દક્ષિણનો ગિરવાની વગેરે. તેવી જ રીતે દક્ષિણનો રાગ ચક્રવાકમ્ ઉત્તરમાં મંગલ ભૈરવીના નામથી ઓળખાય છે. દક્ષિણનો હિંડોલમ્ તો ઉત્તરનો માલકંસ. દક્ષિણનો આનંદ ભૈરવી તો ઉત્તરનો મિશ્ર કાફી, દક્ષિણનો હનુમાનતોડી તો ઉત્તરનો તોડી, દક્ષિણનો માયામાલવ ગૌડ તો ઉત્તરનો ભૈરવ, દક્ષિણનો શુદ્ધ સાવેરી તો ઉત્તરનો દુર્ગા, દક્ષિણનો નટિયા તો ઉત્તરનો તિલક કામોદ. રાગરાગિણીઓની જેમ બંને સંગીતપદ્ધતિઓમાં ઘણા તાલ પણ સરખા છે. દા.ત., ધ્રુવતાલ, શ્રુતિતાલ, રુદ્રતાલ, ઝપતાલ, એકતાલ, વૃક્ષતાલ વગેરે.

એમ. એસ. સુબ્બુલક્ષ્મી

કર્ણાટકી સંગીતમાં કેટલાક રાગ અને તાલ ઉત્તર હિંદુસ્તાની સંગીતપદ્ધતિમાંથી લેવામાં આવ્યા છે અને તેમનું ‘દક્ષિણીકરણ’ થયેલું છે. કર્ણાટકી શાસ્ત્રીય સંગીત પર દ્રવિડ સંસ્કૃતિની વિશેષ અસર તથા ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત પર આર્ય તથા ઇસ્લામી સંસ્કૃતિઓની વ્યાપક અસરને કારણે તેમની વચ્ચે તેમના બાહ્ય સ્વરૂપની બાબતમાં કે રજૂઆતની શૈલીની બાબતમાં તફાવત દેખાય તે સ્વાભાવિક છે. તેમ છતાં બંને પદ્ધતિઓ વચ્ચે ગણનાપાત્ર આદાનપ્રદાન થતું રહેતું હોવાથી તેમની વચ્ચેનો તફાવત મૂળભૂત નહિ, પરંતુ ઉપરછલ્લો જ ગણી શકાય.

કર્ણાટકી સંગીતના મહાન શાસ્ત્રકારો, ગાયકો અને વાદકોમાં ત્યાગરાજ, શ્યામા શાસ્ત્રી તથા મુત્તુસ્વામી ઉપરાંત જેમના નામ ઉલ્લેખનીય છે તેમાં સી. વૈદ્યનાથ ભાગવતર, એસ. શ્રીનિવાસ ઐયર, એમ. ડી. રામનાથન્, જી. એન. બાલસુબ્રમણ્યમ, એમ. સન્તાનમ, એ. રામાનુજમ્ ઐયન્ગાર, એમ. એસ. સુબ્બુલક્ષ્મી, એમ. એલ. વસન્તકુમારી, ડી. કે. પટ્ટમમાળ, એમ. શેષગોપાલન, ઉન્નીક્રિશ્નન, ડૉ. બાલમુરલીકૃષ્ણન્, શિવા, યસુદાસ, સુધા રઘુનાથન્, નિત્યશ્રી મહાદેવન્ તથા બી. જયશ્રીનો સમાવેશ કરી શકાય. વાદ્ય સંગીતમાં જેમના નામ ઉલ્લેખનીય છે તેમાં ગાયત્રી (વીણાવાદક), કે. વૈદ્યનાથન (વાયોલિન વાદક), એન. ક્રિશ્નન(નાદસ્વરમના વાદક)નો સમાવેશ કરી શકાય. યસુદાસ કર્ણાટકી સંગીતના ક્ષેત્ર ઉપરાંત હિંદી સુગમ સંગીત, ભજન તથા ચલચિત્રના પાર્શ્વગાયક તરીકે પણ લોકપ્રિય બન્યા છે.

જે. આર. જાનકીરામન્

બાળકૃષ્ણ માધવરાવ મૂળે