સ્વામી શ્રદ્ધાનંદ (જ. 1856, તલવન, જાલંધર, પંજાબ; અ. 23 ડિસેમ્બર 1926, દિલ્હી) : સ્વાતંત્ર્યસૈનિક, આર્યસમાજી, હિંદુ-મુસ્લિમ એકતાના હિમાયતી, ગુરુકુલ કાંગડીના સ્થાપક. તેમનો જન્મ જાણીતા ખત્રી કુટુંબમાં થયો હતો. તેમના પિતા નાનકચંદ ઈસ્ટ ઇંડિયા કંપનીની નોકરીમાં હતા. શરૂઆતમાં સ્વામીજીનું નામ બૃહસ્પતિ રાખવામાં આવ્યું હતું; પરંતુ પછીથી તેમના પિતા તેમને મુંશીરામ નામથી બોલાવતા હતા. તેમના શિક્ષણની શરૂઆત વારાણસીથી થઈ અને લાહોરમાં વકીલાતની પરીક્ષા પાસ કરીને શિક્ષણ સમાપ્ત થયું.
શ્રદ્ધાનંદ સ્વામી
તેમનાં લગ્ન શિવાદેવી સાથે થયાં. તેમની (મુંશીરામની) 35 વર્ષની ઉંમરે પત્નીનું અવસાન થયું. મુંશીરામે નાયબ તહસીલદાર તરીકે કારકિર્દી શરૂ કરી; પરંતુ આ કાર્ય તેમને આત્મ-સમ્માનને અનુરૂપ ન લાગવાથી, છોડી દીધું. તે પછી તેમણે ફિલૌર અને જાલંધરમાં વકીલાત શરૂ કરી; પરંતુ સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સેવા વાસ્તે આહવાન કર્યું, ત્યારે સારી આવકનો વકીલાતનો વ્યવસાય છોડી દીધો.
તેમણે કાંગડી(હરદ્વાર)માં વૈદિક ઋષિઓના આદર્શોને અનુરૂપ એક અજોડ વિદ્યાકેન્દ્ર ગુરુકુલની સ્થાપના કરી. તેમની ભાવના પ્રાચીન વૈદિક આદર્શો તથા રાષ્ટ્રીય દૃષ્ટિકોણ ધરાવતા નાગરિકોનું નિર્માણ કરવાની હતી. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે સૌપ્રથમ આ સંસ્થાથી આકર્ષાયા હતા અને ભારત પાછા ફર્યા બાદ આ સંસ્થામાં જઈને રહ્યા હતા.
તેમણે 1917માં સંન્યસ્ત ગ્રહણ કરીને શ્રદ્ધાનંદ નામ રાખ્યું. તે પછી તેમણે ગુરુકુલને બદલે દિલ્હીમાં પોતાનું કાયમી નિવાસસ્થાન રાખ્યું. દિલ્હીમાં તેમણે સામાજિક, નૈતિક તથા સાંસ્કૃતિક સુધારા તથા મુખ્યત્વે અસ્પૃશ્યોના ઉત્કર્ષ વાસ્તે સંસ્થાઓ સ્થાપી. તેમણે ઉર્દૂ ભાષામાં ‘તેજ’ અને હિંદીમાં ‘અર્જુન’ એવાં બે દૈનિક વર્તમાનપત્રો શરૂ કર્યાં.
મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ 1919માં શરૂ કરેલ સ્વાતંત્ર્ય આંદોલનમાં તેમણે ઝંપલાવ્યું. લોકોને પ્રોત્સાહિત કરવામાં તથા રૉલેટ કાયદા વિરુદ્ધ હડતાળ પડાવવામાં તેમણે મુખ્ય ભાગ લીધો. ગાંધીજીની ધરપકડ થઈ ત્યારે, તેનો વિરોધ કરવા દિલ્હીમાં તેમણે સરઘસનું નેતૃત્વ લીધું. એક સૈનિકે લોકો પર ગોળીબાર કરવાની ધમકી આપી, ત્યારે સ્વામીએ પોતાની છાતી ખોલીને તેને ગોળી ચલાવવા પડકાર્યો ! સ્વામીજી ઘણા સાહસિક હતા. ધાર્મિક તંગદિલી દરમિયાન, આ શૂરવીર સંન્યાસીએ જાતિ કે ધર્મનો ભેદભાવ રાખ્યા વિના, દિલ્હીના લોકોની સેવા કરી. મુસલમાનો તેમને પોતાના મોટાભાઈ માનતા હતા. ભારતની સૌથી મોટી અને પ્રસિદ્ધ દિલ્હીની જામા મસ્જિદના વ્યાખ્યાન-મંચ પરથી મુસલમાનોની સભામાં ભાષણ આપવાનું અદ્વિતીય સન્માન તેમને આપવામાં આવ્યું હતું !
પંજાબ જ્યારે માર્શલ લૉ દ્વારા બ્રિટિશ સરકારે કરેલા અત્યાચારોની પીડા ભોગવી રહ્યું હતું, ત્યારે સ્વામીજી અમૃતસર મુકામે કૉંગ્રેસ અધિવેશન ભરવાની તૈયારીમાં લાગી ગયા. આ ઐતિહાસિક અધિવેશનમાં તેમણે અસ્પૃશ્યતા નાબૂદ કરવાનો કાર્યક્રમ રજૂ કર્યો, જે સ્વીકારવામાં આવ્યો.
આર્યસમાજના આંદોલનમાં સ્વામીજી કાયમ અગ્રણી રહ્યા અને તેને સફળતા અપાવી. તેમણે પોતાના નિ:સ્વાર્થ કાર્ય અને આદર્શ વ્યાવહારિક જીવનથી લોકપ્રિયતા વધારી. તેમનું જીવન લોકો માટે પ્રેરણા-સ્રોત બન્યું. શરૂઆતથી જ તેમને હિંદુ-મુસ્લિમ એકતામાં દૃઢ વિશ્વાસ હતો. તેઓ ગાંધીજીના નિકટના સહયોગી હતા.
તેઓ બીમાર અને પથારીવશ હતા ત્યારે એક ગુમરાહ હત્યારાએ તેમની હત્યા કરી. તેમનું જીવન ત્યાગ અને તપસ્યાનું પ્રતીક હતું. તેઓ ભારતના મહાન સપૂત અને નિર્ભીક દેશભક્ત હતા.
જયકુમાર ર. શુક્લ