સ્વર્ણલતા : તારકનાથ ગંગોપાધ્યાયની (1843–1891) બંગાળી નવલકથા. ‘જ્ઞાનાંકુર’ સામયિકમાં ધારાવાહિક રૂપે આવ્યા પછી 1874માં ગ્રંથસ્થ. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના યુગમાં પણ આ નવલકથાની એટલી પ્રસિદ્ધિ થઈ કે તેની સાત આવૃત્તિઓ થઈ હતી. અમૃતલાલ બસુએ કરેલા તેના નાટ્યરૂપાંતર ‘સરલા’નું કોલકાતા અને અન્ય સ્થળોએ લગભગ સોએક વાર મંચન થયું હતું. કેમ્બ્રિજ યુનિવર્સિટીના બંગાળીના પ્રોફેસર જે. ડી. ઍન્ડરસને આ કૃતિને બંગાળી વિષયના અંગ્રેજી અભ્યાસીઓ માટે અભ્યાસક્રમમાં લીધી હતી, અને તેના ઘણા અંગ્રેજી અનુવાદો થયા હતા છેલ્લો અનુવાદ 1931માં ઍડવર્ડ થૉમસને ‘ધ બ્રધર્સ’ શીર્ષકથી કર્યો હતો. નવલકથામાં બંગાળી સંયુક્ત કુટુંબમાં ભાઈઓની પત્નીઓ વચ્ચેનો ઈર્ષ્યાનો ગજગ્રાહ કેવી રીતે કુટુંબને તોડી આપત્તિઓ નોતરે છે તે વિષય લીધો છે. તે સમયનો ખૂબ પ્રસ્તુત એવો વિષય અને તેની કથાગૂંથણી નવલકથાકારને લોકપ્રિય બનાવે છે. સરલાના પતિ વિધુભૂષણને નોકરી નહિ હોવાથી શશિભૂષણની પત્ની પ્રમદા એ લોકો પ્રત્યે દાઝ રાખે છે. સરળ હૃદયની અને સદભાવ ધરાવતી સરલા કોઈ ફરિયાદ વિના ઘરનું સઘળું કામ કર્યા કરે છે. પણ છેવટે પ્રમદાનો દ્વેષ કુટુંબને તોડવામાં પરિણમતાં વિધુભૂષણને ઘર છોડી નોકરીની શોધમાં નીકળી જવું પડે છે. તેને રસ્તે મળતાં નીલકમલનું પાત્ર નવલમાં ખૂબ રસપ્રદ બને છે. પ્રમદાની આંટીઘૂંટીઓને કારણે કથા આગળ વધતાં સરલાનું મૃત્યુ થાય છે. વિધુભૂષણ ઢાકા જાય છે, જ્યારે તેઓની એક ભલી નોકરાણી શ્યામા તેમના પુત્ર ગોપાલને લઈ કોલકાતામાં કામધંધો શોધી લે છે. અહીં ગોપાલ શ્રીમંત હેમચંદ્રના પરિચયમાં આવે છે અને થોડા સમયગાળા પછી ગોપાળ હેમચંદ્રની એકની એક બહેન સ્વર્ણલતા સાથે લગ્ન કરે છે અને ધનિક પણ બને છે. પિતા વિધુભૂષણ તેની સાથે આવીને રહે છે. દરમિયાન શશિભૂષણની મિલકત જપ્ત થાય છે, તે પણ સંતાનો સાથે ગોપાળ સાથે રહેવા આવે છે. પરિવારનું ફરી વારનું આ મિલન આમ સુખદ નીવડે છે, જેમાં શ્યામાને વડીલનું સ્થાન પ્રાપ્ત થાય છે.
બંગાળી નવલકથાક્ષેત્રે ‘સ્વર્ણલતા’થી એક નવા યુગનાં મંડાણ થાય છે. બંકિમચંદ્રની નવલકથાઓ જ્યારે ઐતિહાસિક ભૂમિકા પરથી લખાતી રોમાંચક કથાઓ હતી, ત્યારે ‘સ્વર્ણલતા’ વાચકોને તળસમાજની વાસ્તવિકતાનું અનુસંધાન કરી આપે છે. તારકનાથ ગાંગુલીનું વ્યક્તિઓ, સમાજ, રીતિઓનું નિરીક્ષણ બારીકાઈભર્યું અને તથ્યપૂર્ણ છે. સામાન્ય કથાવસ્તુમાંથી તેઓ એક ઊંચાઈએ પહોંચતા પ્રભાવક સામાજિક ચિત્રને આલેખે છે. ચરિત્રચિત્રણમાં પણ તેમની લાક્ષણિક નિરીક્ષણ-પરીક્ષણદૃષ્ટિ નજરે ચઢે છે.
અનિલા દલાલ