સ્વર્ણકુમારી, દેવી (જ. 28 ઑગસ્ટ 1856, કોલકાતા; અ. 3 જુલાઈ 1932) : બંગાળી મહિલા-સાહિત્યકાર. તેઓ રવીન્દ્રનાથ ટાગોરનાં બહેન હોવાથી સાહિત્યિક વાતાવરણમાં તેમનો ઉછેર થયો હતો. તેમને ઘરમેળે યુરોપિયન મહિલા દ્વારા અને પાછળથી અયોધ્યાનાથ પકરાસી મારફત શિક્ષણ પ્રાપ્ત થયું હતું.

દેવી સ્વર્ણકુમારી

તેમનાં લગ્ન કૉંગ્રેસી નેતા જાનકીનાથ ઘોસાલ સાથે થયેલાં. નાની વયથી તેમણે વાર્તાઓ લખવા માંડેલી. તેમણે સંખ્યાબંધ નવલકથાઓ, નિબંધો, ઑપેરા, ગીતો, કાવ્યો, ગાથાગીતો અને નાટકો રચ્યાં છે. તેમના ગ્રંથોમાં ‘દીપનિર્વાણ’, ‘છિન્નામુકુલ’, ‘હુગલીર ઇમામબારી’, ‘વિદ્રોહ’, ‘ફૂલેર માલા’, ‘વિચિત્ર’, ‘સ્વપ્નવાણી’, ‘મિલનરાત્રિ’ અને ‘સ્નેહલતા’નો સમાવેશ થાય છે.

તેમની મોટા ભાગની વાર્તાઓ ‘નવકાહિની’ વાર્તાસંગ્રહમાં સંગૃહીત કરાઈ છે. તેમના નાટ્યગ્રંથોમાં ‘વસંત-ઉત્સવ’, ‘વિવાહ-ઉત્સવ’, ‘દેવકૌતુક’, ‘કાનેબાદલ’, ‘પાકચક્ર’, ‘નિવેદિતા’ અને ‘દિવ્યકમળ’નો સમાવેશ થાય છે. ‘ગાથા’ અને ‘કવિતા ઓ ગાન’ તેમના કાવ્યસંગ્રહો છે.

તેઓ માસિક ‘ભારતી’ની શરૂઆતથી તેના સંપાદકમંડળમાં હતાં અને 1884માં તેનાં સંપાદિકા બન્યાં. તેમના નેજા હેઠળ ચાલતું તે માસિક તેમના યુગમાં શ્રેષ્ઠ ગણાતું. 1882–1886 સુધી તેઓ મહિલા થિયૉસૉફિકલ સોસાયટીનાં પ્રમુખ હતાં. કોલકાતા યુનિવર્સિટી તરફથી જગત્તારિણી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર બંગાળીમાં તેઓ પ્રથમ મહિલા-લેખક હતાં.

બળદેવભાઈ કનીજિયા