સ્વર્ણસિંગ (જ. 19 ઑગસ્ટ 1907; અ. 30 ઑક્ટોબર 1994, નવી દિલ્હી) : સ્વાતંત્ર્યસેનાની તથા સ્વાતંત્ર્યોત્તર કાળના ભારતના રાજદ્વારી મુત્સદ્દી. 1926માં મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી લાહોરની સરકારી કૉલેજમાં વિજ્ઞાન વિદ્યાશાખામાં ઉચ્ચ અભ્યાસાર્થે દાખલ થયા. 1930માં બી.એસસી.ની સ્નાતક પદવી, 1932માં ભૌતિકશાસ્ત્ર સાથે એમ.એસસી.ની અનુસ્નાતક પદવી પ્રાપ્ત કર્યા પછી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને 1934માં એલએલ.બી.ની પદવી પ્રાપ્ત કર્યા પછી જાલંધર ખાતે વકીલાત શરૂ કરી અને ટૂંક સમયમાં નામના મેળવી. સાથોસાથ સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય બન્યા. 1942ના ‘હિંદ છોડો’ આંદોલનમાં ભાગ લીધો.

સ્વર્ણસિંગ

સ્વાધીનતા પછી પંડિત જવાહરલાલ નહેરુ, લાલબહાદુર શાસ્ત્રી તથા ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળનાં મંત્રીમંડળોમાં કૅબિનેટ કક્ષાના મંત્રી-પદે કામ કર્યું. કાગ્રેસમાં એક વફાદાર કાર્યકર્તા તરીકે તેમની છબી હતી. પંજાબ કે ભારતના સમય સમયના રાજકીય વિવાદોથી તે દૂર રહેવાનું પસંદ કરતા. 1971માં ભારત અને સોવિયત સંઘ વચ્ચે જે ઐતિહાસિક મૈત્રીકરાર થયો ત્યારે તથા 1972માં ભારત-પાકિસ્તાન વચ્ચે સિમલા કરાર થયો ત્યારે સરદાર સ્વર્ણસિંગ દેશના વિદેશ પ્રધાન હતા. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સદભાવનાના તેઓ પ્રખર હિમાયતી હતા. ભારતના રાજકારણમાં એક મવાળ (soft) નેતા તરીકે તેમની ખ્યાતિ હતી. અણિશુદ્ધ ચારિત્ર્ય માટે તેઓ પ્રખ્યાત હતા. સ્વાતંત્ર્યોત્તર કાળમાં પંજાબે સ્વચ્છ છબી ધરાવતા જે થોડાક નેતાઓ દેશને આપ્યા છે તેમાં સરદાર સ્વર્ણસિંગનું નામ અગ્રતાક્રમે મૂકી શકાય.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે