કર્ણદેવ (કલચૂરિ) (અગિયારમી સદી) : ત્રિપુરી(વર્તમાન જબલપુર જિલ્લાનું તેવર)ના કલચૂરિ વંશના રાજા ગાંગેયદેવના પુત્ર. તેણે 1041થી 1070 દરમિયાન રાજ્ય કર્યું. તે હૂણ રાજકુમારી આવલ્લદેવી વેરે પરણ્યો હતો. તેણે ગુજરાતના ભીમદેવ સાથે મળીને માળવાના ભોજને હરાવેલો (1060). ચંદેલ્લાઓને હરાવવા ઉપરાંત દક્ષિણના રાજાઓને પણ તેણે પરાસ્ત કરી ‘ત્રિકલિંગાધિપતિ’નું બિરુદ મેળવેલું. ગુજરાતથી બંગાળ સુધી તેની આણ પ્રવર્તતી. છેવટે તે ચંદેલ્લા રાજા કીર્તિવર્માને હાથે પરાજય પામેલો.
પ્રવીણચંદ્ર પરીખ