કર્ણદર્શક

January, 2006

કર્ણદર્શક (otoscope) : બાહ્ય કાનના ભાગો કે કાનના પડદા(કર્ણપટલ, tympanic membrane)માં કાણું હોય ત્યારે મધ્યકર્ણના ભાગોનું નિરીક્ષણ કરવા માટેનું સાધન. તેને કર્ણાન્ત:દર્શક પણ કહે છે. તેના વડે કાનની બહારની નળી, કર્ણપટલ (કર્ણઢોલ) કે કર્ણપટલમાં કાણું હોય તો મધ્યકર્ણની શ્લેષ્મકલા (mucosa) તથા કર્ણઅસ્થિઓના ભાગ જોઈ શકાય છે. અકબંધ કર્ણપટલમાંથી પણ એરણ-પેંગડું નામનાં કાનનાં નાનાં હાડકાં વચ્ચેનો સાંધો તથા પીળાશ પડતું (amber coloured) મધ્યકર્ણ પ્રવાહી ઝાંખાં ઝાંખાં જોઈ શકાય છે. શંકુ આકારના પ્રકાશના પુંજની મદદથી કર્ણપટલના સ્થાનનું નિરીક્ષણ કરીને મધ્યકર્ણમાંના દબાણનું માપ સમજી શકાય છે. કાનમાં સ્પષ્ટ દેખાય માટે પહેલાં મેલ દૂર કરાય છે.

કર્ણદર્શક : (1) બૅટરી મૂકવાની જગ્યા તથા હાથો, (2) ચાલુ-બંધ કરવાની ચાંપ, (3) અંદર જોવા માટેનું છિદ્ર, (4) બહારના કાનમાં મૂકીને અવલોકન કરવા માટેની નલિકા.

કર્ણદર્શકમાં પ્રકાશવ્યવસ્થા તથા ર્દશ્યને બમણું મોટું કરે એવી ર્દક્કાચ-પ્રણાલી હોય છે. અગાઉનાં કર્ણદર્શકોમાં વિદ્યુતગોળો પ્રકાશ સીધેસીધો ફેંકતો હતો, પરંતુ તે ર્દષ્ટિક્ષેત્રમાં અવરોધ કરતો હતો તેથી હાલ કર્ણદર્શકનો વિદ્યુતગોળો ર્દષ્ટિક્ષેત્રમાં અડચણ ન કરે તેમ દૂર રાખીને ક્કાચની કિનારી પરથી પ્રકાશવાહી તંતુઓની પ્રણાલી (fibre-optic system) દ્વારા પ્રકાશ ફેંકાય છે. કર્ણદર્શકમાં બહારના કાનમાંના દબાણનું નિયમન કરવાની વ્યવસ્થા હોવાથી કર્ણપટલની ચલનશીલતા(mobility)નું માપ કાઢી શકાય છે.

શિલીન નં. શુક્લ

રાજેન્દ્ર બાળગે