કર્ણઘંટડીનાદ

January, 2006

કર્ણઘંટડીનાદ (tinnitus) : અવાજ ઉત્પન્ન ન થતો હોય તોપણ કાનમાં કે માથામાં તમરાં જેવો અવાજ સંભળાતો હોય તેવી સંવેદના (sensation). દરેક વ્યક્તિ જ્યારે કાન બંધ કરે ત્યારે થોડો અવાજ તો સાંભળે છે, પરંતુ તેનાથી ટેવાઈ જવાથી તેની અવગણના કરવામાં આવે છે. તે અવાજનો મનોભ્રમ (hallucination) નથી હોતો. મોટે-ભાગે તે વ્યક્તિગત (subjective) સંવેદના છે. તે ઉપરાંત તે વ્યક્તિને સાંભળવાની તકલીફ હોય છે. બાહ્ય કર્ણમાં મેલ, ફોલ્લી કે ફૂગ થઈ હોય અથવા મધ્યકર્ણમાં કોઈ વિકાર થયો હોય, કર્ણપટલમાં કાણું પડ્યું હોય કે કર્ણાસ્થિકાઠિન્ય (osteosclerosis) થયું હોય તો કર્ણઘંટડીનાદ થાય છે અને તે ઉપચારથી મટી શકે છે. વૃદ્ધાવસ્થાની બહેરાશ (presbyacusis), મિનીએરનો રોગ, દવાની ઝેરી અસર, શ્રવણચેતા(acoustic nerve)ને ઈજા કે અતિશય મોટા અવાજથી આવેલી બહેરાશવાળા દર્દીઓમાં કર્ણઘંટડીનાદ અને બહેરાશ આવે છે. ઘણી વખત દર્દીને તેની બહેરાશની ખબર પણ હોતી નથી. બહેરાશ છે એવું નક્કી કરવા શ્રવણ-આલેખ (audiogram) કરાવવો જરૂરી બને છે. લોહીમાં હીમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય (પાંડુતા, anaemia), તાવ આવ્યો હોય, ક્યારેક લોહીનું ઊંચું દબાણ કે હૃદયની નિષ્ફળતા થઈ હોય, ચેતાતંતુ-રુગ્ણતા (neuropathy) થઈ હોય, ઍસ્પિેરિન, ક્વિનિન, સ્ટ્રૅપ્ટોમાઇસિનની આડઅસર થઈ હોય, મદ્યપાનની કુટેવ પડી હોય, અથવા મગજની નસોનો રોગ થવાથી મગજને ઓછું લોહી મળતું હોય તો કર્ણઘંટડીનાદ થાય છે, પરંતુ તેમાં બહેરાશ જોવા મળતી નથી. ફક્ત એક કાનમાં કર્ણઘંટડીનાદ થાય ત્યારે ક્યારેક શ્રવણચેતાર્બુદ (acoustic neuroma) નામની ગાંઠ પણ થઈ હોય છે.

મૂળ રોગની સારવાર કરવાથી કર્ણઘંટડીનાદ મટી શકે છે. જે દર્દીઓમાં કારણભૂત રોગની સારવાર શક્ય ન હોય તેમને ઘેનપ્રેરક (sedative) ઔષધ આપી શકાય છે. કર્ણઘંટડીનાદને લીધે રાત્રે સૂતી વખતે તકલીફ પડે તો અન્ય મનગમતા અવાજ (દા.ત., ગીત-સંગીત) સાંભળવાથી કર્ણઘંટડીનાદની તકલીફમાંથી રાહત મળે છે.

શિલીન નં. શુક્લ

રાજેન્દ્ર બાળગે