સ્મિથ, ઈયાન ડગ્લાસ (જ. 8 એપ્રિલ 1919, સેલ્યુક્વે, રહોડેશિયા, હવે શુરુગ્વી, ઝિમ્બાબ્વે; અ. 20 નવેમ્બર 2007, કેપટાઈન, દક્ષિણ આફ્રિકા) : 1964થી 1978 સુધી રહોડેશિયાના વડાપ્રધાન. રહોડેશિયા હવે ઝિમ્બાબ્વે કહેવાય છે. સ્મિથ 1948થી 1953 સુધી દક્ષિણ રહોડેશિયાની સંસદના સભ્ય હતા. 1953થી 1961 સુધી ફેડરેશન ઑવ્ રહોડેશિયા ઍન્ડ ન્યાસાલૅન્ડની સમવાયી ધારાસભાના સભ્ય હતા. સ્મિથ 1962માં ર્હોડેશિયાની સંસદમાં ચૂંટાયા અને 1964 સુધી તેમણે નાયબ વડાપ્રધાન અને નાણામંત્રી તરીકે સેવાઓ આપી હતી. સ્મિથ 1964માં વડાપ્રધાન બન્યા પછી તેમણે ગ્રેટબ્રિટન પાસે સ્વતંત્રતાની માગણી કરી. તેમણે એવું બંધારણ ઘડ્યું, જેમાં રહોડેશિયાના લઘુમતી ગોરાઓ ત્યાંની અશ્વેત પ્રજા પર અચોક્કસ સમય પર્યન્ત શાસન કરે. બ્રિટને તેનો ઇન્કાર કર્યો અને 11 નવેમ્બર 1965ના રોજ સ્મિથે બ્રિટનની સંમતિ વિના રહોડેશિયાને સ્વતંત્ર જાહેર કર્યું.
ઈયાન ડગ્લાસ સ્મિથ
બ્રિટન, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ નેશન્સે રહોડેશિયા પર આર્થિક નિયંત્રણો તથા તેલનો પ્રતિબંધ લાદ્યો; પરંતુ સ્મિથે લઘુમતી ગોરાઓના શાસનને ટેકો આપવાનું ચાલુ રાખ્યું. ગોરાઓની સરકાર દૂર કરવા અશ્વેત રહોડેશિયનોએ ગેરીલા યુદ્ધ ચાલુ કર્યું. 1970ના દાયકાનાં છેલ્લાં વર્ષોમાં સ્મિથના નેતૃત્વ હેઠળ રહોડેશિયાના ગોરા શાસકોએ અશ્વેતોના કાબૂ હેઠળની સરકાર માટે અશ્વેતોની માગણીઓ કબૂલ કરી. 1978 અને 1979માં સંક્રમણ સમયની સરકારના ભાગ રૂપે સ્મિથે સેવા આપી. 1979માં અશ્વેતોની સરકાર રચવામાં આવી. સ્મિથ દેશની સંસદના સામાન્ય સભ્ય બન્યા. 1987માં સરકારની ટીકા કરવા બદલ તેમને બરતરફ કરવામાં આવ્યા.
જયકુમાર ર. શુક્લ