સ્મિથ, ઍડમ (જ. 5 જૂન 1723, કરકૅલ્ડી, સ્કૉટલૅન્ડ, ઇંગ્લૅન્ડ; અ. 1790) : અલાયદા શાસ્ત્ર તરીકે અર્થશાસ્ત્રને સમાજવિદ્યાઓમાં પ્રસ્થાપિત કરવાની પહેલ કરનાર અને અર્થશાસ્ત્રના પિતામહ તરીકે પોતાની કાયમી પહિચાન મૂકી જનાર ઇંગ્લૅન્ડના વિચારક. પિતા સ્કૉટલૅન્ડમાં વકીલાત કરતા, જેમને સમયાંતરે ન્યાયાધીશ બનાવવામાં આવેલા અને વ્યાવસાયિક કારકિર્દીના અંતે કમ્પ્ટ્રોલર ઑવ્ કસ્ટમ્સના પદ પરથી નિવૃત્ત થયા. ઍડમ સ્મિથનો ઉછેર તેમની માતાની નિશ્રામાં થયો હતો. 1737–1740 દરમિયાન તત્કાલીન દાર્શનિક ફ્રાન્સિસ હચિસનના માર્ગદર્શન હેઠળ ગ્લાસગો યુનિવર્સિટીમાં સ્મિથે અધ્યયન કર્યું અને શિષ્યવૃત્તિ મળતાં 1740–1746ના ગાળામાં ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. 1748–1751નાં ત્રણ વર્ષ દરમિયાન તેમણે અંગ્રેજી સાહિત્ય તથા અર્થશાસ્ત્ર, જેને તે જમાનામાં પોલિટિકલ ઇકૉનૉમી નામ આપવામાં આવેલું, એડિનબરો યુનિવર્સિટીમાં વ્યાખ્યાનો આપ્યાં. આ વ્યાખ્યાનો દરમિયાન મુક્ત અર્થતંત્ર પર આધારિત વ્યક્તિસ્વાતંત્ર્યની તેમણે તરફેણ કરી. ત્યાર પછી તેમની જીવનભર પુરસ્કૃત કરેલી વિચારસરણીનાં બીજ આ સમયગાળામાં જ રોપાયાં હતાં. 1751માં ગ્લાસગો યુનિવર્સિટીમાં તર્કશાસ્ત્રના પ્રોફેસરપદે તેમની નિમણૂક થઈ જ્યાં તેમણે 1763 સુધી કામ કર્યું. તેમના ગુરુ ફ્રાન્સિસ હચિસનની નિવૃત્તિને કારણે આ પદ રિક્ત થયું હતું. કારકિર્દીની શરૂઆતના ગાળામાં જ (1751) મોરલ ફિલૉસૉફીની ચૅર પર તેમને બઢતી મળી હતી. 1759માં તેમણે તેમનો પ્રથમ ગ્રંથ ‘થિયરી ઑવ્ મૉરલ સેન્ટિમેન્ટ્સ’ પ્રકાશિત કર્યો. આ ગ્રંથથી એક ચિંતનશીલ વિચારક તરીકે તેમની પ્રતિષ્ઠામાં વધારો થયો હતો. 1764માં ડ્યૂક ઑવ્ બસેલિચના વાલી અને શિક્ષકની હેસિયતથી તેમણે ફ્રાન્સ (પૅરિસ) અને જિનીવાનો પ્રવાસ ખેડ્યો હતો. આ પ્રવાસ દરમિયાન જે ચિંતકો સાથે તેમનો પરિચય થયો તેમાં ફ્રેન્ચ ચિંતક ટરગૉટ અને વૉલ્ટૅરનો પણ સમાવેશ થયો હતો. ફ્રાન્સમાં ટુલૂઝ ખાતેના રોકાણ દરમિયાન ઍડમ સ્મિથે તેમને ચિરપરિચિત ગ્રંથ ‘એન ઇન્ક્વાયરી ઇનટુ ધ નેચર ઍન્ડ કૉઝીસ ઑવ્ ધ વેલ્થ ઑવ્ નેશન્સ’ (ટૂંકાક્ષરી : ‘વેલ્થ ઑવ્ નેશન્સ’) લખવાની શરૂઆત કરી; પરંતુ તેનું પ્રકાશન બાર વર્ષ બાદ 1776માં થયું હતું. અર્થશાસ્ત્રમાં પાયાના ગણાતા ગ્રંથોમાં તેની ગણના થાય છે. 1778માં એડિનબરોના કન્ટ્રોલર ઑવ્ કસ્ટમ્સ પદે તેમની નિમણૂક થઈ જે હોદ્દા પર તેમણે અવસાન (1790) સુધી કામ કર્યું હતું.

ઍડમ સ્મિથ

અર્થશાસ્ત્ર અંગેની ઍડમ સ્મિથની વિચારસરણી પરિપક્વ થવામાં જે કેટલાક વિદ્વાનોનો ફાળો હતો તેમાં ડૅવિડ હ્યૂમનો ફાળો મહત્વનો ગણાય. સ્મિથ માત્ર સોળ વર્ષના હતા ત્યારે 1739માં બંનેનો પરિચય થયો હતો. હ્યૂમ ઉંમરમાં સ્મિથ કરતાં મોટા હોવાથી હ્યૂમે સ્મિથના વૈચારિક ઘડતર પર ઊંડો પ્રભાવ પાડ્યો હતો અને તેમાં ‘પિતૃતુલ્ય રુચિ’ દર્શાવી હતી. અલબત્ત, તે પહેલાં તેમના આર્થિક વિચારો પર ગ્લાસગો યુનિવર્સિટીના તેમના કાર્યકાળ દરમિયાન ફ્રાન્સિસ હચિસનની અસર પડી હતી, જે હ્યૂમ સાથેના તેમના પરિચયને કારણે વધારે પુષ્ટ થઈ હતી. ટરગૉટ અને વૉલ્ટૅર ઉપરાંત ક્વીસની અને ડ્યૂપા જેવા ફ્રાન્સના તત્કાલીન વિદ્વાનો અને વિશેષ કરીને નિસર્ગવાદીઓ(physiocrats)ની વિચારસરણીથી પણ સ્મિથ પ્રભાવિત થયા હતા. ‘આર્થિક માનવી’(economic man)ના જીવનવ્યવહારમાં ‘સ્વાર્થ’ (self-interest) જેવી કેટલીક વૃત્તિઓ મહત્વનો ભાગ ભજવતી હોય છે. આ બાબતને સ્મિથે પોતાની વિચારસરણીમાં કેન્દ્રસ્થાન આપ્યું હતું. મૅન્ડેવિલેના વિચારોથી સ્મિથની આ અંગેની સભાનતાને ઉત્તેજન મળ્યું હતું. સ્મિથનાં લખાણોમાં ‘શ્રમની વહેંચણી’(division of labour)નો પણ વારંવાર ઉલ્લેખ જોવા મળે છે. આ ખ્યાલનો ઉલ્લેખ પણ સર્વપ્રથમ મૅન્ડેવિલેએ જ કર્યો હતો. તે ઉપરાંત જોસિયા ટકરના વાણિજ્ય, વ્યાપાર અને કરવેરા અંગેનાં લખાણોની સ્મિથની વિચારમાલિકા પર અસર પડી હતી. આમ તે જમાનાના અનેક ચિંતકો અને બૌદ્ધિકોએ ઍડમ સ્મિથની આર્થિક વિચારસરણીના ઘડતર પર પ્રભાવ પાડ્યો હતો. સ્મિથના ‘વેલ્થ ઑવ્ નેશન્સ’ના પાયા પર ઇંગ્લિશ ક્લાસિકલ અર્થશાસ્ત્રની ઇમારતના માળ રચવામાં આવ્યા હતા.

સમાજની સંપત્તિમાં વધારો કરે તેવાં આર્થિક પરિબળો પ્રત્યે સ્મિથની રુચિ હતી. માત્ર કૃષિક્ષેત્રના વિકાસ દ્વારા સામાજિક કલ્યાણમાં વધારો થાય છે. આ નિસર્ગવાદીઓની વિચારસરણી સ્મિથે નકારી કાઢી હતી અને તેના સ્થાને મૅન્યુફૅક્ચરિંગ ઉદ્યોગના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમના મત મુજબ શ્રમ એ જ કોઈ વસ્તુનું મૂલ્ય આંકવા માટેનું મૂળભૂત પરિબળ છે, જોકે બજારમાં વસ્તુની કિંમત માંગ અને પુરવઠાના આંતરસંબંધોથી નક્કી થતી હોય છે. તેમણે સંપત્તિના સર્જનમાં સેવાક્ષેત્ર(service industry)ના ફાળાને ગૌણ ગણ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે શ્રમદળનું કૌશલ્ય, જે સંપત્તિના સર્જનમાં મહત્વની ભૂમિકા ભજવે છે, તે શ્રમની વહેંચણી પર આધાર રાખે છે. સ્મિથની દૃઢ માન્યતા હતી કે જે જે સંસ્થાઓની નિશ્રામાં સમાજની આર્થિક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હોય છે તે બધી જ સંસ્થાઓ સ્વયંસ્ફૂર્ત રીતે ઉત્ક્રાંતિની પ્રક્રિયા દ્વારા અસ્તિત્વમાં આવેલી હોય છે; જેમાં તે શ્રમની વહેંચણી ઉપરાંત નાણું કે ચલણ, મૂડી વગેરેનો સમાવેશ કરે છે. વેતનના દર કેવી રીતે નિર્ધારિત થાય છે ? આ પ્રશ્નના જવાબમાં સ્મિથ સૂચવે છે કે શ્રમની માંગ અને શ્રમનો પુરવઠો આ બંને વચ્ચેની સ્પર્ધા દ્વારા તે નિર્ધારિત થતા હોય છે. જુદા જુદા વ્યવસાયોમાં વેતનદરોના તફાવત માટે સ્મિથ અનેક કારણોને જવાબદાર ગણે છે અને તેમાં દરેક વ્યવસાયની ખાસિયત, રોજગારીની નિશ્ચિતતા, કામનું સ્વરૂપ, કૌશલ્ય હાંસલ કરવા માટે લેવી પડતી તાલીમની કક્ષા તથા તેના પર થતો ખર્ચ, સફળતાની સંભાવનાઓ, બઢતીની શક્યતા વગેરે પરિબળો પર ભાર મૂકે છે. ભાડું ચૂકવવાની ભાડવાતની મહત્તમ ક્ષમતા જમીન પરનું ભાડું નિર્ધારિત કરશે એવી તેમની માન્યતા હતી. ટૂંકમાં, શ્રમની વહેંચણી, મૂલ્યનિર્ધારણ, વેતન અને ભાડાના દરોનું નિર્ધારણ તથા કરવેરાના સિદ્ધાંતો (canons of taxation); આ બધાંની બાબતમાં સ્મિથના વિચારો ભવિષ્યના પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ માટે પથદર્શક નીવડ્યા હતા. તેથી જ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રના સંસ્થાપક તરીકે તેમની કીર્તિ ચિરકાલ રહેશે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે