સ્માર્ત વાસુદેવ (જ. 17 જુલાઈ 1925, સૂરત; અ. 1999, સૂરત) : ગુજરાતના અગ્રણી ચિત્રકાર અને કલાગુરુ. શાલેય અભ્યાસ પછી મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં કલાના વિદ્યાર્થી તરીકે જોડાયા. અહીં જાણીતા કલાગુરુ જગન્નાથ અહિવાસી પાસે તેમણે કલાસાધના કરી. એ બે વચ્ચે સંબંધ એટલો પ્રગાઢ થયો કે સ્માર્ત અહિવાસીના અંતેવાસી બની રહ્યા. આ અભ્યાસ પૂરો કર્યા બાદ તુરંત બે વર્ષ માટે 1949થી 1951 સુધી તેમણે માતૃસંસ્થામાં જ ચિત્રકલાના વ્યાખ્યાતા તરીકે સેવા આપી. સ્માર્ત ભારતીય પરંપરાનાં જૈન લઘુચિત્રોની દ્વિપરિમાણી ચિત્રશૈલીમાં ચિત્રો આલેખે છે, જેમાં ત્રીજા પરિમાણના આભાસની સદંતર ગેરહાજરી હોય છે; પરંતુ રેખાના પ્રભુત્વવાળી દ્વિપરિમાણી ચિત્રશૈલી વડે તેમણે નયનરમ્ય આકૃતિઓ સર્જી છે તથા આકૃતિઓ અને અવકાશ વચ્ચેની અનન્ય રમતિયાળ ગૂંથણી રજૂ કરી છે. તેમણે વિષયો પણ ભારતીય ધાર્મિક અને પૌરાણિક પરંપરાઓમાંથી લીધા છે. દા.ત., ‘અયોધ્યામાં સીતારામનું પુનરાગમન’, ‘વસંતમાં કુંવારી યુવતીની લાતના સ્પર્શે મહોરી ઊઠતું વૃક્ષ’, ‘અઢી દ્વીપ’, ‘શિવશક્તિ’, ‘તાડકાવધ’, ‘ગ્રામીણ દંપતી’, ‘પુષ્પવાટિકા’ આદિ. ભાગવતપુરાણ, રઘુવંશ, ઋતુસંહાર, મેઘદૂત જેવા પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યના વિષયો ઉપર તેમણે અનેક ચિત્રો સર્જ્યાં છે.

સ્માર્ત વાસુદેવ

સ્માર્ત એક સાહસિક પર્યટક પણ હતા. તેમણે અમરકંટકથી ભરૂચ સુધીનો પ્રવાસ નાવડીમાં બેસીને કર્યો હતો. હિમાલયના ઓછા જાણીતા પ્રદેશો ખૂંદી વળવા ઉપરાંત તેમણે અરુણાચલ પ્રદેશનાં (જૂનું નામ નેફા) પર્વતો અને જંગલોમાં પણ ભ્રમણ કર્યું છે.

1958માં ભારતની કેન્દ્ર સરકારે તેમને ભીંતચિત્રોની ટૅકનિકના અભ્યાસ માટે બે વર્ષની ફેલોશિપ આપી હતી. 1993થી 1995ના ત્રણ વર્ષ માટે કેન્દ્ર સરકારના માનવ-સંસાધન વિકાસ મંત્રાલયે તેમને દક્ષિણ ગુજરાતનાં જૈન મંદિરોનાં ભીંતચિત્રો અને પટચિત્રો પર સંશોધન કરવા માટે ફેલોશિપ આપી હતી. 1996માં ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીએ ‘કલાકાર ગૌરવ પુરસ્કાર’ વડે અને રૂપિયા એક લાખ રોકડા આપીને સ્માર્તનું સન્માન કર્યું. આ પ્રસંગે અકાદમી તરફથી સ્માર્તનાં ચિત્રોનું પશ્ચાદવર્તી (retrospective) પ્રદર્શન અમદાવાદ ખાતે યોજાયું હતું.

એક કલાગુરુ તરીકે સ્માર્તે 1961થી 1985 સુધી વારાણસી ખાતેની બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ચિત્રકલાના પ્રાધ્યાપક તરીકે કામગીરી બજાવી હતી. અહીંથી નિવૃત્ત થયા પછી તે સૂરત રહેતા હતા.

સ્માર્તે કલા અંગે પુસ્તકો તૈયાર કર્યાં છે. ‘રૂપસંહિતા’ પુસ્તકમાં પ્રાચીન અને મધ્યકાલીન શિલ્પ અને ચિત્રોમાંથી કેટલીક આકૃતિઓને રેખાચિત્રો રૂપે મૂકી છે. ‘કલાદર્પણ’માં ભારતીય કલા-પરંપરાનો આલેખ છે. ‘ભારતનાં ભીંતચિત્રો’ ભીંતચિત્રની ભારતીય પરંપરા ઉપર પ્રકાશ ફેંકે છે. સ્માર્તનાં મૌલિક ચિત્રો ‘રસિકપ્રિયા’ પુસ્તકમાં છપાયાં છે.

અમિતાભ મડિયા