સમુદ્રદૃષ્ટિ : પૃથ્વીની સપાટી પરનો 71 % ભાગ સમુદ્ર રોકે છે. જીવોને રહેવા માટેનો સૌથી મોટો આવાસ તે છે. સમુદ્રની એકંદર ઊંડાઈ 4,000 મીટર ગણાય છે. જીવનનો પ્રારંભિક વિકાસ સમુદ્રમાં થયાનું મનાય છે તેથી સમુદ્રને જીવનું પારણું પણ કહે છે. પૃથ્વી પરના અતિસૂક્ષ્મથી માંડી સૌથી મોટા જીવનું અસ્તિત્વ સમુદ્રમાં છે. સમુદ્રના પાણીની સ્થિરતા અને એકરૂપતાને કારણે સમુદ્રમાં વિવિધ પ્રકારના જીવ રહે છે.
તાપમાનની દૃષ્ટિએ સમુદ્ર પ્રકાશીય ઊર્જાનો સૌથી મોટો ભંડાર છે. જમીન પરથી ઊર્જા નદીઓ દ્વારા સમુદ્રમાં જાય છે. સમુદ્રમાં સંગૃહીત ઉષ્મા આખાય ભૂમંડળના તાપમાનનું નિયંત્રણ કરે છે. સમુદ્રનું તાપમાન -3° Cથી 40° C સુધીનું હોય છે. ભારતીય મહાસાગરનું તાપમાન 18° C થી 25° C હોય છે. તાપમાન ઘટે તેમ દરિયાઈ પાણીની ઘનતા વધે છે.
સમુદ્રનું પાણી ખારું હોય છે અને તેની ક્ષારતા લગભગ 3.5 % હોય છે. સમુદ્રના પાણીની 80 % ક્ષારતા સોડિયમ તથા ક્લોરિનને લીધે હોય છે. આ ઉપરાંત Ca, K, Mg, S વગેરે પણ હોય છે. સમુદ્રના પાણીમાં પ્રવેશતો પ્રકાશ દરિયાઈ વનસ્પતિના પ્રકાશસંશ્લેષણ, ઊર્જાસ્તર તથા પ્રાણીઓની દૃષ્ટિ માટે અગત્યનો છે. પ્રકાશ પાણીના ઉપરના સ્તરની અમુક ઊંડાઈ સુધી જ પ્રવેશી શકે છે, તેથી સમુદ્રના સુપ્રકાશિત ક્ષેત્ર, દુષ્પ્રકાશિત ક્ષેત્ર અને અપ્રકાશિત ક્ષેત્ર – એમ ત્રણ ભાગ પડે છે. દરિયાઈ વનસ્પતિ ફક્ત સુપ્રકાશિત ક્ષેત્રમાં જ જોવા મળે છે.
સમુદ્રના અઢળક જળરાશિનું દબાણ હોય છે; જે સપાટી પર 1 atm અને અગાધ ઊંડાઈએ 1,000 atm હોય છે. ખૂબ દબાણવાળી ઊંડાઈએ રહેતાં પ્રાણીઓનાં શરીર ચપટાં હોય છે.
સમુદ્રમાં મોજાં (waves) અને જુવાળ (tides) જોવા મળે છે. સમુદ્રમાં 17 મીટર ઊંચાં મોજાં થઈ શકે છે; મોજાંઓને કારણે પડતો દાબ 1.5 kg/cm2 જેટલો હોય છે. મોજાં પ્રાણવાયુને પાણીમાં સરખી રીતે ઓગાળે છે. સૂર્ય તથા ચંદ્રના ગુરુત્વાકર્ષણને કારણે પાણીમાં ભરતી-ઓટ નિયમિત રૂપે જોવા મળે છે. ભરતી દરમિયાન મોજાં આવે છે. દર 12 કલાકે ભરતી આવે છે અને પૂનમ તથા અમાસની ભરતી મોટી હોય છે. ઓટ લાંબા સમયની હોય તો ખુલ્લું થયેલ પ્રાણી સુકાય તથા તેની પર વિપરીત અસર પડી શકે છે.
સમુદ્રમાં સતત પ્રવાહો વહ્યા કરતા હોય છે. ધ્રુવ પ્રદેશો અને વિષુવવૃત્ત પ્રદેશોના તાપમાનના તફાવતને કારણે ઉત્પન્ન થતા પવનને કારણે પ્રવાહો પેદા થાય છે. પ્રવાહોમાં ધ્રુવ પ્રદેશોનું ઠંડું અને સઘન પાણી વિષુવવૃત્ત તરફ વહે છે અને તે જ રીતે વિષુવવૃત્ત તરફથી પ્રવાહ ધ્રુવ પ્રદેશો તરફ વહે છે. આ પ્રવાહોથી ખાદ્યસામગ્રીનું વહન થાય છે, ઉત્સર્જિત પદાર્થો છૂટા પડી જાય છે. પ્લવક (plankton) તરીકે જાણીતા સૂક્ષ્મજીવનું વિતરણ સર્વત્ર થાય છે, સામુદ્રિક પાણીના તાપમાનમાં એકરૂપતા આવે છે.
સમુદ્રી નિવાસસ્થાનમાં વનસ્પતિ તથા પ્રાણીઓ પાણીમાં તથા સમુદ્રને તળિયે વસતાં હોય છે : પાણીના નિવાસસ્થાનને વેલાપવર્તી (pelagic) અને તળિયાના નિવાસસ્થાનને નિતલ (benthic) કહે છે.
વેલાપવર્તી નિવાસસ્થાનને પણ છીછરું (neritic) અને મહાસાગરીય (oceanic) એમ મુખ્ય બે ક્ષેત્રોમાં વિભાજિત કરાય છે. છીછરું ક્ષેત્ર સમુદ્રતટથી માંડી પાણીની 200 મીટરની ઊંડાઈ સુધીનું હોય છે. આ ક્ષેત્રમાં સમુદ્રનું તળિયું ધીરે ધીરે ઢાળવાળું થતું દેખાય છે. આવા ક્રમિક ઢાળયુક્ત ભાગને ખંડીય છાજલી (continental shelf) કહે છે. છીછરું ક્ષેત્ર જમીનની નજીક હોવાથી સ્થળજ કારકોથી સૌથી વધુ પ્રભાવિત થાય છે. છીછરા ક્ષેત્રના (i) મોટી ભરતી ઉપક્ષેત્ર, (ii) આંતરભરતી-ઓટ ઉપક્ષેત્ર અને (iii) ઉપભરતી ઉપક્ષેત્ર – એમ જુદી જુદી ભરતી પછી ખુલ્લા થતા ક્ષેત્રવિસ્તારને અનુલક્ષીને ભાગ પાડી શકાય છે. આ ત્રણ ઉપક્ષેત્રોમાં તેની ખાસિયત મુજબ પ્રાણીજાતિઓ જોઈ શકાય છે. ખંડીય છાજલી પછી એકદમ સીધો ઢાળ બનતો હોવાથી તેને ખંડીય ઢાળ (continental slope) કહે છે.
મહાસાગરીય ક્ષેત્ર : ખંડીય ઢાળથી આગળનું ખુલ્લું મહાસાગરનું પાણી મહાસાગરીય ક્ષેત્ર છે. ત્યાં ખુલ્લો સમુદ્ર હોય છે.
સુપ્રકાશિત ક્ષેત્ર : પાણીનું સૌથી ઉપરનું ક્ષેત્ર છે, જ્યાં પ્રકાશ દાખલ થાય છે, જેથી દરિયાઈ વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ કરી ખોરાક ઉત્પન્ન કરે છે. તેને ઉત્પાદક ક્ષેત્ર પણ કહે છે. સામાન્ય રીતે આ ક્ષેત્રમાં 100 મીટર ઊંડે સુધી પ્રકાશ દાખલ થતો જોવા મળે છે, પરંતુ પાણી જો સ્વચ્છ હોય તો ઉષ્ણકટિબંધના સમુદ્રમાં 200 મીટર સુધી પ્રકાશ દાખલ થઈ શકે છે.
અપ્રકાશિત ક્ષેત્ર : સુપ્રકાશિત ક્ષેત્રની નીચેનો પાણીનો જથ્થો અપ્રકાશિત હોય છે. તેથી ત્યાં પ્રકાશસંશ્લેષણ થઈ શકતું નથી. આથી અહીં વનસ્પતિ જોવા મળતી નથી. અહીં રહેતાં પ્રાણી અન્ય પ્રાણીનો શિકાર કરે છે અથવા મૃત શરીરને ખાય છે. અહીં જલસ્તંભનો દાબ અતિશય હોય છે.
વેલાપવર્તી ક્ષેત્રના જીવ : આ ક્ષેત્રમાં મુખ્યત્વે બે પ્રકારના જીવ જોવા મળે છે : (1) પ્લવક (plankton) અને (2) તરણક (nekton). પ્લવક સામાન્ય રીતે સૂક્ષ્મ હોય છે; તેઓ દરિયાના પ્રવાહોની વિરુદ્ધમાં તરી શકતા નથી, જ્યારે તરણક પોતાની રીતે તરી શકવાની ક્ષમતા ધરાવે છે.
પ્લવક વનસ્પતિ અને પ્રાણી – એમ બે પ્રકારનાં હોય છે. વનસ્પતિ પ્લવક (Phytoplankton) નીલકણયુક્ત વનસ્પતિવર્ગના જીવ છે, જે સમુદ્રમાં અગત્યના પ્રાથમિક ઉત્પાદકો છે અને તેમાંથી ઘણાં પ્રાણીઓ ખોરાક મેળવે છે. પ્રાણીપ્લવક કાં તો પ્રાણીની કોઈ અવસ્થા કે તેનું પુખ્ત સ્વરૂપ હોઈ શકે. કેટલાંક પ્રાણીનો જીવનની અવસ્થાનો કોઈ ભાગ પ્લવક સ્વરૂપે જોવા મળે તેને અંશ પ્લવક (Meroplankton) કહે છે. ઈંડાં તથા ડિમ્ભ(larva)ના સ્વરૂપમાં ટ્રોકોફોર (trochophore), નૉપ્લિઅસ (nauplius), ઝુઇઆ (zoea), માઇસિસ (mysis), મેગાલોપા (megalopa), ફાઇલોસોમા (phyllosoma), બાયપિન્નારિયા (bipinnaria), ઍસિડિયન ડિમ્ભ (ascidian tadpole) વગેરે અંશ/અસ્થાયી પ્લવક છે; કારણ કે રૂપાંતરણ દ્વારા તેમનાં કદ, આકાર અને સ્વરૂપ બદલતાં પ્લવકનું રૂપ બદલાય છે.
સ્થાયી પ્લવક (permanent plankton) : આવા જીવ પોતાનું સમગ્ર જીવન પ્લવકના રૂપમાં પસાર કરે છે. લગભગ દરેક સમુદાયનાં કેટલાંક પ્રાણીઓ સ્થાયી પ્લવક તરીકે મળી આવે છે; દા.ત., સિરેશિયમ (Ceratium), નૉક્ટિલ્યુકા (Noctiluca), વેલેલા (Valella), ફાઇસેલિયા (Physalia), જેલિ (Jelly fishes), કેલેનસ (Calanus), માઇસિસ (mysis), લ્યુસિફર (Lucifer), સેજિટા (Sagitta), ટેરોપોડ (pteropod), સાલ્પા (Salpa), ડોલિયૉલમ (Doliolum) વગેરે.
પ્લવકની ખાસિયતો : પ્લવક પાણીમાં નીચેથી ઉપર કે ઉપરથી નીચેની તરફ (vertical) ગતિ કરે છે; પરંતુ સપાટી પર તે પ્રવાહની કે મોજાંની સાથે ખેંચાય છે. સપાટી પર તરતા રહેવા માટે પ્લવકનું શરીર રકાબી જેવું, ફુગ્ગા જેવું, દડા જેવું, સોયાકાર કે કુંડલિત હોય છે. જો શરીર પર કવચ હોય તો ખૂબ પાતળું અને છિદ્રાળુ હોય છે.
પ્લવકની જેમ જ તરણકમાં શરીરને હલકું રાખી તરી શકાય તેવી ખાસિયતો હોય છે; જેમ કે, કંકાલ કૅલ્શિયમ રહિત કે ઓછા કૅલ્શિયમવાળું એટલે કે હ્રાસિત થયેલું હોય છે; દા.ત., ઉદરપાદ (Gastropod). લોલિગોમાં આંતરિક કવચ પાતળું હોય છે. વેલાપવર્તી માછલીઓમાં પણ કંકાલ મૃદુ અને કમજોર જોવા મળે છે. પ્લવક તથા તરણકના શરીરમાં પાણીનું વધુ પ્રમાણ શરીરને હલકું રાખે છે. પ્લવકોના કોષોમાં તેલ હોવાથી શરીર હલકું થાય છે. કોડ માછલીમાં સંગૃહીત ખોરાક તેલના સ્વરૂપમાં હોય છે. કોષ્ઠાંત્રિ (coelenterata) સમુદાયનાં કેટલાંક પ્રાણીઓમાં વાતપુટિકાઓ (pneumatophores) હોવાથી તેમની મદદથી પાણીમાં તે તરતાં રહે છે. ફાઇસેલિયા, હેલિસ્ટેમા તથા વેલેલામાં ફુગ્ગા જેવા વાયુકોશ જોવા મળે છે. કેટલીક માછલીઓમાં વાયુનાં બ્લેડર હોય છે. ઝુઇઆ, ફાઇલોસોમા, કોપેપૉડ, મેગાલોપા, ટૉમોપ્ટેરિસ વગેરેમાં ઉપાંગો લાંબાં અને શાખિત હોય છે, જે પ્રાણીઓને તારકશક્તિ બક્ષે છે.
વેલાપવર્તી ક્ષેત્રમાં જીવતાં મોટા કદનાં પ્રાણીઓ, જેવાં કે રે (Rays), શાર્ક, સેપિયા વગેરેમાં શરીરની બાજુએ આવેલી ઝાલર તરંગિત થવાથી તરે છે. મોટી માછલીઓ, સીલ, વ્હેલ, શાર્ક વગેરેમાં આખું શરીર તરંગિત ગતિ પકડે છે, જેનાથી તે તરી શકે છે.
ઍમ્ફીપૉડા, કોપેપૉડા, ઑસ્ટ્રેકોડા, કિટોગ્નેથા (Chaetognatha), પૉલિકીટા વગેરે પ્રાણીઓ રાતના સમયે જ પાણીની સપાટી પર આવે છે; દિવસ દરમિયાન ઊંડા પાણીમાં જાય છે.
છીછરા ક્ષેત્રનું આંતરભરતી–ઓટ ઉપક્ષેત્ર (Intertidal zone) : સમુદ્રનું સૌથી વધુ અનુકૂળ ક્ષેત્ર છીછરા પાણીનું ગણાય છે અને જીવની ઉત્પત્તિ આવા ક્ષેત્રમાં થઈ હશે એમ મનાય છે. આ ક્ષેત્રમાં પ્રકાશ, પ્રાણવાયુ અને અંગારવાયુ પ્રચુર માત્રામાં હોવાથી વાનસ્પતિક વૃદ્ધિ માટે ઉત્તમ છે. વનસ્પતિને કારણે પ્રાણીઓ ખોરાક અને આવાસ મેળવે છે. આ આખું ક્ષેત્ર ભરતી સમયે પાણીથી છવાય છે, પરંતુ ઓટ સમયે ખુલ્લું થઈ જતું હોવાથી અહીંના જીવ શુષ્કતાનો સામનો કરે છે. તે જ પ્રમાણે ભરતીનાં મોજાંના મારથી બચવાના ઉપાય પણ કરે છે. પ્રાણીઓ જાડી ત્વચા કે સખત કંકાલ વિકસાવે છે. આ આખુંય ક્ષેત્ર તેના તળ પ્રદેશની લાક્ષણિકતાઓને અનુલક્ષીને વિભાજિત કરાય છે : (i) ખડકાળ તટ (rocky shore), (ii) રેતાળ તટ (sandy shore) અને (iii) કાદવીય તટ (muddy shore). આ ત્રણેય પ્રકારના તટની ખાસિયતો જુદી જુદી હોવાથી ત્યાંના નિવાસીઓ પણ અલગ પ્રકારના હોય છે.
(i) ખડકાળ તટમાં જ્યારે ઓટ આવે ત્યારે :
(અ) ખડકાળ ખાબોચિયાં (rocky pools) સર્જાય છે; જેમાં ખડકોની વચ્ચેની જગામાં વાદળી (sponges), હાઇડ્રૉઇડ્ઝ, સમુદ્રફૂલ (sea anemones), બ્રાયોઝુઅન્સ, કોપેપૉડ અને સ્નેઇલ જોવા મળે છે.
(આ) જલપ્લાવિત ખડકો (submerged rocks) પણ જોવા મળે છે. જ્યાં લીલ કે સેવાળ પ્રચુર માત્રામાં મળી આવે છે તથા પ્રાણી પૈકી કરચલા, ઍસિડિયન્સ, બહુલોમી કીડા, પોલિપ તથા વાદળીઓ હોય છે.
(ઇ) ખૂલેલા ખડકો (emerged rocks) : આ પ્રકારના ખુલ્લા થયેલા ખડકો પર બાર્નેકલ અને મસેલ્સ (છીપ) મળી આવે છે.
(ઈ) શિથિલ ખડકો (loose rocks) : આવા ખડકોની નીચે વાદળીઓ, બહુલોમી કીડા વગેરે રહેતા જોવા મળે છે. કચ્છના અખાતમાં ભરતી-ઓટના ખડકાળ કિનારાઓમાં બોનેલિયા નામનું નષ્ટપ્રાય: સ્થિતિમાં આવેલું પ્રાણી જોવા મળે છે.
ખડકાળ તટના ખડકો પર પ્રાણીઓ ચોંટીને રહે છે; જેમાં મુખ્ય રૂપથી સાઇકોન (Sycon) અને ગ્રેંશિયા (Grantia) વાદળીઓ, મહાકાય સમુદ્રફૂલ, સર્ટૂલારિયા (Sertularia), પ્લુમુલારિયા (Plumularia), રેતીકીડો, ટ્યૂબીફેકસ, સાબેલા (Sabella), બેલેનસ (Balanus), ઍમ્ફિપૉડ (Amphipoda), લેપસ, કોડી, ગેમેરસ (Gamarus), માઇટિલસ (Mytilus), પટેલા (Patella), ટ્રૉકસ (Trochus), કાઇટન (Chiton), મ્યૂરેક્સ (Murex), ટેરીડો (Teredo), અષ્ટપાદ (Octopus), સમુદ્રતારા (Starfish), બરડતારા (Brittle star), સમુદ્રકાકડી (Sea cucumber), ઍસિડિયા (Ascidia), હર્ડમાનિયા (Herdmania), બૉટ્રિલસ (Botryllus), ગોબિયસ (Gobius) વગેરે પ્રાણીઓ મળી આવે છે.
ખડકો સાથે ચોંટી રહેવા અને મોજાંની થપાટોથી ફેંકાઈ ન જવાય તે માટે પ્રાણીઓમાં ખાસ અનુકૂલનો હોય છે; જેમ કે, સમુદ્રફૂલ પીડલ ડિસ્ક(Pedal disc)ની મદદથી ખડકને ચોંટી જાય છે. બેલેન્સ રિમેન્ટ ગ્રંથિના સ્રાવથી ચીપકી જાય છે. સમુદ્રતારા અને બરડતારા જેવાં પ્રાણીઓએ પુનર્જનન(regeneration)શક્તિ વિકસાવી છે. અષ્ટપાદ (Octopus) જેવાં પ્રાણીઓ આસપાસના ખડકો જેવો રંગ ધારણ કરી પર્યાવરણમાં ભળી જાય છે.
ગુજરાતમાં ઓખાનો તટ ખડકાળ છે. ત્યાં મળી આવતી મુખ્ય પ્રકારની લીલ(algae)માં સરગાસમ (Sargassam), ડિક્ટિયૉપ્ટેરિસ (Dictyopteris), ગ્રેસિલારિયા (Gracilaria), પૉલિસાઇફોનિયા (Polysiphonia) વગેરેનો સમાવેશ થાય છે. સરગાસમ લીલમાંથી એલ્જિન (algin) નામની પેદાશ મેળવાય છે, જે આઇસક્રીમ તથા બેકરીની પેદાશો બનાવવામાં ઉપયોગી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી મળી આવતી લીલમાં અલ્વા, કોલરપ્પા, ક્લેડોફોરા, બ્રાયોપ્સિસીસ, હેલિમીડા, કોડિયમ, યુડોટિયા, પડાયના, સ્પેથોગ્લોઝમ, કાલ્પોમીનિયા, રોસનવિંઝિયા, હિપ્નિયા, જિલીડિયેલા વગેરે છે. ગ્રેસિલારિયામાંથી અગર નામનો પદાર્થ મેળવાય છે.
(ii) રેતાળ તટના જીવ અને તેમની ખાસિયત :
રેતાળ કિનારા પર સામુદ્રિક વનસ્પતિ પ્રમાણમાં વધુ હોય છે, જેમાં વિભિન્ન પ્રાણીઓ વસે છે. રેતાળ તટના જીવસમૂહોએ તાપમાન, ક્ષારતા અને મોજાં ઉપરાંત પોચા, રેતાળ તથા અસ્થાયી આધારતળને કારણે ઉત્પન્ન થતી પરિસ્થિતિનો પણ સામનો કરવાનો રહે છે. આવા કિનારામાં જીવતાં મોટાભાગનાં પ્રાણીઓ નાના કદનાં, લાંબાં, કૃમિસ્વરૂપ તથા પારદર્શક શરીરવાળાં હોય છે. તેમનામાં ચોંટી રહેવા માટેની રચનાઓ તથા આંખોનો અભાવ હોય છે. બાકીનાં સંવેદનાંગો સુવિકસિત હોય છે. આવાં પ્રાણીઓ પૈકી ગોળકૃમિ, વલયીકૃમિ, ટર્બેલારિયા, ગૅસ્ટ્રોટ્રિકા અને એક્રેઇના જૂથનાં હોય છે. પ્રજીવો પણ અહીં મળી આવે છે. આ ઉપરાંત હાઇડ્રોઝુઆ, નિમરટીના, રોટીફેરા, આર્કિયેનેલિડા, પૉલિકીટા, ઑસ્ટ્રેકોડા, ન્યૂડિબ્રેન્કિયા, આઇસોપૉડા વગેરે જૂથનાં પ્રતિનિધિ પ્રાણીઓ પણ હાજર હોય છે.
અહીં વસતાં પ્રાણીઓ સડતાં સકાર્બનિક પદાર્થોયુક્ત રેતી ખાય છે. બેલાનોગ્લોસસ, સમુદ્રકાકડી, સાઇનેપ્ટા, એરેનિકોલા સકાર્બનિક પદાર્થો સાથે રેતી પણ ખાય છે. રેતીમાં રહેતાં સમુદ્રફૂલ પોતાનાં સૂત્રાંગો(tentacles)ની મદદથી ખોરાક લે છે. ઍરેનિકોલા શાખાવાળી ઝાલરો ધરાવે છે, જે શ્વસનમાં ઉપયોગી છે. રેતાળ વિસ્તારોમાં હર્મિટ કરચલા, ગોસ્ટ કરચલા, આઇસોપોડા વગેરે ઓટવાળા ખુલ્લા કિનારાઓ પર ફરતા જોવા મળે છે. મૃદુકાય પ્રાણીઓ પૈકી સોલેન, મ્યુરેક્સ, કાર્ડિયમ, ઑલિવા, અર્કા તથા શૂળત્વચી પ્રાણીઓ પૈકી હોલોથુરિયા, કુકુમારિયા, એકાઇનોકાર્ડિયમ વગેરે મળી આવે છે. બેલાનોગ્લોસસ અને ઍમ્ફિઑક્સસ પણ રેતાળ તટનાં નિવાસી છે.
(iii) કાદવીય તટ : સમુદ્રના તટ પર જ્યાં માટી પથરાયેલી હોય તથા વેગીલા જળપ્રવાહો ન હોય ત્યાં કાદવ પથરાયેલો જોવા મળે છે. કાદવમાં માટી તથા કાર્બનિક પદાર્થો પ્રચુર માત્રામાં મળે છે; પરંતુ પ્રાણવાયુનું પ્રમાણ ઓછું હોય છે. કાદવીય તટની માટીના કણોનું કદ 5m થી 60m સુધીનું હોય છે. આવા તટની માટીમાં હવાનું પ્રમાણ ઓછું હોય છે. માટીની અંદર સૂક્ષ્મજીવોની અજારક ક્રિયાઓથી હાઇડ્રોજન સલ્ફાઇડ ઉત્પન્ન થાય છે.
કાદવીય તટના કાદવમાં મૃત કાર્બનિક પદાર્થો ભરપૂર માત્રામાં હોવાથી ખોરાક આસાનીથી મળી રહે છે. આવી જગાઓએ ઝૉસ્ટેરા (zostera) અને અલ્વા (ulva) વનસ્પતિ મુખ્યત્વે મોજૂદ હોય છે, જે પ્રાણીઓને સુરક્ષાકવચ પૂરું પાડે છે.
કાદવીય તટનાં મુખ્ય પ્રાણીઓમાં પ્રજીવ (protozoans), સૂત્રકૃમિ (nematodes), ઑસ્ટ્રેકોડ, ઍમ્ફિપોડ તથા આઇસોપોડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેટલાક પ્રકારની વાદળીઓ, સેરિયસ (cereus) અને પીચિયા (peachia) જેવાં કોષ્ઠાંત્રીઓ અને વલયી કૃમિ (annelids) જેવાં કે એફ્રોડાઇટ, ઍરનિકોલા, રેતી કીડો (nereis), ઇકીયુરોઇડ જેવાં પ્રાણીઓ મળે છે. સંધિપાદો પૈકી હર્મિટ કરચલા, લૉબસ્ટર અને કાદવીય કરચલા તથા ટેલિસ્કોપિયમ, મ્યુરેક્સ, ઓન્કિડિમ, પિન્ના, ટેરેડો, લિટ્ટોરિના, મ્યા જેવાં મૃદુકાયો વગેરે સામાન્ય છે. શૂળત્વચી પ્રાણીઓમાં સમુદ્રતારા તથા સમુદ્રકાકડી અને પ્રોટોકોર્ડેટમાં ઍસિડિયા સામાન્ય છે.
કાદવીય તટ પર રહેતાં પ્રાણીઓની ખાસિયતોમાં દર-નિવાસ (burrowing nature), નલિકા-આવાસ (tubicolous), શ્લેષ્મસ્રાવ, અલ્પવિકસિત સંવેદનાંગો, ગાઢા કાદવ જેવા રંગ, મુલાયમ તથા પાતળાં શરીર, ભોજન લેવા માટેની આગવી પદ્ધતિઓ વગેરે જોવા મળે છે.
ઊંડા સામુદ્રિક આવાસની વિશિષ્ટતાઓ : અહીંના પર્યાવરણની પરિસ્થિતિ લગભગ સ્થિર હોય છે. તેની વિશેષતાઓ નીચે પ્રમાણે છે :
(1) પ્રકાશ : આ ક્ષેત્ર અપ્રકાશિત હોવાથી અહીં દિવસ-રાત્રિ જેવી કોઈ ઘટના હોતી નથી. પ્રાણીઓ જૈવસંદીપ્તિ (bioluminescence) દ્વારા પ્રકાશ ઉત્પન્ન કરે છે.
(2) તાપમાન : સમુદ્રની સપાટીથી ઊંડાણ તરફ જતાં તાપમાનમાં સતત ઘટાડો થતો જોવા મળે છે.
(3) ઋતુઓ : અહીં ઋતુપરિવર્તનની ઘટના હોતી નથી.
(4) દબાણ કે દાબ : સમુદ્રની ઊંડાઈના વધારા સાથે પાણીનો દાબ (pressure) વધે છે. પ્રત્યેક 1,000 ફૅધમની ઊંડાઈ પછી 1 ટન / ઇંચ2ના દરથી દાબ વધવા લાગે છે. (1 ફૅધમ = 1.83 મીટર).
(5) ભોજનની કમી : પ્રકાશની ગેરહાજરીથી વનસ્પતિ હોતી નથી તેથી પ્રાણીઓ પાણીના ઉપરના સ્તરમાંથી પડતાં પ્રાણી કે વનસ્પતિદેહના ખોરાક પર નિર્ભર રહે છે. ઊંડા દરિયામાં તાપમાન નીચું હોવાથી આવો ખોરાક જલદી સડી જતો નથી.
(6) શાંત જળ : સમુદ્રની ખૂબ ઊંડાઈએ પ્રવાહો હોતા નથી.
(7) તળ : ઊંડા સમુદ્રને તળિયે ઉપરી સ્તરમાંથી માટીના કણ અને વિભિન્ન કંકાલ જમા થતાં રહે છે.
(8) ક્ષારતા : ઊંડા સમુદ્રના પાણીની ક્ષારતા લગભગ એકસરખી હોય છે અને તેની માત્રા 3.47 %થી 3.49 % જેટલી હોય છે.
(9) પ્રાણવાયુ : ઊંડે પ્રાણવાયુની માત્રા ઓછી હોય છે; તેનું પ્રમાણ 3.27થી 5.88 સી.સી./લિટર હોય છે.
(10) જીવવસ્તી : સમુદ્રમાં ખૂબ ઊંડે જીવવસ્તી (population) ઘણી ઓછી હોય છે.
ઊંડા સામુદ્રિક આવાસનો પ્રાણીસમૂહ (Fauna of Deep Sea) : આ પ્રકારનો આવાસ બધી પ્રતિકૂળતાઓવાળો હોવા છતાં પણ અહીં દરેક સમુદાયનાં પ્રાણીઓ વસતાં જોવાં મળે છે;
(i) પ્રજીવ (Protozoa) : આ ક્ષેત્રમાં રેડિયોલાસિયન્સ અને ફોરામેનીફેરા મુખ્યત્વે મળે છે.
(ii) સછિદ્ર (Porifera) : ઊંડા સમુદ્રમાં ગ્લાસસ્પંજ જેવી કે હાયલોનીમા (Hyalonema), ફિરોનીમા (Pheronema), યુપ્લેક્ટેલા (Euplectella) મુખ્યત્વે મળે છે.
(iii) કોષ્ઠાંત્રી (Coelenterata) : સ્ટોનીકોરલ નામનું પ્રવાળ, સી-પેન, સમુદ્રફૂલ, ગોરગોનિયા વગેરે મળે છે.
(iv) નૂપુરક (Annelida) : આ વિસ્તારમાં રહેતાં પ્રાણીઓ જેવાં કે ઍરેનિકોલા, કીટોપ્ટેરસ, સાબેલા, સર્પૂલા વગેરે નલિકા જેવાં ઘર બનાવી રહે છે.
(v) સંધિપાદ (Arthropoda) : મુખ્યત્વે બાર્નેકલ, આઇસોપોડ, ઍમ્ફિપોડ, કરચલા, લૉબસ્ટર, શ્રિંપ તથા લિમ્યુલસ જેવાં પ્રાણીઓ મળી આવે છે.
(vi) મૃદુકાય (Mollusca) : કાઇટન, છીપ તથા શંખ વર્ગની ઘણી પ્રાણીજાતિઓ અહીં વસે છે.
(vii) શૂળત્વચી (Echinodermata) : શૂળત્વચી પ્રાણીઓની અધિકતમ સંખ્યા ઊંડા સમુદ્રમાં જ જોવા મળે છે.
(viii) માછલી : અહીં સામાન્યત: ચીમેરા (chimaera), ફોટોસ્ટોમિયાર, ગેસ્ટ્રોસ્ટ્રોમસ, ક્રિપ્ટોસિરસ, મેલેકોસ્ટસ વગેરે વસે છે.
ઊંડા સામુદ્રિક આવાસના પ્રાણીસમૂહની ખાસિયતો :
(1) કદ (size) : સામાન્ય રીતે આવી જગ્યાએ વસતાં પ્રાણીઓનું કદ સપાટી પર વસતાં પ્રાણીઓની તુલનામાં નાનું હોય છે.
(2) આકાર (body form) : અહીંનાં પ્રાણીઓનાં શરીર કોમળ અને વેલણાકાર હોય છે.
(3) કંકાલ (skeleton) : આવાં પ્રાણીઓના શરીરનું કંકાલ મૃદુ હોય છે, કારણ નીચા તાપમાને અહીં પ્રાણીઓ Caનું સંશ્લેષણ કરી શકતાં નથી. આથી જ ઊંડા સમુદ્રમાં કેલ્કેરિયસ સ્પંજ મળતી નથી. બાર્નેકલનાં કવચ પણ Caની ઊણપવાળાં હોય છે.
(4) રંજકતા (colour) : પ્રકાશની ગેરહાજરીમાં લગભગ સરખા રંગવાળાં પ્રાણીઓ હોય છે. રંગમાં મુખ્યત્વે લાલ, ભૂરો, કાળો, જાંબલી વગેરે મુખ્ય છે.
(5) જૈવસંદીપ્તિ (bioluminescence) : ઊંડા સમુદ્રમાં જૈવસંદીપ્તિ એક સામાન્ય ઘટના છે. વિવિધ પ્રકારનાં પ્રાણીઓમાં તે જોવા મળે છે. આ ઘટના વિપરીત લિંગને આકર્ષવા કે શિકારને આકર્ષવા માટે થાય છે.
(6) આંખો : અહીંની પરિસ્થિતિમાં આંખો સરખામણીમાં મોટી હોય છે; દા.ત., ગોનોસ્ટોમા નામની માછલીની આંખોનું કદ શીર્ષના 2/3 ભાગ જેટલું હોય છે. આવાં પ્રાણીઓની આંખોમાં દંડકોષો(rod cells)ની સંખ્યા અધિકતમ હોય છે, જ્યારે શંકુકોષો(cone cells)ની ન જેવી હોય છે.
(7) સંવેદી અંગો : કેટલાંક સંવેદી અંગો આ પરિસ્થિતિમાં અસામાન્ય રીતે વિકાસ પામે છે; દા.ત., સ્તરકવચી (crustaceans) પ્રાણીઓના સ્પર્શકો (antenna) ખૂબ જ લાંબા હોય છે.
(8) ચયાપચય દર (metabolic rate) : તાપમાન નીચું હોવાથી પ્રાણીઓનાં ચયાપચયનો દર નીચો (low) હોય છે.
(9) ચપટું શરીર (flat body) : સમુદ્રની ઊંડાઈ સાથે દાબ કે દબાણ વધતું હોવાથી ઘણાં પ્રાણીઓનાં શરીર ચપટાં જોવા મળે છે.
વિનોદ સોની