સમુદ્ર-સ્નાન (1970)

January, 2007

સમુદ્રસ્નાન (1970) : ઊડિયા કવિ ગુરુપ્રસાદ મોહંતી(જ. 1924) રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1973ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો.

આધુનિક ઊડિયા કવિતામાં તે મહત્ત્વનું ઉમેરણ લેખાય છે. આ કાવ્યસંગ્રહમાં 19 કાવ્યો છે, તેમાંથી પ્રથમ 10 પ્રણયને લગતાં છે. આ કાવ્યોમાં ગૂંથાયેલી પ્રણયભાવના ભાવો અને વિચારોની ગ્રંથિ તરીકે લેખાઈ છે; એ નિમિત્તે કવિ વાસ્તવિકતા વિશે ચિંતન પણ કરી લે છે. આ કાવ્યોમાં ગ્રામીણ ઓરિસાના પ્રાકૃતિક સૌંદર્યનું ઊડિયા કવિતામાં અત્યંત સુંદર વર્ણન છે.

મોહંતીની કવિતાની એક મુખ્ય અસરકારકતા અને સાર્થકતા તેની ઊર્મિશીલતામાં છે. તેની ચિત્રાત્મક ગુણવત્તા અને શબ્દગત માધુર્ય તેનું વિશેષ આકર્ષણ છે. બહુ ઓછા આધુનિક ઊડિયા કવિઓ પોતાની કવિતામાં આવી મોહકતા અને સુંદરતા સિદ્ધ કરી શક્યા છે.

મહેશ ચોકસી