સમુદ્ર-સીમા ધારો (Sea, Law of the)

January, 2007

સમુદ્રસીમા ધારો (Sea, Law of the) : સમુદ્ર-સીમા પરના આધિપત્ય માટેનો કાયદો. 1983ના ડિસેમ્બરની દસમી તારીખે દુનિયાના 117 દેશો જમૈકા ખાતે ‘સમુદ્રના કાયદા’ અંગેની સંધિમાં જોડાયા. આ કાયદા આંતરરાષ્ટ્રીય જળવિસ્તારની સીમા, જળમાર્ગ અને સમુદ્રની સંપત્તિના સંદર્ભમાં ઘડાયા. આ સંધિમાં અમેરિકા, બ્રિટન, જાપાન, જર્મની, ઇટાલી તથા બીજા ઘણા ઔદ્યોગિક અને વિકસિત દેશોએ સહકાર આપ્યો નહિ; પરંતુ રશિયા અને ફ્રાંસ જેવા વિકસિત દેશોએ તે માટે પૂરતો સહકાર આપ્યો.

આ સંધિમાં દરેક રાષ્ટ્ર પોતાના દરિયાકાંઠાથી 19 કિમી. સુધીના અંતરના જળવિસ્તાર માટે સીમા ધરાવે એવું નક્કી કરવામાં આવેલું છે; પરંતુ વિદેશી વેપારી જહાજો આ જળવિસ્તારમાંથી પસાર થઈ શકે ખરાં. જ્યારે 19 કિમી. પછીના જળવિસ્તારનો ઉપયોગ વેપારી કે લશ્કરી જહાજો મુક્ત રીતે કરી શકે. જે રાષ્ટ્રોને દરિયાકિનારો ઉપલબ્ધ છે તેમનાં જહાજો 320 કિમી.ના અંતર સુધી માછલાં પકડી શકે. કોઈ પણ પડોશી રાષ્ટ્ર 640 કિમી. કરતાં ઓછું અંતર રાખીને જળસીમા નક્કી કરી શકે, અર્થાત્ પડોશી રાષ્ટ્રો બંનેને પ્રાપ્ત થયેલા જળવિસ્તારના મધ્યભાગથી જળસીમા નક્કી કરી શકે. જે રાષ્ટ્રોને સમુદ્રકિનારો પ્રાપ્ત થયેલો છે એવાં રાષ્ટ્રો 320 કિમી.ની અંદર સુધી આવેલ સીમાની ખંડીય છાજલીના વિસ્તારમાંથી ખનિજતેલ, કુદરતી વાયુ તેમજ અન્ય ખનિજસંપત્તિ મેળવવા હકદાર છે. આંતરરાષ્ટ્રીય જળવિસ્તારના સમુદ્રતળ પરથી ખનિજો મેળવવા આંતરરાષ્ટ્રીય સત્તામંડળની પરવાનગી લેવી આવશ્યક છે. જો કોઈ દેશ મનસ્વી રીતે સંશોધન કે શોધખોળ કરે તો આંતરરાષ્ટ્રીય કોર્ટ પોતાની સત્તાનો ઉપયોગ કરી શકે છે.

નીતિન કોઠારી