અજાતશત્રુ :મગધના હર્યંક વંશનો પ્રસિદ્ધ રાજા. બિંબિસાર(શ્રેણિક)નો પુત્ર, જે જૈન પરંપરામાં કૂણિક તરીકે ઓળખાયો છે. એણે એના પિતાને કેદ કરેલા ને એ પુત્રના હાથે કે આત્મહત્યા કરીને મૃત્યુ પામ્યો હતો. અજાતશત્રુએ કોસલના રાજા પ્રસેનજિતને હંફાવ્યો ને કાશીની જાગીર પાછી મેળવી. પછી અમાત્ય વસ્સકારને વૈશાલી મોકલી ભેદનીતિ વડે લિચ્છવીઓમાં ફાટફૂટ પડાવી. ગંગાતટે પાટલિપુત્ર (પટના) વસાવી ત્યાંથી આક્રમણ કરી વજ્જિસંઘનો પરાજય કર્યો. એ ભગવાન બુદ્ધ તરફ ભારે આદરભાવ ધરાવતો. ભગવાન બુદ્ધ પરિનિર્વાણ પામ્યા ત્યારે એણે રાજગૃહમાં એમનાં અસ્થિ પર સ્તૂપ બંધાવ્યો હતો. એ મહાવીર સ્વામીનો પણ પરમ અનુયાયી હતો. એ લગભગ ઈ. સ. પૂ. 491માં ગાદીએ આવેલો ને એણે 25, 27 કે 32 વર્ષ રાજ્ય કરેલું. એણે મગધના મહારાજ્યને વધારે વિશાળ અને પ્રબળ બનાવ્યું હતું.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી