અજાતિવાદ : પ્રકૃતિનું વાસ્તવિક રૂપાંતર કોઈ પણ રીતે ન થઈ શકે તેવો ગૌડપાદનો સિદ્ધાંત. એ ગૌડપાદના સિદ્ધાંતોમાં મુખ્ય છે. એમની તત્ત્વચર્ચાનું એ કેન્દ્ર છે. જાતિ-ઉત્પત્તિની માન્યતામાં રહેલી અસંગતિ દર્શાવવા માટે ગૌડપાદ અનેક દલીલો રજૂ કરે છે. તેમની દલીલો સમજવા માટેનો ચાવીરૂપ સિદ્ધાંત એ છે કે પ્રકૃતિનો અન્યથાભાવ, વાસ્તવિક રૂપાન્તર, કોઈ પણ રીતે ન જ થાય. ‘અજાતિત્વ’, ‘અમૃતત્વ’ એ આત્માની પ્રકૃતિ છે, એ જો બદલાય તો તેને પ્રકૃતિ-સ્વભાવ ન જ કહેવાય. આથી જે કોઈ જીવાદિસૃષ્ટિ દૃશ્યમાન થાય છે તે કોઈ પણ રીતે આત્માનું અવસ્થાન્તર નથી. પરંતુ ઉત્પન્ન થયેલું, મરણ પામતું સતત પરિવર્તનશીલ આ બધું અનુભવાય છે, તેનું શું ? ગૌડપાદનો ઉત્તર એ છે કે ‘સત્’નો જન્મ તત્ત્વત: થતો જ નથી. જન્મ થતો લાગે તે માયાને લીધે. સત્ એટલે કે અસ્તિત્વ ધરાવતી વસ્તુને ફરી જન્મ લઈને અસ્તિત્વમાં આવવાપણું રહેતું નથી. સત્માં સત્ત્વ છે જ એટલે સત્ બ્રહ્મ અન્ય રૂપે, જીવ કે જગત્ રૂપે અસ્તિત્વ ધરાવે છે તેવું માત્ર ભાસે. તત્ત્વત: તો સત્નું અન્યથા થવું એટલે અસત્ જ થવું. આમ સત્ તત્ત્વમાંથી માયિક રીતે જીવજગત્નો જન્મ થયેલો સમજાવી શકાય; પરંતુ અસત્માંથી કોઈ પણ રીતે જન્મ સમજાવી શકાય નહિ. અહીં અસત્વાદીના મતનું ખંડન છે. જેનું અસ્તિત્વ જ નથી એવા અસત્નો જન્મ તાત્ત્વિક રીતે કે માયિક રીતે પણ થતો નથી, જેમ વન્ધ્યાનો પુત્ર ખરેખર પણ જન્મતો નથી તેમ માયાથી પણ જન્મતો નથી. વન્ધ્યા અને તેનો પુત્ર એ વદતોવ્યાઘાત છે. તેવું જ અસત્ અને તેમાંથી થતી ઉત્પત્તિની કલ્પનાનું છે. સ્વપ્નાવસ્થામાં મન જ દ્રષ્ટા અને દૃશ્ય એમ દ્વૈત રૂપે ભાસે છે. એ જ પ્રમાણે જાગ્રતમાં પણ એ મન જ દ્વૈત રૂપે ભાસે છે. સર્વ કાંઈ મનનું દૃશ્ય છે. મનનો જ્યારે ‘અમનીભાવ’ થાય ત્યારે દ્રષ્ટા-દૃશ્ય દ્વૈતની અનુભૂતિ થતી નથી. આત્મજ્ઞાન થતાં મન સંકલ્પ કરતું બંધ થાય છે. સંકલ્પથી જ સૃષ્ટિ થાય છે. આથી સંકલ્પના અભાવે સૃષ્ટિનો અભાવ, અને આથી મનને માટે કોઈ ગ્રાહ્ય પદાર્થ રહેતો જ નથી એટલે મનનો ગ્રહણ કરવાનો જે સ્વભાવ, ગુણ, કાર્ય છે તે ન રહેતાં તેનો ‘અમનીભાવ’ થઈ જાય છે. આ અમનીભાવને પામવાના માર્ગને ગૌડપાદ ‘અસ્પર્શ્યયોગ’ કહે છે. આ યોગ દ્વારા ચિત્ત જ્યારે સુષુપ્તિમાં લીન ન થાય કે વિક્ષિપ્ત ન થાય, અચલ અને આભાસરહિત થાય ત્યારે તે બ્રહ્મ જ છે.

ચોથું અલાતશાંતિપ્રકરણ એ ગૌડપાદકારિકાનું અંતિમ પ્રકરણ છે. અદ્વૈતદર્શનના વિરોધીઓના મનમાં રહેલા તર્કદોષો દર્શાવી અજાતિ તથા અદ્વૈત તત્ત્વ એ જ પરમ સત્ય છે એવા પોતાના સિદ્ધાંતનું સમર્થન કરવા માટે આ પ્રકરણનો આરંભ છે. ગૌડપાદે આ પ્રકરણમાં કારણ-કાર્ય-સંબંધ અંગેના વિવિધ મતોનું વાદપદ્ધતિએ ખંડન કરીને, કારણ-કાર્ય સંબંધને કોઈ રીતે સમર્થન મળી શકે એમ નથી એ પુરવાર કરવાનો સમર્થ પ્રયત્ન કર્યો છે. કોઈ પ્રકારની વાસ્તવિક જાતિ-ઉત્પત્તિ છે જ નહિ. જગત અને તેમાં દેખાતા ભેદ એ ચિત્તદૃશ્ય જ છે. ચિત્તનાં સ્પંદનોને કારણે જ આ પદાર્થો ઉત્પન્ન થયેલા ભાસે છે. પરમાર્થત: તો અજાતિ જ પરમ સત્ય છે અને કારણ-કાર્યના સિદ્ધાંતની માન્યતાને કોઈ તાર્કિક આધાર નથી એ પુરવાર કરવા માટે ગૌડપાદ આ પ્રકરણમાં અનેક દલીલો રજૂ કરે છે. સાંખ્યવાદીઓના મતે કારણ જ કાર્ય રૂપે પરિણત થાય છે એથી કારણ-કાર્ય વચ્ચે અભિન્નતા છે. ગૌડપાદ કહે છે કે તે સ્વીકારી શકાય એમ નથી, કેમ કે બંનેને અભિન્ન ગણીએ તો કારણ અને કાર્ય બંને અજાત થાય અને તો પછી એકને કારણ અને બીજાને કાર્ય કેવી રીતે કહેવાય ? કારણને જાત – ઉત્પન્ન થયેલું  — ગણીએ તો એ કારણનું પણ ઉત્પન્ન કરનાર કારણ હોવું જોઈએ, જેનું પણ અન્ય કારણ હોય. આમ અનવસ્થાદોષ થાય. વળી કારણ-કાર્ય અન્યોન્યનાં કારણ પણ બની શકે નહિ. કેમ કે કારણ-કાર્યની ઉત્પત્તિમાં પૂર્વાપરક્રમ તો સ્વીકારવો જ પડે. બંને સાથે ઉત્પન્ન થયેલાં માનીએ તો સાથે ઉત્પન્ન થતાં ડાબા-જમણા શિંગડાંની જેમ એકબીજાનો કારણ-કાર્યનો સંબંધ ન હોય. બીજાંકુરના દૃષ્ટાન્ત દ્વારા પણ કારણ-કાર્ય-સંબંધ સમજાવી શકાતો નથી. કારણ કે બીજમાંથી અંકુર થાય અને અંકુરમાંથી બીજ થાય એમ અનાદિ કાળથી ચાલે છે, એમ કહેવાથી પ્રશ્નનો ઉત્તર મળતો નથી. આમ અહીં ગૌડપાદે બધા પ્રકારનો ઉત્પત્તિવાદ, પછી તે સાંખ્યોનો, વૈશેષિકોનો કે વિજ્ઞાનવાદી બૌદ્ધોનો હોય, તેનું ખંડન કર્યું છે.

ગૌડપાદના મતે કોઈ પણ પદાર્થના કારણ-કાર્યભાવનો ચાર રીતે વિચાર થઈ શકે :

(1) કાં તો અસત્નું કારણ અસત્ હોય પણ એ અસંભવ છે, કારણ કે અસત્ એવા આકાશકુસુમનું કારણ અસત્ એવું શશ-શૃંગ હોઈ જ ન શકે.

(2) કાં તો સત્નું કારણ અસત્ હોય પણ એય સંભવિત નથી, કારણ કે સત્ લાગતો ઘટ અસત્ એવા શશ-શૃંગમાંથી ઉત્પન્ન થતો નથી.

(3) સત્ મનાતા ઘટનું કારણ બીજા સત્ મનાતા ઘટ કે પટ જેવા પદાર્થમાં પણ નથી. સત્ એવી માટીમાંથી ખરેખર ઘટ નામનો ભિન્ન પદાર્થ ઉત્પન્ન થતો નથી. ઘટ એ માટીનું કાર્ય નથી પણ રૂપાંતર જ છે. એટલે સત્નું કારણ સત્ છે. એ કહેવું પણ તર્કયુક્ત નથી.

(4) પદાર્થ અસત્ હોય અને તેનું કારણ સત્ હોય એ તો શક્ય જ નથી, જેમ કે અસત્ એવા આકાશકુસુમની ઉત્પત્તિ સત્ એવા ઘટ કે પટમાંથી થઈ એમ કહેવાય જ શી રીતે ?

તો પછી જગતના અનેક પદાર્થોનો અનુભવ થાય છે તે ક્યાંથી ઉત્પન્ન થયા એ પ્રશ્ન રહે છે. ગૌડપાદનો પ્રત્યુત્તર એ છે કે જગત અને તેના દૃશ્યમાન ભેદ એ મનોદૃશ્ય અથવા ચિત્તસ્પંદિત છે. ખરેખર તો ચિત્તથી ભિન્ન કશું જ નથી. સ્પંદનને કારણે જ અન્યની અનુભૂતિ થાય છે. જ્યારે નિ:સ્પંદ થઈ જાય છે ત્યારે કોઈ જાતિ-ઉત્પત્તિનો અનુભવ થતો નથી. નિ:સ્પંદ ચિત્ત એ જ પરમ તત્ત્વ છે. આથી નથી ચિત્તની ઉત્પત્તિ કે નથી ચિત્તદૃશ્યની. ગૌડપાદ ચિત્તને બદલે વિજ્ઞાન શબ્દ પણ પ્રયોજે છે. આ સિદ્ધાંતને સમજાવવા ગૌડપાદ અલાત એટલે સળગતી મશાલનું દૃષ્ટાંત આપે છે. સળગતી મશાલને વેગથી સીધી, વાંકી કે વર્તુળાકાર ઘુમાવવાથી વિવિધ આકૃતિઓ ઉત્પન્ન થતી દેખાય છે તે જ પ્રમાણે ચિત્તવિજ્ઞાનનું ચિત્તદૃશ્ય રૂપે સ્પંદન જ દ્રષ્ટા-દૃશ્ય રૂપે ચિત્તને ભાસે છે. જેમ અલાતમાંથી ઉત્પન્ન થયેલી આકૃતિઓ ખરેખર ઉત્પન્ન થયેલી હોતી નથી પણ ભાસમાન જ છે, તે જ પ્રમાણે ગ્રાહકચિત્ત અને ગ્રાહ્ય વિષયો વિજ્ઞાનના સ્પંદનને કારણે ઉત્પન્ન થયેલા લાગે છે. જ્યારે અલાત, સ્થિર ગતિહીન બની જાય ત્યારે આકૃતિઓ, દૃશ્યો સર્જાતાં નથી તેમ વિજ્ઞાન-ચિત્ત સ્પંદનહીન થતાં ચિત્ત કે ચિત્તદૃશ્યો ભાસતાં નથી. નિ:સ્પંદ વિજ્ઞાન પોતે જ અનુત્પન્ન છે અને ખરેખર પોતે કશું ઉત્પન્ન કરતું નથી. અલાત જ્યારે સ્પંદિત થાય ત્યારે આકારો કોઈ ખરેખર બીજે ક્યાંકથી નથી આવતા તેમજ અલાત સ્પંદનરહિત થતાં, અલાતશાંતિ થતાં આકારો ક્યાંક બીજે જતા રહેતા નથી. ખરેખર તો આકૃતિ ઉત્પન્ન થયેલી જ નથી હોતી. માત્ર અલાતના સ્પંદનને કારણે દૃષ્ટિભ્રમ જ થાય છે. તેવું જ વિજ્ઞાનમાંથી ઉત્પન્ન થતી ભાસતી સૃષ્ટિનું છે. પદાર્થોની ઉત્પત્તિ થઈ એમ લૌકિક ભાષામાં આપણે કહીએ છીએ પણ તત્ત્વત: તેમની ઉત્પત્તિ નથી, એની ઉત્પત્તિ માયોપમ જ છે અને એ માયાનું પણ વાસ્તવિક અસ્તિત્વ છે જ નહિ. અલાતશાંતિ થતાં આકૃતિઓ ભાસતી નથી તેમ વિજ્ઞાન-ચિત્ત નિ:સ્પંદ, નિશ્ચલ થતાં દ્રષ્ટા-દૃશ્ય, જ્ઞાતા-જ્ઞેય જેવી દ્વૈતાનુભૂતિ નથી રહેતી. અજ, અદ્વય ચિત્ત-વિજ્ઞાન જ પરમતત્ત્વ રહે છે, જેને વેદાંત બ્રહ્મ કહે છે. આ પ્રકરણનું અલાતશાંતિ નામ સૂચક છે.

ગૌડપાદ અને બૌદ્ધ દર્શન : ગૌડપાદ પર બૌદ્ધદર્શનના પ્રભાવ અંગે વિદ્વાનોએ વિભિન્ન મતો દર્શાવ્યા છે. પાઉસિન (Poussin), વેલેસર અને યાકોબી જેવા વિદેશી વિદ્વાનોને ગૌડપાદકારિકામાં ખાસ કરીને અલાતશાંતિ પ્રકરણમાં વ્યક્ત થતા દાર્શનિક વિચારો અને શબ્દ-પ્રયોગોમાં બૌદ્ધ દાર્શનિક સાહિત્ય અને બૌદ્ધ પારિભાષિક શબ્દોની ઘણી અસર દેખાય છે. ડૉ. દાસગુપ્તાના મતે ગૌડપાદ ઘણુંખરું બૌદ્ધ હતા એની પૂરતી સાબિતી ગૌડપાદકારિકાના ચોથા પ્રકરણમાંથી મળી રહે છે. ચોથા પ્રકરણના પ્રથમ શ્લોકમાં ગૌડપાદ ‘દ્વિપદાંવર’ શબ્દ ગૌતમ બુદ્ધને માટે પ્રયોજી, બુદ્ધને જ વંદન કરે છે, એમ ડૉ. દાસગુપ્તા માને છે. ગૌડપાદના મહત્ત્વના બે સિદ્ધાંતો છે — જગત્-વૈતથ્ય અને અજાતિ. પ્રો. ભટ્ટાચાર્ય માને છે કે જગત્-વૈતથ્યનો સિદ્ધાંત ગૌડપાદે વિજ્ઞાનવાદમાંથી અને ‘અજાતિ’નો સિદ્ધાંત તેમણે માધ્યમિકોના શૂન્યવાદમાંથી મેળવ્યો છે. પ્રો. ભટ્ટાચાર્યની દલીલોનો શ્રી મહાદેવન્ તથા અન્ય વિદ્વાનોએ પ્રતિવાદ કર્યો છે. નાગાર્જુન અને અસંગ જેવા બૌદ્ધ ચિંતકોની વાદપદ્ધતિ અને દલીલોનો ગૌડપાદે ઉપયોગ કર્યો છે, તેનો અસ્વીકાર થઈ શકે તેમ નથી. પોતાના દર્શનને અનુકૂળ બૌદ્ધ તર્કસામગ્રીનો ઉપયોગ ગૌડપાદે વિશેષત: ચોથા પ્રકરણમાં કર્યો છે, એ સાચું. પણ તેથી ગૌડપાદનું દર્શન બૌદ્ધ દર્શન જ છે એ સાચું નથી. વિજ્ઞાનવાદના ચિત્તસ્પંદિત શબ્દ દ્વારા ગૌડપાદ જગતનું સ્વરૂપ સમજાવે છે, પણ વિજ્ઞાનવાદના ચિત્તની વિભાવનાથી ગૌડપાદ જુદા પડે છે. વિજ્ઞાન-આલય-વિજ્ઞાન ક્ષણે ક્ષણે બદલાતું હોય છે. ત્યારે વેદાંતી એવા ગૌડપાદનું પરમતત્ત્વ આત્મા નિત્ય અને શાશ્વત છે. ત્રીજા અદ્વૈત પ્રકરણમાં ગૌડપાદ અજાતિવાદનું શ્રુતિના આધારે સમર્થન કરે છે.

ઉપનિષદોમાં માયાવાદનાં બીજ છે જ એટલે ગૌડપાદનું પ્રેરણાસ્થાન માત્ર બૌદ્ધ દર્શન જ છે એ માનવું યોગ્ય નથી. માધ્યમિકો તો માને છે કે કશું જ જન્મતું નથી કારણ કે કશું જ સત્ય નથી. જ્યારે ગૌડપાદના મતે આત્મા એ જ પારમાર્થિક સત્ય છે. તે અજ અને નિત્ય છે. માધ્યમિકોની જેમ ગૌડપાદ શૂન્યવાદી નથી. માંડૂક્યોપનિષદ સાથે પોતાનાં પ્રકરણો જોડીને માંડૂક્યના નિર્વિશેષ, અદ્વય આત્માના વેદાંતસિદ્ધાંતનું જ ગૌડપાદે યુક્તિપૂર્વક સમર્થન કર્યું છે. બૌદ્ધ દર્શનો પણ ઉપનિષદોની તત્ત્વવિચારણાનાં ઋણી છે તેમ ગૌડપાદ પણ બૌદ્ધ દર્શનોના ઋણી છે. તે સમયે પ્રવર્તમાન વૈદિક અને બૌદ્ધ પરંપરાની વિચારધારાઓનો એકબીજા પર પ્રભાવ પડતો જ હતો. ગૌડપાદના અજાતિવાદનું જ વ્યવસ્થિત સ્વરૂપ શંકરાચાર્યના કેવલાદ્વૈતવાદમાં સાંપડે છે. ઉપનિષદોની વાણીને વાચ્યાર્થમાં જ સીમિત કરવાનું તે કાળના વૈદિકોનું વલણ હતું પણ ગૌડપાદે શ્રુતિ પણ તર્કયુક્ત હોય તે સ્વીકાર્ય, એવું સ્પષ્ટ જણાવીને તે યુગમાં સ્થગિત થઈ ગયેલા વિચારને પ્રવાહિત કર્યો. નાગાર્જુન જેવા બૌદ્ધ ચિંતકોની આત્યંતિક નકારાત્મક વિચારધારાને ગૌડપાદે વિધેયાત્મક વળાંક આપ્યો અને ઉપનિષદોના દર્શનને પ્રતિષ્ઠિત કર્યું. ગૌડપાદના તત્ત્વવિચારના પ્રભાવ હેઠળ શંકરાચાર્યે ઉપનિષદોનું અભિનવ અર્થઘટન કરીને અવિદ્યા, અધ્યાસ, ઉપાધિ, વિવર્ત જેવા શબ્દો પ્રયોજી અદ્વૈત વેદાંતની વિભાવના સ્પષ્ટ કરી, એક સુવ્યવસ્થિત તર્કબદ્ધ દર્શન રજૂ કરીને ભારતીય દર્શનના ઇતિહાસમાં મહત્ત્વનું પ્રદાન કર્યું, એ દૃષ્ટિએ ગૌડપાદ શંકરાચાર્યના પરમગુરુ ગણાયા તે યથાર્થ છે.

અરવિંદ હ. જોશી