સફા (ઇખ્વાનુસ્સફા)

January, 2007

સફા (ઇખ્વાનુસ્સફા) (The Brethren of Sincerity) : એક ઉદાર-મતવાદી સંગઠન, જેનો ઉદ્ભવ દસમા સૈકામાં દક્ષિણ ઇરાકના પ્રખ્યાત નગર બસરામાં થયો હતો. આ સંગઠનમાં ઉચ્ચ ચારિત્ર્ય તથા નીતિમત્તા ધરાવતા સદાચારી લોકોને સભ્ય બનાવવામાં આવતા હતા, તેથી તે સ્વચ્છ(લોકો)ની બિરાદરી તરીકે ઓળખાતું હતું. જે સમયે સમાજમાં ધર્માન્ધતા તથા સંકુચિતતા વધી રહી હતી તે સમયે આ સંગઠને જ્ઞાન તથા માનવતાના વિચારો ફેલાવવાનો પ્રયત્ન આદર્યો હતો. આ સંગઠનનું નેતૃત્વ ઝૈદ ઇબ્ન રિફાના હાથમાં હતું. તેના ઘરમાં, સમાન વિચારો ધરાવતા મર્યાદિત સભ્યો શાંતિથી એકત્ર થતા અને તત્ત્વજ્ઞાન તથા નીતિસંબંધી વિષયોની ચર્ચા વિશાળ અને ઉદાર મતે કરતા હતા. જોકે તે સમયની અસ્થિર રાજકીય તથા સામાજિક પરિસ્થિતિમાં તેમનું કાર્ય રહસ્યમય રીતે ચાલતું હતું. તેમણે તે સમયના મુસ્લિમ સામ્રાજ્યમાં નગરે નગરે જ્યાં પણ તેમની જેમ વૈજ્ઞાનિક રીતે વિચારી તથા કામ કરી શકે એવા લાયક માણસો મળે ત્યાં પોતાની શાખાઓ ઊભી કરી હતી. ઇખ્વાનની એક શાખા બગદાદમાં પણ હતી. તેમની સ્વસ્થ અને ઉદારમતવાદી ચર્ચાઓ, ચિંતનો અને વિચારોના પરિણામસ્વરૂપ તેમના નિબંધોનો એક મહાગ્રંથ તૈયાર થયો હતો, જેનું નામ ‘રસાઇલે ઇખ્વાનુસ્સફા’ છે. આ સંગ્રહમાં ગણિત, ખગોળ, ભૂગોળ, સંગીત, નીતિ, તત્ત્વજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર જેવા વિવિધ વિષયો ઉપર આધારિત કુલ બાવન નિબંધોનો સમાવેશ થાય છે; જેમનું જ્ઞાન તે સમયના સભ્ય સમાજ માટે આવશ્યક ગણાતું હતું. વાસ્તવમાં સમકાલીન તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનનો આ વિશ્વકોશ છે; જેમાં વૈજ્ઞાનિક, બૌદ્ધિક, સૈદ્ધાંતિક અને નૈતિક વિષયો ઉપર મુક્ત તથા નિખાલસ ચર્ચા જોવા મળે છે. તેમણે ચર્ચેલા કેટલાક મુદ્દાઓ ઉપરથી તેમની આધુનિકતા અને પરિપક્વતાનો ખ્યાલ આવી શકે છે; દા.ત., એક નિબંધમાં બ્રહ્માંડની ક્રમિક પ્રક્રિયા સમજાવવામાં આવી છે, જે અનુસાર ખેતીલાયક જમીન, રેતાળ બની જાય છે અને રણવિસ્તાર કૃષિક્ષેત્રમાં પલટાઈ જાય છે. એક નિબંધમાં વેપારી-સંગઠન અથવા મજૂર-સંગઠન(GUILD)ના ઉદ્ભવનો ઉલ્લેખ જોવા મળે છે. આ GUILD-નો વિચાર પ્રાચીન ભારતની ‘શ્રેણી’ સમાન સંસ્થા સાથે સામ્ય ધરાવે છે. તેમણે સંગીત ઉપરના નિબંધમાં સિતાર, તંતુવાદ્ય, વાંસળી, શહનાઈ જેવાં વાજિંત્રોનો ઉલ્લેખ કર્યો છે, જેનાથી પાશ્ચાત્ય જગત સૈકાઓ પછી પરિચિત બન્યું હતું. ‘ઇખ્વાનુસ્સફા’થી પ્રભાવિત થયેલાઓમાં પ્રખ્યાત બળવાખોર અરબી કવિ અબૂ-અલ-અલા મઅર્રી (973-1057) મહત્ત્વનું સ્થાન ધરાવે છે; પરંતુ બારમા સૈકામાં ફરી પાછું ધર્માન્ધતાનું જોર વધ્યું અને ‘ઇખ્વાનુસ્સફા’ની વિચારસરણીનો ભોગ લેવાયો. 1150માં ખલીફા મુસ્તન્જિદની આજ્ઞાથી અબૂ-અલી-સીનાની તત્ત્વજ્ઞાનવિષયક રચનાઓ તેમજ ‘ઇખ્વાનુસ્સફા’ના નિબંધોની જાહેરમાં હોળી કરવામાં આવી હતી. આનું એક કારણ એ જણાય છે કે તેમના વિચારો શિયા ઇસ્માઇલી અને કરામતી ફિરકાઓના વિચારો સાથે મળતા આવતા હતા. આવી તેમની સતામણીની ઝપટમાં ઇખ્વાન પણ આવી ગયા હતા. ‘રસાઇલે ઇખ્વાનુસ્સફી’નો પાશ્ચાત્ય ભાષાઓમાં પ્રથમ અનુવાદ 1858-1895માં લીડન તથા લિપઝિગમાં થયો હતો. મૂળ અરબી પ્રકાશન, કેરોથી ખૈરૂદ્દિન અલ-ઝીરીકલી દ્વારા 1928માં થયું હતું.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી