સફરજન : દ્વિદળી વર્ગમાં આવેલા રોઝેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Malus pumila Mill. syn. M. communis DC.; M. sylvestris Hort. non. Mill.; M. domestica Borkh; Pyrus malus Linn. in part. (હિં. બં., સેબ, સેવ; ક. સેબુ, સેવુ; ગુ. સફરજન; અં. કલ્ટિવેટેડ ઍપલ) છે. તે નીચો ગોળાકાર પર્ણમુકુટ (crown) ધરાવતું 15 મી. જેટલું ઊંચું વૃક્ષ છે. તેના તરુણ ભાગો ઘનરોમિલ (tomentose) હોય છે. પર્ણો ટૂંકાં પ્રરોહ પર ગુચ્છમાં હોય છે. તેઓ અંડાકાર (ovale) કે ઉપવલયી(elliptic)થી માંડી પહોળાં ઉપવલયી, 4.5 સેમી.થી 10 સેમી. લાંબાં, ગઠનમાં મૃદુ અને બુઠ્ઠી દંતુર (serrate) કિનારીવાળાં હોય છે. પુષ્પો સફેદ રંગનાં, તેના પર ગુલાબી રંગ પ્રસરેલો હોય છે અને તેઓ સઘન ગુચ્છમાં ઉદ્ભવે છે. ફળ માંસલ, આભાસી, પોમ (pome) પ્રકારનું, ઉપ-ગોળાકાર (sub-globose), વિવિધ કદ અને રંગનું અને બંને છેડે ખાડાવાળું હોય છે. ફળનો મુખ્ય માંસલ ભાગ પુષ્પાસન વડે બનતો હોવાથી તેને આભાસી ફળ કહેવામાં આવે છે.

સફરજન પરિવર્તી (variable) જાતિ છે અને તેનું વર્ગીકરણવિદ્યાકીય (taxonomic) સ્થાન ગૂંચવણવાળું છે. કેટલાક તે જાતિને મોટાભાગના સંવર્ધિત (cultivated) સફરજનોની પિતૃ ગણે છે; જોકે કેટલીક M. sylvestris (Linn.) Mill, M. prunifolia (willd) Borkh. અને M. baccata વચ્ચેના સંકરોની સંતતિ હોઈ શકે. અન્ય કેટલાક સંશોધકો સંવર્ધિત સફરજનને M. sylvestris (Linn.) Mill. હેઠળ મૂકે છે અને ‘mitis’ ઉપજાતિ(subspecies)ની જાતો (varieties) માને છે. યુરોપના જંગલી સફરજનને M. sylvestris ઉપજાતિ sylvestris હેઠળ મૂકવામાં આવે છે.

સફરજન અતિપ્રાચીનકાળથી ઉછેરવામાં આવે છે. તેનાં ફળ અને બીજના અવશેષો સ્વિટ્ઝર્લૅન્ડના પ્રાગ્-ઐતિહાસિક તળાવ પાસેનાં રહેઠાણોની નજીક મળી આવ્યા છે. તે એક બાજુએ પશ્ચિમ હિમાલય અને બીજી બાજુ કોકેસસ અને એશિયા માઇનોરના પર્વતીય પ્રદેશોનું મૂલનિવાસી (native) છે. કોકેસસ અને તુર્કસ્તાનના કેટલાક વિસ્તારોમાં જંગલી સફરજનોનાં મોટાં જંગલો અસ્તિત્વ ધરાવે છે. તુર્કસ્તાનનાં જંગલી સફરજન પ્રમાણમાં મોટાં અને સંવર્ધિત જાત કરતાં તેમની ગુણવત્તા નીચી હોતી નથી. તેઓનાં નાનાં ખાટાં ફળોથી માંડી મોટાં ખાદ્ય ફળોનાં સ્વરૂપો જોવા મળે છે.

સફરજન સમશીતોષ્ણ પ્રદેશોનાં ફળોમાં સૌથી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તેઓ સહિષ્ણુ (hardy) હોય છે અને ઉત્તરમાં 65o અક્ષાંશ સુધી ઉગાડી શકાય છે. તે ઉષ્ણકટિબંધમાં ઉગાડી શકાતાં નથી, કારણ કે તેઓ શીતરાગી (cryophilous) છે. દુનિયાના સૌથી અગત્યના સફરજનનું ઉત્પાદન કરતા પ્રદેશોમાં યુનાઇટેડ સ્ટેટ્સ, પશ્ચિમી અને પૂર્વીય યુરોપ, જાપાન અને ઑસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.

ભારતમાં સફરજનનો ઉછેર અઢારમી સદીના મધ્યમાં ઉત્તર ભારતની ટેકરીઓ અને મેદાનોમાં શરૂ થયો. તે હાલમાં કાશ્મીર, જમ્મુ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશની ટેકરીઓ, અરુણાચલ, સિક્કિમ, નાગાલૅન્ડ અને દક્ષિણમાં તામિલનાડુના નીલગિરિ અને બૅંગલોરમાં વ્યાપારી પાક તરીકે વાવવામાં આવે છે. ભારતમાં અંદાજે 2.32 લાખ હેક્ટર વિસ્તારમાં તેનું વાવેતર થાય છે.

સફરજનની જાતો : સફરજનનાં દુનિયામાં ફળ અને વૃક્ષનાં લક્ષણોને આધારે 6,500 જેટલાં ઉદ્યાનકૃષિકીય (horticultural) સ્વરૂપો છે. ભારતમાં વાવવામાં આવતી સફરજનની વિવિધ જાતોનો પ્રવેશ યુ.કે. અને યુરોપના બીજા દેશો અને યુ.એસ.માંથી કરાવાયો છે. બહુ ઓછી જાતો ઑસ્ટ્રેલિયામાંથી પ્રવેશ પામી છે. ભારતમાં હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં થતી કેટલીક જાતો નીચે સારણીમાં દર્શાવવામાં આવી છે :

સારણી : ભારતમાં હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીરમાં થતી કેટલીક જાતો

લક્ષણ હિમાચલ પ્રદેશમાં થતી જાતો જમ્મુ અને કાશ્મીરમાં થતી જાતો
વહેલી પાકતી ટાઇડમેન્સ અર્લી મોલીસ ડિલિશસ આઇરિસ પિચ બેનોની
મધ્યમ, મોડી પાકતી સ્ટાર કિંગ અમેરિકન મધર
રેડ ડિલિશસ રાઝાકવર
રિચાર્ડ જોનાથન
ટોપરેડ રેડ ગોલ્ડ
ક્વીન-એપલ
મોડી પાકતી ગોલ્ડન ડિલિશસ લાલ અંબરી
યલો ન્યૂટન કિંગ ઑવ્ પિપિન્સ
ગ્રેન સ્મિથ કેરી પિપિન
સૂનેહરી ચમૂરે

તેની સ્કેબરોધક જાતો ફ્લોરિના, નોવા, ફુપ, ડિડમ, પ્રિબકીલા વગેરે છે. સંકર જાતોમાં એમ્બ્રોઇલ, એમ્બરિચ વગેરેનો સમાવેશ થાય છે. ઉત્તરાંચલમાં ચૌબટિયા પ્રિન્સેસ, અર્લી શાન બેરી, રાયમર ઉગાડવામાં આવે છે. નિમ્ન શીતન (low chilling) જાતો માઇકલ, અન્ના, તમ્મા, વેટેડ વગેરે છે.

સંવર્ધિત પ્રકારો સામાન્યત: દ્વિગુણિત (diploid) હોય છે અને 34 રંગસૂત્રો ધરાવે છે. કેટલાંક ત્રિગુણિત (triploid) હોય છે અને 51 રંગસૂત્રો ધરાવે છે. બહુ ઓછાં 68 રંગસૂત્રો સાથે ચતુર્ગુણિત (tetraploid) હોય છે. ત્રિગુણિતોનાં કેટલાંક લક્ષણો વ્યાપારિક દૃષ્ટિએ મૂલ્ય ધરાવે છે. તેઓ ખૂબ ઝડપથી વિકાસ પામે છે અને મોટાં ફળો ઉત્પન્ન કરે છે. ઘણા કિસ્સાઓમાં તેઓ સારી સંગ્રહશક્તિ ધરાવે છે.

આબોહવા અને જમીન : મોટાભાગની સફરજનની જાતોને 1000-1500 કલાક માટે 7o સે.થી નીચા તાપમાનની શિયાળામાં જરૂર પડે છે. આ પરિસ્થિતિ દરિયાની સપાટીથી 1500 મી.થી 2700 મી.ના ઊંચાઈવાળા વિસ્તારમાં મળી શકે છે. ઉનાળામાં 21o સે.થી 24o સે. તાપમાન સફરજનના સક્રિય વિકાસ માટે ખૂબ જરૂરી છે. આ વિસ્તાર હિમ વગરનો હોવો જોઈએ. પુષ્પનિર્માણ-સમયે નીચું તાપમાન, વરસાદ અને વાદળછાયું વાતાવરણ હોય તો તેમના વિકાસમાં ખલેલ પહોંચે છે. આ પાકને 100 સેમી.થી 125 સેમી. જેટલો વાર્ષિક વરસાદ જરૂરી છે, જે વર્ષ દરમિયાન સરખી રીતે વહેંચાયેલો હોવો જોઈએ. આખા વર્ષ દરમિયાન સૂકા તાપમાનવાળો પ્રદેશ સફરજનની ખેતી માટે ખૂબ જ અગત્યનો છે.

ગોરાડુ સેન્દ્રિય દ્રવ્યથી ભરપૂર જમીન આ પાકને અનુકૂળ છે. જમીનનો pH 5.5થી 6.5 હોવો જોઈએ અને જમીન થોડો ઢાળ ધરાવતી હોવી જોઈએ. જમીનમાંથી પાણીનો નિકાલ તેમજ હવાની અવરજવર સહેલાઈથી થઈ શકે તેવી હોવી જોઈએ.

પ્રસર્જન (propagation) : સફરજનનું પ્રસર્જન સામાન્યત: કલિકા પદ્ધતિ (budding) કે આરોપણ (grafting) પદ્ધતિ દ્વારા પસંદગી કરેલ મૂલકાંડ (root stock) પર કરવામાં આવે છે. કલમ કરવાનો ઉત્તમ સમય ફેબ્રુઆરી-માર્ચ ગણવામાં આવે છે. વૃક્ષનું કદ વામન રાખવા મેલિંગ-IX જાતના મૂલકાંડનો ઉપયોગ કરવામાં આવે છે. મેલિંગ X-XVI ખૂબ ઝડપી વિકાસ પામે છે અને પ્રમાણિત (strandard) વૃક્ષ કે અર્ધપ્રમાણિત વૃક્ષ ઉત્પન્ન કરવા તેમનો ઉપયોગ થાય છે.

કલિકા પદ્ધતિથી પ્રસર્જન એપ્રિલ અને સપ્ટેમ્બરની વચ્ચે કરવામાં આવે છે. આ સમય દરમિયાન કલમ (scion) અને કાંડ (stock) બંનેમાં રસારોહણ (ascent of sap) સક્રિય હોય છે. વહેલું કલિકાસર્જન કરવા અગાઉની ઋતુમાં છાંટણી કરેલી હોય છે તેવી કલમની શાખા પસંદ કરવામાં આવે છે. મોડું કલિકાસર્જન કરવા તાજા પરિપક્વ પ્રરોહ પસંદ કરાય છે.

વાવણી : ફલોદ્યાન(orchard)માં રોમાની જાતનું કદ અને વાવેતરના અંતર પ્રમાણે વાવેતરની જગાએ 1 x 1 x 1 મી.નો ખાડો કરવામાં આવે છે. વાવેતરનું અંતર 6.0 મી.થી 7.5 મી. બે હાર વચ્ચે અને હારમાં બે છોડ વચ્ચે હોવું જોઈએ; જેથી 180-250 છોડ/હૅક્ટર રોપી શકાય છે. વાવેતરનું અંતર છોડના કદ પ્રમાણે નક્કી કરવામાં આવે છે. હાલમાં એકમ વિસ્તારમાં વધુ ઝાડ રોપવા માટે ગીચ વાવેતર પદ્ધતિ(high density planting)નો ઉપયોગ કરવામાં આવે છે.

છાંટણી (pruning) : આ પ્રક્રિયા સફરજનના વૃક્ષ માટે ખૂબ જ અગત્યની છે. આ પ્રક્રિયા છોડના વાનસ્પતિક વિકાસ અને પુષ્પનિર્માણ માટે જવાબદાર છે. તે સુષુપ્ત અવસ્થામાં હોય ત્યારે ડિસેમ્બર-જાન્યુઆરી માસમાં છાંટણી કરવી હિતાવહ છે.

ખાતર : પ્રથમ વાર ખાતર રોપના ખાડામાં આપવામાં આવે છે. આ ખાતરની માત્રા જમીનની ફળદ્રૂપતાને આધારે નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે નાઇટ્રોજન 400 ગ્રા., ફૉસ્ફરસ 350 ગ્રા. અને પોટાશ 700 ગ્રા. ભલામણ કરવામાં આવેલી માત્રા છે.

સિંચાઈ : આ ફળ-પાકને આખા વર્ષ દરમિયાન વહેંચાયેલો 100 સેમી.થી 125 સેમી. વરસાદ જોઈએ છે. ખાસ કરીને એપ્રિલથી ઑગસ્ટ માસ સુધી પાણી આપવું જરૂરી છે. ઉનાળામાં 7-10 દિવસના આંતરે, જ્યારે વર્ષના બાકીના સમયમાં 21-28 દિવસે પાણી આપવામાં આવે છે. ટપક પદ્ધતિથી પિયત આપવાથી પાણીની બચત થાય છે અને ઉત્પાદન સારું મળે છે.

સફરજનને થતા રોગો : સફરજનને ઘણા રોગો થાય છે. કાળા થડ(stem black)નો રોગ (Coniothecium chomatosporm) અને બદામી થડ(stem brown)નો રોગ (Botryosphaeria ribis) સફરજનના પાકને ગંભીર નુકસાન પહોંચાડે છે. કાળા થડના રોગમાં રોગજન દ્વારા થડ પર કાળા લિસોટા ઉત્પન્ન થાય છે, ત્યારબાદ કૅન્કર થાય છે અને અંતે યજમાન મૃત્યુ પામે છે. તેના કેટલાક પ્રભેદો (strains) દ્વારા ફળમાં તિરાડો પડે છે અને શાખાઓ પર પીટિકાઓ ઉદ્ભવે છે. ઑગસ્ટના મધ્યમાં આ રોગ ખૂબ જોર પકડે છે. બદામી થડના રોગ દ્વારા પશ્ચ ક્ષય (die back) થાય છે. હાલ શિથિલ થઈ કાગળ જેવી બની બહારની તરફ ગોળ વીંટળાય છે. બંને રોગનું નિયંત્રણ છાંટણીથી થયેલી ઈજાઓને રેડ લેડ (57.0 ગ્રા.), કૉપર કાર્બોનેટ (57.0 ગ્રા.) અને કાચા અળસીના તેલ(100 ઘન સેમી.)થી બનાવેલી લૂગદી દ્વારા રંગવાથી થાય છે. અળસીના તેલની જગાએ લેનોલીન પણ વાપરી શકાય. વસંત ઋતુમાં બે વાર લાઇમ-સલ્ફરનો છંટકાવ કરવાથી કાળા થડના રોગનું નિયંત્રણ થાય છે.

ગુલાબી રોગ (corticum salmonicolor) સફરજનને ખૂબ નુકસાન કરે છે. તેનો ચેપ ઑગસ્ટથી સપ્ટેમ્બરની મધ્ય સુધી મહત્તમ હોય છે. અસરગ્રસ્ત ભાગ પર નાની સફેદ રંગની પાકેલી ફોલ્લી જેવી રચનાઓ ઉદ્ભવે છે, જે ફૂટતાં છાલમાં થઈને ગુલાબી રંગની ટાંકણીના માથા જેવડી કણિકાઓ નીકળે છે; પર્ણો બદામી રંગનાં થઈ સુકાઈ જાય છે. શાખાઓના ચીપિયાઓ અને છાંટણીથી થયેલા ઘાને રેડ લેડકૉપર કાર્બોનેટની લૂગદી વડે રંગવાથી આ રોગનું નિયંત્રણ થાય છે. અસરગ્રસ્ત શાખાઓને દૂર કરી બાળી નાખવામાં આવે છે અને આજુબાજુ રહેલા બધા વૈકલ્પિક યજમાનોનો નાશ કરવામાં આવે છે.

બદામી સડો (sclerotinia fructigena) સફરજનને ભારે નુકસાન પહોંચાડે છે. તે ચીમળાયેલાં સફરજન પર સુષુપ્તાવસ્થા ગાળે છે અને તલ પ્રદેશમાં બધી બાજુએથી કૅન્કર રોગ લાગુ પાડે છે. બધા રોગગ્રસ્ત ભાગો દૂર કરી તેનો નાશ કરવામાં આવે છે. વૃક્ષ પર ગુલાબી કલિકા અવસ્થાએ અને વજ્ર (calyx) અવસ્થાએ 2 : 4 : 50ના પ્રમાણમાં બોર્ડો મિશ્રણનો છંટકાવ અને ત્યારબાદ બે અઠવાડિયાં બાદ ફરીથી છંટકાવ કરવાથી ફૂગનો નાશ થાય છે.

કંઠ(collar)નો કે મૂળનો સડો Corticium rolfsii દ્વારા થતો હોવાનું મનાય છે. ખુલ્લાં થયેલાં મૂળની ફરતે 45 સેમી.ના વ્યાસવાળાં બળેલી માટીનાં વલયો કરવાથી અને ખુલ્લાં થયેલાં મૂળને બોર્ડો-મિશ્રણ વડે ધોવાથી કેટલેક અંશે આ રોગનું નિવારણ થાય છે.

બીજો કંઠનો સડો Rosellinia sp. દ્વારા થાય છે. રોગગ્રસ્ત ભાગો કાપી નાખી રેડ લેડકૉપર કાર્બોનેટની લૂગદી વડે રંગવાથી રોગનું નિયંત્રણ થાય છે.

સ્કેબનો રોગ (Venturia inequalis) પર્ણો, તરુણ કાષ્ઠ, ફળ અને પુષ્પોને થાય છે. પર્ણો અને શાખાઓ પરિપક્વ બનતાં પહેલાં સુકાઈ જઈ ખરી પડે છે. રોગગ્રસ્ત ભાગોને બાળી નાખવામાં આવે છે, વૃક્ષો પર બોર્ડો મિશ્રણનો છંટકાવ કરવામાં આવે છે અને લાઇમ-સલ્ફરનો પ્રક્ષાલ (wash) પુષ્પો ખૂલવાથી માંડી ફળો પાકે ત્યાં સુધી આપવામાં આવે છે.

ભૂકી છારો(powdery mildew)નો રોગ Podosphaera leucotricha દ્વારા થાય છે. તે પર્ણો, પ્રકાંડ, પુષ્પ અને ફળો પર અસર કરે છે, શિયાળામાં રોગગ્રસ્ત ભાગોની છાંટણી અને લાઇમ-સલ્ફર, આયર્ન સલ્ફાઇટ, સોડિયમ પૉલિસલ્ફાઇડ કે બોર્ડો-મિશ્રણના છંટકાવની ભલામણ કરવામાં આવે છે.

પાનનાં ટપકાં Phyllosticta pirina દ્વારા થાય છે. સુષુપ્તાવસ્થામાં 2 : 10 : 40ના પ્રમાણમાં બોર્ડો-મિશ્રણનો છંટકાવ કરવાથી અને રોગગ્રસ્ત પર્ણોને એકત્રિત કરી બાળી નાખવાથી રોગનું નિયંત્રણ થાય છે.

Myxosporiam microsporum અને Cercospora mali દ્વારા પણ પાનનાં ટપકાંનો રોગ થાય છે. થડના કૅન્કરનો રોગ Sphaeropsis malorum = Physalospora obtusa દ્વારા થાય છે.

જીવાત : સફરજનના વૃક્ષને અસર કરતી જીવાતમાં ભીંગડાંવાળી જીવાત Quadraspidiotus perniciosus સૌથી ગંભીર છે. સુષુપ્ત ઋતુમાં (નવેમ્બર-ફેબ્રુઆરી) પોટાશ-ફિશ-ઑઇલ સાબુ અને પાણીમાં ડીઝલ ઑઇલનો છંટકાવ કરવાથી અને ત્યારપછી ઉનાળામાં ફરીથી છંટકાવ કરવાથી તેનું નિયંત્રણ થાય છે.

ભારતના વિવિધ પ્રદેશોમાં થતી ભીંગડાંવાળી જીવાતોમાં Hemibertesia rapax, H. lataniae, Chrysomphalus dictyospermi, Duplaspidiotus tesseratus, Howardia biclavis અને Pscudalacapsis pentagonaનો સમાવેશ થાય છે.

વૂલી એફિસ, Eriosoma lanigerum ઘણા ફલોદ્યાનમાં થતી ભારે જીવાત છે. તેની ઇયળો ઊનના પોચા જથ્થામાં પવન દ્વારા એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર ફેંકાય છે અને તેમના હવાઈ ભાગો અને મૂળ પર આક્રમણ કરે છે અને પીટિકાઓ (galls) વડે આવરિત થાય છે. તેઓ મૂળનો એટલી હદ સુધી નાશ કરે છે કે જેથી ખૂબ પવનમાં વૃક્ષ ઊખડી પડે છે. ચેપગ્રસ્ત વૃક્ષનાં ફળો નાનાં, વિકૃત અને નીચી ગુણવત્તાવાળાં હોય છે.

‘નૉર્ધર્ન સ્પાય’, મેટૉન સ્ટોક્સ 778 અને 779 તેમજ Malus baccata જેવા વૂલી એફિસ-રોધક મૂલકાંડ પર સફરજનના પ્રકારોની કલિકાઓ કરવાથી જીવાતનું અસરકારક નિયંત્રણ થાય છે. ઉનાળામાં મૃદુ સાબુ-નિકોટિનનો અને શિયાળામાં તમાકુ-રાળ સાબુનો છંટકાવ કરવાથી નિયંત્રણ થાય છે. મૂળ ખાઈ જતાં સ્વરૂપોના નિયંત્રણ માટે p-ડાઇક્લોરોબેન્ઝીન વૃક્ષથી 1.5 મી.થી 3.0 મી. દૂર 10 સેમી. ઊંડા વર્તુળાકાર ખાડામાં આપવામાં આવે છે. coccinella septempunctata નામની પરભક્ષી ભમરાની જાતિ વસંત ઋતુની શરૂઆતથી મધ્ય ઉનાળા સુધી આ એફિસનું નિયંત્રણ કરે છે. બીજા ત્રણ કીટકો Chilomenes bijugans infernalis, Syrphus confrater અને Ancyclopteryx punctata પણ એફિસનું ભક્ષણ કરે છે. Aphelinus Mali નામના પરોપજીવીનો પણ એફિસના નિયંત્રણ માટે ઉપયોગ કરવામાં આવે છે. જોકે તેનાથી બહુ સફળતા મળતી નથી.

મૂળ વેધક Lophosternus hugeli સફરજનને ગંભીર નુકસાન પહોંચાડતું કીટક છે. તેના નિયંત્રણ માટે p-ડાઇક્લોરો-બેન્ઝીનનો ઉપયોગ કરવામાં આવે છે.

રૂંછાળી ઇયળ Lymantria obfuscata સફરજનનાં પર્ણોનું વિપત્રણ (defoliation) કરે છે. Euproctis signata નામની ઇયળ કલિકાઓ, પુષ્પો, પર્ણો અને ફળોને ઈજા પહોંચાડે છે. પીળાશ પડતી લાલ ઇયળ Zeuzera sp. પ્રકાંડવેધક છે. તેની ઇયળો અને ઈંડાંનો સમૂહ વીણી લઈને તેમનો નાશ કરવામાં આવે છે. લેડ-આર્સેનેટ-લાઇમનો છંટકાવ કે સોડિયમ ફ્લુઓસિલિકેટ અને ભસ્મ છાંટવામાં આવે છે.

Laspereysia pomonella નામનું કોડલિંગ ફૂદું અને Euzophera punicella અને Cacoecia sarcostegaની ઇયળો કોડલિંગ ફૂદાની ઇયળો સાથે ફળો પર આક્રમણ કરે છે. કોડલિંગ ફૂદાની ઇયળોએ કરેલાં કાણાંઓ દ્વારા તેઓ પ્રવેશી પાકને ગંભીર નુકસાન પહોંચાડે છે. વજ્ર-અવસ્થાએ લેડ આર્સેનેટનો છંટકાવ અને ફરીથી ચાર વાર લેડ આર્સેનેટ અને માછલીના તેલનો આવરણ સહિતનો છંટકાવ આ કીટકોનું નિયંત્રણ કરે છે. લણેલાં ફળો પર મિથાઇલ બ્રોમાઇડ સહિતના ધૂમન(funigation)ની ભલામણ કરવામાં આવે છે.

ફળપતન : આ ફળપાકમાં ફળનું ખરી પડવું એક પ્રકારનો પ્રશ્ન છે. આ વૃક્ષ પરથી ફળપતન ત્રણ સમયે થાય છે : (1) શરૂઆતના સમયે થતું ફળપતન (early drop), (2) જૂન માસમાં થતું ફળપતન (June drop) અને (3) લણણી પૂર્વે થતું ફળપતન (preharvest drop). જૂન માસમાં થતું પતન ઓછા ભેજને કારણે થાય છે. વહેલું થતું પતન પરાગનયન કે ફલનની ક્રિયા વ્યવસ્થિત રીતે ન થવાથી થાય છે. ફળપતન અટકાવવા માટે 10 પી.પી.એમ. નૅપ્થેલિન એસેટિક ઍસિડ (NAA) ફળ ઉતારવાના 20-25 દિવસ પહેલાં આપવામાં આવે છે.

ઉત્પાદન : સામાન્ય રીતે 6 ટન/હૅક્ટર ફળ-ઉત્પાદન થાય છે. ઉતારેલાં ફળો પરથી ધૂળ અને છાંટેલાં દ્રવ્યો દૂર કરવા તેમને ધોવાં જરૂરી છે. લેડ કાર્બોનેટનાં વ્યુત્પન્નો દૂર કરવા 1 % હાઇડ્રોક્લૉરિક ઍસિડના દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે. માછલી કે ખનિજતેલ દૂર કરવા પહેલાં સોડિયમ સિલિકેટ(40 ગ્રા.-80 ગ્રા./લી.)વાળા હૂંફાળા પાણીથી અને પછી મંદ ઍસિડ વડે ધોવાય છે.

વર્ગીકરણ : ફળોનાં કદ અને આકાર, રંગ અને છાલને આધારે તેઓનું ‘સુપર’, ‘ફેન્સી’, ‘સિલેક્ટેડ’ અને ‘કૉમર્શિયલ’ – એમ વર્ગીકરણ કરવામાં આવે છે. સિમલાની ટેકરીઓમાં તેનું વર્ગીકરણ ‘વધારે મોટાં’, ‘મોટાં’, ‘મધ્યમ’, ‘નાનાં’ અને ‘વધારે નાનાં’ એમ કરાય છે.

સંગ્રહ : સંવાતિત (ventilated) વખારમાં 90 % સાપેક્ષ ભેજે ઘોડાઓ પર ખોખાંઓ કે ટોપલાઓમાં સંગ્રહ કરવાની ભલામણ કરવામાં આવે છે, જેથી ફળોનો સંગ્રહ લાંબા સમય માટે સારી રીતે થઈ શકે. ફળના ઉતાર અને સંગ્રહ વચ્ચે ઢીલ ન થાય તે જરૂરી છે. પરિપક્વતાની જુદી જુદી અવસ્થાવાળાં ફળો અલગ સંગ્રહવામાં આવે છે. પ્રશીતિત (refrigerated) સંગ્રહ ફળોને લાંબું જીવન આપે છે. ‘ડિલિશસ’ સફરજનોને 1.6o સે.3.3o સે. તાપમાને અને 85 %થી 90 % સાપેક્ષ ભેજે 3-4 માસ માટે, જ્યારે ‘રોમ બ્યૂટી’ અને ‘બાલ્ડ વિન’ને 0.5o સે. 0o સે. તાપમાને અને 85 %થી 88 % સાપેક્ષ ભેજે 5-7 માસ માટે સંગ્રહી શકાય છે.

બંધારણ અને ઉપયોગો : સફરજન મુખ્યત્વે અંતિમ વિરસણ (dessert) તરીકે ઉપયોગમાં લેવાતાં ફળો છે. વધુ ઍસિડ દ્રવ્ય ધરાવતાં ફળો રસોઈના હેતુ માટે વપરાય છે. તે માટે ફળનાં પતીકાં પાડી તેને સૂકવવામાં આવે છે. તેમની ડબ્બાબંધી (canning) કરી જામ અને જેલી બનાવવામાં આવે છે. ફળોમાંથી તાજો રસ કાઢી તેનો ઉપયોગ કરવામાં આવે છે, અથવા આથવણ કરી સાઇડર (cider = સફરજનમાંથી બનાવાતું પીણું), દારૂ અને વિનેગર બનાવવામાં આવે છે. સાઇડરનું નિસ્યંદન કરી બ્રાન્ડી પ્રાપ્ત કરવામાં આવે છે.

સફરજન પ્રતિસ્કર્વી (antiscorbutic) ફળ ગણાય છે. તે વિપુલ પ્રમાણમાં પૅક્ટિન ધરાવે છે અને અતિસાર(diarrhoea)માં ઉપયોગી છે. સફરજનનો રસ, સિરપ અને વિનેગર નવજાત શિશુના ખોરાકમાં દૂધ સાથે અપાય છે. સફરજનનો મુરબ્બો હૃદય માટે ઉત્તેજક ગણાય છે. તે વ્યક્તિના શરીરના ભારેપણાને અને માનસિક તણાવને દૂર કરે છે. મૂળની છાલ કૃમિહર (anthelmintic), પ્રશીતક (refrigent) અને સંમોહક (hypnotic) હોય છે. છાલનો આસવ અંતરાયિક (intermittant), વધતા-ઘટતા (remittant) અને પૈત્તિક (bilious) તાવમાં આપવામાં આવે છે. સફરજનનાં પર્ણોમાંથી ફ્લોરેટિન (w-p-હાઇડ્રોક્સિફિનીલ પ્રોપિયોફેનોન) નામનો પ્રતિજીવાણુક (antibacterial) પદાર્થ અલગ કરવામાં આવ્યો હોય છે. તે ઘણાં ગ્રામ (+) ve અને ગ્રામ (-) ve બૅક્ટેરિયાની વૃદ્ધિ 30 પી.પી.એમ. જેટલી નીચી સાંદ્રતાએ અવરોધે છે. સફરજન પ્રરોહ, મૂળની છાલ અને બીજમાં ફ્લોરિડ્ઝીન હોય છે. ફ્લોરેટિન અને ફ્લોરિડ્ઝીન બંને પ્રાયોગિક પ્રાણીમાં ગ્લુકોઝમેહ (glucosuria) ઉત્પન્ન કરે છે.

આયુર્વેદ અનુસાર તે સ્વાદે મધુર, રુચિકર, શીતળ, વીર્યવર્ધક, કામોત્તેજક, હૃદયને હિતકર, ઝાડો બાંધનાર, રક્તશોધક, મગજશક્તિવર્ધક, પાચનકર્તા, પિત્તદોષ દૂર કરનાર, ક્ષય, શોષ, નબળાઈ, મંદાગ્નિ, તાવ અને સોજાનો નાશ કરે છે. ઝાડા અને મરડા માટે ઔષધિ ગણાય છે.

મેદસ્વિતાના કિસ્સામાં વ્યક્તિને તમામ આહાર છોડી ફક્ત સફરજન અને મધ પર રાખવામાં આવે છે. હોજરીના સોજામાં સફરજનનું શરબત કે મુરબ્બો લેવાથી ફાયદો થાય છે. સફરજનને ભૂંજીને ખાવાથી આંતરડાંના કૃમિ નાશ પામે છે. ઊલટી ઉપર સફરજનના રસમાં સિંધવ અને મરી નાખી પિવડાવવામાં આવે છે. પાકા સફરજનના રસમાં મધ કે સાકર મેળવી પીવાથી ખાંસી અને મૂર્ચ્છા દૂર થાય છે. હૃદયની નબળાઈમાં સફરજનના તાજા રસનું સેવન કરવામાં આવે છે. ઝાડા અને મરડામાં સફરજન કે તેનો મુરબ્બો આપવામાં આવે છે.

રાસાયણિક બંધારણ : સફરજનના ફળનું બંધારણ તેની જાત, વૃદ્ધિ ઋતુ દરમિયાન આબોહવાકીય સ્થિતિ અને પરિપક્વતાની અવસ્થા પર આધાર રાખે છે. તેનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : કુલ ઘન પદાર્થો 13.6 – 26.0 %, કુલ શર્કરાઓ 9.5 – 17.4 %, ગ્લુકોઝ 2.5 – 5.6 %, ફ્રુક્ટોઝ 6.5 – 11.8 %, સુક્રોઝ 1.5 – 6 %, ઍસિડ (મૅલિક ઍસિડ તરીકે) 0.3 – 1.0 % અને ટૅનિન 0.2 – 0.15 %. વિટામિન, ક્ષારો અને કાર્બનિક ઍસિડ છાલમાં અને છાલની તરત નીચે એકત્રિત થયેલાં હોવાથી ફળ છાલસહિત ખાવાં જોઈએ.

પાકા ફળના કુલ કાર્બોદિતોમાં આશરે 80 % જેટલી શર્કરાઓ હોય છે; જેમાં મુખ્ય ઘટક ફ્રુક્ટોઝ (60 % આશરે) છે. ત્યારપછી અનુક્રમે ગ્લુકોઝ (25 %) અને સુક્રોઝ 15 %) આવે છે. એરેબિનોઝ, ઝાયલોઝ, સોર્બિટોલ, એક સાયક્લિરોલ (મેસો-ઇનોસિરોલ) અને બે કીટોઝ એલિગોસૅકેરાઇડ ગૌણ જથ્થામાં હોય છે. અન્ય કાર્બોદિતોમાં સ્ટાર્ચ, ડૅક્ષ્ટ્રીન, પૅક્ટિક સંયોજનો, સૅલ્યુલોઝ, હેમીસૅલ્યુલોઝ અને પેન્ટોસનનો સમાવેશ થાય છે. પાકાં ફળોમાં પેન્ટોસન 0.50 %, લિગ્નિન 0.40 % અને સૅલ્યુલોઝ 0.90 % હોય છે.

સફરજનના ખાદ્ય ભાગમાં પૅક્ટિન દ્રવ્ય 0.14 – 0.96 % હોય છે. માંસલ ભાગ કરતાં છાલમાં પૅક્ટિન દ્રવ્ય વધારે હોય છે. વધારે પાકાં ફળોમાં દ્રાવ્ય પૅક્ટિન સંયોજનો બિન-પૅક્ટિન સંયોજનોમાં વિઘટન પામે છે.

પ્રોટીન અલ્પ જથ્થામાં (0.06 – 0.38 %) હોય છે. પાકાં ફળોના બિન-પ્રોટીન ઘટકમાં મુક્ત ઍમિનોઍસિડો, ઍમાઇડ, એમોનિયા નાઇટ્રોજન અને બેઝિક નાઇટ્રોજન હોય છે. બિન-પ્રોટીન નાઇટ્રોજનના 50 % એસ્પર્જિન હોય છે. પ્રોટિયોઝીઝ અને પૉલિપૅપ્ટાઇડ અલ્પ જથ્થામાં હોય છે. ફળના આલ્કોહૉલીય નિષ્કર્ષમાં કેટલાક પાઇપેકોલિનિક ઍસિડ, r-મિથાઇલ પ્રોલીન અને 4-હાઇડ્રૉક્સિ-મિથાઇલ પ્રોલીન સહિત કેટલાંક મુક્ત ઍમિનોઍસિડ પણ મળી આવે છે.

તાજા સફરજનના ખાદ્ય ભાગમાં મળી આવતાં વિટામિન આ પ્રમાણે છે : થાયેમિન 0.12 મિગ્રા., રાઇબોફ્લેવિન 0.03 મિગ્રા., નાયેસિન 0.2 મિગ્રા. અને ઍસ્કૉર્બિક ઍસિડ 2 મિગ્રા./100 ગ્રા., કૅરોટિન, પૅન્ટોથેનિક ઍસિડ, પાયરિડોક્સિન, બાયૉરિન, ઇનોસિટોલ અને ફૉલિક ઍસિડ અલ્પ પ્રમાણમાં હોય છે. ઍસ્કૉર્બિક ઍસિડનું પ્રમાણ 40 મિગ્રા./100 ગ્રા. સુધીનું જોવા મળ્યું છે. સંગ્રહ દરમિયાન ઍસિડના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.

મેલિક ઍસિડ આ ફળનો મુખ્ય ઍસિડ (કુલ ઍસિડના 90 – 95 %) છે. સાઇટ્રિક, લૅક્ટિક અને સક્સિનિક ઍસિડ પણ હોય છે. ઑક્ઝેલિક, ફૉર્મિક, ઍસેટિક, ડાઇહાઇડ્રૉક્સિ-ટ્રાઇકાર્બેલિલિક, l-ક્વિનિલિક, ગ્લાયકોલિક, કૅફિક, કાઉમેરિક અને n-કાઉમેરિલ ક્વિનિક ઍસિડ અત્યંત અલ્પ પ્રમાણમાં હોય છે. સંગૃહીત સફરજનનો રસ (45 દિવસ, 19o – 20 o સે.) પ્રોપિયોનિક ઍસિડ અને બ્યુટિરિક ઍસિડ ધરાવે છે. છાલમાં શિકમિક ઍસિડ હોય છે અને ફળના પરિપક્વન સાથે તેની સાંદ્રતા વધે છે.

પીળાશ પડતું, ઘટ્ટ બાષ્પશીલ તેલ (0.0035 %) ‘બેન ડેવિસ’ સફરજનના જલીય નિસ્યંદિત(distillate)ના ઈથર-નિષ્કર્ષણ દ્વારા પ્રાપ્ત થાય છે.

સફરજનમાં રહેલા સંકોચક (astringent) ઘટકોમાં ટેનિન, ટેનિન- વ્યુત્પન્નો અને ફ્લેવોન (રંગદ્રવ્યો) છે. લીલાં ફળોમાં ટેનિન (કેફેટેનિન, d-કેટેચિન અને l-એપીકેટેચિન) પુષ્કળ પ્રમાણમાં હોય છે. પરિપક્વતાએ ફળમાં ટેનિનનું પ્રમાણ ઘટે છે. સફરજનનાં પતીકાં હવામાં ખુલ્લાં રાખતાં તે બદામી રંગ ધારણ કરે છે, કારણ કે ટેનિન-સંયોજનોનું ઉત્સેચકીય ઑક્સિડેશન થાય છે.

અપરિપક્વ સફરજનની છાલનો રંગ ક્લોરોફિલને કારણે લીલો હોય છે. જેમ જેમ ફળ પરિપક્વ થતું જાય તેમ તેમ તે પીળો કે લાલ અથવા બંને રંગ ધારણ કરે છે. મુખ્ય પીળું રંજકદ્રવ્ય ફ્લેવોન ગ્લાયકોસાઇડ, હાઇપેરિન (3-ગેલેક્ટોસિડલક્વિર્સેટિન). એક એન્થોસાયનિન આઇડિન (3-ગેલેક્ટોસિડલ સાયનિડિન) લાલ રંગ માટે જવાબદાર મુખ્ય રંજકદ્રવ્ય છે. સફરજનની કેટલીક જાતોમાં લાલ છાલ મેલ્વિડિન મૉનોગ્લાયકોસાઇડ ધરાવે છે. ‘ગ્રિમ્સ ગોલ્ડન’ સફરજનની જાત 6 ક્વિર્સેટિન ગ્લાયકોસાઇડ ધરાવે છે : હાઇપેટિન, એવિક્યુલેરિન, ક્વિર્સેટિન, આઇસોક્વિર્સિટ્રિન, રુટિન અને ક્વિર્સેટિન 3-ઝાયલોસાઇડ.

સફરજનની પેશીમાં ડાયાસ્ટેઝ, ઑક્સિડેઝ (પૉલિફિનોલેઝ, પેરૉક્સિડેઝ, ઍસ્કૉર્બિડેઝ) અને કેટાલેઝ ઊંચી સાંદ્રતાએ હોય છે. ઑક્સિડેઝની સક્રિયતા ફળની પરિપક્વતા સાથે ઘટતી જાય છે. કેટાલેઝની સક્રિયતા છાલમાં સૌથી વધુ અને છાલની નીચેના પ્રદેશમાં સૌથી ઓછી હોય છે. સામાન્યત: પેશીની ઉચ્ચ ચયાપચયિક સક્રિયતા કેટાલેઝની ઉચ્ચ સક્રિયતા દ્વારા અભિવ્યક્ત થાય છે. પૉલિફિનોલેઝ દ્વારા સફરજન કાળાં પડે છે. ઍસ્કૉર્બિડેઝ ઍસ્કૉર્બિક ઍસિડને હાઇડ્રો-ઍસ્કૉર્બિક ઍસિડમાં ફેરવે છે. ઍસ્ટરેઝ, ટ્રિપ્સિન કે પૅપેઇન પ્રકારનો પ્રોટિયેઝ, ઇન્વર્ટેઝ, પૅક્ટેઝ, ઍરેબિનેઝ, ગૅલેક્ટેનેઝ અને પૉલિગૅલેક્ચ્યુરોનેઝના સફરજનમાંથી ઓળખાયેલા બીજા ઉત્સેચકો છે.

સફરજન પોટૅશિયમનો સારો સ્રોત છે. તાજા સફરજનના ખાદ્ય ભાગનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : કૅલ્શિયમ 6 મિગ્રા., મૅગ્નેશિયમ 6 મિગ્રા., પોટૅશિયમ 111 મિગ્રા., સોડિયમ 2 મિગ્રા., ફૉસ્ફરસ 11 મિગ્રા., ક્લોરિન 4 મિગ્રા., સલ્ફર 5 મિગ્રા. અને આયર્ન 0.3 મિગ્રા./100 ગ્રામ., તાંબું 85 માઇક્રોગ્રા./100 ગ્રા., મૅંગેનિઝ, ઍલ્યુમિનિયમ, ઝિંક, આયોડિન, બોરોન, લેડ અને આર્સેનિક અતિ અલ્પપ્રમાણમાં હોય છે. સફરજનનાં ખનિજ ઘટકો મનુષ્યના પોષણ માટે ખૂબ મહત્ત્વનાં ગણાય છે.

સફરજનનાં બીજ 0.62 – 1.58 % એમાયઝેલિન અને 18 – 23 % ચળકતું પીળું અર્ધશુષ્કન તેલ ધરાવે છે. તેલની ગંધ કડવી બદામ જેવી હોય છે.

સફરજનનું કાષ્ઠ (768 કિગ્રા./ઘમી.) મજબૂત, કઠિન અને સઘન હોય છે. તેનું સંશોષણ (seasoning) સારી રીતે થાય છે, પરંતુ તે વેષ્ટન (wraping) અને વિપાટન (splitting)સંવેદી છે. તેનો ઉપયોગ હાથા, સાધનો, હથોડીનાં માથાં, સોટીઓ, ફૂટપટ્ટીઓ, પાઇપ અને દડા બનાવવામાં થાય છે.

બળવંતરાય વલ્લભભાઈ પઢિયાર

બળદેવભાઈ પટેલ