નેપોલિયન બોનાપાર્ટ (જ. 15 ઑગસ્ટ 1769, એજેસીઓ, કૉર્સિકા; અ. 5 મે 1821, સેંટ હેલેના ટાપુ) : ફ્રેન્ચ સેનાપતિ, પ્રથમ કૉન્સલ અને ફ્રાંસનો સમ્રાટ. પિતા કાર્લો બોનાપાર્ટ વ્યવસાયે ધારાશાસ્ત્રી. શરૂઆતમાં કાર્લો કૉર્સિકાને ફ્રેંચ અંકુશમાંથી મુક્ત કરવા માટે સ્થપાયેલા પક્ષનો સભ્ય હતો; પરંતુ પાછળથી તે ફ્રાંસતરફી બન્યો હતો.
નેપોલિયને 1779થી પાંચ વર્ષ સુધી બ્રિયેનની લશ્કરી શાળામાં અને પછી એક વર્ષ માટે પૅરિસની લશ્કરી કૉલેજમાં શિક્ષણ લીધું. સપ્ટેમ્બર, 1785 પછી તેણે તોપખાના-વિભાગમાં બીજા દરજ્જાના લેફ્ટનન્ટ તરીકે લશ્કરી કારર્કિદીની શરૂઆત કરી. તેને કૉર્સિકામાં લશ્કર અને રાજકારણમાં સફળતા ન મળી. બીજી બાજુ 14 જુલાઈ, 1789થી ફ્રાંસમાં ક્રાંતિની શરૂઆત થઈ. એપ્રિલ, 1791માં તેને તોપખાના વિભાગમાં વેલેન્સ ખાતે પ્રથમ લેફ્ટનન્ટ તરીકે નીમવામાં આવ્યો. તે ક્રાંતિકારી જૅકબિન ક્લબમાં જોડાયો. શરૂઆતમાં તે બંધારણીય રાજાશાહીની તરફેણમાં હતો. સપ્ટેમ્બર, 1791માં કૉર્સિકા ગયેલ અને ત્યારબાદ ભાગેડુ તરીકે જાહેર થયેલ.
ફ્રાંસે એપ્રિલ, 1792માં ઑસ્ટ્રિયા સામે યુદ્ધ જાહેર કર્યું. તેથી નેપોલિયનનો ગુનો માફ કરી તેને કૅપ્ટનનો હોદ્દો આપવામાં આવ્યો. ઑક્ટોબર, 1792માં તે ફરી કૉર્સિકા ગયો; પરંતુ કૉર્સિકાના રાજકારણીઓને નેપોલિયન અસ્વીકાર્ય હોવાથી જૂન, 1793માં તે ફરી પોતાની રેજિમેન્ટમાં જોડાયો. હવે તેણે જૅકબિનો સાથે રહીને ફ્રાન્સમાં પ્રજાસત્તાક તંત્રની તરફેણ કરી.
જૂન, 1793થી રોબેસ્પિયેરના નેતૃત્વ હેઠળ અંતિમવાદી જૅકબિન જૂથે સરકાર પર કબજો જમાવ્યો હતો. ઑગસ્ટ, 1793ના અંતમાં ફ્રાંસની આ ક્રાંતિકારી (જાહેર સુરક્ષા સમિતિ) સરકારનાં લશ્કરોએ માર્સેઇલ પર કબજો જમાવ્યો, પરંતુ તૂલોં પાસે તેમને રાજાશાહી તરફી લશ્કરે બ્રિટિશ સૈન્યની મદદથી ખાળ્યાં; ત્યારે નેપોલિયનને પોતાની લશ્કરી વ્યૂહરચના અને કાર્યશક્તિનો પરિચય કરાવવાની તક પ્રાપ્ત થઈ. તેને લશ્કરમાં બઢતી આપવામાં આવી. 17મી ડિસેમ્બર (1793) સુધીમાં તેના તોપખાનાનાં દળોએ અંગ્રેજ સૈન્યને હાર આપીને તૂલોં પર કબજો જમાવ્યો. નેપોલિયનને આ કામગીરી બદલ રોબેસ્પિયેરે બ્રિગેડિયર જનરલનો ઉચ્ચ હોદ્દો આપ્યો અને ફેબ્રુઆરી, 1794માં નેપોલિયનને ઇટાલીમાંના ફ્રેંચ સૈન્યોના તોપખાનાનો વડો બનાવવામાં આવ્યો; પરંતુ જુલાઈ, 1794માં ‘જાહેર સુરક્ષા સમિતિ’ તરીકે ઓળખાતી ક્રાંતિકારી સરકારમાંથી રોબેસ્પિયેરને દૂર કરીને તેને ગોળીએ ઉડાવી દેવામાં આવ્યો. તેની સાથે તેના ‘ત્રાસના શાસન’નો અંત આવ્યો અને તેના વફાદાર એવા નેપોલિયનને થોડા દિવસ કેદમાં પૂરવામાં આવ્યો હતો. ઉદ્દામવાદી જૂથ સાથેના તેના સંબંધોને લીધે સરકારને તેના પર વિશ્વાસ ન રહ્યો; પરંતુ થોડા સમયમાં ફ્રાંસમાં રાજકીય પરિવર્તન આવ્યું. 5 ઑક્ટોબર, 1795ને દિવસે શાસક રાષ્ટ્રીય સંમેલન (National Convention) પર રાજાશાહીતરફી તત્વો દ્વારા ઉશ્કેરાયેલાં ટોળાંઓએ હુમલો કર્યો. તે વખતે રાષ્ટ્રીય સંમેલનની સુરક્ષા માટે ફરજ બજાવતા નેપોલિયને ટોળાં પર તોપમારો કરીને સેંકડો લોકોને મારી નાખ્યા કે ઘાયલ કર્યા.
આ બનાવ પછી પ્રજાસત્તાક તંત્રના રક્ષક તરીકે નેપોલિયનની ખ્યાતિ વધી. તેને મેજર-જનરલનો હોદ્દો આપી ‘સંચાલક મંડળ’ (Directory)માં નવી ફ્રેંચ સરકારના લશ્કરી સલાહકાર તરીકે નીમવામાં આવ્યો. 1796માં નેપોલિયને તેનાથી 6 વર્ષ મોટી અને અગાઉના લગ્નથી થયેલાં બાળકોની માતા જૉસેફાઇન સાથે લગ્ન કર્યાં.
આ સમય દરમિયાન ક્રાંતિકારી ફ્રાંસ ઑસ્ટ્રિયા, પ્રશિયા વગેરે યુરોપીય સત્તાઓ સાથે ઘર્ષણમાં આવ્યું હતું, પરંતુ 1796માં ઑસ્ટ્રિયા ફ્રાંસનું મુખ્ય દુશ્મન રાજ્ય બન્યું હતું. ‘સંચાલક મંડળે’ ફ્રેંચ-ઇટાલિયન સરહદે ઑસ્ટ્રિયા સામે નેપોલિયનને મોકલ્યો. ફ્રેંચ દળો પાસે સાધન-સામગ્રીનો અભાવ હોવા છતાં નેપોલિયન ઑસ્ટ્રિયાનાં સૈન્યોને હરાવી આલ્પ્સ પર્વત ઓળંગીને વિયેના સુધી ગયો. પરિણામે ઑક્ટોબર, 1797માં ફ્રાંસ અને ઑસ્ટ્રિયા વચ્ચે કૅમ્પોફોર્નિયોની સંધિ થઈ, જે મુજબ ફ્રાંસના પ્રદેશમાં વધારો થયો. નેપોલિયને અજોડ ગણાતી એવી પોતાની લશ્કરી વ્યૂહરચનાનો ઉપયોગ યુદ્ધમાં કર્યો હતો.
ઇંગ્લૅન્ડના પૂર્વના વ્યાપારને નષ્ટ કરીને તેની આર્થિક તાકાતને નબળી પાડવા માટે નેપોલિયને ‘સંચાલક મંડળ’ સમક્ષ ઇજિપ્ત પર આક્રમણ કરવાની યોજના રજૂ કરી. ‘સંચાલક મંડળે’ તેની યોજનાનો સ્વીકાર કર્યો. મે, 1798માં નેપોલિયન 38,000 સૈનિકો અને યુદ્ધજહાજોના કાફલા સાથે જુલાઈ, 1798માં ઇજિપ્ત ગયો. તેણે કૅરો નજીક પિરામિડના યુદ્ધમાં મામલુકોને હરાવ્યા, પરંતુ અબુકીરના અખાતમાં ફ્રેંચ નૌકાદળને હોરેશિયો નેલ્સનના બ્રિટિશ નૌકાકાફલાએ નાઇલના યુદ્ધમાં હાર આપી. તેથી નેપોલિયનનો ફ્રાંસ સાથેનો સંપર્ક તૂટી ગયો. 1799માં નેપોલિયને તુર્કીના અંકુશ હેઠળના સીરિયા પર આક્રમણ કર્યું, પરંતુ એકરના કિલ્લા પર તે કબજો જમાવી ન શક્યો. તેથી તે ઇજિપ્ત પાછો આવ્યો અને અબુકીરના અખાત નજીક તુર્કીના લશ્કરને હાર આપી. આ સમયે ઑસ્ટ્રિયા, બ્રિટન તથા રશિયાએ લશ્કરી જોડાણ કરીને ઇટાલીમાં ફ્રેંચ લશ્કરને હાર આપીને નેપોલિયને જીતી લીધેલા પ્રદેશો પાછા મેળવી લીધા હતા. વળી ‘સંચાલક મંડળ’ની સરકાર પણ ફ્રાંસમાં અપ્રિય બની હતી. નૌકાદળના અભાવે સર્જાયેલી કફોડી સ્થિતિમાંથી બહાર નીકળવા અને ફ્રાંસ પહોંચી જવા માટે નેપોલિયન ઍડમિરલ નેલ્સનની નૌકાચોકીમાંથી છટકીને ઇજિપ્તથી ઑક્ટોબર, 1799માં ફ્રાંસ ગયો ત્યારે તેણે તુર્કી સામે અબુકીરના યુદ્ધમાં મેળવેલા વિજયના સમાચાર પૅરિસ પહોંચાડ્યા હતા.
આ સમયે ‘સંચાલક મંડળે’ લોકોનો વિશ્વાસ ગુમાવ્યો હોવાથી લોકોએ નેપોલિયનને ‘વિજેતા’ તરીકે વધાવી લીધો. નવેમ્બર 9-10, 1799ને દિવસે નેપોલિયને સૈનિકોની મદદથી ફ્રેંચ ધારાસભાને વિખેરી ‘સંચાલક મંડળ’ના સભ્યોને રાજીનામું આપવાની ફરજ પાડી. નવા બંધારણ સાથે ‘કૉન્સ્યુલેટ’ તરીકે ઓળખાતી ત્રણ સભ્યોની સરકાર રચવામાં આવી. પ્રથમ કૉન્સલ તરીકે બધી સત્તા નેપોલિયનના હાથમાં કેન્દ્રિત થઈ. ક્રાંતિનાં દસ વર્ષ દરમિયાન સર્જાયેલી અરાજકતામાંથી શાંતિ અને સ્થિરતા પ્રાપ્ત કરવા માટે લોકોએ નેપોલિયન જેવા સેનાનીના હાથમાં સત્તા સોંપી.
પ્રથમ કૉન્સલ તરીકે નેપોલિયને શાંતિ સ્થાપી. મે, 1800માં તે આલ્પ્સ પર્વત ઓળંગીને ઉત્તર ઇટાલીમાં ગયો અને જૂનમાં તેનાં લશ્કરોએ મૉરેન્ગોના યુદ્ધમાં ઑસ્ટ્રિયાને હાર આપી અને 1801ની નવી સંધિ હેઠળ યુરોપમાં તેની ગેરહાજરી દરમિયાન જે પ્રદેશો ફ્રાંસે ગુમાવ્યા હતા તે પાછા મેળવ્યા. ઑસ્ટ્રિયાની હાર પછી બ્રિટને પણ 1802માં ફ્રાંસ સાથે એમીન્સની સંધિ કરી. આમ છેલ્લાં દસ વર્ષ દરમિયાન પ્રથમ વાર યુરોપમાં શાંતિ સ્થપાઈ.
નેપોલિયન શ્રેષ્ઠ વહીવટકાર હતો. ફ્રાંસને ‘ડિપાર્ટમેન્ટ’ તરીકે ઓળખાતા વહીવટી એકમોમાં વિભાજવામાં આવ્યું. તે સાથે વહીવટી તંત્રનું કેન્દ્રીકરણ કરવામાં આવ્યું. નેપોલિયન જાણતો હતો કે લોકોને ધર્મની જરૂર હતી. અગાઉની ક્રાંતિકારી સરકારોએ લોકોની ધાર્મિક લાગણીને ધક્કો પહોંચાડ્યો હતો. નેપોલિયને કૅથલિક દેવળના વડા પોપ સાથે 1801માં સમજૂતી કરી, જે મુજબ પોપે ફ્રેંચ પ્રજાસત્તાકને સ્વીકૃતિ આપી અને ચર્ચની જે મિલકત ક્રાંતિકારી સરકારો દ્વારા વેચવામાં આવી હતી તે પગલાનો પોપે સ્વીકાર કર્યોં. ફ્રાંસમાં કૅથલિક ધર્મગુરુઓની નિયુક્તિ અંગે રાજ્ય હસ્તક્ષેપ કરી શકતું હતું. આ સમજૂતી મુજબ લોકોની ધાર્મિક માન્યતાની સ્વતંત્રતાનો અને રાજ્યના બિનસાંપ્રદાયિક સ્વરૂપનો દેવળે સ્વીકાર કર્યો, પરંતુ નેપોલિયનનું સૌથી મહત્વનું પ્રદાન કાનૂનને ક્ષેત્રે કરેલા સુધારાનું હતું. ક્રાંતિની શરૂઆતથી ન્યાયાધીશોને ચૂંટવામાં આવતા હતા. નેપોલિયને આ પ્રથા બંધ કરી. ન્યાયાધીશોનું પદ સુરક્ષિત રહે અને તેઓ તટસ્થ રીતે ન્યાય આપી શકે તે હેતુથી તેમની નિયુક્તિ કરવામાં આવી. ફ્રાંસમાં ક્રાંતિ પૂર્વે આત્મવિરોધી એવા વિવિધ કાયદાઓનો અમલ કરવામાં આવતો હતો. 1790થી આ કાયદાઓને વ્યવસ્થિત કરવાનું કાર્ય શરૂ થયું હતું. નેપોલિયને ન્યાયવિદોની મદદથી કાનૂનસંહિતા તૈયાર કરાવી. 1804 સુધીમાં તૈયાર થયેલી સાત કાનૂનસંહિતામાં કાનૂની સમાનતા, ધાર્મિક સ્વતંત્રતા અને બીજા નાગરિક હકો ઉપરાંત કૃષિદાસપ્રથાની નાબૂદી સહિતની બીજી સ્વતંત્રતાઓનો સમાવેશ થતો હતો. આ કાનૂનસંહિતાઓમાં સૌથી મહત્વની કાનૂનસંહિતા એ ‘કોડ નેપોલિયન’ તરીકે ઓળખાતી નાગરિક કાનૂનસંહિતા છે, જે આજે પણ ફ્રાંસ સહિત યુરોપના કેટલાક દેશોમાં નાગરિક કાનૂનના પાયારૂપ છે. કાનૂનસંહિતાઓ દ્વારા નેપોલિયને ફ્રાંસની ક્રાંતિના આદર્શોને સંસ્થાગત સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો એ તેની મોટી સિદ્ધિ હતી. તે ઉપરાંત નેપોલિયને શિક્ષણ, અર્થતંત્ર, તેમજ લશ્કરી તંત્રને ક્ષેત્રે પણ મહત્વના સુધારા કર્યા હતા. આ સુધારા દ્વારા તે રાજ્યની સંસ્થાને મજબૂત બનાવવા માગતો હતો.
1803 સુધીમાં તેણે ઉત્તર-પશ્ચિમ ઇટાલીના પીડમૉન્ટ પ્રદેશને ફ્રાંસ સાથે જોડી દીધો અને પીડમૉન્ટની પૂર્વ સરહદે આવેલા ઇટાલીના પ્રજાસત્તાક તંત્રનો તે પ્રમુખ બન્યો. 1802માં ફ્રાંસના લોકોએ બંધારણીય સુધારા દ્વારા નેપોલિયનને જીવન પર્યંત કૉન્સલ બનાવવાના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. તેથી આગળ વધીને મે, 1804માં ફ્રેંચ સેનેટ અને લોકોએ તેનો સમ્રાટ તરીકે સ્વીકાર કર્યો. 2 ડિસેમ્બર, 1804ને દિવસે પૅરિસના નોત્રદામ ચર્ચમાં રાજ્યાભિષેક વખતે હાજર રહેલા પોપ દ્વારા તાજપોશી કરાવવાને બદલે તેણે જાતે જ તાજ પહેરી લીધો.
નેપોલિયનની પ્રાદેશિક મહત્વાકાંક્ષા નિયંત્રિત કરવા માટે ઑસ્ટ્રિયા, રશિયા અને સ્વીડને બ્રિટન સાથે ફ્રાંસ વિરુદ્ધ લશ્કરી જોડાણ કર્યું; પરંતુ ડિસેમ્બર, 1805માં નેપોલિયને ઑસ્ટરલિટ્ઝના પ્રખ્યાત યુદ્ધમાં ઑસ્ટ્રિયા અને રશિયાનાં લશ્કરોને સજ્જડ હાર આપી. ઍડમિરલ નેલ્સને ફ્રાંસ અને સ્પેનના સંયુક્ત નૌકાકાફલાને ટ્રફૅલગર પાસે નષ્ટ કરીને ફ્રેંચ નૌકાદળને મોટો ફટકો માર્યો. ત્યારથી નેપોલિયનનું બ્રિટન પર આક્રમણ કરવાનું સ્વપ્ન પડી ભાંગ્યું અને દરિયા પર બ્રિટનનું પ્રભુત્વ સ્થપાયું.
1806માં પ્રશિયા અને રશિયા વચ્ચે ફ્રાંસ વિરુદ્ધ નવું લશ્કરી જોડાણ થયું; પરંતુ ઑક્ટોબર, 1806માં નેપોલિયને પ્રશિયાને જેના પાસે હાર આપી અને જૂન, 1807માં રશિયન દળોને પણ ફ્રીડલૅન્ડ પાસે હરાવીને ટિલ્સિટ મુકામે સંધિઓ કરી, જે મુજબ પ્રશિયા પાસેથી પોલૅન્ડનો પ્રદેશ પડાવી લઈને ગ્રાંડ ડચી ઑવ્ વૉર્સોનું નવું રાજ્ય રચ્યું. તેણે ફરી એક વાર 1809માં ઑસ્ટ્રિયાને વિયેના નજીક વાગ્રામના યુદ્ધમાં હાર આપી.
નેપોલિયને દરેક વિજય પછી તેના સામ્રાજ્યના પ્રદેશોમાં વધારો કર્યો હતો. 1806માં તેણે પશ્ચિમ જર્મનીના રહાઇન વિસ્તારમાં રાજ્યોનો સંઘ રચ્યો અને પોતાના રક્ષણ હેઠળ મૂક્યો. તેણે જર્મની તેમજ ઇટાલીના પ્રદેશોમાંથી નાનાં રાજ્યો કે જાગીરો રચીને પોતાનાં સગાં કે મિત્રોને ત્યાં સત્તા પર બેસાડ્યાં. 1806માં તેણે પોતાના મોટા ભાઈ જૉસેફને નેપલ્સનો રાજવી બનાવ્યો. નાના ભાઈ લુઈને હોલૅન્ડના શાસક તરીકે નીમ્યો અને ત્રીજા ભાઈ જેરોમને ટિલ્સિટની સંધિ પછી જર્મન પ્રદેશમાંથી રચાયેલા વેસ્ટફાલિયાના નવા રાજ્યનો રાજવી બનાવ્યો અને ગ્રાંડ ડચી ઑવ્ વૉર્સોના પ્રદેશને ફ્રાંસ સાથે જોડી દીધો. 1810માં હોલૅન્ડ અને ઉત્તર જર્મનીના મોટાભાગનો પ્રદેશ ફ્રાંસમાં ઉમેરવામાં આવ્યો.
ડિસેમ્બર, 1809માં નેપોલિયને પોતાના સામ્રાજ્યનો વારસ પ્રાપ્ત કરવા માટે જોસેફાઇનને છૂટાછેડા આપ્યા અને એપ્રિલ, 1810માં ઑસ્ટ્રિયાના સમ્રાટ ફ્રાંસિસ -Iની 18 વર્ષની પુત્રી મેરી લુઈ સાથે લગ્ન કર્યાં. 1811માં તેને મેરી લુઈથી પુત્રપ્રાપ્તિ થઈ. તેનું નામ પણ નેપોલિયન રાખવામાં આવ્યું અને તેને ‘રોમના રાજા’નો ઇલકાબ આપવામાં આવ્યો.
બ્રિટનની આર્થિક તાકાત તોડવા માટે નેપોલિયને 1806માં ‘બર્લિન આદેશ’ની જાહેરાત કરી, તે મુજબ ફ્રાંસના અંકુશ હેઠળનાં બધાં યુરોપીય બંદરોમાં બ્રિટિશ જહાજો પર પ્રવેશબંધી ફરમાવવામાં આવી. તેનો હેતુ બ્રિટનના વ્યાપારને નુકસાન કરવાનો હતો. 1807માં નેપોલિયને મિલાનમાંથી બીજો આદેશ ‘મિલાન આદેશ’ બહાર પાડ્યો. તેનો હેતુ તે દ્વારા તટસ્થ દેશનાં વ્યાપારી જહાજોને યુરોપમાં બ્રિટિશ માલ લાવતાં અટકાવવાનો હતો. આ આદેશનો ભંગ કરનાર જહાજો પર ફ્રેંચ યુદ્ધજહાજો આક્રમણ કરતાં હતાં. બર્લિન અને મિલાન આદેશ હેઠળ બ્રિટિશ માલને યુરોપમાં આવતો અટકાવવા માટે નાકાબંધીની જે વ્યવસ્થા કરવામાં આવી તે ‘ખંડીય વ્યવસ્થા’ તરીકે જાણીતી થઈ.
બ્રિટનના મિત્ર રાજ્ય તરીકે પોર્ટુગલે બર્લિન આદેશનો અનાદર કર્યો તેથી 1807માં ફ્રાંસે પોર્ટુગલ પર અંકુશ સ્થાપી સ્પેનના કેટલાક ભાગો કબજે કર્યા. 1808માં સ્પેનની રાજધાની માડ્રિડ પર ફ્રેંચ લશ્કરે કબજો જમાવ્યો. નેપોલિયને સ્પેનના રાજવી ફર્ડિનાન્ડ-VIIને ગાદીત્યાગ કરવાની ફરજ પાડી અને પોતાના ભાઈ જૉસેફને સ્પેનનો રાજવી બનાવ્યો અને નેપલ્સમાં જૉસેફને સ્થાને મુરાતને શાસક નીમ્યો.
સ્પેન તથા પોર્ટુગલનાં સૈન્યોએ 1808માં ફ્રેંચ શાસન સામે બળવો કરતાં યુરોપીય દ્વીપકલ્પના યુદ્ધની શરૂઆત થઈ. બ્રિટિશ દળો પણ સ્પેન અને પોર્ટુગલનાં ગેરીલા સૈન્ય સાથે જોડાયાં. સ્પેનમાં ફ્રાંસ વિરુદ્ધ રાષ્ટ્રવાદની ભાવના જાગ્રત થઈ. એપ્રિલ, 1814 સુધીમાં સ્પૅનિશ દ્વીપકલ્પમાંથી ફ્રેંચ સૈન્યોને હાંકી કાઢવામાં આવ્યાં, હજારોની સંખ્યામાં ફ્રેંચ સૈનિકો માર્યા ગયા. સ્પેન અને પોર્ટુગલ પર અંકુશ ગુમાવવાથી નેપોલિયનની પ્રતિષ્ઠાને ફટકો પડ્યો.
બીજી બાજુ નેપોલિયનની ‘ખંડીય વ્યવસ્થા’ નિષ્ફળ ગઈ. બ્રિટનથી આયાત થતા માલને અભાવે યુરોપમાં ચીજ-વસ્તુઓના ભાવોમાં ખૂબ વધારો થયો. ફ્રેંચ અંકુશ હેઠળના દેશોમાં જ અસંતોષ વધવા લાગ્યો. 31 ડિસેમ્બર, 1810માં રશિયાના ઝાર ઍલેક્ઝાન્ડર-Iએ ‘ખંડીય વ્યવસ્થા’માંથી બહાર નીકળી જવાની જાહેરાત કરી. રશિયાને અંકુશમાં લેવા માટે નેપોલિયને તેના પર આક્રમણ કરવાનો નિર્ણય કર્યો.
ફ્રાંસનાં લશ્કરો સતત યુદ્ધોથી કંટાળી ગયાં હતાં, રશિયા પર આક્રમણ કરવા નેપોલિયને ફ્રાંસના અંકુશ હેઠળનાં રાજ્યોમાંથી લગભગ 6,00,000 જેટલા નવા સૈનિકોની ભરતી કરી. રશિયન લશ્કરમાં 2,00,000 સૈનિકોનો સમાવેશ થતો હતો. જૂન, 1812માં નેપોલિયને રશિયાની પશ્ચિમની સરહદો પર આક્રમણ કર્યું. પરંતુ રશિયન સૈન્યોએ સામનો કરવાને બદલે ‘ધીકતી ધરા’ની નીતિ અપનાવી. સપ્ટેમ્બર(1812)માં મૉસ્કો નજીક બોરોડિનો પાસે રશિયન સૈન્યે યુદ્ધ કર્યું. પરંતુ કોઈની જીત ન થઈ. તેથી રશિયન દળોએ ધીકતી ધરાની નીતિ જારી રાખી. નેપોલિયન મૉસ્કો પહોંચ્યો તે વખતે શહેરને ખાલી કરી પીછેહઠ કરતા રશિયન સૈનિકોએ બધાં મકાનોને આગ લગાડી હતી. રશિયાનો શિયાળો નજીક આવતાં નેપોલિયને મૉસ્કોમાં રહીને ઝાર ઍલેક્ઝાન્ડર પાસેથી શાંતિ માટેની માગણીની રાહ જોઈ. પરંતુ ઝારે આવી માગણી ન કરી. ઑક્ટોબર(1812)ના મધ્યમાં સૈન્યો માટે પુરવઠાના અભાવે નેપોલિયનને મૉસ્કોથી પાછા ફરવું પડ્યું. તેના સૈનિકોને રસ્તામાં બરફનાં તોફાનો તથા સખત ઠંડીનો સામનો કરવો પડ્યો. ઘણા સૈનિકો ભૂખ અને ઠંડીથી મૃત્યુ પામ્યા. રશિયન સૈનિકોએ હુમલા કરી ઘણા ફ્રેંચ સૈનિકોને મારી નાખ્યા. નેપોલિયનના 6,00,000 સૈનિકોમાંથી લગભગ 5,00,000 સૈનિકો મૃત્યુ પામ્યા, ભાગી ગયા કે કેદી થયા હતા. આવા સંજોગોમાં જ્યારે નેપોલિયન પૅરિસ પાછો ફર્યો તે વખતે યુરોપમાં તેની દુશ્મન સત્તાઓને પ્રોત્સાહન મળ્યું.
મૉસ્કોથી પાછા ફર્યા પછી નેપોલિયને ઑસ્ટ્રિયા, બ્રિટન, રશિયા, પ્રશિયા અને સ્વીડનનાં સંયુક્ત લશ્કરોનો સામનો કર્યો. શરૂઆતમાં તેને વિજય સાંપડ્યા, પરંતુ તેની દુશ્મન સત્તાઓનાં દળોની સંખ્યા ઘણી વધારે હોવાથી ઑક્ટોબર, 1813માં લિપઝિગની ‘રાષ્ટ્રોની લડાઈ’માં તેની હાર થઈ. નેપોલિયન પીછેહઠ કરીને પૅરિસ પાછો આવ્યો, પરંતુ યુરોપીય સત્તાઓનાં સંયુક્ત લશ્કરોએ આક્રમણ જારી રાખીને માર્ચ, 1814માં પૅરિસ પર કબજો જમાવ્યો. નેપોલિયનને 6 એપ્રિલ, 1814ને દિવસે ગાદીત્યાગ કરવાની ફરજ પડી. ફોન્ટિનબ્લોની સંધિ મુજબ ક્રાંતિ સમયના છેલ્લા રાજવી લુઈ XVIના ભાઈને લુઈ XVIII તરીકે ફ્રાંસની ગાદી આપવામાં આવી. નેપોલિયનને ઇટાલીના વાયવ્ય કિનારા નજીક આવેલા એલ્બા ટાપુનું સ્વતંત્ર રાજ્ય આપવામાં આવ્યું અને તેનું ‘સમ્રાટ’નું પદ જાળવી રાખવામાં આવ્યું. 4 મે, 1814ને દિવસે નેપોલિયન એલ્બા પહોંચ્યો, પરંતુ તરત જ તેણે એલ્બાથી ફ્રાંસ પાછા ફરવાની યોજના કરી. ફેબ્રુઆરી, 1815માં તે 1,100 જેટલા અનુયાયીઓ સાથે એલ્બાથી નીકળીને 1 માર્ચ, 1815ને દિવસે ફ્રાંસને કિનારે આવી પહોંચ્યો અને પૅરિસ જવા માટે કૂચ આરંભી. રસ્તામાં તેને લોકો તરફથી ટેકો મળવા લાગ્યો. તેને કેદ પકડવા માટે પૅરિસથી મોકલવામાં આવેલા સૈન્યે તેને જોતાં જ, તેને ટેકો જાહેર કર્યો. નવો રાજવી લુઈ XVIII ફ્રાંસથી નાસી છૂટ્યો. 20 માર્ચ(1815)ને દિવસે નેપોલિયને પૅરિસમાં પ્રવેશ કર્યો. લોકોએ તેમના સમ્રાટને અભૂતપૂર્વ રીતે આવકાર્યો.
પૅરિસમાં આવીને નેપોલિયને તરત જ નવું બંધારણ જાહેર કર્યું, જે હેઠળ તેની પોતાની સત્તાઓ પર મર્યાદાઓ મૂકવામાં આવી. બંધારણીય રાજવી તરીકે તેણે યુરોપીય સત્તાઓને ખાતરી આપી કે તે યુદ્ધ કરવા માગતો નથી. પરંતુ વંશપરંપરાગત રાજાશાહીની તરફેણ કરનારી યુરોપીય સત્તાઓને ફ્રાંસના સમ્રાટ તરીકે નેપોલિયન સ્વીકાર્ય ન હતો. તેથી ફરીથી તેની સામે યુદ્ધ જાહેર કરવામાં આવ્યું. તેની દુશ્મન સત્તાઓનાં સંયુક્ત સૈન્યો આક્રમણ કરે તે પહેલાં તે બ્રિટનના ડ્યૂક ઑવ્ વેલિંગ્ટનનાં સૈન્યો અને પ્રશિયાનાં સૈન્યોને અલગ રીતે હરાવવા બેલ્જિયમ ગયો. 16 જૂન, 1815ને દિવસે નેપોલિયને બ્લુચરના પ્રશિયન સૈન્યોને હાર આપી અને 18મી જૂને વેલિંગ્ટનનાં સૈન્યો પર વૉટર્લૂ મુકામે આક્રમણ કર્યું. બ્રિટિશ સૈન્ય હારવાની અણી પર હતું તે વખતે જ બ્લુચરનું સૈન્ય આવી પહોંચતાં ફ્રેંચ લશ્કર પ્રશિયન અને અંગ્રેજ દળોનો એકસાથે સામનો ન કરી શક્યું. જગપ્રસિદ્ધ એવા વૉટર્લૂના યુદ્ધમાં નેપોલિયનની હાર થઈ. નેપોલિયન નાસીને પૅરિસ ગયો અને બીજી વખત 22 જૂન, 1815ના રોજ ગાદીનો ત્યાગ કર્યો. એલ્બાથી પૅરિસ ગયો ત્યારથી (20 માર્ચ) લઈને 22 જૂન સુધીનું નેપોલિયનનું શાસન ‘સો દિવસોના શાસન’ તરીકે જાણીતું થયું.
નેપોલિયને યુ.એસ. નાસી જવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં તેને સફળતા ન મળી. તેને દક્ષિણ આટલાંટિક મહાસાગરમાં આવેલા બ્રિટનના અંકુશ હેઠળના નિર્જન એવા સેંટ હેલેના ટાપુ પર મોકલવામાં આવ્યો. સેંટ હેલેનામાં તે હોજરીના કૅન્સરથી મૃત્યુ પામ્યો. ત્યાં સુધી તેણે પોતાના જીવનકાળ દરમિયાન બનેલા બનાવો વિશે પોતાનું અર્થઘટન લખાવ્યું. વસિયતનામામાં તેણે એવી ઇચ્છા વ્યક્ત કરી કે જેને તેણે ખૂબ ચાહ્યા એવા ફ્રેંચ લોકોની વચ્ચે પૅરિસમાં સીન નદીને કિનારે તેના દેહને દફનાવવામાં આવે. 15 ડિસેમ્બર, 1840ને દિવસે તેની ઇચ્છા પૂર્ણ થઈ. તેનાં અસ્થિને સન્માનપૂર્વક ચર્ચ ઑવ્ ડોમમાં દફનાવવામાં આવ્યાં.
નેપોલિયન વિશ્વઇતિહાસમાં નોંધાયેલા મહાન સેનાનીઓમાંનો એક હતો. જોકે તેને અતિમહત્વાકાંક્ષી સત્તાભૂખ્યા વિજેતા તરીકે વર્ણવવામાં આવ્યો છે, પરંતુ તેના સમયના સંદર્ભમાં જોઈએ તો તેણે ફ્રાંસ બહાર જે પ્રદેશો પર શાસન સ્થાપ્યું, ત્યાંના લોકો માટે તેણે બંધારણ તેમજ નાગરિક કાનૂનસંહિતા દાખલ કરી અને સામંતશાહી નાબૂદ કરીને કાર્યક્ષમ વહીવટી તંત્ર સ્થાપ્યું હતું. પરંતુ સતત યુદ્ધોને લીધે તે સમયે લોકોને તેનું મહત્વ ન સમજાયું.
ર. લ. રાવળ