નેપ્ચૂન : સૂર્યમંડળનો આઠમો ગ્રહ, જેની શોધ બ્રિટનના ખગોળશાસ્ત્રી ઍડમ્સ અને ફ્રાન્સના ખગોળશાસ્ત્રી લવેર્યેના સંયુક્ત ફાળે જાય છે. તે સૂર્યથી 44.97 લાખ કિમી. સરેરાશ અંતરે આવેલો છે અને તેને સૂર્યની પ્રદક્ષિણા કરતાં 164.80 વર્ષ લાગે છે.

નેપ્ચૂન ગ્રહ(ડાબી બાજુ) અને તેની આસપાસ પરિભ્રમણ કરી રહેલું વૉયેજર-2

નેપ્ચૂન સૂર્યથી ઘણો દૂર હોવાથી તે ઘણો જ ઝાંખો (8th magnitudeનો) દેખાય છે. તેનો વ્યાસ 49,000 કિમી. જેટલો છે અને તેનું દ્રવ્યમાન પૃથ્વી કરતાં 17.2 ગણું છે. તેની સરેરાશ ઘનતા 1.64 ગ્રામ/સેમી.3 જેટલી છે. નેપ્ચૂનનો કેન્દ્રનો ભાગ સખત ખડકીય પદાર્થનો અને તેની આજુબાજુનું આવરણ બરફનું હોવું જોઈએ તેમ માનવામાં આવે છે. તેના વાતાવરણનું બંધારણ 80 ટકા હાઇડ્રોજન, 19 ટકા હિલિયમ, એક ટકો મિથેનવાળું છે. નેપ્ચૂનની સપાટીનું તાપમાન આશરે 50 K, એટલે કે –220° સે. જેટલું છે. તેનો ભ્રમણકાળ 15 કલાક અને 50 મિનિટનો છે અને તેની કક્ષા સાથે 29°નો ખૂણો બનાવે છે. નેપ્ચૂનને ટ્રાઇટન અને નૅરિડ ઉપરાંત બીજા 11 ઉપગ્રહો છે. ટ્રાઇટન સૌથી મોટો છે.

દીપક ભદ્રશંકર વૈદ્ય