નેપાળ

દક્ષિણ મધ્ય એશિયાનો દેશ. આ દેશ ભારતની ઉત્તરે આવેલી હિમાલય ગિરિમાળાના દક્ષિણ ઢોળાવો પર આશરે 26° 19´થી 30° 18´ ઉ. અ. તથા 80° 03´થી 88° 11´ પૂ. રે વચ્ચે વિસ્તરેલો છે. લંબચોરસ આકારનો આ દેશ પૂર્વ-પશ્ચિમ આશરે 800 કિમી. લાંબો અને ઉત્તર-દક્ષિણ 150થી 240 કિમી. પહોળો છે. તેનું ક્ષેત્રફળ લગભગ 1,47,181 ચોકિમી. જેટલું છે. તેની ઉત્તર સીમા પર ચીનની સત્તા હેઠળનો તિબેટનો પ્રદેશ તેમજ પૂર્વ-પશ્ચિમ અને દક્ષિણ સીમાઓ પર ભારતના પ્રદેશો આવેલા છે.

હિમાલય વિશ્વનો એક જટિલ પર્વતક્રમ કે તંત્ર ધરાવે છે. વિદ્વાનોએ હિમાલયના ઉદભવ સંદર્ભે ભૂ-તકતી સંચાલનનો વિચાર રજૂ કર્યો છે. મધ્ય જીવયુગમાં ટેથીસ/તિથિ સાગરમાંથી આજના હિમાલયનું નિર્માણ થયું હશે. આ સાગર પશ્ચિમમાં યુરોપથી શરૂ કરીને પૂર્વમાં ચીન સુધી વ્યાપ્ત હોવાની સાથે સાથે લગભગ સમગ્ર પૃથ્વીને ઘેરાયેલો હતો. ક્રિટેશિયસ કાળમાં આ સાગર તળિયાનો ભાગ ઊંચકાવા લાગ્યો જેનાથી હિમાલયની ક્રમબદ્ધ શ્રેણીઓનું નિર્માણ થયું.

જર્મન ભૂસ્તરશાસ્ત્રીએ 2007માં જણાવ્યું કે ભારતીય તકતી જે અન્ય તકતી કરતાં જાડાઈમાં 1/2 ભાગની છે. પરિણામે તે ઝડપથી ગતિ કરે છે. આ તકતી પહેલાં ગોન્ડવાના લૅન્ડના ભાગ સ્વરૂપે હતી. આ ભારતીય તકતી યુરેશિયન તકતી સાથે અથડાઈ હશે. પરિણામે તિબેટિયન ઉચ્ચપ્રદેશ અને હિમાલય હારમાળા નિર્માણ પામી છે. ભારતીય તકતી ઈશાન દિશા બાજુ ખસે છે. અનુમાન છે કે તે દર વર્ષે 5 સેમી. જેટલી ખસે છે. જ્યારે યુરેશિયન તકતી 2 સેમી. ખસે છે. આ પ્રક્રિયા નિરંતર ચાલુ જ છે. હિમાલયની હારમાળા સાથે સંકળાયેલા દેશો ભારત, પાકિસ્તાન, ચીન, તિબેટ (ચીન), નેપાળ, ભુતાન છે. કેટલીક વાર આ દેશોની નજીકમાં ભૂકંપનું ઉદગમકેન્દ્ર હોવાથી અસરકર્તા દેશોને પારાવાર નુકસાન થાય છે.

નેપાળમાં સૌપ્રથમ ભૂકંપ 7 જૂન, 1255માં થયો હતો. તે સમયે ત્યાં રાજા અભય માલ્લાનું આધિપત્ય હતું. આ ભૂકંપ 7.8 રિક્ટર સ્કેલનો હતો. આ ભૂકંપને કારણે કાઠમંડુની કુલ વસ્તીના ત્રીજા ભાગની વસ્તી મૃત્યુ પામી હતી.

નેપાળના મહત્ત્વના ભૂકંપ

વર્ષ-તારીખ સ્થળ રિક્ટર સ્કેલ મૃત્યુઆંક (આશરે)
7/7/1255 કાઠમંડુ 7.8 2,200
8/8/1408 નેપાળ-તિબેટ સીમા 8.2 2,500
6/6/1505 લોમુસ્તાંગ 8.9 6,000
10/1/1681 ઉત્તર કોશી વિભાગ 8.0 4,500
1/7/1767 ઉત્તર બાગમતી 7.9 4,000
26/8/1833 કાઠમંડુ-બિહાર(ભારત) 8.0 6,500
28/8/1916 નેપાળ-તિબેટ 7.7 3,500
15/1/1934 નેપાળ-ભારત 8.0 10,700થી 12,000
20/8/1988 કાઠમંડુ-બિહાર(ભારત) 6.9 1,090
25/4/2015 ગોરખા 7.8 8,857

આ સિવાય 1260, 1344, 1869, 1966, 1980, 2011, 2015, 2022 અને 2023ના વર્ષમાં ભૂકંપ આવેલો. 3/10/23 અને 3/11/23ના રોજ અનુક્રમે 6.3 તેમજ 6.4 રિક્ટર સ્કેલનો ભૂકંપ અનુભવાયો હતો.

ભૂપૃષ્ઠ અને જળપરિવાહ : નેપાળ પહાડી પ્રદેશ હોવાથી તેનું ભૂપૃષ્ઠ અસમતળ છે, તેમ છતાં સમગ્ર દેશનો ઢોળાવ ઉત્તરથી દક્ષિણ તરફનો છે. ઉત્તરમાં દુનિયાનાં સર્વોચ્ચ શિખરો ધરાવતી મહાહિમાલયની હિમાચ્છાદિત પર્વતશ્રેણીઓ પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલી છે; ત્યાંથી દક્ષિણ તરફ ઓછી ઊંચાઈવાળી લઘુ હિમાલયની ગિરિમાળા અને વધુ દક્ષિણ તરફ શિવાલિકની ટેકરીઓ તથા તરાઈનાં મેદાનોનો ક્રમ આવે છે. આથી સ્વાભાવિક રીતે જ અહીંની નદીઓનાં વહેણ ઉત્તરથી દક્ષિણ તરફનાં છે. નેપાળનું આશરે 83% ભૂપૃષ્ઠ પર્વતો, ટેકરીઓ અને ખીણપ્રદેશોથી છવાયેલું છે, જ્યારે બાકીનું 17% ભૂપૃષ્ઠ તરાઈનાં સપાટ મેદાનોથી બનેલું છે.

ભૂસ્તરીય અતીતના સંદર્ભમાં આજથી પાંચ કરોડ વર્ષના કાળગાળા દરમિયાન તિબેટનો ઉચ્ચપ્રદેશ, મહાહિમાલય, લઘુહિમાલય, શિવાલિકની ટેકરીઓ ઊર્ધ્વગમનની જુદી જુદી કક્ષાઓમાં પરંતુ ક્રમે ક્રમે ઊપસી આવેલાં છે. ઊંચાઈવાળા આ ભાગોમાં ઘસારાનાં વિવિધ પરિબળો દ્વારા વર્ષોનાં વર્ષો સુધી ધોવાણની પ્રક્રિયા સતત ચાલતી રહી છે, પરિણામે સેંકડો મીટર ઊંડાં કોતરો રચાયાં છે. ઘસારો, ધોવાણ અને સ્થાનાંતરથી છૂટા પડેલા કાંપદ્રવ્ય જથ્થાની દક્ષિણ તરફ જમાવટ થવાથી તરાઈનાં મેદાનો રચાયાં છે. અહીં અવારનવાર ભૂકંપ અનુભવાય છે.

નેપાળ

પ્રાકૃતિક રચનાના આ સંદર્ભમાં નેપાળને મુખ્યત્વે ત્રણ વિભાગોમાં વહેંચી શકાય : (1) મહાહિમાલય અને લઘુહિમાલય, (2) શિવાલિકની ટેકરીઓ અને આંતરતરાઈ તથા (3) તરાઈનાં મેદાનો. પ્રત્યેક વિભાગમાં આબોહવા, વનસ્પતિ અને પ્રાણીઓના તફાવતો જોવા મળે છે.

(1) મહાહિમાલય અને લઘુહિમાલય : નેપાળનો ઉત્તર તરફનો મોટો ભાગ હિમાલયમાં આવી જાય છે. ચીન સાથેની નેપાળની ઉત્તર સરહદ પર મહાહિમાલયનાં ઉન્નત ગિરિશિખરો આવેલાં છે. આ પર્વતમાળા બંને દેશો વચ્ચે અભેદ્ય દીવાલ રચે છે, તેમ છતાં વિવિધ સ્થળે ઊંચા ભાગોમાં આવેલા ઘાટોમાંથી વ્યાપારી માર્ગો પસાર થાય છે. આ માર્ગો શિયાળામાં હિમવર્ષાને લીધે વ્યાપાર માટે બંધ રહે છે. અહીં થિજાવી દેતા લાંબા કડકડતા શિયાળા અને ઠંડા ટૂંકા ઉનાળા હોય છે. નદીઓની ખીણોના ઉત્તર તરફના ઉગ્ર ઢોળાવો પર હિમનદીઓ વહે છે. કેટલાક ભાગો હિમજથ્થાઓથી ઢંકાઈ જાય છે. સમુદ્રસપાટીથી આશરે 3,660 મીટરની ઊંચાઈ સુધી પર્વતો જંગલોથી છવાયેલા રહે છે. વધુ ઊંચાઈ પર ઠંડી, શુષ્ક હવાની અસર હેઠળ માત્ર ઘાસ, લીલ-ફૂગ અને શેવાળ જ ઊગે છે. પહાડી ઢોળાવો પર વસતા લોકો ઘેટાં અને યાક પાળે છે. અહીંના કેટલાક લોકોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે અહીં હિમમાનવ અથવા યતિ રહે છે.

મહાહિમાલયનાં ઉત્તુંગ અને બારેમાસ હિમાચ્છાદિત રહેતાં 8,000 મીટરથી વધુ ઊંચાં અહીંનાં શિખરોમાં માઉન્ટ એવરેસ્ટ (8,848 મી.) આવેલું છે. તે દુનિયાનું સર્વોચ્ચ શિખર ગણાય છે. તેનું સર્વપ્રથમ આરોહણ 1953માં સર એડમંડ હિલેરી અને શેરપા તેનસિંગે કરેલું. મહત્ત્વનાં ગણાતાં હિમાલયનાં અન્ય શિખરોમાં કાંચનજંગા (8,598 મી.), મકાલુ (850 મી.), ધવલગિરિ (8,172 મી.), ચો-ઓયુ (8,171 મી.), માનસ લુ (8,150 મી.), અન્નપૂર્ણા (8,078 મી.), ગોસાઈથાન (8,031 મી.) વગેરે નોંધપાત્ર છે.

મહાહિમાલયની દક્ષિણે લઘુહિમાલય આવેલો છે. તેમાં પૂર્વ-પશ્ચિમ લંબાયેલી સૌથી લાંબી હારમાળા ‘મહાભારત લેખ હારમાળા’ તરીકે ઓળખાય છે. તેનાં શિખરો 2,000 મી.થી ઓછી ઊંચાઈ ધરાવે છે, જ્યાં, વધુ ઊંચાઈવાળા ભાગોમાં માત્ર શિયાળામાં જ હિમની અસર અનુભવાય છે. આ હારમાળાના પ્રદેશોમાં કાઠમંડુ અને પોખરાના ગર્ત-વિસ્તારો (પહોળા ખીણપ્રદેશો) આવેલા છે અને ત્યાં કાંપની જમાવટ થવાથી ફળદ્રૂપ મેદાનોની રચના થઈ છે. આ પૈકીનો કાઠમંડુ ખીણપ્રદેશ લગભગ 125 કિમી. લાંબો અને 24 કિમી. પહોળો છે.

(2) શિવાલિકની ટેકરીઓ અને આંતરતરાઈ : મહાભારત લેખ હારમાળાની દક્ષિણ તરફ ઊંચા મેદાનપ્રદેશો વચ્ચે એકાએક બહાર ઊપસી આવતી લગભગ 600 મી. ઊંચાઈની શિવાલિક અથવા ચુરિયા ટેકરીઓ આવેલી છે. તે સાંકડી, ઊંડી અને લાંબી ખીણો ધરાવે છે. ટેકરીઓની વચ્ચે, ખાસ કરીને દક્ષિણ ભાગોમાં નદીઓ દ્વારા સ્થાનાંતરિત થયેલા ખડકટુકડાઓ, ગોળાશ્મ, કાંકરા, સ્થૂળ રેતી અને કાંપ પંખાકારે જામેલાં છે, જે ‘આંતરતરાઈ’ પ્રદેશ તરીકે ઓળખાય છે. નેપાળના આ વિભાગમાં વિવિધ પ્રકારનાં વૃક્ષો અને વાંસ પ્રકારનું ઘાસ ઊગે છે. વળી જંગલો પણ છવાયેલાં છે. ખીણોમાં આબોહવા ઠંડી રહે છે, ઉનાળામાં ભારે વરસાદ પડી જાય છે; શિયાળા ખૂબ ઠંડા પણ સૂકા રહે છે. ટેકરીઓના ઢોળાવો પર અને ખીણોમાં ખેડૂતો મકાઈ, ડાંગર, બાજરી અને ઘઉંના પાક લે છે અને ઢોર તથા ઘેટાંબકરાં પાળે છે.

(3) તરાઈનાં મેદાનો : નેપાળની છેક દક્ષિણે ભારતની સરહદને અડીને આવેલાં મેદાનોને તરાઈનાં મેદાનો કહે છે. હકીકતમાં તે ગંગાનાં મેદાનોમાં ભળી જાય છે. સમુદ્રસપાટીથી તે આશરે 150 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. નેપાળની હદમાં તેમની પહોળાઈ સરેરાશ 20થી 25 કિમી. જેટલી છે. અહીં થઈને વહેતી નદીઓ દ્વારા દર વર્ષે નવો કાંપ પથરાતો રહેતો હોવાથી તે ખેતી માટે ફળદ્રૂપ બની રહેલાં છે. અહીં મકાઈ, બાજરી, ડાંગર, શેરડી, તમાકુ તેમજ અન્ય પાકો ઉગાડાય છે. લોકો ભેંસ તથા અન્ય ઢોર પાળે છે. આ પ્રદેશની આબોહવા અયનવૃત્તીય મોસમી પ્રકારની છે. તરાઈનાં જંગલોમાં અને કળણભૂમિના ભાગોમાં મગર, હાથી, હરણ,  ગેંડા અને વાઘ જેવાં પ્રાણીઓ વસે છે.

જળપરિવાહ : નેપાળના પૂર્વ ભાગમાં કોસી, મધ્યભાગમાં ગંડક અને પશ્ચિમ ભાગમાં કરનાળી – એ ત્રણ મુખ્ય નદીઓ છે. આ ઉપરાંત કાલી, બાગમતી, મેચી તેમજ અન્ય નાની નદીઓ અને શાખાનદીઓ પણ છે. બધી જ નદીઓની જળપરિવાહ-રચના ઉત્તરથી દક્ષિણ તરફની છે. તેમનાં મૂળ હિમનદીઓ કે સરોવરોમાં રહેલાં હોવાથી તે બારેમાસ જળપુરવઠો ધરાવે છે. કેટલીક નદીઓનાં મૂળ તો છેક તિબેટમાં પણ છે. આ નદીઓમાં ચોમાસામાં વરસાદથી અને ઉનાળામાં હિમગલનથી – એમ બે વાર પૂર આવે છે. મેદાનો અને ખીણપ્રદેશોમાં દર વર્ષે નવો કાંપ પથરાતો રહે છે. પૂરનિયંત્રણ માટે નેપાળ-ભારત સરહદે કોસી નદી પર બંધ બાંધવામાં આવ્યો છે. દેશના ઉત્તરથી દક્ષિણ તરફના ઢોળાવ અનુસાર આ બધી નદીઓ મહાહિમાલય, લઘુહિમાલય, શિવાલિકની ટેકરીઓ અને તરાઈનાં મેદાનોને પાર કરીને છેવટે ગંગા નદીને મળે છે. નદીઓ ઉપરાંત નેપાળમાં અનેક સરોવરો પણ આવેલાં છે.

આબોહવા અને કુદરતી વનસ્પતિ : ભારતની જેમ નેપાળની આબોહવા પણ મોસમી પ્રકારની ગણાય છે, તેમ છતાં પ્રાદેશિક અક્ષાંશીય સ્થાન અને સમુદ્રસપાટીથી પ્રમાણમાં વધુ ઊંચાઈને કારણે આબોહવામાં થોડોક ફેરફાર રહે છે. એપ્રિલથી મધ્ય જૂન સુધીનો ઉનાળાનો સમયગાળો એકંદરે ગરમ અને સૂકો તેમજ મધ્ય જૂનથી સપ્ટેમ્બર સુધીનો ચોમાસાનો સમયગાળો ગરમ અને ભેજવાળો રહે છે. આ ગાળા દરમિયાન તરાઈપ્રદેશનું તાપમાન 32° સે.થી વધુ, લઘુ-હિમાલયનું 24° સે. અને હિમાલયનું 10° સે.થી ઓછું રહે છે. ઑક્ટોબરથી માર્ચ સુધીની શિયાળાની ઋતુમાં તાપમાન ઘટી જાય છે. તરાઈપ્રદેશનું સરેરાશ તાપમાન 16° સે.થી વધુ, લઘુહિમાલયનું 4.4° સે. અને મહાહિમાલયનું –1° સે.થી નીચે રહે છે; મહાહિમાલયના વધુ ઊંચાઈવાળા ભાગોમાં તાપમાન –18° સે.થી પણ નીચે જતું રહે છે.

તરાઈનાં મેદાનોમાં વાર્ષિક સરેરાશ વરસાદનું પ્રમાણ પૂર્વ ભાગમાં 2,032 મિમી., મધ્ય ભાગમાં 1,270 મિમી. અને પશ્ચિમ ભાગમાં 1,016 મિમી. જેટલું રહે છે. કાઠમંડુ ખીણમાં 1,397 મિમી. અને મહાભારત લેખ હારમાળામાં આશરે 1,270 મિમી. વરસાદ પડે છે. મહાહિમાલયના ઊંચા ભાગોમાં મોટાભાગનો વરસાદ હિમસ્વરૂપે પડે છે. ધવલગિરિના વાતવિમુખ ઢોળાવો નહિવત્ વરસાદ મેળવતા હોવાથી લગભગ શુષ્ક રહે છે. નેપાળમાં ક્યારેક શિયાળુ ચક્રવાતો કમોસમી વરસાદ આપી જાય છે. પહાડી પ્રદેશો અને ખીણપ્રદેશોની આબોહવા એકંદરે ખુશનુમા અને આરોગ્યપ્રદ છે, જ્યારે તેની તુલનામાં તરાઈપ્રદેશની આબોહવા ગરમ, ભેજવાળી અને રોગિષ્ઠ હોય છે.

દેશના કુલ વિસ્તારના લગભગ 32% ભાગમાં જંગલો છવાયેલાં છે. કુદરતી વનસ્પતિ આબોહવાને અનુસરે છે. ભૂપૃષ્ઠની અસમાનતાને કારણે ઊંચાઈના તફાવતે આબોહવા બદલાતાં વનસ્પતિના પ્રકારોમાં પણ ફેરફારો જોવા મળે છે. દક્ષિણ નેપાળમાં તરાઈ અને શિવાલિકની ટેકરીઓ પર આશરે 1,200 મી.ની ઊંચાઈ સુધી ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો છવાયેલાં છે, તેમાં કઠણ લાકડું આપતાં ખેર, સીસમ અને સાલનાં વૃક્ષોનું પ્રમાણ વિશેષ છે. વળી અહીં વાંસ, નેતર અને ઊંચું ઘાસ પણ ઊગે છે. લઘુહિમાલયના પર્વતીય ઢોળાવો પર આશરે 1,500મી.થી 3,000 મી.ની ઊંચાઈ સુધી પોચું લાકડું આપતાં દેવદાર, ચીડ (પાઇન), બાંજ (ઓક), બ્રુસ, પૉપ્લર, વૉલનટ, લાર્ચ જેવાં વૃક્ષો થાય છે. આશરે 3,000થી 3,600 મી. વચ્ચેની ઊંચાઈવાળા મહાહિમાલય પર્વતીય ઢોળાવો પર ફર(fur)નાં વૃક્ષોની સાથે સાથે ભોજવૃક્ષ (બર્ચ), સાઇપ્રસ અને બ્રુસનાં મિશ્ર જંગલો આવેલાં છે. હિમરેખાથી નીચેના ભાગોમાં ઘાસભૂમિ આવેલી છે, ત્યાં પશુઓને ચરાવવામાં આવે છે. અતિ ઊંચા હિમાચ્છાદિત ભાગોમાં લીલ અને શેવાળ જેવી ટુન્ડ્ર પ્રકારની વનસ્પતિ ઊગી નીકળે છે. જંગલોની વિવિધતા મુજબ વિવિધ પ્રકારનું પ્રાણીજીવન જોવા મળે છે. આ પૈકી તરાઈનાં ગીચ જંગલોમાં વાઘ, હાથી,  ગેંડા, જંગલી સૂવર, હરણ જેવાં વન્ય પશુઓ વિશેષ છે.

નેપાળની ઉત્તર દિશાની સીમા બની રહેલી હિમાલયની સર્વોચ્ચ ગિરિમાળાઓ

નેપાળનાં જંગલો ઇમારતી અને બળતણી લાકડું તેમજ મધ, ગુંદર, તેલ, રાળ, રેશમ, બેરજો જેવી જંગલ-પેદાશો આપે છે; વળી તે ઉદ્યોગો માટેનો કાચો માલ પણ પૂરો પાડે છે. પોચું લાકડું કાગળ, દીવાસળી, પ્લાયવૂડ, રાચરચીલું, રેયૉન જેવા ઉદ્યોગોમાં ઉપયોગી નીવડે છે, જ્યારે કઠણ લાકડું બળતણ ઉપરાંત ઘરના બાંધકામ તેમજ રેલવે-સ્લીપર, રાચરચીલું કે પૅકિંગની પેટીઓ બનાવવાના ઉપયોગમાં લેવાય છે.

ભૂમિઉપયોગ, ખેતી અને પશુપાલન : નેપાળ મુખ્યત્વે પહાડી ભૂમિ ધરાવે છે, આશરે 40% ભૂમિ પડતર અને હિમાચ્છાદિત છે, આશરે 32% ભૂમિ પર જંગલો અને ગોચરો છે. માત્ર 14% ભૂમિ (આશરે 19,85,000 હેક્ટર) ખેતી હેઠળ છે; કાઠમંડુ અને પોખરાના ખીણપ્રદેશોમાં તેમજ તરાઈનાં મેદાનોમાં કાંપની કાળી ફળદ્રૂપ જમીનો આવેલી છે. નેપાળમાં મુખ્યત્વે ડાંગર, શેરડી, શણ, મકાઈ, જુવાર-બાજરી, ઘઉં, જવ, તેલીબિયાં, બટાકા, કઠોળ, તમાકુ, ચા, ફળફળાદિ વગેરે પાકો થાય છે, આ પૈકી ડાંગરનો ધાન્યપાક અગત્યનો છે અને તેનું ઉત્પાદન સૌથી વધુ રહે છે. ખેતી માટેની અનુકૂળ જમીનો મોટે ભાગે તરાઈપ્રદેશમાં આવેલી છે. અહીં ધાન્યપાકોનું ઉત્પાદન પુષ્કળ થતું હોવાથી તેને ‘નેપાળના અનાજના કોઠાર’ની ઉપમા મળેલી છે. જોકે પર્વતીય ઢોળાવો અને ખીણોમાં સઘન ખેતી કરી વધુ ઉત્પાદન મેળવાય છે. તરાઈપ્રદેશમાં સિંચાઈ માટે મર્યાદિત પ્રમાણમાં પાતાળકૂવાઓનો ઉપયોગ થાય છે. નદીખીણોમાં સાદા આડબંધ બાંધીને નીકો દ્વારા નજીકનાં ખેતરોમાં પાણી પહોંચાડવામાં આવે છે. દેશમાં નદીઓ પરની મુખ્ય સિંચાઈ યોજનાઓમાં ટીકાભૈરવ, વિજયાપુર, ડુન્ડવા, ગંડક, કોસી (ચત્રા નહેર), કમલા, માન્સુમારા, રાપ્તિ, તિલવે ઝાજ વગેરેનો સમાવેશ થાય છે.

પહાડી અસમતળ ભૂમિમાં ઘાસ થતું હોવાથી તેનો ગૌચર તરીકે ઉપયોગ થાય છે. ખેતીની સાથે સાથે પશુપાલનપ્રવૃત્તિ પણ કરવામાં આવે છે. ગાય, બળદ, ભેંસ, ઘેટાંબકરાં, યાક, ઘોડા, ખચ્ચર અને ડુક્કરનો ઉછેર થાય છે. ડેરી-ઉદ્યોગ દ્વારા દૂધ, પનીર, માખણ અને ઘીનું ઉત્પાદન લેવાય છે. ઘી અને પનીરની ભારત ખાતે નિકાસ કરવામાં આવે છે. ઘેટાં દ્વારા ઊન અને માંસ મળે છે. ઊનમાંથી, ધાબળા, ગરમ કાપડ અને શેતરંજી બનાવાય છે. યાક અને ખચ્ચરનો ડુંગરાળ કેડીઓ પર ભારવાહક પ્રાણીઓ તરીકે ઉપયોગ થાય છે. નદી, નાળાં અને સરોવરોમાં વિવિધ પ્રકારનાં માછલાં થાય છે. દેશમાં મત્સ્યફાર્મ અને મત્સ્યસંવર્ધન-કેન્દ્રો સ્થાપવામાં આવેલાં છે.

ખનિજસંપત્તિ, ઊર્જા, ઉદ્યોગો અને પ્રવાસન : નેપાળમાં કરવામાં આવેલી ભૂસ્તરીય મોજણી અનુસાર લોખંડ, તાંબું, સોનું, અબરખ, ચૂનાખડક, સ્લેટ, ખનિજતેલ અને કુદરતી વાયુ જેવી સંપત્તિ હોવાનું જણાય છે; પરંતુ હાલમાં વ્યાપારી ધોરણે મોટાભાગનાં ખનિજોનું ખનન થતું નથી, માત્ર ચૂનાખડકોનું ઉત્પાદન લેવાય છે, તેને આધારિત સિમેન્ટનું એક કારખાનું ચાલે છે. નેપાળ પહાડી ભૂપૃષ્ઠ તથા વેગીલા પ્રવાહવાળી કાયમી નદીઓ ધરાવતો દેશ હોવાથી તે વિપુલ પ્રમાણમાં જળવિદ્યુતઊર્જાનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ આર્થિક અને તકનીકી દૃષ્ટિએ પછાત હોવાથી ખૂબ જ ઓછા પ્રમાણમાં આ ઊર્જા મેળવાય છે. વિદેશી સહાયથી કાઠમંડુ ખીણમાં ફાર્પિંગ અને સુંદરીજલ જેવાં બે જળવિદ્યુતમથકો સ્થાપવામાં આવ્યાં છે. આ ઉપરાંત, પાનૌતી, ત્રિશૂલી, સેતી, કોસી, ગંડક વગેરે પર દેશની અગત્યની જળવિદ્યુત-યોજનાઓ છે. દેશમાં થતા ઊર્જા-ઉત્પાદનની તુલનામાં જરૂરિયાત વધુ રહેતી હોવાથી સંખ્યાબંધ ડીઝલ-ઊર્જામથકો સ્થાપવામાં આવેલાં છે, પરંતુ તે આ દેશના અર્થતંત્રને પોષાય તેમ નથી.

નેપાળનું અર્થતંત્ર ખેતી, પશુપાલન અને જંગલપેદાશો પર રચાયેલું હોવાથી તેમાંથી મળતા કાચા માલ ઉપર જ ખાસ કરીને નાના અને મધ્યમ કદના ઉદ્યોગો વિકસાવી શકાયા છે, મોટા પાયાના ઉદ્યોગોનું પ્રમાણ ઓછું છે. પહાડી ભૂપૃષ્ઠ અને તેને કારણે પરિવહનનાં અપર્યાપ્ત સાધનો, તકનીકી કૌશલ્યનો અભાવ જેવાં પરિબળોને લીધે ઉદ્યોગોનો વિકાસ રૂંધાયો છે. કેટલાક વંશપરંપરાગત કુટિર-ઉદ્યોગો આજે પણ ટકી રહ્યા છે. આ પૈકી ઊનગૂંથણ અને વણાટકામ દેશનો મહત્ત્વનો અને બહોળો ફેલાવો ધરાવતો કુટિર-ઉદ્યોગ બની રહેલો છે. પહાડી જાતિઓ આ ઉદ્યોગમાં રોકાયેલી છે.

નેપાળમાં કાઠમંડુ, બિરાટનગર અને બીરગંજ અગત્યનાં ઔદ્યોગિક કેન્દ્રો છે, જ્યાં ભારત તેમજ અન્ય મિત્રદેશોની સહાયથી કેટલાક વિશાળ અને બાકીના મધ્યમ કક્ષાના ઉદ્યોગો સ્થાપવામાં આવેલા છે. તેમાં સુતરાઉ કાપડ, દીવાસળી, શણ, સિગારેટ, ઊન, ખાંડ, ચામડાં, કૃષિસાધનો, સિમેન્ટ, લોખંડ-પોલાદ, ચોખા-મિલ ઉદ્યોગ, લાકડાં વહેરવાના અને પ્લાયવૂડ બનાવવાના ઉદ્યોગોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કાઠમંડુ, લલિતપુર (પાટણ) અને ભક્તપુર(ભટગાંવ)માં આવેલી ઔદ્યોગિક વસાહતમાં વિવિધ પ્રકારની ઔદ્યોગિક પ્રવૃત્તિ ચાલે છે.

નેપાળ કલા અને સ્થાપત્યનો સમૃદ્ધ વારસો, ઊંચાં પહાડી શિખરો પરનાં આકર્ષક અને રમણીય ભૂમિદૃશ્યો તેમજ હિન્દુ અને બૌદ્ધ ધર્મનાં યાત્રાધામો ધરાવતું હોવાથી અહીં વિદેશી પ્રવાસીઓ અને પર્વતારોહકોની અવરજવર વિશેષ રહે છે. આશરે દોઢેક લાખ જેટલા પ્રવાસીઓ દર વર્ષે નેપાળની મુલાકાત લે છે. આ કારણે હોટેલો અને પ્રવાસન-ઉદ્યોગ આ દેશને સારા પ્રમાણમાં વિદેશી ચલણ કમાવી આપે છે. પ્રવાસીઓ માટે અહીં પંચતારક હોટેલોની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

પરિવહન અને વ્યાપાર : નેપાળ પહાડી ભૂપૃષ્ઠ ધરાવતો હોવાથી અહીં ખાસ કરીને હવાઈ માર્ગો અને થોડાક સડકમાર્ગોનો વિકાસ થયો છે. નેપાળને યુ.કે., ચીન, રશિયા, ભારત તેમજ અન્ય કેટલાક દેશોએ સડક બાંધકામ માટે આર્થિક અને તકનીકી સહાય કરી છે. મુખ્ય ધોરી માર્ગો પૈકી ભારતના રક્ષૌલ અને કાઠમંડુને જોડતો ત્રિભુવન રાજપથ, ચીનને જોડતો કાઠમંડુ-કોદરી રાજમાર્ગ, ભારતના સનૌલી અને નેપાળના પોખરાને જોડતો સિદ્ધાર્થ રાજમાર્ગ ઉલ્લેખનીય છે. આ ઉપરાંત, ખાસ કરીને તરાઈનાં મેદાનોમાંથી પસાર થતા સૌથી લાંબા અને અગત્યના પૂર્વ-પશ્ચિમ ધોરી માર્ગનું બાંધકામ ચાલુ છે. તે મિત્રદેશોની સહાયથી તૈયાર થઈ રહ્યો છે. ભારતના રક્ષૌલ અને નેપાળના આમલેખગંજને જોડતો એક ટૂંકો (48 કિમી.) નૅરોગેજ રેલમાર્ગ છે. જનકપુરથી બિજુલપુરને સાંકળતો બીજો પણ એક ટૂંકો (62 કિમી.) રેલમાર્ગ છે. નેપાળ કાઠમંડુ શહેર અને તરાઈપ્રદેશને સાંકળતા બે ટૂંકા રજ્જુમાર્ગો પણ ધરાવે છે. નેપાળમાં કાઠમંડુ, પોખરા, પાલંગતાર, ભરતપુર, ધનગઢી, નેપાળગંજ, સુરખેત (બીરેન્દ્રનગર), બિજૌરી, ભૈરવા, સિમરા, જનકપુર, રાજબિરાજ, બિરાટનગર, ભોજપુર, લુકલા અને ભદ્રપુર  એમ સોળ મુખ્ય હવાઈ મથકો છે. રૉયલ નેપાળ ઍરલાઇન્સ કૉર્પોરેશન (RNAC) દ્વારા આંતરિક હવાઈ સેવાઓ ઉપરાંત ભારતનાં દિલ્હી, પટણા, કૉલકાતા અને વારાણસી વચ્ચે તેમજ બાંગ્લાદેશના ઢાકા વચ્ચે નિયમિત હવાઈ સેવા ચાલે છે.

નેપાળને સમુદ્રકિનારો મળેલો નથી, તેથી તેનો મોટાભાગનો દરિયાપારનો વેપાર ભારતના કૉલકાતા બંદર મારફત ચાલે છે. નેપાળ મુખ્યત્વે ભારત, ચીન અને બાંગ્લાદેશ જેવા પડોશી દેશો ઉપરાંત યુ.એસ., યુ.કે., જાપાન વગેરે દેશો સાથે પણ વ્યાપારી સંબંધો ધરાવે છે. ચીનના તાબાના તિબેટના પ્રદેશ વચ્ચે પર્વતીય ઘાટોમાં થઈને જતા વ્યાપારી માર્ગો વર્ષના ખૂબ ટૂંકા ગાળા માટે ખુલ્લા રહે છે. લ્હાસા અને કાઠમંડુ વચ્ચે ચીન રેલમાર્ગનું આયોજન કરી રહ્યું છે.

નેપાળની નિકાસી ચીજો મુખ્યત્વે તો ખેતપેદાશોને લગતી હોય છે. ભારતમાં તે ખાસ કરીને ચોખા, ઘી, શણ, તેલીબિયાં, ઇમારતી લાકડાં, બટાકા, વનસ્પતિજ ઔષધો, ચામડાં અને ઢોરની નિકાસ કરે છે; જ્યારે સુતરાઉ કાપડ, સિગારેટ, મીઠું, પેટ્રોલ, કેરોસીન, ખાંડ, યંત્રસામગ્રી, દવાઓ, પગરખાં, કાગળ, સિમેન્ટ, લોખંડ-પોલાદ, ચા વગેરેની આયાત કરે છે.

વસ્તી : નેપાળની વસ્તી લગભગ 3.06 કરોડ જેટલી (2011) છે. વસ્તીવિતરણ અને વસ્તીગીચતા અહીંની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ જોવા મળે છે. ઉત્તરનાં ઊંચાં હિમાચ્છાદિત પહાડી ક્ષેત્રો ઠંડાં અને અસમતળ હોવાથી માનવવસવાટ માટે પ્રતિકૂળ છે, તેથી ત્યાં વસ્તીનું પ્રમાણ નહિવત્ છે. દેશની આશરે 62% વસ્તી મધ્યના પહાડી ઢોળાવો અને ખીણપ્રદેશોમાં તેમજ 38% વસ્તી તરાઈપ્રદેશમાં કેન્દ્રિત થયેલી છે. પહાડી ઢોળાવો દર ચોકિમી. મુજબ સરેરાશ 40થી 60 વ્યક્તિઓ અને કાઠમંડુ તથા પોખરાના ખીણપ્રદેશો સરેરાશ 590 વ્યક્તિઓ જેટલી વસ્તીગીચતા ધરાવે છે. તેની સામાન્ય વસ્તીગીચતા દર ચોકિમી. મુજબ 115 વ્યક્તિઓની ગણાય. પરંતુ શહેરી વસાહતોમાં વસ્તીપ્રમાણ વધીને 350 વ્યક્તિઓ જેટલું થવા જાય છે.

દેશનું સૌથી મોટું નગર તેમજ પાટનગર કાઠમંડુ, નેપાળની ખીણમાં બાગમતી નદીને કાંઠે વસેલું છે. ખીણમાં આવેલું હોવાથી તે સવારે ઝાકળભીનું જણાય છે, તેથી તેને ‘ઝાકળના શહેર’ની ઉપમા મળેલી છે. તેની વસ્તી 15.71 લાખ (2022) જેટલી છે. તે દેશનું વહીવટી, વ્યાપારી, સાંસ્કૃતિક અને ધાર્મિક કેન્દ્ર છે. અહીં આવેલા પશુપતિનાથના મંદિરે દર મહાશિવરાત્રિએ મોટો મેળો ભરાય છે. કાઠમંડુની લગભગ નજીક જ લલિતપુર (પાટણ) 15.00 લાખ (2022) અને ભક્તપુર (ભટગાંવ) 4.30 લાખ (2022) જેવી શહેરી વસાહતો આવેલી છે. આ સિવાય બિરાટનગર, બીરગંજ, નેપાળગંજ, પોખરા, ધરણ, ભૈરવા, હેટૌડા, જનકપુર, બટવાલ, રાજબિરાજ, ભદ્રપુર વગેરે અન્ય અગત્યનાં નગરો છે.

નેપાળમાં મુખ્યત્વે બે પ્રકારનાં જાતિજૂથો જોવા મળે છે. તિબેટ નજીકના ઉત્તર નેપાળમાં વસતા તમાંગ, રાઈ, ભોટ, લિમ્બુ, સનવાર, ગુરુંગ, માગર વગેરે જાતિના લોકો મૉંગૉલૉઇડ જાતિમાંથી ઊતરી આવેલા છે. આ પૈકીની કેટલીક કોમો લશ્કરમાં વિશેષ પ્રમાણમાં ભરતી થાય છે. અહીં તિબેટો-બર્મીઝ જૂથની ભાષાઓ અને બોલીઓનો ઉપયોગ થાય છે. દક્ષિણ નેપાળમાં આવેલાં તરાઈનાં મેદાનો એ ભારતનાં ગંગાનાં મેદાનો જેવો જ પ્રદેશ છે. ચરિયાણ ભૂમિની શોધમાં જૂના સમયથી ઘણા ભારતીયો અહીં આવીને વસેલા છે, તેથી અહીં ભારતીય સંસ્કૃતિની અસર વિશેષ છે. આ પ્રદેશમાં વસતા લોકોમાં સામાન્ય રીતે ઇન્ડો-આર્યન જાતિનાં લક્ષણો જોવા મળે છે. દેશની વસ્તીના 80% લોકો આ જાતિના છે. તરાઈપ્રદેશમાં મૈથિલી, અવધી, ભોજપુરી, માગધી, રાજબંસી વગેરે ભાષાઓનો ઉપયોગ થાય છે. બધી મળીને આ દેશમાં 50 જેટલી ભાષાઓ અને બોલીઓનો ઉપયોગ થાય છે. નેપાળની રાષ્ટ્રભાષા નેપાળી (ગોરખાલી) છે. દેશનો વહીવટ આ ભાષામાં ચાલે છે, તેની જનની સંસ્કૃત છે અને લિપિ દેવનાગરી છે. કાઠમંડુ ખીણમાં સૌથી અગત્યની ભાષા નેવારી છે અને નેવાર લોકો તેનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે.

નેપાળમાં શેરપાઓ અને ગુરખાઓ જેવી બે નેપાળી જાતિઓ વિશેષ ઉલ્લેખનીય છે. તેઓ તેમની કામ કરવાની કુશળતા માટે જાણીતા બન્યા છે. શેરપાઓ પહાડી પ્રજા ગણાય છે, જે ભોમિયા તરીકે તેમજ પર્વતારોહકોના મજૂરો તરીકે સેવા બજાવે છે, ઘણી ઊંચાઈનાં અંતર સુધી તેમજ કપરા ચઢાણ પર ભારે બોજવહન કરીને જઈ શકે છે. ગુરખાઓ લશ્કરી સૈનિકો તરીકે દેશની સેવા બજાવે છે.

પહાડી વિભાગો, ખીણો કે મેદાનોમાં વસતા 90% નેપાળી લોકો ખેતી કે સંબંધિત વ્યવસાયમાંથી તેમનો જીવનનિર્વાહ ચલાવે છે; પોતાની વપરાશ પછીની વધારાની પેદાશના વિનિમયમાં જીવનજરૂરી અન્ય ચીજવસ્તુઓ મેળવી લે છે. અન્ય લોકો લુહાર, સોની, મોચી કે દરજીકામ કરે છે. આ સિવાયના બાકીના સરકારી નોકરીઓમાં, વેપાર કે ઉદ્યોગમાં કામ કરે છે.

હિન્દુ ધર્મ એ નેપાળનો સત્તાવાર ધર્મ હતો, પરંતુ સામ્યવાદી ક્રાંતિ પછી હિંદુ ધર્મ સત્તાવાર ધર્મ રહ્યો નથી. તેમ છતાં નેપાળીઓએ હિન્દુ રીતિરિવાજો કે માન્યતાઓને બૌદ્ધ પ્રણાલીઓ સાથે મિશ્ર કરીને સાંકળી લીધાં છે. નેપાળીઓ હિન્દુ અને બૌદ્ધ બંને ધર્મના તહેવારો ઊજવે છે. અહીં હિન્દુ અને બૌદ્ધ ધર્મનાં મંદિરો અને મૂર્તિઓને સરખાં પવિત્ર ગણવામાં આવે છે. સ્થાનિક પરંપરા મુજબ પોતપોતાના ઇષ્ટદેવની પૂજા કરે છે. અહીં ગરીબી રેખા નીચે જીવતા લોકોમાં નિરક્ષરતા અને રોગોનું પ્રમાણ વિશેષ હોવાથી માંદગીના સમયે ‘શમન’ (shaman) તરીકે ઓળખાતા ભૂવાઓને પણ બોલાવે છે. નેપાળમાં ડૉક્ટરોનું પ્રમાણ ઓછું છે; કૉલેરા, રક્તપિત્ત અને ક્ષય જેવા રોગો અહીં વારંવાર થતા જોવા મળે છે.

નેપાળમાં કેટલાંક સ્થળોમાં બહુપત્નીત્વની પ્રથા જોવા મળે છે. આથી ઊલટું, ઉત્તર નેપાળમાં કેટલાક તિબેટી સમૂહોમાં તો બહુપતિત્વની પ્રથા પણ અસ્તિત્વ ધરાવે છે. જ્યાં એક સ્ત્રી એક જ કુટુંબના બે કે વધુ ભાઈઓ સાથે પરણે છે, ત્યાં આવા લગ્નથી થતાં બાળકો માટે મોટો ભાઈ પિતા ગણાય છે અને તેનાથી નાના ભાઈઓ કાકા કહેવાય છે.

અક્ષરજ્ઞાનની ઊણપ એ નેપાળની સૌથી મોટી અને ગંભીર સમસ્યા છે. તેનો ઉકેલ લાવવા માટે 1950ના દસકા દરમિયાન સરકારે સમગ્ર નેપાળમાં શાળાઓ શરૂ કરવાનો અને તે માટેના શિક્ષકોને તાલીમ આપવાનો કાર્યક્રમ અપનાવેલો. એ ગાળામાં 15 વર્ષ કે તેથી વધુ વયનાં બાળકો પૈકી 5% લખી-વાંચી શકતાં હતાં. ક્રમે ક્રમે તેમાં 20 % સુધીનો સુધારો થયો. હવે તેમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. અહીં ત્રિભુવન યુનિવર્સિટી એકમાત્ર યુનિવર્સિટી છે. તેનું મુખ્ય મથક કાઠમંડુ ખાતે છે. તેની શાખાઓ રાજ્યભરમાં આવેલી છે, તેમ છતાં ઉચ્ચશિક્ષણ માટે વિદ્યાર્થીઓ ભારતમાં તેમજ અન્યત્ર જાય છે.

ઇતિહાસ : આશરે 2,500 વર્ષ પૂર્વે હિમાલયની તળેટીમાં નાનાં નાનાં રાજ્યો આવેલાં હતાં. નેપાળની તળેટીમાં આવેલા લુમ્બિનીવનમાં ઈ. સ. પૂ. 563માં ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. ઈ. સ.ની પ્રથમ સદીથી આઠમી સદી સુધી એટલે કે લગભગ 800 વર્ષ સુધી લિચ્છવી રાજાઓએ નેપાળ પર રાજ્ય કરેલું. આઠમી સદીમાં નેપાળની ખીણમાં કાઠમંડુ શહેરની સ્થાપના થતાં, તે આ પ્રદેશનું રાજકીય સત્તાકેન્દ્ર બન્યું. લિચ્છવી રાજસત્તાનો અસ્ત થયા પછી લગભગ બીજાં 800 વર્ષ સુધી નેપાળ મલ્લ રાજાઓના અધિકાર નીચે રહ્યું. ત્યારબાદ ઈ. સ. 1769માં નેપાળમાં શાહવંશની સ્થાપના થઈ. પૃથ્વીનારાયણ શાહ આ વંશના સર્વપ્રથમ રાજા બન્યા. તેમના સમયમાં અંગ્રેજોએ નેપાળમાં પગપેસારો કરેલો, પણ તેઓ નેપાળ પર આધિપત્ય જમાવવામાં નિષ્ફળ રહેલા. પૃથ્વીનારાયણ શાહ પછીના રાજાઓના શાસનકાળ દરમિયાન રાજકુટુંબમાં આંતરિક કલહ અને નબળાઈઓને લીધે રાજ્યની લગામ મંત્રીઓના હાથમાં રહેવા લાગી. આ મંત્રીઓ પોતાને ‘રાણા’ તરીકે ઓળખાવતા. તેમણે રાજાઓની નબળાઈઓનો લાભ લઈ ઘણાં વર્ષો સુધી વંશપરંપરાગત મંત્રીપદના ઓઠા હેઠળ સંપૂર્ણ સત્તા ભોગવી અને પ્રજાનું ખૂબ શોષણ કર્યું. 1950માં રાજા ત્રિભુવન વીરવિક્રમ શાહે રાણાશાહી શાસનમાંથી નેપાળને મુક્ત કરાવ્યું. ત્યારપછી તેમના પુત્ર રાજા મહેન્દ્રના સમયમાં આ દેશમાં લોકશાહી શાસનપદ્ધતિ અપનાવવાનો પ્રયાસ થયો. તેમાં બીરેન્દ્રના સમયમાં પંચાયતી રાજ્યવ્યવસ્થા અપનાવવામાં આવી છે અને તે મુજબ આજે ‘રાષ્ટ્રીય પંચાયત’ નેપાળની સંસદ તરીકે કાર્ય કરે છે.

નેપાળ ચારે બાજુએ ભૂમિપ્રદેશોથી ઘેરાયેલો છે, આથી તે બફર સ્ટેટ તરીકે ઓળખાય છે. નેપાળને સમુદ્ર-કાંઠો મળ્યો નથી, તેથી આંતરરાષ્ટ્રીય દરિયાઈ વ્યાપાર માટે તેને ભારત કે બાંગ્લાદેશ કે પાકિસ્તાનનાં બંદરો પર આધાર રાખવો પડે છે. આ દેશનું અસમતળ ભૂપૃષ્ઠ તેનાં ખેતી, પરિવહન, ખાણ-ઉદ્યોગ કે ભારે ઉદ્યોગોના વિકાસ માટે અવરોધક પુરવાર થયું છે, જેથી તે આર્થિક દૃષ્ટિએ પછાત રહ્યો છે. આમ છતાં, વિદેશી આર્થિક અને તકનીકી સહાય મેળવીને તેણે પરિવહન, સિંચાઈ અને ઔદ્યોગિક ક્ષેત્રે અમુક પ્રમાણમાં પ્રગતિ સાધી છે. નેપાળ સાર્ક (South Asian Association for Regional Co-operation – SAARC) દેશોનું સભ્યપદ પણ ધરાવે છે.

પ્રાચીન સમયથી તે અત્યાર સુધી નેપાળ અને ભારત વચ્ચે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને રાજકીય સંબંધો જળવાતા આવ્યા છે. આજે એક દેશનો નાગરિક બીજા દેશમાં સરળતાથી આવજા કરી શકે છે અને તેમ કરવા માટે પરવાના(passport)ની જરૂર પડતી નથી.

ઈ. સ. 1951માં ઘણાં વર્ષોથી રાજ્ય કરતી રાણા સરકારને ઉથલાવીને રાજાશાહી પુન: સ્થાપવામાં આવી. 1959માં પ્રથમ રાષ્ટ્રીય બંધારણ સ્વીકારીને મુક્ત ચૂંટણી યોજવામાં આવી. 1960માં રાજા મહેન્દ્રે પાર્લમેન્ટ વિખેરી નાખી અને પંચાયતો પર આધારિત રાજ્યવ્યવસ્થા શરૂ કરી. 1972માં બીરેન્દ્ર રાજા થયો. 1990માં લોકોના વિરોધને કારણે નવા બંધારણનો અમલ થયો. તેમાં રાજાની સત્તા મર્યાદિત થઈ. 1991માં જી. પી. કોઇરાલાના નેતૃત્વ હેઠળ નેપાળી કૉંગ્રેસ પક્ષે ચૂંટણીમાં વિજય મેળવ્યો. 90ના દાયકામાં નેપાળી કૉંગ્રેસ પક્ષનું વર્ચસ્વ રહ્યું અને કોઇરાલા નવ સરકારોના વડા રહ્યા. માઓવાદીઓના બળવાને કારણે 3500 લોકોએ જાન ગુમાવ્યા. 2001માં રાજા સહિત રાજકુટુંબના ઘણા સભ્યોને યુવરાજ દીપેન્દ્રે મારી નાખ્યા અને તેણે આત્મહત્યા કરી. રાજા બીરેન્દ્રનો ભાઈ ગ્યાનેન્દ્ર નેપાળનો રાજા બન્યો. મે, 2009માં રામ બરન યાદવ નેપાળનો પ્રમુખ હતો. તે વખતે ત્યાંનો વડોપ્રધાન પુષ્પ કમલ દાહલ હતો. તે પ્રચંડ નામથી જાણીતો હતો. ત્યારબાદ પાર્લમેન્ટમાં 22 રાજકીય પક્ષોના ટેકાથી નેપાળના સામ્યવાદી પક્ષ(માઓવાદી)નો નેતા માધવકુમાર નેપાળ, નવો વડોપ્રધાન ચૂંટાયો. 2012માં નેપાળમાં ખાતરો, યંત્રસામગ્રી વગેરેની આયાત થતી હતી. તથા શેતરંજીઓ, ચામડાની વસ્તુઓ વગેરેની નિકાસ કરવામાં આવતી હતી. 2017માં નેપાળ પ્રજાસત્તાક રાજ્ય હતું. 2016માં નેપાળમાં પેટ્રોલિયમનાં ઉત્પાદનો ખાતરો તથા યંત્રસામગ્રી આયાત થતી હતી અને શેતરંજીઓ તથા ચામડાની વસ્તુઓની આયાત થતી હતી. 2017માં નેપાળમાં 89 % શિક્ષિતો હતા તથા પુષ્પ કમલ દાહલ સરકારનો વડો હતો. 2017માં નેપાળમાં ચલણમાં રૂપિયો હતો.

બીજલ પરમાર

જયકુમાર ર. શુક્લ