નેપલ્સ (નાપોલી) : ઇટાલીમાં આવેલું ઘણું જાણીતું અને મહત્વનું ઔદ્યોગિક શહેર તથા ટાઇહ્રેનિયન સમુદ્રના નેપલ્સના અખાત પરનું ધમધમતું બંદર. ભૌગોલિક સ્થાન : 40° 53´ ઉ. અ. અને 14° 25´ પૂ. રે.. તે ઇટાલીના પાટનગર રોમથી આશરે 192 કિમી. અગ્નિકોણમાં દક્ષિણ ઇટાલીના પશ્ચિમ કાંઠા પર ટેકરીઓની તળેટીમાં વસેલું છે. શહેરી વિસ્તારની દૃષ્ટિએ તે રોમ અને મિલાન પછી ત્રીજા ક્રમે આવતું મોટું શહેર છે. ઇટાલીના લોકો તેને નાપોલી તરીકે ઓળખે છે. યુરોપ તેમજ દુનિયાભરના પર્યટકો માટે તે ઘણું જાણીતું સ્થળ છે. તેની વસ્તી 9,75,260 (2015), બૃહદ શહેર : 31,15,320 (2015) છે.

નેપલ્સ

આ શહેરથી અગ્નિકોણમાં 11 કિમી.ના અંતરે યુરોપનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી માઉન્ટ વિસુવિયસ આવેલો છે. અહીંથી 32 કિમી.ના અંતરે ઇટાલીનાં પ્રાચીન નગરોના અવશેષો છે, જેમાં હર્ક્યુલેનિયમ, પૉમ્પેઈ તથા સ્ટેબિયા વિશેષ ઉલ્લેખનીય છે. તેની દક્ષિણે ભૂરા રંગનાં જળથી ભરેલો અખાત આ શહેરને અનન્ય સૌંદર્ય બક્ષે છે. રમણીયતા અને ખુશનુમા આબોહવા માટે વિખ્યાત એવા કૅપ્રી અને ઇશ્ચિયા ટાપુઓ આ અખાતમાં આવેલા છે.

યુરોપમાં જોવાલાયક ભવ્ય અને રમણીય શહેરોમાં નેપલ્સને વિશિષ્ટ સ્થાને મૂકી શકાય. નેપલ્સ ઘણી વિવિધતાઓ ધરાવતું શહેર છે. અહીં સુંદર નૈસર્ગિક દૃશ્યો છે તો ઝૂંપડપટ્ટીઓ પણ છે. તેના પૂર્વ વિભાગમાં જૂનાં મકાનો અને કારખાનાંઓ વચ્ચેથી દેવળનો ઊંચો શિખરભાગ અલગ તરી આવે છે. જૂના નેપલ્સના હૃદય સમો સ્પેક્કા  નેપોલી વિભાગ સાંકડી શેરીઓથી ગીચ બની રહેલો છે. શહેરનો નવો બનેલો પશ્ચિમ વિભાગ અખાત પરની 5 કિમી. લાંબી-પહોળી પટ્ટી પર આવેલો છે. અખાતથી થોડા અંદરના ભાગમાં ‘વોમેરો’ નામથી ઓળખાતો ગીચ વસ્તીવાળો વિસ્તાર અત્યંત આધુનિક છે. નેપલ્સના સંતશિરોમણિના માનમાં 1323માં જેનું બાંધકામ પૂરું થયેલું એવું સેન્ટ જાન્યુરિયસનું ગિરજાઘર શહેરમાં આવતા પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેલું છે. આજે સંગ્રહાલય કે સરકારી કચેરીઓ તરીકે ઉપયોગમાં લેવાતા ઘણા દુર્ગો મધ્યયુગના ભવ્ય ઇતિહાસની યાદ તાજી કરાવે છે. આ પૈકીનો ઈંડાના આકારનો ‘કેસલ દ લ ઓવો’ જૂનામાં જૂનો છે. 1300 પછીના અરસામાં બંધાયેલો અને 1500 પછીના ગાળામાં જેને વિશાળ બનાવાયેલો એવો સેન્ટ એલ્મોનો કિલ્લો ઘણાં વર્ષો સુધી જેલ તરીકે પણ વપરાયેલો. આ ઉપરાંત આ શહેરમાં વનસ્પતિઉદ્યાનો, રાષ્ટ્રીય કલા-સંગ્રહાલય, 3,500 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું સૅન કાર્લો ઑપેરા હાઉસ, નાટ્યગૃહો વગેરે પણ આવેલાં છે. અહીંના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં વિશ્વસ્તર પર કલાત્મક ચીજવસ્તુઓનો મોટામાં મોટો ખજાનો જળવાયેલો છે તથા તેમાં કાચની, ભાતીગળ ચિત્રોની અને માટીકામની અનેકાનેક ચીજવસ્તુઓનો, હર્ક્યુલેનિયમ-પૉમ્પેઈનાં બાવલાં, પુરાણાં ગ્રીક શિલ્પો વગેરેનો સમાવેશ થાય છે. વળી અહીંના રાષ્ટ્રીય પુસ્તકાલયમાં દસ લાખ કરતાં પણ વધુ ગ્રંથોનો સંગ્રહ છે; એટલું જ નહિ, અપ્રાપ્ય એવી હજારો હસ્તપ્રતો પણ છે. નેપલ્સના રાજાઓને રહેવા માટે 1700 પછીના ગાળામાં બંધાયેલો રાજમહેલ આજે રાષ્ટ્રીય ગૅલરી તરીકે વપરાય છે. તેમાં ચિત્રો, શિલ્પો, પોર્સેલેનની ચીજવસ્તુઓ અને જાજમોનો સંગ્રહ જળવાયેલો છે. ફ્રેડરિક બીજા દ્વારા 1224માં સ્થપાયેલું વિશ્વવિદ્યાલય પણ આ શહેરમાં જોવા મળે છે. અખાતના પૂર્વ કાંઠાની ટેકરીઓના ઢોળાવો પર બાગબગીચા અને ફળોની વાડીઓ આવેલાં છે. આ શહેરથી નૈર્ઋત્યમાં થોડાક કિમી.ને અંતરે પોલીસિપોનું નગર અખાત પરનાં સુંદર દૃશ્યોમાં ઉમેરો કરે છે.

ઇટાલીનાં અન્ય શહેરો અને નગરોની પ્રજાની રહેણીકરણીની સરખામણીમાં નેપલ્સના લોકો મોજીલા અને ચિંતામુક્ત જીવનશૈલીવાળા હોવાની છાપ ઊભી કરે છે. સંગીત તેમના જીવનમાં વણાઈ ગયું હોય એવું જણાય છે, અહીં સંગીતના જલસાઓ અને સ્પર્ધાઓ ગોઠવાતાં રહે છે. નોપોલિટન તરીકે ઓળખાતા આ લોકોને સ્પેઘેટી, મૅકરોની (નૂડલ્સ) જેવી વાનગીઓ વધુ પ્રિય છે. દુનિયાભરમાં જાણીતી બનેલી પિત્ઝાની વાનગીનું જન્મસ્થાન નેપલ્સ ગણાય છે. કહેવાય છે કે 1700ના ગાળામાં કોઈ શાહી રસોઇયાએ તે શોધી કાઢેલી. આ ઉપરાંત અહીંના લોકો માછલી અને વિવિધ દરિયાઈ ખાદ્ય ચીજોના ખૂબ શોખીન છે.

અહીં ભૂતકાળમાં થયેલાં જ્વાળામુખી-પ્રસ્ફુટનોને પરિણામે લાવામાંથી તૈયાર થયેલી ફળદ્રૂપ જમીનો દ્રાક્ષ, અંજીર અને ઓલિવની ખેતી માટે અનુકૂળ બની રહેલી છે.

નેપલ્સ ઇટાલીનું મોટું ઔદ્યોગિક કેન્દ્ર ગણાય છે. નેપલ્સમાં મોટર-ગાડીઓ, રેલવેનાં એન્જિનો, લોખંડ-પોલાદની વસ્તુઓ, જહાજ-બાંધકામ, વિવિધ પ્રકારનાં યંત્રો, રંગો, રાસાયણિક ચીજવસ્તુઓ, ચામડાની ચીજવસ્તુઓ, કાપડ ઉપરાંત ભિન્ન ભિન્ન પ્રકારનાં ઊંચી ગુણવત્તાવાળાં મદ્યો, પરવાળાં-શંખ-છીપલાંની વસ્તુઓ તથા પરંપરાગત વાસણોનું ઉત્પાદન કરનારાં કારખાનાં વિકસ્યાં છે.

ઇતિહાસ : ઈ. સ. પૂ. 600ના અરસામાં ગ્રીક સંસ્થાનવાદીઓએ સ્થાપેલા આ નગરનું મૂળ નામ પાર્થેનોપ હતું, જે પછીથી નેપોલિસ (એટલે કે નવું નગર) તરીકે જાણીતું થયું. એક સદીથી વધુ સમયગાળા માટે તે ગ્રીસની વસાહત તરીકે રહ્યા બાદ ઈ. સ. પૂ. આશરે 326 દરમિયાન તેના પર રોમનોનું આધિપત્ય રહ્યું. તેની નૈસર્ગિક રમણીયતા અને ખુશનુમા આબોહવાને લીધે ઉચ્ચવર્ગના રોમનો માટેનું વિશ્રામસ્થાન બની રહેલું. ઈ. સ. 476માં રોમન સામ્રાજ્યના પતન બાદ તે બાઇઝેન્ટાઇટન, ફ્રેન્ચ, લોમ્બાર્ડસ, ઇત્યાદિના તાબા હેઠળ રહ્યું. 1100થી 1860 વચ્ચેના મોટાભાગના ગાળા દરમિયાન નેપલ્સ પાટનગર તરીકેનો દરજ્જો ભોગવતું રહેલું. આ ગાળામાં 1442માં તે સ્પેનના વર્ચસ હેઠળ ગયેલું અને લગભગ 250 વર્ષ સુધી સ્પેને અહીં સત્તા ભોગવેલી. અઢારમી સદીનાં શરૂઆતનાં વર્ષો દરમિયાન તેના પર ઑસ્ટ્રિયાનું શાસન રહ્યું. 1734માં તે ‘ધ કિંગડમ ઑવ્ ટુ સિસિલીઝ’ નામથી જાણીતા બનેલા સ્વતંત્ર દેશનું પાટનગર બન્યું. ત્યારપછી ઘણા ફ્રેન્ચ શાસકોએ તેના પર રાજ્ય કર્યું. 1861માં તે કમ્પાનિયા પ્રદેશનું પાટનગર બન્યું. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન આ નગર પર વારંવાર બૉમ્બમારો કરવામાં આવેલો, જેને લીધે તેના ઘણા વિસ્તારો તારાજ થઈ ગયેલા. યુદ્ધસમાપ્તિ પછી પૂર્વવત્ સ્થિતિમાં તેને લાવવા માટે ક્ષતિગ્રસ્ત વિસ્તારોનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે. 1980માં ભૂકંપે અહીં ભયંકર વિનાશ સર્જેલો. 1970–80 અને 1980–90ના બે દાયકામાં શહેરની અંદર અને બહારના ભાગોમાં નવી ઇમારતો બાંધવામાં આવી છે. પ્રાચીન નાપોલીની નગરરચનાનો નકશો તેના સ્થાપત્ય પર રોમન મધ્યકાલીન તેમજ સ્પૅનિશ અસર દર્શાવે છે અને તેના ભવ્ય ઇતિહાસની સાક્ષી પૂરે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

નિયતિ મિસ્ત્રી