સ્ઝેન્ટ-ગ્યોર્ગ્યિ, આલ્બર્ટ (જ. 16 સપ્ટેમ્બર 1893, બુડાપેસ્ટ, ઑસ્ટ્રિયા-હંગેરી; અ. 22 ઑક્ટોબર 1986, વુડ્ઝ હૉલ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : હંગેરિયન દેહધર્મવિદ, જેમણે સન 1937નું નોબેલ પારિતોષિક મેળવ્યું હતું. તેમને આ સન્માન તેમના પ્રજીવક સી(vitamin C)ના વર્ણન માટે તથા કોષોમાં થતા શ્વસનકાર્યમાં ઑક્સિજનનું હાઇડ્રોજન સાથે સંયોજન થાય છે, તે દર્શાવ્યું તે માટે પ્રાપ્ત થયું હતું. તેઓ બીજા વિશ્વયુદ્ધમાં હંગેરિયન અવરુદ્ધન(Hungarian resistance)માં સક્રિય હતા અને યુદ્ધ પછી રાજકારણમાં પણ જોડાયા હતા.
આલ્બર્ટ સ્ઝેન્ટ-ગ્યોર્ગ્યિ
તેમની માતાના પિતા તથા માસી દેહરચનાવિદ્યા(anatomy)નાં પ્રાધ્યાપકો હતાં. તેમણે પણ તબીબી શિક્ષણ મેળવવાનું શરૂ કર્યું, પણ તેનાથી કંટાળીને તેમણે પોતાના કાકાની દેહરચનાલક્ષી પ્રયોગશાળામાં કાર્ય કરવા માંડ્યું. પ્રથમ વિશ્વયુદ્ધમાં તેઓ તબીબી વિદ્યાર્થી તરીકે યુદ્ધલક્ષી કામગીરી માટે જોડાયા. તેમણે ત્યાં પણ કંટાળીને પોતાને જ ગોળીથી ઈજાગ્રસ્ત કર્યા અને રજા પર ઊતરી ગયા. તેમણે સન 1917માં તબીબી શિક્ષણ પૂરું કરીને એમ.ડી.ની ઉપાધિ મેળવી. ત્યાર બાદ તેમણે સંશોધનક્ષેત્રે કારકિર્દી બનાવવાનું શરૂ કર્યું. તેમણે વિવિધ વિશ્વવિદ્યાલયો બદલીને છેવટે ગ્રોનિન્જન વિશ્વવિદ્યાલયમાં સ્થિરતા પ્રાપ્ત કરી અને કોષીય શ્વસન (cellular respiration) પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેઓ કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં રૉકફેલર શિક્ષણસંસ્થાન(Rockfeller foundation)ના અધ્યેતા (fellow) બન્યા અને સને 1927માં પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. સન 1931માં તેઓ સ્ઝેજેડ વિશ્વવિદ્યાલયમાં જોડાયા. ત્યાં તેમણે શોધ્યું કે જે હેક્ઝુરૉનિક ઍસિડ (hexuronic acid) પર સંશોધન કરીને તેમણે પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી તે જ પ્રજીવક સી છે. તે સમયે ફ્યુમેરિક ઍસિડ તથા અન્ય સંબંધિત પદાર્થો શોધ્યા, જે કોષીય શ્વસનમાં મહત્વના ગણાતા ‘ક્રેબ્સના ચક્ર’માં મહત્વનું સ્થાન ધરાવે છે. આ સંબંધે તેમને નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું. તેમણે સ્નાયુમાંના સક્રિયન (actin) તથા સ્નાટિવન (myosin) નામના પ્રોટીનોનું સંશોધન કર્યું અને તેમનું ઊર્જા મેળવવા માટે ATP સાથેનું જોડાણ દર્શાવ્યું. તેમણે હંગેરિયન અવરુદ્ધનમાં ભાગ લીધો. તેમણે બીજા વિશ્વયુદ્ધમાં મિત્રરાજ્યો સાથે વાટાઘાટો કરવા વૈજ્ઞાનિક વ્યાખ્યાનોનો અંચળો લીધો હતો. તેમનું આ છદ્મકાર્ય (plot) પકડાઈ જતાં તેમને પકડવાનું હુકમનામું એડૉલ્ફ હિટલરે સહી કરીને બહાર પાડ્યું હતું. જોકે તે ગૃહબંધન(house arrest)માંથી ભાગી ગયા હતા. વિશ્વયુદ્ધ પછી તેમને જાહેર વ્યક્તિ તરીકે સ્વીકૃતિ મળી. તેઓ ત્યાંની સંસદના સભ્ય ચૂંટાયા. સન 1947માં તેઓ યુ.એસ. ગયા. તેમના સામ્યવાદી દેશમાંનાં રાજકીય કાર્યોને કારણે તેમને અનુદાન મેળવવામાં તકલીફ નડી. સન 1950માં તેમણે સ્નાયુસંશોધનની ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી. સન 1955માં તેઓ અમેરિકી નાગરિક બન્યા. પાછળથી તેમને કૅન્સર અને માનપુટક ભૌતિક(quantum physics)માં રસ પડ્યો હતો.
શિલીન નં. શુક્લ