સ્ટકો : શિલ્પો બનાવવાની એક વિશિષ્ટ પદ્ધતિ. પથ્થર અથવા માટી પર ચૂના વગેરેનું પ્લાસ્ટર કરી તેમાં મૂર્તિઓ કોતરી કાઢવામાં આવે તેને સ્ટકો (Stucco) કહે છે. આ પ્રકારની મૂર્તિઓને ‘પ્રસ્તર’ મૂર્તિઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્ટકો શબ્દ ઇટાલિયનમાંથી અંગ્રેજીમાં 18મી સદીમાં પ્રચલિત થયો. વાસ્તવમાં સ્ટકોની પદ્ધતિ પ્રાચીન રોમનોએ છતના અલંકરણ માટે અપનાવી હતી. ત્યાર બાદ મુસ્લિમ સ્થાપત્યમાં અંદર અને બહારનાં સુશોભનો માટે અપનાવાઈ હતી. જેમ કે અલ્હામ્બ્રા અને ગ્રેનેડાનાં ગવાક્ષો અને ઘુંમટોમાં સ્ટકો જોવા મળે છે. રેનેસાં અને બરોક યુરોપ શૈલીમાં તેનો આંતર અને બાહ્ય સુશોભનો માટે વધુ વપરાશ થયો હતો. જેમ કે જર્મનીમાં 17મી–18મી સદી દરમિયાન શેરો-દ-ફોન્ટેઇને બ્લીયુમાં તે સ્પષ્ટ રીતે જણાય છે. ઇંગ્લૅન્ડમાં જોસેફ રોઝે (1745–1799) સ્ટકોમાં સુશોભનાત્મક કામ ઘણું કર્યું. વિશેષ કરીને આદમ બ્રધર્સ દ્વારા તૈયાર થયેલી ડિઝાઇનમાં તેનું કામ જોવા મળે છે. આર્ટ નોવિયા(Art Nouveau)ના સ્થપતિઓએ પણ સ્ટકોનો પ્રયોગ કર્યો હતો.

ભારતમાં આ રીતે શિલ્પો બનાવવાની પરંપરા ઘણી પ્રાચીન હોવાનું જણાય છે. કારણ કે હડપ્પા અને મોહેં-જો-દડોમાંથી આવી ઘણી મૂર્તિઓ મળી આવે છે. શિશુનાગ વંશના અજાતશત્રુ અને તેના ભત્રીજા ઉદાયી તથા પુત્ર નંદિવર્ધનની આવી પ્રસ્તર મૂર્તિઓ મળી આવી છે. અશોકના ધર્મલિપિવાળા સ્તંભો આ પ્રકારના કલાના સુંદર નમૂના છે. સાદા ચૂનાના પથ્થરના બનાવેલ આ સ્તંભો પર ઉત્કૃષ્ટ પ્રકારનો ઓપ ચઢાવવામાં આવેલ છે. આવો ઓપ ચઢાવવાની ‘વજ્રલેપ’ નામે ઓળખાતી પદ્ધતિ અશોકના પૌત્ર સંપ્રતિના સમય (ઈ. પૂ. 220–211) સુધી પ્રચલિત હતી. ત્યાર પછી આ લુપ્ત થયેલ જણાય છે. ગાંધારની શિલ્પકલા(ઈ. સ.ની 1લી સદીથી 4થી સદી)માં પણ આ પ્રકારે બનાવેલાં શિલ્પો જોવા મળે છે. તક્ષશિલાના ધર્મરાજિકા સ્તૂપની મેધી પર ઠેર ઠેર મૂકેલા ગોખો બુદ્ધ અને બોધિસત્વોનાં સ્ટકો શિલ્પોથી વિભૂષિત કરેલાં છે. ગુજરાતમાં શામળાજી પાસે પ્રાપ્ત દેવની મોરીના સ્તૂપમાં અને શંખેશ્વરના પ્રાચીન ભગ્ન પાર્શ્વનાથના મંદિરમાં સુશોભનો સ્ટકો વડે થયેલાં છે.

થૉમસ પરમાર