સ્ઝેચેનાઇ ઇસ્ત્વાન ગ્રૉફ (કાઉન્ટ)

January, 2009

સ્ઝેચેનાઇ, ઇસ્ત્વાન, ગ્રૉફ (કાઉન્ટ) (જ. 21 સપ્ટેમ્બર 1791, વિયેના; અ. 8 એપ્રિલ 1860, ડૉબ્લિંગ, વિયેના નજીક) : હંગેરિયન સમાજસુધારક અને લેખક. તેમનાં વ્યાવહારિક સાહસોમાં રાષ્ટ્રસુધારણાની ધગશ દૃષ્ટિગોચર થાય છે. સમાજમાં ધરમૂળથી પરિવર્તન લાવવા માટે દેશમાં જાગેલી ક્રાન્તિકારી ચળવળમાં ગ્રૉફની વિચારણા અને પ્રવૃત્તિમાં વાવેલાં બીજનું પરિણામ જોવા મળે છે. તેમનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો. તેમણે નેપોલિયન-1ના લશ્કર સામે સંગ્રામમાં ભાગ લઈ યુરોપમાં વ્યાપક પરિભ્રમણ કરેલું. ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સના આધુનિકીકરણની તેમના ઉપર ઊંડી છાપ પડેલી. પોતાની જન્મભૂમિ હંગેરી પણ એવું આધુનિક બને તે વાસ્તે પોતાની વર્ષભરની કમાણીનું ‘હંગેરિયન નૅશનલ અકાદમી ઑવ્ સાયન્સિઝ’-(1825)ના નિર્માણકાર્ય માટે દાન કરેલું. તેમની પ્રેરણાથી ઉમરાવ કુટુંબોના નબીરાઓ માટે રાજકારણની ચર્ચા માટે એક ક્લબની રચના થયેલી. તેમણે ડૅન્યૂબ નદીમાં વરાળથી ચાલતી આગબોટો માટે 1830માં એક સાહસ ઊભું કર્યું હતું. ‘હિટેલ’ (1830; કેડિટ), ‘વિલાગ’ (1831; લાઇટ) અને ‘સ્ટેડિયમ’(1833)માં હંગેરીના આર્થિક વિકાસ માટેના ખ્યાલો રજૂ કર્યા હતા. ભદ્ર સમાજના ઉમરાવ કુટુંબો જ દેશનાં મોટા ભાગનાં અનિષ્ટો માટે જવાબદાર છે એવો તેમનો મત હતો. જો ધનિક વ્યક્તિઓ રાજ્યમાં કરવેરો ન ભરે, જેવી છે તેવી પરિસ્થિતિ બરોબર છે એવા આત્મસંતોષમાં રચીપચી રહે અને ટોળટપ્પામાં સમય વ્યતીત કરે, તો દેશનું કલ્યાણ કદાપિ ન થઈ શકે એવી વાત તેઓ બેધડક રીતે કરતા. આમાં ઉચ્ચ વર્ગની બદનક્ષી કે કૂથલી થતી હોય તેમ લાગતું; પરંતુ તેમનાં વિધાનોની તે વિવાદાસ્પદ અને તકરારી હોવા છતાં સમાજ પર મોટી અસર થઈ હતી. જોકે સામાન્ય ખેડૂતના જીવનધોરણમાં ફેરફાર કરવાની તેમની ઇચ્છા બર આવી નહિ, પણ તેમણે નવા રસ્તાઓ બનાવરાવ્યા. ડૅન્યૂબ નદીમાં ચાલતો જળવ્યવહાર સુધાર્યો. ડૅન્યૂબ નદીનાં વહાણો છેક બ્લૅક સી (black sea) સુધી આવન-જાવન કરતાં થયાં તેમાં તેમનું પ્રદાન છે. બુડાપેસ્ટનો ઝૂલતો પુલ તેમણે બંધાવ્યો અને તેના માટે થયેલા ખર્ચની રકમ તેમણે સામાન્ય અને ધનિકવર્ગ પાસેથી ‘ટૉલ-ટૅક્સ’ તરીકે ઉઘરાવી હતી.

ગ્રૉફના અનુયાયીઓ અને સમાન મતવાળાઓની સામે વધુ ઉગ્ર યુવાપેઢીના નબીરાઓએ કૉસુથના નેતૃત્વ નીચે જેહાદ જગવી. ગ્રૉફનું તો માનવું હતું કે એક વાર આર્થિક વિકાસના માર્ગે જઈશું તો સ્વાતંત્ર્ય મેળવવાનો માર્ગ આપોઆપ પ્રગટ થશે. કૉસુથની માન્યતા આથી વિપરીત હતી. ગ્રૉફ લાજોસ બેથ્યાનીના પ્રધાનમંડળમાં 1848માં જોડાયા હતા; પરંતુ સરકારના વિયેના સાથેના સંઘર્ષ વખતે તેઓ લગભગ ગાંડપણમાં ધકેલાઈ ગયા. તેમને અસ્થિર મગજના દર્દીઓની ઇસ્પિતાલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બળવો કરવાના આરોપ માટે તેમના પર મુકદ્દમો ચાલે તેમ હતું. ગ્રૉફે હંગેરીમાં ચાલતા ઑસ્ટ્રિયાના એકહથ્થુ શાસન સામે 1859માં વિદ્રોહ જાગે તેવું લખાણ લખ્યું. તેના બીજા જ વર્ષે 1860માં તેમણે આપઘાત કર્યો.

વિ. પ્ર. ત્રિવેદી