સ્કાઉટિંગ અને ગાઇડિંગ : ભારત સહિત અનેક દેશોમાં શાખાઓ ધરાવતું સ્વૈચ્છિક સેવા અને જીવનઘડતર માટેનું સંગઠન. અવલોકન, સેવા અને બંધુત્વના પાયા ઉપર રચાયેલી અને ઘડાયેલી આ પ્રવૃત્તિની શરૂઆત યુદ્ધના મેદાન પર થઈ હતી. ઇંગ્લૅન્ડમાં જન્મેલા અને યુદ્ધના વાતાવરણ અને વ્યૂહરચનામાં મગ્ન રહેતા લૉર્ડ બૅડન પૉવેલે યુદ્ધની પરિસ્થિતિના અનુભવોમાંથી આ પ્રવૃત્તિનું સર્જન કર્યું હતું. 1899માં આફ્રિકાના બોઅર યુદ્ધ વખતે મેફકિંગ પરગણું જ્યારે દુશ્મનોએ ઘેરી લીધું હતું ત્યારે લૉર્ડ બૅડન પૉવેલે અને તેમના સેનાપતિ ઍડવર્ડ સેસિલે આ પરગણાના છોકરાઓને એકઠા કરી ટૂંકી મુદતની તાલીમ આપીને સ્વયંસેવકો તૈયાર કર્યા. આ તૈયાર થયેલા છોકરાઓએ તેમને સોંપેલી યુદ્ધની કેટલીક જવાબદારીઓ સફળતાપૂર્વક પાર પાડી હતી. આ અનુભવમાંથી છોકરાઓને ઉપયોગી શિક્ષણપદ્ધતિ અને પ્રવૃત્તિ યોજવાનું બીજ લૉર્ડ બૅડન પૉવેલના મનમાં રોપાયું અને મનોમંથનના પરિપાક રૂપે ઈ. સ. 1900માં ‘એઇડ્ઝ ટુ સ્કાઉટિંગ’ નામનું પુસ્તક જગત સમક્ષ મૂક્યું.
ઇંગ્લૅન્ડમાં સ્કાઉટિંગની પ્રવૃત્તિને માન્યતા ઉપરાંત રાજ્યાશ્રય પણ મળ્યો. બ્રિટિશ સામ્રાજ્યના દેશોમાં આ પ્રવૃત્તિનો ઝડપથી પ્રચાર થયો. શરૂઆતમાં સ્કાઉટિંગ ફક્ત ભાઈઓ માટે જ ચલાવાતું હતું. બહેનો માટે આ પ્રવૃત્તિ ચલાવવાની માગણી ઊઠતાં લૉર્ડ બૅડન પૉવેલનાં બહેન કુ. ઇગ્નેસને ગર્લગાઇડની પ્રવૃત્તિ ઉપાડી લીધી અને બહેનો માટેની પ્રવૃત્તિઓની સમજ આપતું પુસ્તક ‘હાઉ ધ ગર્લ્સ કૅન હેલ્પ ધી એમ્પાયર’ નામનું પુસ્તક બહાર પાડ્યું.
ભારતમાં સ્કાઉટિંગની પ્રવૃત્તિ 1909માં અને ગાઇડિંગની પ્રવૃત્તિ 1911માં શરૂ થઈ હતી. શરૂઆતમાં આ પ્રવૃત્તિ ફક્ત ઍંગ્લો-ઇન્ડિયન બાળકો માટે મર્યાદિત હતી. ડૉ. એની બિસેન્ટ, શ્રી એરુન્ડેલ તથા પિયર્સનની મદદથી દક્ષિણ ભારતમાં ‘ધી ઇન્ડિયન બૉય સ્કાઉટ ઍસોસિયેશન’ની સ્થાપના 1916માં કરવામાં આવી. બહેનો માટેની સિસ્ટર ગાઇડિંગની સંસ્થા શરૂ કરવામાં આવી. આ બંને સંસ્થાઓએ ભારતના વાતાવરણને અનુકૂળ ગણવેશ દાખલ કરીને તેમજ ‘વંદે માતરમ્’ અને ‘જનગણમન’ રાષ્ટ્રીય ગીતોને સ્કાઉટિંગનાં ગીતોમાં સામેલ કરીને એ પ્રવૃત્તિનું હિન્દીકરણ કર્યું. 1918માં પંડિત મદનમોહન માલવિયાજી, પંડિત હૃદયનાથ કુંજરું અને શ્રીરામ વાજપેયીના પ્રયત્નોથી ‘અખિલ ભારતીય સેવા સમિતિ બૉય સ્કાઉટ ઍસોસિયેશન’ની સ્થાપના થઈ અને ઉત્તર ભારતમાં સ્કાઉટિંગની પ્રવૃત્તિનો પ્રચાર વધવા લાગ્યો. 1950ની 7મી નવેમ્બરના રોજ ભારતમાં એક જ સંયુક્ત સ્કાઉટ ગાઇડ સંસ્થા બની, જેનું નામ ‘ભારત સ્કાઉટ ગાઇડ સંઘ’ રાખવામાં આવ્યું. ગુજરાત રાજ્યમાં આ પ્રવૃત્તિનું સંચાલન ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઇડ સંઘ દ્વારા થાય છે.
‘સ્કાઉટ’નો અર્થ ‘પર્યટન કરતાં પૂરું અવલોકન કરવું’; જ્યારે ‘ગાઇડ’નો અર્થ ‘માર્ગદર્શક–ભોમિયો’ એવો થાય છે. ચપળ દૃષ્ટિ રાખીને વિહરવાની કળા ખીલવવાનો ઉદ્દેશ આ પ્રવૃત્તિમાં રહેલો છે. પ્રવૃત્તિ દ્વારા બાળકના ચારિત્ર્યનું ઘડતર કરીને સારા નાગરિક બનાવવાનો એનો મુખ્ય હેતુ છે. ઈર્ષ્યા, દ્વેષ, કોમવાદ, ભાષાવાદ વગેરે સંકુચિત મનોવૃત્તિવાળા વાતાવરણથી દૂર કરીને બાળકોમાં શુદ્ધ પ્રેમ, દેશસેવા, બંધુત્વની ભાવના કેળવાય માટે સ્કાઉટિંગ અને ગાઇડિંગની પ્રવૃત્તિ કરાવવામાં આવે છે.
સ્કાઉટિંગ–ગાઇડિંગનો અભ્યાસક્રમ ઉંમર પ્રમાણે તબક્કાવાર વહેંચી દેવામાં આવ્યો છે. ભાઈઓ માટે 7થી 10 વર્ષ માટે ‘બટુક’, 11થી 18 વર્ષ માટે ‘બાલવીર’ અને 19થી 35 વર્ષ માટે ‘યુવકવીર’નો અભ્યાસક્રમ હોય છે; જ્યારે બહેનો માટે 7થી 10 વર્ષ માટે ‘બુલબુલ’, 11થી 16 વર્ષ માટે ‘વીરબાળા’ અને 17થી 35 વર્ષ માટે ‘વીરાંગના’ના અભ્યાસક્રમ હોય છે. ગુજરાતમાં ગુણવંતરાય ભટ્ટે સ્કાઉટપ્રવૃત્તિને સ્થાપી અને તેને પગભર કરવામાં જીવન સમર્પિત કર્યું.
મુદ્રાલેખ અને પ્રતિજ્ઞા : સ્કાઉટિંગ અને ગાઇડિંગની પ્રવૃત્તિનો મુદ્રાલેખ ‘સેવા’ અને ‘હો તૈયાર’ છે. બાળકને શરીરે દૃઢ, મનથી જાગ્રત તથા નીતિ, આચાર અને વ્યવહારમાં પ્રામાણિક રહીને તૈયાર થવાનું તે સૂચવે છે.
હર્ષદભાઈ પટેલ