સ્કાઉલો, આર્થર લિયૉનાર્દ (Schawlow, Arthur Leonard) (જ. 5 મે, 1921, માઉન્ટ વર્નોન, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.; અ. 28 એપ્રિલ, 1999, પાલો આલ્ટો, કૅલિફૉર્નિયા, યુ.એસ.એ.) : લેસરના ઉપયોગથી પરમાણુના ઊર્જા સ્તરોનું અત્યંત ચોક્સાઈપૂર્વક માપન કરવા માટે 1981નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમની તથા નિકોલાસ બ્લૂમ્બર્ગન અને સિગમાન કેઈ માન બૉર્જ વચ્ચે વિભાજિત થયો હતો.

સ્કાઉલોના પિતા યહૂદી મૂળના હતા અને તેઓ રશિયાથી અમેરિકા આવીને વસ્યા હતા. સ્કાઉલોનો ઉછેર તેમની માતાના પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તી ધર્મ અનુસાર થયો હતો અને જ્યારે તેઓ ત્રણ વર્ષના હતા ત્યારે તેમનું કુટુંબ કૅનેડા સ્થળાંતર કરી ગયું હતું. 16 વર્ષની ઉંમરે સ્કાઉલોએ શાળાકીય શિક્ષણ પૂરું કર્યા બાદ તેમને વિજ્ઞાન વિષયમાં શિષ્યવૃત્તિ મળતાં યુનિવર્સિટી ઑફ ટોરોન્ટોમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ તેમણે અનુસ્નાતકનો અભ્યાસ શરૂ કર્યો પણ તે દરમિયાન દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થતાં તેમાં વિઘ્ન આવ્યું. યુદ્ધ સમાપ્ત થતાં તેમણે યુનિવર્સિટી ઑવ્ ટોરોન્ટોમાં પ્રાધ્યાપક માલ્કમ ક્રૉફર્ડના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.નો અભ્યાસ શરૂ કર્યો. ત્યાર બાદ ચાર્લ્સ ટાઉન્સની સાથે કોલમ્બિયા યુનિવર્સિટીમાં 1949માં પોસ્ટ-ડૉક્ટરલનું સ્થાન મેળવ્યું. 1961માં તેઓ સ્ટૅનફર્ડ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા અને નિવૃત્તિ સુધી અહીં કાર્યરત રહ્યા.

તેમનું સંશોધનકાર્ય મહદંશે પ્રકાશવિજ્ઞાન અને ખાસ કરીને લેસર પર કેન્દ્રિત હોવા છતાં તેમણે અતિવાહકતા (Superconductivity) તથા ન્યૂક્લિયર અનુનાદ પર પણ સંશોધનો કર્યાં. સ્કાઉલોએ ચાર્લ્સ ટાઉન્સના સહયોગથી ‘માઇક્રોવેવ સ્પેક્ટ્રોસ્કોપી’ નામે પાઠ્યપુસ્તક લખ્યું જે બહોળા વપરાશમાં છે. 1991માં કૉર્પોરેશન અને અમેરિકન ફિઝિકલ સોસાયટી દ્વારા એક પુરસ્કાર સ્થાપિત કરવામાં આવ્યો – ‘આર્થર એલ. સ્કાઉલો પ્રાઇઝ ઇન લેસર સાયન્સ’. દર વર્ષે આ પુરસ્કાર લેસર દ્વારા ઉત્તમ સંશોધનો કરનાર વિજ્ઞાનીને આપવામાં આવે છે.

 

પૂરવી ઝવેરી