સ્કલી, સેઆન (Scully, Sean) (જ. 1945, ડબ્લિન, રિપબ્લિક ઑવ્ આયર્લૅન્ડ) : આધુનિક આયરિશ ચિત્રકાર. લંડન ખાતેની ક્રોઇડોન કૉલેજ ઑવ્ આર્ટમાં 1965થી 1968 સુધી કલાનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ ન્યૂ કૅસલ યુનિવર્સિટીમાં 1968થી 1972 સુધી અને 1972થી 1974 સુધી અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં વધુ કલા-અભ્યાસ કર્યો.
સેઆન સ્કલી
ત્યાર બાદ ન્યૂયૉર્ક નગરમાં સ્થિર થઈ કલાસર્જન શરૂ કર્યું. ફ્રૅન્ક સ્ટેલા, માર્ક રૉથ્કો, બાર્નેટ ન્યૂમૅન અને નોએલ ફૉસ્ટર જેવા ઑપ્ટિકલ (optical) શૈલીમાં સર્જન કરનારા ચિત્રકારોના પ્રભાવમાં અમૂર્ત ભૌમિતિક આકારોમાં સપાટ રંગો ભરીને ચિત્રસર્જન શરૂ કર્યું.
સેઆન સ્કલીનું ચિત્ર ‘વૉલ ઑવ્ લાઇટ બ્રાઉન’ (2000)
તે ત્રણ ચિત્રોની ત્રિજોડી (triptych) બનાવવાનું પસંદ કરે છે, જે ત્રણેને સાથે બાજુ બાજુમાં પ્રદર્શિત કરવામાં આવે છે. આ ચિત્રોમાં આડી, ઊભી અને ત્રાંસી ફૂટપટ્ટીથી દોરેલી રેખાઓ વચ્ચેનાં ચોકઠાંઓમાં અલગ અલગ ભડક રંગપૂર્તિ કરીને સુશોભનાત્મક ચિત્રણ કરવામાં આવે છે.
અમિતાભ મડિયા