સ્કર્વી : પ્રજીવક ‘સી’ની આહારીય ઊણપથી શ્વેતતંતુ(collagen)ના સંશ્લેષણમાં થતા વિકારનો રોગ. તેને શીતાદ (scurvy અથવા scorbutus) પણ કહે છે. કોષોની બહાર આવેલું દ્રવ્ય કોષોને યથાસ્થાને ગોઠવી રાખે છે. તેને આંતરકોષીય દ્રવ્ય (matrix) કહે છે, જેમાં સફેદ તથા પીળા તાંતણા પણ હોય છે. સફેદ તાંતણાઓને શ્વેતતંતુ કહે છે. તે આંતરકોષીય દ્રવ્યને દૃઢતા આપે છે. આંતરકોષીય દ્રવ્ય વડે વ્યવસ્થિત ગોઠવાયેલા અને કોઈ ચોક્કસ પ્રકારનું કાર્ય કરતા કોષસમૂહને પેશી (ઊતક, tissue) કહે છે. પેશીના કોષો તથા તેમાંની કેશવાહિનીઓને આધાર આપતા શ્વેતતંતુઓનું ઉત્પાદન કોષમાંની અંત:પ્રરસીય તંતુજાલ (endoplasmic reticulum) નામની અંગિકા(organelle)માં થાય છે. તેમાં પ્રોલિન અને લાયસિન નામના એમિનોઍસિડના જલૌક્સીકરણ (hydroxylation) દ્વારા અનુક્રમે હાઇડ્રોપ્રોલિન અને હાઇડ્રૉક્સિલાયસિનનું સંશ્લેષણ (synthesis) થાય છે, જે શ્વેતતંતુઓના ઉત્પાદનમાં જરૂરી હોય છે. આ રાસાયણિક પ્રક્રિયા કરતા 2 અલગ પ્રકારના જલૌક્સિ-ઉત્સેચકો (hydroxylase) હોય છે. પ્રજીવક ‘સી’ આ ઉત્સેચકો(enzymes)ના કાર્ય માટે જરૂરી હોય છે; તેથી તેની ઊણપમાં પ્રોલિન અને લાયસિનનું જલૌક્સીકરણ ક્ષતિયુક્ત બને છે જેને કારણે પેશીના કોષોને બાંધી રાખતા આંતરકોષીય દ્રવ્યમાંના શ્વેતતંતુઓનું ઉત્પાદન પણ ક્ષતિપૂર્ણ બને છે. તેને પરિણામે પેશીની દૃઢતા અને તેમાંની કેશવાહિનીઓનો આધાર નબળો રહે છે. આવી સ્થિતિમાં કેશવાહિનીઓ તૂટે અને તેમાંથી લોહી વહે છે અને પેશી સુદૃઢ રહેવાને બદલે પોચી (spongy) બને છે; જેમ કે, પોચાં અવાળાં (spongy gums). પોચાં, ફૂલેલાં, લોહી ઝરતાં અવાળાં થવાને કારણે આ રોગને શીતાદ (scurvy કે scorbutus) કહે છે. પ્રજીવક ‘સી’ એક પ્રકારનો અમ્લ (acid) છે અને તે શીતાદ રોગને અટકાવે છે માટે તેને એસ્કોર્બિક ઍસિડ (ascorbic acid) પણ કહે છે.

શીતાદ (scurvy) : (અ) પ્રજીવક સી, (આ) પ્રજીવક ‘સી’યુક્ત ફળો, (ઇ) રોગનાં લક્ષણો  (1) ફૂલેલાં, લોહી ગળતાં ઢીલાં અવાળાં અને પડી ગયેલો દાંત; (2) ફિક્કી ચામડી (પાંડુતા, anaemia); (3) ઊંડી ઊતરેલી આંખો; (ઈ) ફૂલેલાં અવાળાં, (ઉ) જહાજ પર જમ્ભીર ફળો (citrous frutis) વડે સ્કર્વીના દર્દીની સારવાર કરતા સર્જ્યન જેમ્સ લિન્ડ.

ઇતિહાસ : અગાઉ ફળો અને શાકભાજી નહિ મેળવી શકનારા નાવિકો અને દરિયાઈ ચાંચિયાઓમાં તે રોગ જોવા મળતો. હિપોક્રેટસે (ઈ. પૂ. 460થી ઈ. પૂ. 380) તેને વર્ણવેલો છે. તેને વિશે ‘શીતાદ’ નામે ભારતમાં પણ સંસ્કૃત ભાષાકાલથી જાણકારી હતી. 13મી સદીમાં દરિયાઈ મુસાફરી અને યુદ્ધમાં સ્કર્વી મહત્વનો મર્યાદાકારી રોગ હતો અને તેને કારણે અનેક નાવિકો અને જહાજ-મુસાફરો મૃત્યુ પામતા. સન 1614 સુધી અંગ્રેજોના નાગરિક તબીબી વ્યવસાયીઓ કોઈ પણ અમ્લ(acid)ને તેની સારવાર માટે પર્યાપ્ત ગણતા. સન 1614માં જ્હૉન વુડોલે (ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સર્જ્યન જનરલ) તેમના પુસ્તકમાં સ્કર્વીને પોષણની ઊણપથી થતો રોગ ગણાવ્યો અને તાજો ખોરાક, સંતરાં, લીંબુ વગેરેને ઉપચાર તરીકે આપવાનું સૂચવ્યું હતું. સન 1734માં જોહન બૅકસ્ટ્રોમે ખોરાકમાં તાજાં ફળોની ગેરહાજરીને કારણે તે થાય છે તેમ લખ્યું હતું. સન 1753માં જેમ્સ લિન્ડ નામના બ્રિટનના નૌસેનાના સ્કૉટિશ સર્જ્યને તેના સ્કર્વી રોગ પરના ગ્રંથમાં સૌપ્રથમ જમ્ભીર ફળો (citrus fruits) વડે સફળ સારવાર વર્ણવી હતી. લીંબુ, મોસંબી, નારંગી વગેરેને જમ્ભીર ફળો કહે છે. જોકે તે સમયે જહાજ પર લાંબા સમય સુધી જમ્ભીર ફળો સાચવી રાખવાં એ અઘરું હતું. સન 1927માં હંગેરિયન જૈવરસાયણવિદ સ્ઝેન્ટ-ગ્યૉર્ગ્યિએ અધિવૃક્ક-બાહ્યક (adrenal cortex) નામની શરીરમાંની એક અંત:સ્રાવી ગ્રંથિમાંથી ‘હેક્સુરોનિક ઍસિડ’ નામનું દ્રવ્ય અલગ પાડી બતાવ્યું હતું. સન 1932માં અમેરિકી સંશોધક ચાર્લ્સ ગ્લેન કિંગે પ્રજીવક ‘સી’ અને સ્કર્વી વચ્ચેનો સંબંધ શોધી આપ્યો. સન 1937માં સ્ઝેન્ટ-ગ્યૉર્ગ્યિને નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો.

લક્ષણો, ચિહનો અને નિદાન : ચામડી પર (ખાસ કરીને પગ) ગાઢા જાંબલી ટપકાં અને પોચાં અને સૂજેલાં અવાળાં જોવા મળે છે. ક્યારેક દાંત પડી જાય, ક્યારેક પોલા અવયવોની અંદરની દીવાલ બનાવતી શ્લેષ્મકલા (mucous membrane) અને અવાળાંમાંથી લોહી ઝરે. ક્યારેક નસકોરી ફૂટે, આંખો ઊંડી ઊતરે અને રુઝાતા ઘા ખૂલી જાય તથા જોડેલા અસ્થિભંગ (fractures) છૂટા પડી જાય. જો તેની સારવાર ન થાય તો તે અનિવાર્યપણે મૃત્યુ સર્જે છે. બાળકોમાં થતા આ રોગને બાર્લો(Barlow)નો રોગ, મિલર(Moeller)નો રોગ કે ચીડલ(Cheadle)નો રોગ પણ કહે છે.

આધુનિક વિજ્ઞાનમાં તે પ્રજીવક ‘સી’ની ઊણપથી થાય છે તેની જાણકારી હોવાથી હવે તે ભાગ્યે જ થાય છે. દૂધના પાશ્ચૂરીકરણમાં તે નાશ પામે છે. માટે બાટલીના દૂધ પરના શીશીપોષ્ય (bottle-fed) શિશુઓમાં બહારથી પ્રજીવક ‘સી’ અપાય છે. બાળકો માટેનાં આહાર-ઉત્પાદનોમાં તેને બહારથી ઉમેરાય છે; પરંતુ તેને ગરમ કરવાથી કે તેનો સંગ્રહ કરવાથી તે નાશ પામે છે. જો માતા પૂરતા પ્રમાણમાં પ્રજીવક ‘સી’વાળો ખોરાક લે તો તેના દૂધમાં પૂરતું પ્રજીવક ‘સી’ હોય છે.

કુપોષણજન્ય અન્ય રોગો સાથે સ્કર્વી જોવા મળે છે. તેમાં આહારી ઊણપ ઉપરાંત આંતરડાના રોગોમાં અપૂરતા અવશોષણથી પણ તે થાય છે; પરંતુ તે મુખ્યત્વે આહારી ઊણપથી થતો જોવા મળે છે.

પૂર્વનિવારણ (prevention) : લીંબુ, નારંગી વગેરે જમ્ભીર ફળોવાળો ખોરાક સ્કર્વી થતો અટકાવે છે. જમરૂખ, પપૈયું, ટમેટાં, સ્ટ્રૉબેરી વગેરે અન્ય ફળો તથા ગાજર, બટાકા, કોબીજ, પાલક વગેરે શાકમાં પણ તે હોય છે. માણસની માફક ગિનીપિગમાં પણ પ્રજીવક ‘સી’ બનાવતો જનીન (gene) ગેરહાજર હોય છે માટે તેને પણ તેની આહારી ઊણપથી સ્કર્વી જેવો રોગ થાય છે.

શિલીન નં. શુક્લ