કથાઘટક : સાહિત્ય કે કલાની કૃતિમાં વણાયેલો કેન્દ્રવર્તી વિચાર. દા. ત., ઈર્ષ્યાભાવ એ ‘ઑથેલો’નું કથાબીજ કે ઘટક છે. આને માટે ફ્રેન્ચ ભાષામાં motif અને અંગ્રેજીમાં motive શબ્દો છે. અલબત્ત કેટલાક આંગ્લ લેખકો અંગ્રેજીમાં પણ motif લખાય-વપરાય એવો આગ્રહ સેવે છે.
કૃતિનો પ્રધાન વિચાર ક્યારેક પાત્ર નિમિત્તે વ્યક્ત થતો હોય છે. જેમ કે કવિ દલપતરામના ‘મિથ્યાભિમાન’(1871)માં જીવરામ ભટ્ટનું પાત્ર અથવા મધ્યકાલીન અંગ્રેજી સમાજના લોકમાનસમાં ધબકતું રહેલું અને શેક્સપિયરના ‘મિડસમરનાઇટ્સ ડ્રીમ’માં દેખા દેતું પક જેવું લાક્ષણિક પાત્ર. એ જ રીતે કલ્પનો મારફત પણ વિષયબીજ સ્ફુટ થતું રહે છે. જીવનની નશ્ર્વરતા, દૈહિક પ્રેમની ક્ષણભંગુરતા, ભક્તિની સર્વજનીનતા, પ્રાકૃતિક સૌન્દર્યની મનોરમતા, નારીદેહની સુંદરતા વગેરે માટે અનેક કલ્પનો પ્રયોજાતાં રહ્યાં છે અને તેમનું પુનરાવર્તન પણ થતું રહ્યું છે. ક્યારેક પ્રાચીન કે પ્રચલિત કલ્પનોમાં નવા અર્થસંકેત પણ પ્રયોજાતા રહે છે; જેમ કે અજ્ઞાતભાવે માતા-પુત્રનો કે ભાઈ-બહેનનો દેહસંબંધ. વળી કર્તાની કોઈ એકાદી કૃતિ વિશે તો ઠીક પણ એકસામટા સર્જનફાલ વિશે પણ વિષયબીજ સમો પ્રધાન વિચાર વ્યક્ત થતો હોય છે; જેમ કે થૉમસ હાર્ડીની નવલકથાઓમાં ગુંફાયેલો કરુણ વિધિહાસ અથવા મુનશીની ઐતિહાસિક નવલકથાઓમાં અનુસ્યૂત ગુજરાતની અસ્મિતા.
આને જ મળતો આવતો બીજો શબ્દ તે leitmotif. આ ગ્રીક શબ્દનો અર્થ થાય છે leading motif – કૃતિનો પ્રધાનસૂર. મુખ્યત્વે તે સંગીતરચનાઓના સંદર્ભમાં પ્રયોજાય છે; ખાસ કરીને વાગ્નરની ઑપેરાની સંગીતરચનાઓનો આસ્વાદ પામવા માટે તેનું વિશેષ મહત્વ છે. થૉમસ માને સંગીતકૃતિઓ વિશે પ્રયોજાતી અને પુનરાવર્તિત થતી ધ્રુવપંક્તિઓ માટે આ શબ્દપ્રયોગ કર્યો છે, એ નિર્દેશમાં કર્તાના મનગમતા વિષયબીજનો સમાવેશ થાય છે; જેમ કે ગ્રેહામ ગ્રીનની નવલકથાઓમાં વિશ્વાસઘાત તથા બેવફાઈ જેવાં તેમજ લૌકિક-અલૌકિક પરિબળોની શિકારવૃત્તિનો ભોગ બનતો મનુષ્ય જેવાં કથાબીજ વ્યક્ત થાય છે.
દિગીશ મહેતા
મહેશ ચોકસી