કથાકાવ્ય (ballad) : ટૂંકો વાર્તારૂપ લોકગીતનો પ્રકાર. તેનું મૂળ છે લૅટિન તથા ઇટાલિયન શબ્દ ‘ballare’ એટલે કે ‘નૃત્ય કરવું’. તાત્વિક રીતે કથાકાવ્ય એટલે કે બૅલડ વાર્તાની માંડણીવાળો ગીતપ્રકાર છે અને મૂળે તે નૃત્યની સંગતરૂપે રજૂ થતી સંગીતરચના હતું. ઘણાખરા દેશ-પ્રદેશની સંસ્કાર-પરંપરામાં કથાકાવ્યનો પ્રકાર પ્રચલિત થયેલો જોવા મળે છે. દરેક પ્રજાની સંસ્કૃતિ, પરંપરાઓ, ભાષાગત લાક્ષણિકતાઓ વગેરે નિમિત્તે પ્રગટતી વિશેષતાઓ જતી કરીએ તો સંખ્યાબંધ કથાકાવ્યની રચનાઓમાંથી કેટલીક પાયાની સ્વરૂપલક્ષી ખાસિયતો તારવી શકાય : (1) તેનો પ્રારંભ વિષયની કોઈ પણ પ્રકારની પૂર્વભૂમિકા વગર અણધાર્યો અને આકસ્મિક રીતે થતો હોય છે; (2) તેની ભાષા સરળસુગમ હોય છે; (3) વાર્તાની માંડણી સંવાદ અને કાર્યના નિરૂપણ મારફત થાય છે; (4) અપવાદ બાદ કરતાં વિષય બહુધા કરુણ (ટ્રૅજિક) હોય છે; (5) ઘણુંખરું એમાં કોઈ શબ્દ કે શબ્દસમૂહનું નિયત અંતરે પુનરાવર્તન થતું હોય છે કે કોઈ ધ્રુવપંક્તિ આવતી હોય છે; (6) સામાન્ય રીતે તેમાં એકાદ જ કથાપ્રસંગ નિરૂપાતો હોય છે; (7) વાર્તાનાં સ્થળ-સમય તથા વાતાવરણની વિગત અલ્પ હોય છે; (8) એમાં નાટ્યતત્વની પ્રચુરતા હોય છે; (9) એકાદ પંક્તિમાં નિરૂપાતા કાર્ય તથા ત્વરિત કથાવેગના પરિણામે એમાં પાત્રચિત્રણ શક્ય બનતું નથી; (10) રચનાકારનું વલણ તદ્દન બિન-અંગત (impersonal) હોય છે.

કથાકાવ્યનો પ્રકાર મોટેભાગે નિરક્ષર અથવા અલ્પ અક્ષરજ્ઞાન પામેલા પ્રજાવર્ગો વચ્ચે પાંગર્યો છે, તેમજ પ્રત્યેક પ્રયોગ વખતે ગાયક-વાદકની કલ્પનાશક્તિને આધારે તેમાં સતત નવું ઉમેરણ કે સદ્ય સર્જન થતું રહે છે. એટલે મૌખિક પરંપરાના આ પ્રકારમાં મુખપાઠ તથા રજૂઆતશૈલી સતત બદલાતાં રહે છે. વળી એમાં કોઈ સ્વરૂપગત સ્થિતિજડતા આવવાને બદલે પ્રત્યેક પ્રયોગે નિત્ય નવીનતા પ્રગટ થતી રહે છે. આમ કથાકાવ્ય કંઠોપકંઠ સતત નવસર્જન પામતાં પામતાં લોકપરંપરામાં ઊછરેલો મુખ્યત્વે મનોરંજનલક્ષી પ્રકાર છે.

કથાકાવ્યનો રચનાકાર સમકાલીન સમાજજીવનમાંથી અથવા સામાજિક, પ્રાદેશિક કે ક્યારેક રાષ્ટ્રીય ઇતિહાસમાંથી અથવા દંતકથા કે લોકકથામાંથી વિષયસામગ્રી પસંદ કરે છે, પણ એમાં અદભુત ઘટનાઓ પ્રત્યે વિશેષ આકર્ષણ હોય છે. આમ પ્રણયીઓનું બહુધા દુ:ખાંત ભાવિ, દુષ્કૃત્યો તથા તેની સજા, ઐતિહાસિક દુર્ઘટનાઓ, દિવ્ય પાત્રોની જીવનલીલા તથા માનવોનાં અવતારી કૃત્યો, બહારવટિયાનાં પરાક્રમો અને દુર્જનોનાં કરતૂતો અને સાગરખેડુની પ્રવાસયાત્રા જેવાં જોખમી સાહસો વગેરે પ્રકારનું સ્થૂળ તથા રોમાંચક નાટ્યતત્વ આલેખતાં પાત્રો-પ્રસંગો આ કથાસામગ્રીને રસપ્રદ બનાવે છે.

લોકભોગ્ય કથાકાવ્ય તથા સાહિત્યિક કથાકાવ્ય એમ તેના બે મુખ્ય પ્રકાર પણ પાડવામાં આવે છે. મૌખિક રજૂઆત પામનારું લોકપરંપરાનું કથાકાવ્ય એક ગાયકના કંઠેથી બીજા ગાયકના કંઠે ઝિલાતું-ગવાતું સ્મૃતિના સહારે સતત પરિવર્તન પામતું રહે છે અને તેનો મૂળ રચયિતા અજ્ઞાત રહે છે. સાહિત્યિક કથાકાવ્ય જેમ જેમ રચાતું જાય તેમ તેમ લખાતું જાય છે. આથી તેનું કર્તૃત્વ તથા તેનો લિખિત પાઠ નિશ્ચિત હોય છે.

આ બે ઉપરાંત ભાટ(minstrel) રચિત કથાકાવ્યોનો પણ એક પ્રકાર છે. ધનિક તથા રાજવી પરિવારોમાં આજીવિકા મેળવનારા ભાટ વર્ગના લોકો કેવળ ધંધાદારી ધોરણે મનોરંજન કરવાના વ્યવસાયમાં પ્રવૃત્ત હતા. એથી એમની શૈલી લોકશૈલી કરતાં ભિન્ન હતી. લોક-કથાકાવ્યના અજ્ઞાત કર્તાથી ઊલટું આ ભાટ-કથાકાવ્યના રચનાકાર સતત પોતાપણું પ્રગટ કરવાનું તાકે છે અને પોતાના ‘સ્વ’ને કેન્દ્રમાં રાખે છે. ભાટ-કથાકાવ્યોમાં મોટાભાગે અમીર-ઉમરાવ કે રાજવી કુટુંબોની ગુણગાથા કે પ્રશસ્તિ જ હોય છે. જોડે જોડે એમાં લોકજીવનનાં શૂરવીર-સાહસિક પાત્રોનાં પરાક્રમોની યશગાથા પણ ગૂંથાતી હોય છે.

વળી લોકકથાકાવ્યોની શહેરી અનુકૃતિ તરીકે છાપાળવાં કથાકાવ્યોનો પ્રકાર પણ વિકસ્યો હતો. સમકાલીન પરિસ્થિતિ, સામાજિક મહત્વ અને રસપ્રદતા તેમજ સમકાલીન સંદર્ભ અને પ્રસ્તુતતા ધરાવતા વિષય જ તેમાં પસંદ થતા. બહુધા કોઈ ઘટના બનતાંવેંત તેના પગલે પગલે ભાડૂતી લેખકો આવી તત્કાલ ખપતી-વંચાતી રચનાઓ તૈયાર કરી નાખતા. એમાંની ઘણીખરી રચનાઓ અનામી કે ઉપનામથી પ્રગટ થતી. દેખીતી રીતે જ તે સસ્તા-હલકા કાગળ ઉપર ગમે તેમ છાપીને પ્રગટ કરી દેવાતી. શરૂઆતમાં આ પ્રકારનો હલકો કાગળ ‘broadside’ કે ‘broadsheet’ના નામે ઓળખાતો. એથી આ કથાકાવ્યોના ઉદભવની ભૂમિ ઇંગ્લૅન્ડમાં સોળમીથી ઓગણીસમી સદી સુધી તે એ નામથી ઓળખાયાં. શિષ્ટ લેખકોએ ખાસ કરીને ઠઠ્ઠામજાક કે કટાક્ષવિનોદ માટે જ આ રચનાપ્રકારનો ઉપયોગ કર્યો છે. એ માટે વિવેકપૂર્ણ ભાષા અને સંયત લખાવટનો પ્રયોગ કરાયો છે. એટલે શિષ્ટ સાહિત્યિક વર્તુળોમાં આવી અનુકૃતિઓને ઠીકઠીક આવકાર મળ્યો છે.

સમગ્રપણે કથાકાવ્ય એ તમામ લોકપરંપરાઓમાં ગાયનવાદન તથા કથનનિરૂપણ અને ભાષા, સંસ્કાર તથા લોકાચારના પ્રાદેશિક વૈવિધ્યના રંગોમાં ઝબકોળાઈને પાંગરેલો લોકભોગ્ય પ્રકાર છે અને મનોરંજન તથા લોકઘડતરના સાધન તરીકે લોકમાનસ પર તેનો લાંબા સમય સુધી પ્રબળ પ્રભાવ રહ્યો છે.

મહેશ ચોકસી