સૌંદર્યવાદ (aestheticism) : ‘સૌંદર્ય’, ‘સૌંદર્યશાસ્ત્ર’ અને ‘સૌંદર્યવાદ’ – આ ત્રણેય સંજ્ઞાઓ પરસ્પર સંકળાયેલી છે. બાહ્ય કે આંતર, ઇન્દ્રિયગ્રાહ્ય કે ઇન્દ્રિયાતીત ‘સૌંદર્ય’ (beauty) માનવજાતના રસનો વિષય રહ્યું છે. માનવસર્જિત સૌંદર્ય પણ એમાંથી જ એક યા બીજા રૂપે પ્રેરણા લઈ જન્મ્યું છે. આવા ‘સૌંદર્ય’ વિષયે સમયે સમયે જે વિચારણા થતી રહી તેમાંથી તેનું શાસ્ત્ર જન્મ્યું, જેને ‘સૌંદર્યશાસ્ત્ર’ (aesthetics) કહીએ છીએ અને આવું શાસ્ત્ર જ્યારે એનાં ચોક્કસ ગૃહીતો, માપદંડો પ્રકટ કરી એક વિશેષ વલણ તરીકે ઝુંબેશ કે આંદોલનનું રૂપ ધારણ કરે છે, એક ખાસ જૂથ કે વર્ગ તેની હિમાયત કરતું થાય છે; ત્યારે તે ‘વાદ’નું રૂપ ધારણ કરે છે. ‘સૌંદર્યવાદ’ (aestheticism) આ પ્રકારની સૌંદર્યનિષ્ઠ ઝુંબેશ છે.
‘સૌંદર્યવાદ’ (aestheticism) એવી સંજ્ઞા દેખીતી રીતે કોઈ એક વિચારધારા પાસે અટકતી નથી. તેમાં કેન્દ્રસ્થ તત્ત્વ ‘સૌંદર્ય’ છે. સૌંદર્યને પુરસ્કારતી વિવિધ વિચારધારાઓ તેથી તેમાં આમેજ થયેલી જોઈ શકાય છે. સાહિત્ય, ચિત્ર, સંગીત વગેરે કળાઓ સંદર્ભે 19મી સદીના ઉત્તરાર્ધમાં, યુરોપમાં એક આંદોલન રૂપે બનેલી આ ઘટના છે. તેવાઓની દૃઢ માન્યતા હતી કે કળા માત્ર તેમાં પ્રકટતા સૌંદર્યને કારણે જ કળા છે. કળાથી ઇતર, સૌંદર્યથી ઇતર, તેઓ તેની પાસે કશી અપેક્ષા રાખતા નથી. એક રીતે તો આ આંદોલન કળાને ઉપયોગિતા સાથે જોડનારાઓ કે તેના સામાજિક ઉત્તરદાયિત્વની વાતો કરનારાઓ સામેની એક તીખી પ્રક્રિયા છે, ઔદ્યોગિક યુગે પ્રકટ કરેલા તેના વિરૂપ ચહેરા સામેનો અણગમો છે. મૂલ્યો અને કળાને તેણે જે રીતે હ્રસ્વ કરી મૂક્યાં હતાં તેની સામેની એ પ્રતિક્રિયા હતી. હકીકતમાં ‘સૌંદર્યવાદ’નો પાયો તો અઢારમી સદીમાં ઇમૅન્યૂઅલ કૅન્ટના હાથે જ નંખાઈ ચૂક્યો હતો. તેણે જ પ્રથમ વાર, સ્પષ્ટપણે સૌંદર્યશાસ્ત્રનાં ધોરણોના સ્વાતંત્ર્યની નવાજેશ કરી હતી. તેણે જ મૂલ્યો, નૈતિકતા, ઉપયોગિતા, આનંદ વગેરે સાથે કળાને અત્યાર સુધી સાંકળવાના પ્રયત્નો થયેલા તેને બાજુ ઉપર મૂકીને કળાનો કેવળ કળા રૂપે વિચાર કર્યો હતો. તેણે તેથી સૌંદર્ય એટલે નિર્હેતુક હેતુકતા (purposeless purposiveness) એમ કહી સૌંદર્ય સાથે હેતુની વિચારણાને જોડી, જે પરોક્ષ રીતે તો તેના રૂપરચનાવાદી વિચારનો સંકેત આપે છે. કળા અને જીવન બંને પૃથક્ છે, કળા તત્વત: સ્વાયત્ત છે, ઉપયોગિતા સાથે તેનો કોઈ સંબંધ નથી અથવા નૈરાકાંક્ષ્ય આનંદ ઉત્પન્ન કરતો પદાર્થ જ ‘સુંદર’ કહેવાય વગેરે તેની વિચારણા કળાપદાર્થના આગવા, સ્વકીય મૂલ્યને, તેની સત્તાને સુસ્પષ્ટ કરી આપે છે.
‘સૌંદર્યવાદ’નાં મૂળ આમ કૅન્ટ જેવા જર્મન ફિલસૂફની વિચારણામાં જોવાય છે. કૅન્ટની આવી વિચારણા તે પછી જે. ડબ્લ્યૂ. વૉન ગ્યુઇથે, જે. એલ. ટિક અને અન્ય જર્મનીના વિચારકોમાં તેમજ સેમ્યૂઅલ ટેઇલર કૉલરિજ તેમજ થૉમસ કાર્લાઇલ જેવા ઇંગ્લૅન્ડના વિચારકોમાં વિસ્તરેલી જોવા મળે છે; પણ આ બધી વેળા ‘સૌંદર્યવાદ’ના તત્વવિચારનું કેન્દ્ર તો ફ્રાન્સ જ બની રહે છે. આંદોલન ત્યાં જ વધુ જાણીતું બને છે. ત્યાંથી જ તે સંદર્ભે નવા નવા આયામો થતા જોવા મળે છે. માદામ દે સ્ટેલ, થિયૉફિલ ગોતિયેર અને ફિલસૂફ વિક્ટર કઝીન વગેરેની ફ્રાન્સમાં આ અંગેની સક્રિયતા આંખે ઊડીને વળગે એ પ્રકારની રહી હતી. આ લોકોએ જ આંદોલનના અર્ક-સત્વ રૂપે ‘l’art pour l’art’ (‘Art for art’s sake’) ‘કળા ખાતર કળા’ એવા પેલા જાણીતા સૂત્રને 1818માં પ્રચલિત કર્યું. આજે ‘શુદ્ધ કવિતા’, ‘શુદ્ધ કળા’, ‘રસકીય સત્તા’, ‘કળા કળાને માટે’ વગેરે શબ્દો કે શબ્દગુચ્છો વપરાય છે એ કંઈક આ સૂત્રનું પરિણામ છે.
ઇંગ્લૅન્ડમાં, 1848 ને તેની પૂર્વે ‘સૌંદર્યવાદ’ના બીજાંકુરો જોવા મળે છે. દાન્તે ગેબેરિયલ રોઝેટ્ટી, એડવર્ડ બર્ન-જૉન્સ તેમજ ચાર્લ્સ સ્વિનબર્ન વગેરેનાં સર્જનનાં દૃષ્ટાંતો એ સંદર્ભે અપાય છે. ફ્રેંચમાં પ્રકટ થયેલા ‘સૌંદર્યવાદ’ના મહત્વના વિભાવો 1880ની આસપાસ ઇંગ્લૅન્ડમાં પ્રવેશ પામે છે તેમાં મહત્વનો હિસ્સો રહ્યો છે ઑસ્કાર વાઇલ્ડ અને વૉલ્ટર પિતરનો. બોઝાંકેના મતનો પડઘો પાડતો હોય તેમ પિતર કહે છે કે – ‘not the fruit of experience but experience itself is the end’. અર્થાત્ રસકીય સત્તા, એ થકી સંવેદ્ય બનતો અનુભવ એ જ કૃતિનું સર્વેસર્વા. પિતર Experience itself વડે કૃતિનાં રચનાગત મૂલ્યોને, તેના થતા અનુભવને, એમ આગળ ધરે છે. ક્લાઇવ બેલ, પિતરના શુદ્ધ કળાના વિભાવની વધુ ધાર કાઢી આપી જીવન, જ્ઞાન, વિચારો–આદર્શો વગેરેને કૃતિથી અલગ કરવાનું જણાવે છે. ‘ધ યલો બુક’ જેવા સામયિકમાં ઑસ્કાર વાઇલ્ડ અને પિતરનાં એવાં લખાણોની નોંધ પણ લેવાઈ છે. જૅમ્સ મેક્નીલ જેવા ચિત્રકારે પણ શુદ્ધ કળાના એ નારામાં પ્રબળ રીતે સૂર પુરાવ્યો હતો. પિતરે ‘સૌંદર્યવાદ’ને સૂત્રાત્મક શૈલીમાં સમજાવતાં કહ્યું કે ‘કળા ખાતર કળાનો પ્રેમ’.
ફ્રેંચ પ્રતીકવાદ અને ઇંગ્લૅન્ડના રંગદર્શિતાવાદનો શુદ્ધ કળા તરફનો આગ્રહ જોતાં ‘સૌંદર્યવાદ’ સાથે બંનેને મૂકીને જોઈ શકાય. ‘સૌંદર્યવાદ’ના પુરસ્કર્તાઓ સામે અલબત્ત, કેટલાક પ્રશ્નો થતા રહ્યા છે. ખાસ તો – ‘નૈતિકતાથી અલગ એવી કળાનું શું મૂલ્ય ?’ વગેરે. હવે કળાને કંઈક જુદી રીતે વિચારવાનું વલણ પણ પ્રચલિત બનતું જાય છે; છતાં ‘સૌંદર્યવાદ’ અગાઉના કળાના ‘સૌંદર્યશાસ્ત્ર’ અને વિવેચન ઉપર પ્રકાશ પાથરે છે. વીસમી સદીના કળા વિશેના નવા આયામોમાં, શુદ્ધ કળાના વિભાવમાં, કળાશિલ્પના ખ્યાલમાં આ ‘સૌંદર્યવાદ’નો અવશ્ય પ્રભાવ રહ્યો છે. ટૂંકમાં, ‘સૌંદર્યવાદ’ કળા સાધન નહિ, સાધ્ય છે; સ્વ-તંત્ર અને સંપૂર્ણ છે, રચના આંતર ઘટકોની ખૂબીઓનું સૌંદર્ય છે તે અસંદિગ્ધપણે જણાવે છે.
પ્રવીણ દરજી