સૌંદર્યપ્રસાધનો-2

વ્યક્તિ હોય તેનાથી વધુ સૌંદર્યવાન દેખાવા માટે જે પદાર્થો વાપરે તે. સૃષ્ટિરચનાની શરૂઆતથી જ માનવજાતમાં પ્રસાધનની પ્રવૃત્તિ જોવા મળે છે. તે માત્ર મનુષ્યમાં જ નહિ પ્રકૃતિમાં પણ જોવા મળે છે. પ્રકૃતિ પણ સમયે સમયે ઋતુ અનુસાર પોતાનું સૌંદર્ય નિખારે છે. માનવીમાં પ્રસાધનની પ્રવૃત્તિ સ્વયંભૂ ને સ્વાભાવિક છે. દરેક વ્યક્તિને સુંદર દેખાવું ગમતું હોય છે. તેથી જ મનુષ્ય આદિમ અવસ્થામાં હતો ત્યારથી તે પ્રસાધનોનો વપરાશ કરતો રહ્યો છે. પ્રાગ્-ઐતિહાસિક કાલથી અત્યાર સુધી પ્રસાધનકલાનાં પ્રમાણ મળે છે.

ઋગ્વેદમાં દેવી ઉષાની સંકલ્પના સુંદર વસ્ત્રો ધારણ કરેલ સુસજ્જિત યુવતીના રૂપમાં કરી છે. અથર્વવેદમાં સુંદર વેશભૂષા, આંખોમાં કાજલ, શરીર પર અનુલેપ, મણિ અને સુવર્ણાભૂષણને સભ્યની ઓળખ માનવામાં આવી છે. રામાયણમાં જણાવ્યા પ્રમાણે અયોધ્યાનો એક પણ નાગરિક એવો ન હતો કે જે અનુલેપ, પુષ્પ અને આભૂષણથી અલંકૃત ન હોય. મહાભારતમાં પ્રસાધનકલામાં કુશળ સ્ત્રીને માટે સૈરન્ધ્રી નામ આપ્યું છે. દ્રૌપદીએ વિરાટભવનમાં પ્રવેશસમયે પોતાનું નામ ‘સૈરન્ધ્રી’ બતાવ્યું છે. અર્જુને પણ બૃહન્નલાના સ્વરૂપમાં પોતાનો જે પરિચય આપ્યો છે તેમાં જણાય છે કે તે પણ પ્રસાધનકલામાં કુશળ હતો. કૌટિલ્યના અર્થશાસ્ત્ર પરથી તત્કાલીન સૌંદર્ય વિશેનો વિગતે પરિચય મળે છે. બાણભટ્ટ, માઘ, હર્ષ જેવા સૌંદર્યપ્રેમી કવિ નાયક-નાયિકાનાં સૌંદર્યપ્રસાધનોનું તાશ વર્ણન કરે છે. કાલિદાસે તેમની કૃતિઓમાં પ્રસાધનકલાનું સર્વાંગી ચિત્રણ રજૂ કર્યું છે. વાત્સ્યાયન-વર્ણિત 64 કલાઓમાં એક મહત્વપૂર્ણ કલા છે नेपथ्ययोग. અર્થાત્ પ્રસાધનકલા. રાજશેખરે સ્પષ્ટ શબ્દોમાં પ્રસાધનને કલા કહી છે.

વર્તમાન ‘બ્યૂટિશિયનો’ની જેમ પ્રાચીન કાલમાં પણ પ્રસાધક-પ્રસાધિકાઓનો એક વિશિષ્ટ વર્ગ હતો, જે વિધિવત્ આ કલામાં નિપુણ હતો. વાત્સ્યાયને સ્ત્રી-પુરુષ બંને માટે આ કલા આવશ્યક માની છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં જણાવ્યું છે કે સ્નાનગૃહની પરિચારિકાનાં કર્તવ્યોમાં સ્વચ્છતા રાખવાનું અને પુષ્પોની માળા બનાવવાનું પણ સમ્મિલિત હતું. નૃત્યાંગનાઓ અભિનયકલાની સાથે માળા બનાવવાની અને માલિશ કરવાની કલા શીખતી હતી. શુંગકાલમાં પ્રસાધન સંબંધી કાર્યો માટે નિપુણ પરિચારકોની વ્યવસ્થા હતી. ઉત્સાદક, પરિષેચક, અનુલેપક, પ્રલેપક, વિલેપક વગેરે પ્રસાધકો નિયુક્ત કરવામાં આવતા હતા. દાંતોને સજાવનારા દન્તક, હોઠોને સજાવનારા ઓષ્ઠક, કેશ તથા નખોને સજાવનાર કેશનખક તરીકે ઓળખાતા હતા. ‘સૌન્દરનન્દ’ કાવ્યમાં પરિચારિકાઓનાં કાર્યોનો વિગતે પરિચય મળે છે. વિલેપન બનાવનાર, વસ્ત્રો સુવાસિત કરનાર, સ્નાનની સામગ્રી એકત્રિત કરનાર, સુવાસિત પુષ્પોની માળા બનાવનાર, સુગંધિત ચૂર્ણ બનાવનાર વગેરેનો તેમાં ઉલ્લેખ છે. ગુપ્તકાલમાં પણ પ્રસાધકો અને પ્રસાધિકાઓની વિગતવાર માહિતી મળે છે; જેમ કે માલિશ કરનારી, સ્નાન કરાવનારી, નાના બાળકને સ્નાન કરાવનારી, શરીરસજ્જા માટે ચંદન પીસનારી, સુગંધિત ચૂર્ણ બનાવનારી સ્ત્રીઓ હતી. ક્યારેક ક્યારેક નાયક પોતાની પ્રિયતમાને પ્રસાધન કરી આપતો, જેને સ્ત્રી પોતાનું પરમ સૌભાગ્ય માનતી હતી. સ્વયં મહાદેવે પાર્વતીને ફૂલોનો શૃંગાર કરી આપ્યો હતો. પ્રસાધનકાર્ય જીવન તથા શોભા બંને દૃષ્ટિએ મહત્વપૂર્ણ હોવાને કારણે વિશ્વસનીય અને આ કાર્યમાં કુશળ હોય તેને જ સોંપવામાં આવતું હતું. પ્રસાધન દ્રવ્યોમાં વિષનો પ્રયોગ અનેક પ્રકારે થતો હતો. તેથી દુશ્મનો દ્વારા થતા આ વિષપ્રયોગને કારણે પ્રસાધનકાર્ય માટે અત્યંત વિશ્વાસુ વ્યક્તિને નિયુક્ત કરવામાં આવતી હતી. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી જાણવા મળે છે કે મૌર્યકાલમાં રાજાને પ્રસાધન કરતાં પહેલાં બધાં જ પ્રસાધન-દ્રવ્યો પરિચારક અને પરિચારિકાઓ પોતાનાં અંગ પર લગાવતાં હતાં અને પછી રાજા પર તેનો પ્રયોગ કરવામાં આવતો હતો; જેથી પ્રસાધનદ્રવ્યમાં વિષ છે કે નહિ તેની જાણકારી થાય.

મનુષ્યને આકર્ષક અને સુંદર બનાવવા માટેનાં બધાં સાધનો ‘પ્રસાધન’ શબ્દથી સૂચવાય છે. ‘સુશ્રુતસંહિતા’ અનુસાર પ્રત્યેક વ્યક્તિએ શરીરને સુંદર રાખવા માટે નીચેનાં કાર્યો કરવાં જોઈએ :

(1) દન્તધાવન, (2) આંખ અને મુખને ધોવું (પ્રક્ષાલન), (3) અંજન લગાવવું, (4) પાન ખાવું, (5) માથા પર તેલની માલિશ, (6) પરિષેક, (7) વાળ ઓળવા, (8) તેલની માલિશ, (9) વ્યાયામ, (10) ઉદવર્તન (મસાજ), (11) ઉત્સાદન (સુગંધિત લેપ લગાવવો), (12) ઉદઘર્ષણ (ખરબચડી વસ્તુથી શરીરને ઘસવું), (13) સ્નાન, (14) અનુલેપન (સુગંધિત લેપ લગાવવો), (15) રત્ન, ફૂલ, ધોયેલાં સાફ વસ્ત્રો પહેરવાં, (16) આલેપ (શરીર પર સુગંધિત લેપ લગાવવો), (17) પગરખાં પહેરવાં, (18) વાળ કપાવવા, હજામત કરવી, નખ રંગવા, (19) વારબાણ (અંગરખું) પહેરવું, (20) પાઘડી ધારણ કરવી, (21) દંડ ધારણ કરવો, (22) છત્રી ધારણ કરવી, (23) બાલવ્યંજન (પંખો રાખવો), (24) સંવાહન (શરીરને ધીરે ધીરે દબાવવું).

પાલિગ્રંથ ‘બ્રહ્મજાલસુત્ત’માં પ્રસાધનો નીચે પ્રમાણે દર્શાવ્યાં છે : (1) ઉત્સાદન – સુગંધિત વસ્તુઓનો શરીર પર લેપ કરવો, (2) પરિમર્દન – દબાવવું, ચંપી કરવી, (3) સ્નાન, (4) સંવાહન – શરીરની માલિશ, (5) આદર્શ – દર્પણમાં મુખ જોવું, (6) અંજન, (7) માલ્ય-વિલેપન – માળા ધારણ કરવી, સુગંધ લગાવવી, (8) મુખચૂર્ણક –  ચૂર્ણ (પાઉડર) લગાડવું, (9) મુખાલેપન – મુખ પર સુગન્ધિત લેપ લગાવવો.

તામ્બૂલ : આયુર્વેદમાં તામ્બૂલ(પાન)નો ઉપયોગ સ્વાસ્થ્ય અને મુખશુદ્ધિ ઉપરાંત મુખશોભા વધારવા માટે પણ થાય છે. વરાહમિહિરે પાન ખાવાના ગુણ આ પ્રમાણે બતાવ્યા છે : પાન ખાવાથી કામની વૃદ્ધિ થાય છે, રૂપ નીખરે છે, મુખ સુગન્ધિત થાય છે, કફના રોગો નષ્ટ થાય છે, પાચનક્રિયામાં સહાયતા કરે છે. પાન બનાવવાની પણ એક કલા છે. ‘નૈષધચરિત’માં તેનું વર્ણન આપેલ છે. કંકોલ, સોપારી, પારિજાત વગેરે દ્રવ્યોયુક્ત પાન ખાવાથી મન પ્રસન્ન થાય છે.

વળી કેવળ પાન આપવાનું જ કાર્ય એક પરિચારિકા કરતી જેને ‘તમ્બૂલકરણ્ડવાહિની’ (તાંબૂલ પેટી લઈ જનારી સ્ત્રી) કહેવામાં આવતી. આ સ્ત્રી કાયમ પાન તૈયાર રાખતી અને નાયિકા-સ્વામિનીને આપતી હતી, જેનાથી તેના હોઠ લાલ રહેતા હતા. આ કાર્ય પુરુષો પણ કરતા હતા. બાણના મિત્રોમાં એક તામ્બૂલદાયક પણ હતો. બાણે હોઠોને રંગવા માટે તામ્બૂલનો ઉલ્લેખ કર્યો છે.

પ્રાચીન કાલમાં તામ્બૂલ ખાવાનું આવશ્યક માનવામાં આવતું હતું.

धिक् ताम्बूलविहीनमाननविलं धिक् पुण्ड्रहीनं मुखम ।

धिक्, वेदोक्तिविवर्जितां च रसनां धिक् पाणिमस्वर्णदम् ।।

જે મુખે તામ્બૂલ નથી ખાધું, જેના માથા પર તિલક નથી, જેની જિહવાથી વેદવાણી નથી નીકળતી, જેના હાથે સ્વર્ણનું દાન નથી થયું તે ધિક્કારને પાત્ર છે.

प्रत्यूषसि भुक्तसमये युवतीनांचैव संगमे विरमे ।

विद्वद्राजसभायां ताम्बूलं यो न खादयेत्स पशु: ।।

પ્રાત:કાલમાં, ભોજન પછી, સંભોગ પછી, વિદ્વાનો અને રાજાઓની સભામાં જે પાન નથી ખાતા તે પશુ સમાન છે.

પાન ખાવાનો મહિમા પાનના સ્વાસ્થ્યની સાથે પણ જોડાયેલો છે, તે ગૌણ રાખીને જોતાં પણ મુખશુદ્ધિ અને સૌંદર્યવૃદ્ધિ માટે પાનની પ્રથા ભારતમાં પ્રાચીન કાલથી પ્રચલિત હોવાનું જાણવા મળે છે.

ધૂમ્રપાન : મુખ શુદ્ધ કરવા માટે ધૂમ્રપાનની પ્રથા પ્રાચીન કાલમાં પ્રચલિત હતી. ભોજન કર્યા બાદ ધૂમ્રપાન કરવામાં આવતું. સ્વાસ્થ્યની દૃષ્ટિએ તેનું મહત્વ હતું. તે સમયે પ્રચલિત धूम्रवर्तिના (સિગારેટ જેવું) ચિકિત્સાશાસ્ત્રમાં પાંચ પ્રકાર મળે છે; જેમાં પ્રાયોગિકી પ્રકારનું ધૂમ્રપાન રોજ કરવામાં આવતું, જ્યારે બાકીના ચાર પ્રકારોનું ધૂમ્રપાન વિશિષ્ટ રોગોમાંથી સાજા થવા માટે કરવામાં આવતું. પ્રાયોગિકી ધૂમ્રપાન ચંદન, કેસર, એલચી, અગર, ઉશીર વગેરે સામગ્રી વડે બનાવાતું હતું. ‘સુશ્રુતસંહિતા’માં તે કેવી રીતે બનાવતા તેનું વિગતવાર વર્ણન આપેલ છે.

આવા ઔષધિ અને સુગંધીયુક્ત ધૂમ્રપાનના અનેક ગુણો ‘સુશ્રુતસંહિતા’ અને ‘ચરકસંહિતા’માં દર્શાવ્યા છે. આ પ્રકારે ધૂમ્રપાન કરનાર પ્રસન્ન રહેતા. તેમના દાંત અને વાળ મજબૂત બનતા અને શ્વાસ સુવાસિત બનતો હતો. ખાંસી, અસ્થમા, આળસ, માથાનો દુખાવો, કાનનાં દર્દ વગેરે ભાગ્યે જ થતાં હતાં. સ્નાન, ભોજન, દાંતોની સફાઈ પછી અને ઊંઘમાંથી ઊઠ્યા પછી ધૂમ્રપાન કરવાનું યોગ્ય માનવામાં આવતું. કેટલીક વિશિષ્ટ અવસ્થાઓમાં ધૂમ્રપાનનો નિષેધ હતો. ધૂમ્રપાન આરામથી સીધા બેસીને કરાય અને એકસાથે ત્રણ ફૂંકથી વધુ ન લેવાય તે ઇષ્ટ મનાતું.

દશનવસનાંગરાગા (દાંત, વસ્ત્ર વગેરે રંગવાં) : વાત્સ્યાયને દશનવસનાંગરાગને 64 કલાઓમાંની એક ગણી છે. તેમાં દાંત, વસ્ત્ર અને શરીરનાં બીજાં અંગોને રંગવાનો સમાવેશ થાય છે. પ્રાચીન ભારતમાં વિલાસિની સ્ત્રીઓ શોભા અને સૌંદર્યવૃદ્ધિ માટે આગળના દાંતોને રંગતી હતી. આમ તો સફેદ દાંતને સારા માનવામાં આવતા હતા; પરંતુ તેની ચમક વધારવા તેને રંગવામાં આવતા હતા. સુંદર સ્ત્રીઓ પોતાના દાંત મોતી સમાન શ્વેત અથવા કમળની પાંખડીઓ સમાન લાલ રંગતી હતી. સંસ્કૃત સાહિત્યમાં આ પ્રસાધનકલાનાં ઉદાહરણો પ્રાપ્ત થયાં નથી; માત્ર રાજશેખરે જ એક જગ્યાએ તેનો અસ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. આચાર્ય ભરતમુનિએ આગળના ચાર (ઉપરના બે અને નીચેના બે) દાંતોને વિવિધ રંગોથી રંગવા એ દાંતોનું ભૂષણ છે એમ નાટ્યશાસ્ત્ર(23–8–29)માં કહ્યું છે.

સ્નાન : પ્રાચીન ભારતમાં શૃંગાર-પ્રસાધનોમાં સ્નાનનું ઘણું મહત્વ હતું. તેના અનેક લાભ જોવા મળે છે. સ્નાનથી નિદ્રા, શ્રમ, દાહ, આળસ વગેરે દૂર થાય છે. ઇન્દ્રિયોમાં ચેતના આવે છે, મન પ્રસન્ન થાય છે, લોહી નિર્મળ બને છે. કમરથી નીચેના ભાગે ગરમ પાણીથી સ્નાન કરતાં અંગોમાં બળ આવે છે. મસ્તક પર ગરમ પાણી રેડવાથી આંખોને નુકસાન થાય છે. ઋતુ અનુસાર ગરમ કે ઠંડા પાણીથી સ્નાન કરવાનું કહેવામાં આવ્યું છે.

મોહેં-જો-દડોમાંથી પ્રાપ્ત સ્નાનાગાર લોકોના જીવનમાં સ્નાનનું કેવું મહત્વ હતું તેનું નિર્દેશક છે. શરીરની સ્વચ્છતા માટે જુદાં જુદાં ઉપાદાનોનો (એક પ્રકારના પ્યુમિક સ્ટોન, શરીર પર ઘસવા માટેનો પથ્થર વગેરેનો) ઉપયોગ કરવામાં આવતો હતો. પુરાતત્વીય સ્થળોએથી જુદા જુદા આકારનાં ઉપાદાનો પ્રાપ્ત થયાં છે. વૈદિક કાળમાં કોઈ પણ સંસ્કાર કરતાં પહેલાં સ્નાન કરવું આવશ્યક હતું. સ્નાન કરવાના પાણીને જુદી જુદી જડીબુટ્ટીઓથી સુવાસિત કરવામાં આવતું હતું. વિવાહ પહેલાં પણ વધૂને જુદી જુદી જડીબુટ્ટીઓયુક્ત સુવાસિત પાણીથી સ્નાન કરાવવામાં આવતું. ત્યાર બાદ શરીર પર અનુલેપ લગાવવામાં આવતો. ‘અગ્નિપુરાણ’માં પણ પાણીને સુગંધિત કરતાં દ્રવ્યોનો ઉલ્લેખ છે. મહાકાવ્યો – રામાયણ અને મહાભારતમાં સ્નાનના પાણીને ચંદન તથા અન્ય સુગન્ધિત દ્રવ્યોથી સુવાસિત કરવામાં આવતું તેવા ઉલ્લેખો મળે છે. ‘વિનયપિટક’માં જણાવ્યા અનુસાર રાજાના શૃંગારની દેખભાળ માટે એક વિશેષ નાપિત (મંગલ હ્રાપિત) રહેતો હતો, જેનું સ્થાન રાજ્યના અધિકારીઓમાં મહત્વપૂર્ણ હતું. તે રાજાને સ્નાન કરાવતો અને રાજાના શરીરને સુગંધિત દ્રવ્યોથી સુવાસિત કરતો હતો. પાલિગ્રંથોમાં જણાવ્યા અનુસાર સ્નાન દ્વારા શરીરને સ્વચ્છ રાખવું તે શૃંગારનું મહત્વપૂર્ણ અંગ હતું. સ્નાનમાં લોકો સુવાસિત ચૂર્ણનો ઉપયોગ કરતા હતા. સ્નાન માટેનાં વિશેષ સ્નાનાગાર, તળાવોના ઉલ્લેખ પ્રાપ્ત થયા છે. આ કાલમાં ‘જનતાઘર’ પ્રચલિત હતાં, જેમાં ગરમ પાણીથી સ્નાન કરી શકાતું. ‘ચુલ્લવગ્ગ’માં જનતાઘરનું વિસ્તૃત વર્ણન આપ્યું છે. તેના સફાઈના નિયમો, સ્નાન કરતી વખતે અવાજ ન કરવો, પ્રવેશ કરતા સમયે મુખ અને શરીર પર માટીનો લેપ લગાવવો વગેરે નિયમો બતાવેલા છે. જનતાઘરમાં મકાનને ગરમ રાખવા માટે એક ધૂમ્રનેત્ર (ધુમાડો બહાર કાઢવાની ચીમની) પણ રાખવામાં આવતું. આ કાલ દરમિયાન શરીરને સુગઠિત અને સુંદર બનાવવા માટે હળદર વગેરે લગાવવાની પ્રથા હતી. માલિશમાં જુદી જુદી સામગ્રીઓનો ઉપયોગ થતો. આ સમયમાં વિશિષ્ટ પ્રકારનાં ઉપાદાન વાપરવામાં આવતાં. ઉપાદાનનો ઉપયોગ કરતાં પહેલાં તેના પર સુવાસિત ચૂર્ણ નાંખવામાં આવતું. પછી તેને શરીર પર ઘસવામાં આવતું. સ્નાનના સમયે શરીરને સ્વચ્છ કરવા માટે ‘कुरु विन्दकसुत्ती’ નામનું ઉપાદાન અને પીઠની સફાઈ માટે ‘મલ્લક’ નામના ઉપાદાનનો પ્રયોગ થતો હતો. મૅગેસ્થેનિસે રાજાને તેલમાલિશ કેવી રીતે કરવામાં આવતું તેનું વર્ણન આપેલ છે. રાજાના પ્રસાધન માટે ઘણી સાવધાની રાખવામાં આવતી. સ્નાનને ઉપયોગી ઉબટન, ચંદન, સુગંધિત દ્રવ્યો વગેરે દાસીઓ પોતાની છાતી અને હાથ પર પહેલાં લગાવતી પછી રાજા પર લગાવવામાં આવતાં. પાણીને સુવાસિત કરવાની અનેક વિધિઓ પ્રચલિત હતી. ‘દિવ્યાવદાન’માં દૂધ, કુમકુમ, કપૂર અને બીજી જડીબુટ્ટીઓથી પાણીને સુવાસિત કરવાના પ્રયોગો બતાવ્યા છે. આ કાલમાંનાં માટીનાં ઉપાદાન પ્રાપ્ત થયાં છે, જેમાં ચૂના અને વાલૂની મિલાવટ રહેતી હતી. સ્નાનમાં એક પ્રકાર – ફેનકનો ઉપયોગ થતો હતો. તેનાથી શરીરની સ્વચ્છતા થતી હતી પણ તેનો ઉપયોગ રોજ કરવામાં આવતો નહિ. બાણે ‘કાદમ્બરી’માં રાજા શૂદ્રકનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. સ્નાનભૂમિ માટે એક વિશેષ સ્થાન હતું. ગરમીમાં ફુવારાથી સ્નાન કરવાની પ્રથા હતી. વરાહમિહિરે પાણીને સુવાસિત કરવાની કેટલીક વિધિઓ પણ બતાવી છે.

અભ્યંગ : પ્રાચીન ભારતમાં અભ્યંગ કર્મ (શરીર પર તેલથી માલિશ કરવાનું કામ) નાગરિકની દિનચર્યાનું અભિન્ન અંગ હતું. શરીર પર તેલથી માલિશ કરવાથી ત્વચા કોમળ બને છે, રંગ નીખરે છે, સફાઈ થાય છે અને બળ પ્રાપ્ત થાય છે. તેને મર્દન પણ કહેવામાં આવે છે. ‘કામસૂત્ર’માં આ કલાને 64 કલાઓમાં ગણાવી છે.

‘મનુસ્મૃતિ’ તેમજ આયુર્વેદમાં સ્નાનવિધિમાં ઉદવર્તન (ઉબટન), ઉત્સાદન (શરીર પર ઉબટન લગાવવું) અને ઉદઘર્ષણ(શરીર પર ચૂર્ણ ઘસવું)ના નિર્દેશો છે.

ઉબટન (શરીર પર વિવિધ દ્રવ્યો ચોળવાં) : ઉબટનથી સ્નાન કરવાથી શરીર અને ત્વચાને ઘણો લાભ થાય છે. ઉબટન વાયુનાશક છે અને મેદને દૂર કરે છે. આયુર્વેદના ગ્રંથો તેમજ બીજા ગ્રંથોમાં ઉબટનમાં કેવાં દ્રવ્યો વાપરવાં જોઈએ તેની વિગતો આપેલી છે.

ઉત્સાદન : ઉત્સાદનમાં બે પ્રકારની ક્રિયાઓનો સમાવેશ થાય છે : (1) શરીર પર પહેલાથી લાગેલા ઉબટનને મસળીને કાઢવાની ક્રિયાનો તથા (2) સરસવ, તલ, આંબળાં વગેરેના ચૂર્ણને શરીર પર રગડવા કે મસળવાની ક્રિયાનો.

તેલ મેળવીને ઉબટન લગાવવું એવો પણ એક અર્થ ‘ઉત્સાદન’નો થાય છે. ઉત્સાદનથી શિરાઓ ખૂલે છે, ત્વચામાં કાંતિ આવે છે. સ્ત્રીઓનાં શરીર વિશેષ રૂપથી સુંદર થાય છે. ‘કુમારસંભવ’માં ઉત્સાદનનું સુંદર વર્ણન છે. વિવાહના અવસર પર પાર્વતીના શરીર પર તેલ અને હળદરનો લેપ કર્યો હતો. તેના પછી લોધ્રનો કલ્ક (ચૂર્ણ) શરીર પર મસળીને ત્વચાને તેલરહિત બનાવી હતી.

ઉદઘર્ષણ : કંઈ પણ મેળવ્યા વગર ફક્ત ચૂર્ણને શરીર પર રગડવું તેને ઉદઘર્ષણ કહે છે. તેનાથી વાયુનો નાશ થાય છે.

ફેનક : અરીઠાં, લીમડાનાં પાન વગેરેના લેપને ‘ફેનક’ કહે છે. તેનાથી જંઘાઓમાં દૃઢતા આવે છે. બે જાંઘ ઘસાવાથી કે ઘોડેસવારીથી જાંઘની ત્વચામાં રુક્ષતા આવે છે અને કાળી પડી જાય છે. તેમાં ફેનકનો ઉપયોગ થાય છે. ઘણા વિદ્વાનો ફેનકનો અર્થ સાબુ જેવો પણ કરે છે.

અંગરાગઅનુલેપ : સ્નાન પછી સંપૂર્ણ શરીર અથવા વક્ષ:સ્થલ અને મસ્તક પર સુગંધિત લેપનો પ્રયોગ પ્રાચીન પ્રસાધનવિધિનું અનિવાર્ય અંગ હતું. સ્ત્રી-પુરુષો બંને અનુલેપ કરતાં હતાં. શરીરની ત્વચાને સ્નિગ્ધ, ઉજ્જ્વલ, કાંતિયુક્ત, સુવાસિત બનાવવા માટે અગર, કેસર, ચંદન, કપૂર, હળદર વગેરેના મિશ્રણથી સુગંધિત લેપ તૈયાર કરવામાં આવતા. ઋતુઓ અનુસાર લેપમાં સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવતો. રાજમહેલોમાં એક વિશેષ કક્ષ અનુલેપ લગાવવા માટે રાખવામાં આવતો, જે ‘વિલેપનભૂમિ’ તરીકે ઓળખાતો.

હડપ્પીય સંસ્કૃતિમાંથી પ્રાપ્ત અવશેષો પરથી જણાય છે કે આ કાલમાં પણ અનુલેપની પ્રથા હતી. નીલા રંગના એક પાત્રમાં મુખ પર લગાવવાનો શ્વેત આલેપ મળી આવ્યો છે. બીજા એક પાત્રમાંથી લાલ રંગનો આલેપ મળી આવ્યો છે. ‘શતપથ બ્રાહ્મણ’માં જણાવ્યા પ્રમાણે યજ્ઞ કરવાવાળી વ્યક્તિના શરીર પર સુવાસિત દ્રવ્યોનો અનુલેપ કરવો જોઈએ. રામાયણ અને મહાભારતમાં પણ અનુલેપના ઉલ્લેખ મળે છે. શ્રીરામ શુચિ-સુગંધ-ચંદનથી હંમેશાં અનુલિપ્ત રહેતા હતા. દ્રોણાચાર્ય શુક્લ અનુલેપ લગાવતા હતા. અનુલેપની મુખ્ય સામગ્રી ચંદનનો ઉલ્લેખ અર્થશાસ્ત્રમાં મળે છે. કૌટિલ્યે જણાવ્યું છે કે ચંદન 16 પ્રદેશોમાં ઉત્પન્ન થતું હતું અને તેના 9 રંગો તથા 6 ગંધો હતી. પતંજલિએ ચંદન, ઉશીર (વાળો), સ્યાગલ, તગર, ગુગ્ગુલુ, હરિદ્રા વગેરે સુગંધિત સામગ્રીઓનો અનુલેપ માટે ઉલ્લેખ કર્યો છે. ‘સૌન્દરાનંદ’ના જણાવ્યા પ્રમાણે કસ્તૂરી, કેસર, અગર વગેરેના મિશ્રણથી અનુલેપ તૈયાર કરવામાં આવતો, જેની સુગંધ લાંબા સમય સુધી રહેતી અને શરીરની ત્વચા કોમળ તથા સ્નિગ્ધ બનતી હતી. નૈષધચરિતમાં પણ અનુલેપનો ઉલ્લેખ છે.

સુશ્રુત જણાવે છે કે સુગંધિત આલેપ થાક દૂર કરી શરીરને સ્નિગ્ધતા આપે છે. મુખ પર આલેપ કરવાથી નેત્રોને શક્તિ મળે છે, કપાળ-મુખ પર સ્નિગ્ધતા આવે છે અને ડાઘ વગેરે દૂર થાય છે. ‘કાદમ્બરી’માં જણાવ્યા પ્રમાણે સ્નાન કર્યા પછી રાજા વિલેપનભૂમિ તરફ જતો અને ત્યાં પોતાના શરીર પર કસ્તૂરી, કપૂર, કેસર અને ચંદનયુક્ત આલેપ લગાવતો. આ અનુલેપને ‘વક્ષકર્દમ’ કહેવામાં આવતો. વાત્સ્યાયનની 64 કલાઓમાંની એક કલા અનુલેપની પણ છે. મહાકવિ ભાસે અનુલેપ માટે ‘વર્ણક’ શબ્દનો પ્રયોગ કર્યો છે. ‘સ્વપ્નવાસવદત્તમ્’માં ઉદયનના સ્નાન પછી ‘સુમનોવર્ણક’ પ્રસ્તુત કરવાનો ઉલ્લેખ છે. ‘રઘુવંશ’માં અનસૂયા દ્વારા સીતાના શરીરની શોભા માટે કરવામાં આવેલ દિવ્ય અંગરાગનો ઉલ્લેખ છે, જેની ગંધથી ભમરાઓ આકર્ષિત થયા હતા. કાલિદાસના જણાવ્યા અનુસાર દિવ્ય અંગરાગ ધારણ કરેલ સીતા શુદ્ધ હોવા છતાં ફરીથી અગ્નિમાં પ્રવેશ કરતી હોય તેવું પ્રતીત થતું હતું. ‘હર્ષચરિત’માં રાણી યશોમતીએ સતી થવાના સમયે લગાયેલો અંગરાગ ચિતાગ્નિ હોવાનો ભ્રમ કરતો હતો.

ઋતુઓ અનુસાર, વિવિધ પ્રસંગોને અનુરૂપ અનુલેપ કરવામાં આવતો. અભિસારિકા, વિયોગી સ્ત્રી, બ્રહ્મચારી, તપસ્વી વગેરેના ચોક્કસ પ્રકારના અનુલેપ-અંગરાગ હતા.

નેત્રો માટેનાં પ્રસાધનો : શૃંગાર-પ્રસાધનોમાં અંજન(કાજલ)નું વિશેષ મહત્વ હતું. સૌંદર્ય માટે નેત્રોમાં અંજનનો પ્રયોગ કરવામાં આવતો હતો. અંજન લગાવવાથી નેત્રોની જલન અને પીડા દૂર થાય છે, નેત્રો સુંદર બને છે, દૃષ્ટિ નિર્મળ બને છે. પાંપણના વાળ ઘાટા બને છે. કાજલ સાથે સુરમાના ઉલ્લેખો પણ મળે છે.

અંજનને પાત્રોમાં રાખવામાં આવતું અને શલાકાઓથી નેત્રોમાં લગાવવામાં આવતું. અંજનપાત્ર સમાજના વિભિન્ન વર્ગોની આર્થિક સ્થિતિ અનુસાર મૂલ્યવાન કે સાધારણ રહેતાં. અંજનશલાકા વિવિધ આકારની અને વિવિધ પદાર્થોમાંથી બનાવવામાં આવતી. હડપ્પીય સભ્યતાના અવશેષોમાંથી અંજનશલાકાઓ અને અંજનપાત્રો મળી આવ્યાં છે. અથર્વવેદમાં અંજનનો સ્પષ્ટ ઉલ્લેખ છે. ‘ઐતરેય બ્રાહ્મણ’માં જણાવ્યું છે કે પુરોહિત યજ્ઞ કરવાવાળી વ્યક્તિની આંખોમાં અંજન લગાવતા હતા, જેનાથી નેત્રોની શોભામાં વૃદ્ધિ થતી હતી. ‘શતપથ બ્રાહ્મણ’માંથી અંજનની ઉત્પત્તિની કથા મળી આવે છે. ‘મહાવગ્ગ’માં પાંચ પ્રકારનાં અંજનના ઉલ્લેખો છે. મૌર્યકાલ, શુંગકાલ, કુષાણકાલમાં પણ અંજનનું વિશેષ મહત્ત્વ હતું. ગુપ્તકાલમાં વધુ સુંદર દેખાવા માટે નેત્રોના ખૂણાને અંજનથી લાંબા કરાતા. કાલિદાસે કાળાં વાદળોની તુલના અંજન સાથે કરી છે. વિરહ-અવસ્થા કે તપસ્યાના સમયે અંજન લગાવવામાં આવતું ન હતું.

ભમરોનાં પ્રસાધનો : ભમરોને કારણે મુખસૌંદર્ય અનેકગણું વધી જાય છે. સૌંદર્યની દૃષ્ટિએ કાળી ભમરો સારી ગણાય છે. કાવ્યોમાં પણ કાળી ભમરોના ઉલ્લેખ મળે છે. કાલિદાસે ભમરો માટે ‘शलाकाञ्जननिर्मितेव’ શબ્દનો પ્રયોગ પાર્વતીના પ્રસંગમાં કર્યો છે. (કુમારસંભવ 1/47). આનાથી સ્પષ્ટ થાય છે કે કાળી ભમરોને જ શ્રેષ્ઠ માનવામાં આવતી હતી. તેની ઉપર કાજલ (અંજન) લગાવવામાં આવતું હતું, જેનાથી આંખોની અને મુખની શોભા વધતી હતી. અજંટા-ગુફા 17માં આવેલ પ્રસાધન કરતી રાજકુમારી અને પરિચારિકાઓનું ચિત્ર છે. આ સ્ત્રીપાત્રોની સુંદર અણીદાર ભમરો શલાકાથી બનાવવામાં આવી હોવાનો ખ્યાલ આપે છે.

હોઠ માટેનાં પ્રસાધનો ઓષ્ઠરાગ : વર્તમાન યુગની જેમ પ્રાચીન કાલમાં પણ અધરોને રંગવાની પ્રથા હતી. વાત્સ્યાયને ઓષ્ઠરાગ–અધરરાગ–હોઠોને રંગવા – એને એક કલા ગણી છે. હોઠો પર જે શૃંગાર કરી આપે તે ‘औष्ढक’ તરીકે જાણીતા હતા. હોઠો પર લાલી લાવવા માટે રંગની સાથે સાથે પાનનો પણ ઉપયોગ થતો હતો. હોઠોને અળતા(અલક્તક)થી પણ રંગવામાં આવતા. તેના પર લોધ્રચૂર્ણ છાંટવામાં આવતું, જેનાથી હોઠ આકર્ષક લાગતા. હોઠોના રંગને ચીકણો બનાવવા મીણનો ઉપયોગ થતો. તક્ષશિલામાંથી લાલી રાખેલું એક નાનું પાત્ર મળી આવ્યું છે. ‘અભિજ્ઞાનશાકુન્તલ’માં દુષ્યન્ત દ્વારા શકુન્તલાના હોઠોનું વર્ણન કરાયું છે, જેમાં તેના હોઠ રંગ ન જવાના કારણે પીળા પડી ગયા હતા. ‘કુમારસંભવ’માં પણ પાર્વતીના હોઠોનું વર્ણન મળે છે; જેમાં તપસ્યાના સમયે પાર્વતીના હોઠ પહેલેથી લગાવેલ રંગને કારણે લાલ હતા. સ્નાન કરતા સમયે હોઠોનો રંગ નીકળી જતો હતો. ‘વિક્રમોર્વશીય’માં ઓષ્ઠરાગનું સ્પષ્ટ વર્ણન છે. નિપુણ હાથોથી રંગ ભરીને અધરોની રેખાઓને જ્યારે વધારે ઘેરા રંગથી સ્પષ્ટ કરવામાં આવતી હતી ત્યારે તેની છબી અપૂર્વ લાવણ્યથી શોભી રહેતી હતી.

ઓષ્ઠોને રંગવા તે મુખપ્રસાધન-વિધિનું જ એક અંગ હતું.

કાન માટેનાં પ્રસાધનો કર્ણાભૂષણ : પ્રાચીન કાલમાં કાનનાં પ્રસાધન ખૂબ જ સરળ હતાં. કાનમાં શિરીષ, શૈવાલમંજરી અને અશોકપલ્લવ જેવાં ફૂલોનાં ઝૂમખાં બનાવીને લટકાવવામાં આવતાં હતાં. કદમ્બનાં ફૂલોનો પણ કાનના પ્રસાધન તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો.

‘અવતંસ’ શબ્દ કર્ણાભૂષણ માટે વધુ વપરાયો છે. સ્તબક (ગુચ્છો) કે મંજરીઓમાં ખીલેલાં પુષ્પોથી રચિત ‘અવતંસ’ કાને બાંધીને પહેરવામાં આવતા, જેની સંજ્ઞા ‘નિબન્ધનીય’ હતી. દોરામાં બાંધીને પહેરવાના કારણે બાહ્ય હલનચલન કરવાથી તે હલતા હતા. ‘કર્ણપૂર’ એટલે પુષ્પસ્તબક અથવા પુષ્પથી કાનને પૂર્ણ રીતે આચ્છાદિત કરનાર પુષ્પાભૂષણ. કર્ણપૂર પુરુષોના કાનને પણ અલંકૃત કરતા હતા. ‘હર્ષચરિત’માં બાણભટ્ટ દ્વારા ધારણ કરેલા કર્ણપૂરનું વર્ણન છે. કેટલાક પુષ્પાલંકારો કાનોની ઉપર અથવા સ્વર્ણાભૂષણો પર ખોસી દેવામાં આવતા હતા, જે ‘નિવેશ્ય’ તરીકે ઓળખાતા હતા. કર્ણિકાર પુષ્પનો ઉપયોગ કાનના અલંકારની જગ્યાએ થતો હતો

વક્ષ:સ્થલ માટેનાં પ્રસાધનો : સ્તનો પર વિવિધ પ્રકારના લેપ કરી તેનું સૌંદર્ય વધારવામાં આવતું. ઋતુઓ અનુસાર જુદા જુદા સુગંધિત પદાર્થોનો લેપ કરવામાં આવતો. લેપ માટે ચંદન, કેસર, કસ્તૂરી, ગોરોચન વગેરે પદાર્થોનો ઉપયોગ થતો હતો. આ લેપ સુગંધિત, શીતળ અથવા ઉષ્ણ બનાવવામાં આવતા હતા. શીતળ લેપ બનાવવા માટે કપૂર અને શ્વેત ચંદનનો ઉપયોગ થતો જ્યારે ઉષ્ણલેપ બનાવવા માટે કેસર, કસ્તૂરી, અગર, ગોરોચન વગેરેનો ઉપયોગ થતો હતો. લેપ કરવાથી ત્વચાની કાંતિ વધતી હતી. કેટલીક વાર સ્તનો પર લેપ કરી તેના પર ચિત્ર-કર્મ ચકરિકા, પત્રભંગ વગેરે બનાવવામાં આવતાં. કપાળમાં પત્તાંઓને જેમ કાપીને લગાવવામાં આવતાં તે રીતે સ્તનો પર પણ વૃક્ષનાં પાંદડાંઓને કાપીને લગાવવામાં આવતાં. એક બીજી પણ રીત હતી – પાંદડાંઓને સ્તન પર રાખીને બાકીની જગ્યાઓ પર લેપ લગાવવામાં આવતો અને પાંદડાંવાળી જગ્યાને ખાલી રાખવામાં આવતી તથા તેમાં બીજો રંગ પૂરવામાં આવતો. ‘કામસૂત્ર’માં ‘દશનવસનાંગરાગા:’માં જે કલાનું વર્ણન કરેલ છે તેમાં શરીરનાં વિવિધ અંગોને રંગવામાં આવતાં તેવું જણાવ્યું છે. વાત્સ્યાયને સ્ત્રી અને પુરુષ બંને વક્ષ:સ્થલને લાલ રંગના અંગરાગથી વિભૂષિત કરતાં હતાં તેવું જણાવેલ છે. વિલાસિની સ્ત્રીઓ શિશિરમાં કુમકુમ રાગથી વક્ષ:સ્થલને રંગીને શીતને પરાભૂત કરવાનો પ્રયાસ કરતી હતી. ‘હર્ષચરિત’ અને ‘કાદમ્બરી’માં ઉત્સવો પર નૃત્ય કરતી નર્તકીઓના પરસેવાથી પીગળેલા અંગરાગથી વસ્ત્રો લાલ થઈ ગયાનું વર્ણન છે. સ્તનો પર હરિચંદનથી લેપ કરવામાં આવે તો તેને સૌભાગ્ય અને વિલાસનું ચિહન માનવામાં આવતું. ‘કુમારસંભવ’માં જણાવેલ છે કે શિવ સાથે વિવાહ કરવા ઉત્કંઠિત પાર્વતીના હરિચંદનથી આલેપયુક્ત પયોધરો પર ચિતાભસ્મના સંસ્પર્શની કલ્પના જ બ્રહ્મચારી માટે અસહ્ય બની ગઈ હતી. ‘કન્દુક-ક્રીડા (દડો રમવાની રમત) સમયે પાર્વતીના વક્ષ:સ્થલના સ્પર્શથી દડો લાલ થઈ જતો હતો તેવું વર્ણન ‘કુમારસંભવ’માં છે.

તિલક તેમજ પત્રાવલીરચના : તિલક શૃંગારનું એક મહત્વનું અંગ હતું, જેનો અનેક પ્રકારે પ્રયોગ થતો હતો. તિલકને મસ્તક(કપાળ)ની શોભાવૃદ્ધિનું મુખ્ય અંગ માનવામાં આવતું હતું. મસ્તક પર કરવામાં આવતા નમૂનાઓ માટે તમાલપત્ર, ચિત્રક, વિશેષક, પત્રલતા, પત્રપ્રપંચ, પત્રવિશેષક, પત્રભક્તિ, ભક્તિચિત્ર, ભક્તિચ્છેદ વગેરે શબ્દો સંસ્કૃત સાહિત્યમાંથી મળી આવે છે. ‘વિશેષક’નો સામાન્ય અર્થ છે તિલક. તે કપાળ પર લગાવવાની તિલકની વિશેષ સંજ્ઞા છે. વિશેષક માથા પર બનાવેલ બધા પ્રકારના નમૂનાઓ માટે પ્રયુક્ત છે.

મુખસૌંદર્ય માટે તિલકનું વિશેષ મહત્વ હતું. સ્ત્રી-પુરુષ બંને તિલકનો પ્રયોગ કરતાં હતાં. તિલક માટે હરિતાલ અને મન:શિલાનો વિશેષ રૂપથી પ્રયોગ થતો હતો. આ બંને દ્રવ્યોને પાણીમાં પલાળી જાડા લેપ જેવું બનાવી તિલક કરવામાં આવતું. પાર્વતીના વિવાહના અવસર પર તેની માતા મેનાએ તેની આંગળીઓથી પાર્વતીના લલાટ પર તિલક કર્યું હતું. તિલકની આસપાસ અંજનથી નાનાં નાનાં બિંદુઓ અથવા ચારે બાજુથી પાતળી રેખા દોરવામાં આવતી. તિલક માટે ગોરોચન, લાલ રંગના ગેરુ તથા કાળા અગરનો પણ પ્રયોગ થતો. શ્રી હર્ષે અભ્રકથી રચાયેલા ચમકતા ચંદ્રાકાર તિલકનું વર્ણન કર્યું છે, જેમાં સ્વયં પ્રસાધિકાનો મુખચંદ્ર પ્રતિબિંબિત થતો હતો. રાજશેખરે કસ્તૂરીથી ચમકતા તિલકમાં દેખાતા સૂર્યના પ્રતિબિંબનું વર્ણન કરેલ છે. ‘હર્ષચરિત’માં તીર્થની માટી અને ગોરોચનથી સમ્રાટ હર્ષે કરેલા તિલકનું વર્ણન મળે છે. સાધુઓ ભસ્મનું તિલક કરતા હતા. ઘણી વાર ચંદનનું તિલક પણ કરવામાં આવતું. બાણે શ્વેતચંદનના તિલકનું વર્ણન કરેલ છે. અશ્વઘોષના ‘સૌન્દરનન્દ’માં પણ વિશેષકનો ઉલ્લેખ છે.

વાત્સ્યાયને ચોસઠ કલાઓમાં વિશેષકચ્છેદ્યની ગણના કરી છે. ‘વિશેષકચ્છેદ્ય’નો અર્થ તિલક ઉપરાંત તિલક માટે બીબાં બનાવવાં એવો પણ થાય છે. મહાકવિ કાલિદાસને પત્રવિશેષક વધારે પ્રિય છે. પાનની જેમ કટાવદાર આકૃતિ રચવાને કારણે તેનું નામ ‘પત્રવિશેષક’ છે. પત્રલતાની આકૃતિઓ અત્યંત બારીક રેખાઓમાં બારીક તૂલિકા (સોય) અથવા લેખિનીથી કપાળ, ચિબુક, વક્ષ:સ્થળ વગેરે પર દોરવામાં આવતી, જેમને ‘પત્રલેખ’ કે ‘પત્રરેખ’ કહેતા. તેમનો ઉલ્લેખ રામાયણકાળથી જોવા મળે છે. લહેરોની સમાન ઊંચીનીચી ઘુમાવદાર રેખાઓમાં આલેખાતી પત્રાકૃતિને ‘પત્રભંગ’ કહેતા હતા. મહાકવિ બાણભટ્ટને પત્રભંગ વધુ પ્રિય છે. તેમના સમયમાં પત્રલતાની રચના બહુ ઘુમાવદાર, જટિલ, વક્રરેખાઓમાં કરવામાં આવતી. પત્રવિશેષક કે પત્રલતાની રચના કાળા રંગથી કરવામાં આવતી. કસ્તૂરી, કાજલ, ગોરોચન, કુમકુમ રસ વગેરે દ્રવ્યોથી પણ તે રચના કરવામાં આવતી. વળી ગૌર ત્વચા પર કાળા કે લાલ રંગથી અને શ્યામવર્ણ પર શ્વેતચંદનથી પત્રલેખની રચના કરાતી. વિશેષકની રચના માટે કૃષ્ણ, શ્વેત અને લાલ – એમ ત્રણ રંગોનો મુખ્યત્વે ઉપયોગ થતો. ‘કાદમ્બરી’માં જણાવ્યા પ્રમાણે શિશુઓના કપાળ પર પણ પત્રરેખાઓની રચના થતી હતી.

વિશેષકચ્છેદ્યની રચના એક સુરુચિપૂર્ણ કલા હતી. તેના માટે પહેલાં ભૂર્જપત્ર પર આકૃતિની રેખાઓ ઉત્કીર્ણ કરવામાં આવતી હતી પછી તેને કાપવામાં આવતું હતું અને કપાળ પર ચોંટાડવામાં આવતું. ઘણી વાર તેનાં બીબાં પણ બનાવવામાં આવતાં હતાં. રાજકુમાર પણ આ કલા શીખતા હતા. ‘કાદમ્બરી’માં પત્રભંગને ઉત્કીર્ણ કરતા રાજાનું વર્ણન છે. પત્રવિશેષકની રચના માટે રેખાંકનની કુશળતા, રંગયોજનાનું તેમજ ચિત્રકલાનું જ્ઞાન આવશ્યક હતું. અંત:પુરની કન્યાઓ આ કલામાં નિષ્ણાત હતી. પુરુષો પણ પત્રલતાની રચના કરી પોતાની પ્રિયતમાનો શૃંગાર કરતા હતા.

કપાળ પર એવી રીતે ચિત્રકર્મ કરવામાં આવતું, જે આજકાલ હથેળી પર મેંદીની ડિઝાઇન માટે કરવામાં આવે છે. આ ચિત્રકર્મને ‘ભક્તિ’ કહેવામાં આવે છે. આજના સમયમાં વિવાહપ્રસંગે વધૂના કપાળમાં ‘પિયળ’ કરાય છે, જે ભક્તિનું જ સ્વરૂપ છે. સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં ભક્તિરચનાની કલાનું સુંદર વર્ણન કવિ કાલિદાસની કૃતિઓમાં થયેલું છે. ભક્તિરચના સૌંદર્ય, મંગલ અને શ્રીને માટે કરવામાં આવતી. તેનો એક ઉદ્દેશ સ્ત્રી-પુરુષના લલાટ–કપાળ–વક્ષ:સ્થલ વગેરે વિશિષ્ટ અંગોને બીજાં અંગોથી અલગ રીતે વિશેષ રૂપથી દર્શનીય બનાવવાનું હતું. શરીર પર સ્થાયી રૂપથી ચિત્ર બનાવવાની રચના – છૂંદણાં છૂંદાવવાની પ્રથા વિશ્વના ઘણા દેશોમાં છે. વર્તમાન સમયમાં તે ધીમે ધીમે લુપ્ત થતી જાય છે; પરંતુ પશ્ચિમના દેશોમાં બોડી પેન્ટિંગનું પ્રચલન વધતું જાય છે. રંગો અને બ્રશના સ્ટ્રોકથી શરીર પર આકર્ષક ડિઝાઇન બનાવવી એ ફૅશનનો હિસ્સો છે. ટૅટુ વડે શરીરનાં વિવિધ અંગોને આકર્ષક બનાવવામાં આવે છે. જ્યારે આજથી બે હજાર વર્ષ પહેલાં ભારતમાં આ કલા વિશેષકચ્છેદ્ય કે ભક્તિચ્છેદ્યના રૂપમાં શરીરને સુંદર બનાવવા માટેની એક કમનીય કલા તરીકે વિકસિત હતી જ.

પગ માટેનાં પ્રસાધનો ચરણરાગ : સામુદ્રિક લક્ષણો અનુસાર સ્ત્રીના સ્નિગ્ધ, કોમળ રક્તવર્ણ ચરણ શુભ માનવામાં આવે છે. સૌંદર્ય માટે ચરણોની શોભા ચરણરાગથી વધારવામાં આવતી. ચરણોને રંગવા લાક્ષારસ અથવા અળતાનો પ્રયોગ કરવામાં આવતો હતો. અળતા માટે હિન્દીમાં ‘महावर’ શબ્દ છે. સંસ્કૃતમાં ‘રાગલેખા’, ‘પાદરાગ’, ‘લાક્ષારસ’, ‘અલક્તક’, ‘રાગરેખાવિન્યાસ’, ‘ચરણરાગ’, ‘દ્રવરાગ’, ‘નિર્મલરાગ’ વગેરે શબ્દોનો પ્રયોગ મળે છે. ‘રાગરેખાવિન્યાસ’ શબ્દથી જ જણાય છે કે અળતો લગાવવો એ એક વિશેષ કલા હતી.

સંસ્કૃત સાહિત્યમાં અંગનાઓના અળતાથી અલંકૃત ચરણો તેમજ ચરણચિહ્નોનાં અનેક વર્ણનો મળી આવે છે. ઊજડેલી અયોધ્યાના સોપાનમાર્ગો પર રમણીઓના રાગયુક્ત ચરણોને સ્થાને શિકારીઓના રક્તરંજિત પદોને જોઈ અયોધ્યાની અધિષ્ઠાત્રી દેવીનું મન પીડાથી ભરાઈ જાય છે. (રઘુવંશ, 16.15) પુરુરવા અળતાથી રંગાયેલાં પદચિહ્નોને જોઈ ઉર્વશીને શોધવાનો પ્રયત્ન કરે છે. (વિક્રમોવર્શીય, 4.17) ચરણરાગ કન્યા અને વધૂ બંનેનું પ્રસાધનનું મુખ્ય અંગ હતું. વિવાહના સમયે મોટે ભાગે સખીઓ જ વધૂને ચરણરાગ કરતી હતી. આ પ્રસાધનકલાનું સુંદર વર્ણન ‘માલવિકાગ્નિમિત્ર’ના ત્રીજા અંકમાં મળે છે; જ્યારે અશોકતરુમાં દોહદસંપાદન માટે સખી બકુલાવલિકા માલવિકાનાં ચરણોને અળતાથી કલાત્મક રેખાઓથી અલંકૃત કરે છે; જેનાથી માલવિકાનાં ચરણ ખીલેલાં કમળ જેવાં સુંદર લાગે છે, તે જોઈને માલવિકા આ પ્રસાધનકલા કોની પાસેથી શીખી તે પૂછવા વિવશ બને છે. પ્રાચીન ભારતીય સ્ત્રીઓમાં ચરણરાગની પ્રત્યે એટલી અભિરુચિ હતી કે ‘કાદમ્બરી’ના અંત:પુર સુધી જવાનો માર્ગ અળતાના રંગથી લાલ સાગર સમાન દેખાતો હતો.

સ્ત્રી-પુરુષ બંને આ કલા શીખતાં હતાં. બકુલાવલિકાએ આ કલામાં અગ્નિમિત્રને ગુરુ માન્યા હતા. સંપન્ન ઘરોમાં પ્રસાધિકાઓ રોજ આ કાર્ય સ્ત્રીઓને કરી આપતી હતી. ચરણરાગ કરવાથી પ્રિયજનનો પ્રેમ અને સૌભાગ્ય પ્રાપ્ત થતું હતું. (માલવિકાગ્નિમિત્રમ્, કુમારસંભવમ્) ‘રઘુવંશ’ના અંતિમ સર્ગમાં ઉલ્લેખ છે કે કામુક અગ્નિવર્ણ પોતાના વિલાસીપણામાં પોતે રાણીઓને અળતો લગાવવા બેસી જતો હતો. વિશેષ અવસર પર સ્ત્રીઓની જેમ પુરુષો પણ અળતો લગાવતા હતા. અળતો ન લગાવવો એ શોક કે દુ:ખને વ્યક્ત કરતું હતું. સૌભાગ્યવતી સ્ત્રીઓ મંગલચિહન રૂપે તેને ધારણ કરતી હતી. આજે પણ અળતાનો પ્રયોગ બંગાળમાં અને દક્ષિણ ભારતમાં જોવા મળે છે.

નખ માટેનાં પ્રસાધનો : ‘કામસૂત્ર’માં જણાવ્યા પ્રમાણે નખ કાપવાની એક વિશિષ્ટ કલા હતી. ત્રિકોણ, ચન્દ્રાકાર, દન્તુલ – એમ વિવિધ આકૃતિઓમાં નખ કાપવામાં આવતા હતા. બંગાળના લોકો મોટા નખ રાખવાનું પસંદ કરતા હતા. દક્ષિણના લોકો નાના નખ અને ઉત્તરાપથના લોકો મધ્યમ પ્રકારના નખ રાખવાનું પસંદ કરતા હતા. સ્ત્રીઓ હાથ અને પગની આંગળીઓને અળતાથી રંગતી હતી. ‘ચુલ્લવગ્ગ’માં જણાવ્યા પ્રમાણે નખોનું સૌંદર્ય વધારવા માટે તેના પર એક વિશિષ્ટ પ્રકારનો આલેપ લગાવવામાં આવતો હતો. ‘કામસૂત્ર’માં જણાવ્યું છે કે નાગરિક પોતાના નખનું ઘણું ધ્યાન રાખતો હતો.

કેશપ્રસાધન : પ્રાચીન ભારતમાં કેશપ્રસાધનો નાગરિકની દિનચર્યાનું અભિન્ન અંગ હતાં. મસ્તકના તંતુઓ સચેત રાખવાની સાથે વાળને પોષણ મળે, તે કાળા અને ચમકીલા બને તે માટે માથા પર તેલનું માલિશ (મર્દન) કરવું, માથું ધોતાં પહેલાં વાળમાં લેપ (કલ્ક, કષાય) લગાવવો, વાળને સુકાવવા ધૂપ આપવો વગેરે પ્રસાધન-ક્રિયાઓ કરવામાં આવતી હતી. શ્વેતવાળવાળી વ્યક્તિ માટે માળા, મધુર સુગંધ, ધૂપ, વસ્ત્ર, આભૂષણ અને સુગંધિત લેપ બધું જ વ્યર્થ છે. માટે મનુષ્યે કૃત્રિમ રીતે પણ વાળને કાળા કરવા જોઈએ એ ખ્યાલે આયુર્વેદ તેમજ અન્ય સાહિત્યમાં વાળ સુંદર અને કાળા બને તે માટેના અનેક પ્રયોગો આપેલા છે.

કેશમર્દન (માલિશ) : તેલનો ઉપયોગ મુખ્યત્વે મસ્તકની માલિશ અને વાળોને સુવાસિત કરવા માટે થતો હતો. સુગંધિત તેલથી મસ્તકનું મર્દન કરવું તેને અભ્યંગ કે અભયંજન પણ કહે છે. અગ્નિપુરાણમાં તેમજ અન્ય ગ્રંથોમાં સુગંધિત તેલ બનાવવાના પ્રયોગો આપેલા છે. દાલચીની, મુરા, નલદ, બાલક, તગર, અગર, મજીઠ, સુગંધી વાળો વગેરે દ્રવ્યોથી સુગંધિત તેલ બનાવવામાં આવતું હતું. સુશ્રુત અનુસાર વાળમાં તેલનું માલિશ કરવાથી વાળ કોમળ, રેશમી, ચમકદાર અને જથ્થાવાળા બને છે.

સુગંધિત ચૂર્ણ : સ્નાન કરતાં પહેલાં જુદા જુદા પ્રકારના સુગંધિત કલ્ક તેમજ કષાયચૂર્ણનો ઉપયોગ કરી વાળને સુગંધિત પાણીથી ધોવામાં આવતા. ‘બૃહત્સંહિતા’ અનુસાર દાલચીની, કઠ, રેણુકા, નાલિકા, તગર, નાગકેસર વગેરે સુગંધિત દ્રવ્યોથી કલ્ક કે ચૂર્ણ બનાવવામાં આવતું. ‘કાદમ્બરી’માં સુગંધિત આમલકના પ્રયોગનો ઉલ્લેખ છે, જે ‘નલચમ્પૂ’માં પણ જોવા મળે છે.

વરાહમિહિરે ‘બૃહત્સંહિતા’માં દાલચીની, નલિકા, તગર, વાળો, કુષ્ઠરેણુ, કેસર વગેરેને ભેગાં કરી તેના ચૂર્ણથી વાળ ધોવાનું કહ્યું છે.

ધૂપવિધિ : વાળને ધોઈ ભીના હોય ત્યારે જ તેને સૂકવવા માટે ધૂપ આપવામાં આવતો હતો. સૂકા વાળમાં ધૂપ આપવામાં આવે તો વાળ તૂટી જાય. ધૂપ આપવાથી વાળ માત્ર સુકાતા જ નહોતા પણ તે સુગંધિત બનતા હતા અને વાળને નુકસાન કરનાર જીવાણુઓનો પણ નાશ થતો હતો. અગરુ, દેવદારુ, કઠ, વજ, રાળ વગેરે દ્રવ્યોનો ધૂપ આપવામાં આવતો હતો. ધૂપ માટેનાં દ્રવ્યો, ધૂપ આપવાની વિધિ, ધૂપયંત્ર વગેરે વિશે સંસ્કૃત સાહિત્યમાં ઘણી વિગતો પ્રાપ્ત થાય છે. કાલિદાસે જણાવ્યું છે કે ઉજ્જયિનીમાં ગવાક્ષોમાંથી નીકળતા કેશસંસ્કારનો ધૂપ એટલો બધો હતો કે અષાઢનો પ્રથમ મેઘ તેનાથી પોષણ પ્રાપ્ત કરતો હતો ! ‘કાદમ્બરી’માં આ ધૂપ અંધકારનું દૃશ્ય ખડું કરતો હતો એમ જણાવાયું છે !

પુષ્પમંડન : વાળનું સૌંદર્ય વધારવા જુદાં જુદાં પુષ્પોને છૂટક રીતે અથવા વેણી કે ગુચ્છ(સ્તબક)ના સ્વરૂપમાં ઉપયોગમાં લેવામાં આવતાં હતાં. જે ઋતુમાં જે પુષ્પો થાય તેમનો ઉપયોગ શૃંગાર તરીકે કરવામાં આવતો હતો.

વાળમાં લગાવવાની પુષ્પોની માળાને ‘ગર્યક’ કહેવામાં આવતી હતી. વાળની પાછળ લટકતી પુષ્પોની સેરોને પ્રભ્રષ્ટક અને આગળની લટકતી સેરોને લલામક કહેતા હતા. વિવાહના અવસર પર વધૂના કેશને દુર્વાયુક્ત મધુક-દામ(મહુડાની માળા)થી બાંધવામાં આવતા હતા.

વેણી કે ગજરાને ‘वेणीस्त्रक्’ કહેતા હતા. શિકાર જેવા પ્રસંગોએ પણ વાળને વનમાલાથી બાંધી લેવામાં આવતા તેવો ‘ઋતુસંહાર’માં ઉલ્લેખ છે.

સેંથો પૂરવો  સિંદૂર પૂરવું : સેંથો પૂરવો તે સ્ત્રીનું સૌભાગ્યસૂચક ચિહન છે. વળી તે શ્રીવૃદ્ધિમાં પણ સહાયક બને છે. ‘નૈષધચરિત’માં હર્ષે આ પ્રસાધનનો ઉલ્લેખ કર્યો છે. ‘કિરાતાર્જુનીય’માં પણ સિન્દૂરનો ઉલ્લેખ મળે છે.

અન્ય પ્રસાધનો – પુષ્પ : શૃંગારમાં પુષ્પનું ઘણું મહત્વપૂર્ણ સ્થાન છે. કવિઓએ તેનાં બહુ ગુણગાન ગાયાં છે. પ્રાચીન કાલમાં પુષ્પોની એટલી બધી માગ હતી કે તેનાં માટે એક વિશેષ અધિકારી નિયુક્ત કરવામાં આવતો હતો. સ્ત્રીઓ પણ પુષ્પોના બાગની દેખરેખ રાખતી હતી. ‘પુષ્પલાવી’ નામનો એક વર્ગ હતો જે પુષ્પોનું જ કામ કરતો હતો.

પ્રાચીન ભારતમાં સુવાસિત માળાઓ, ગજરા અને વાળમાં પુષ્પ લગાવવાની પ્રથા જોવા મળતી હતી, જે આજે પણ પ્રચલિત છે. મસ્તક, વાળ, કાન, ગળું, હાથ, પગ, કટિ, શિખા વગેરે વિવિધ અંગોને પુષ્પાલંકારથી શૃંગારિત કરવામાં આવતાં હતાં. સુંદર કલાત્મક રીતે પુષ્પોને ગૂંથીને, બાંધીને પુષ્પાલંકાર બનાવવામાં કૌશલ જરૂરી છે. આવું કૌશલ ધરાવનાર માલાકારો કહેવાતા હતા. ‘આશ્વાલયન ગૃહ્યસૂત્ર’માં બ્રહ્મચારીના વિદાયપ્રસંગે બ્રહ્મચારીનું વર્ણન છે. તેમાં ગળામાં પુષ્પોની માળા અને ગજરા(સ્રજ)નો ઉલ્લેખ છે. રામાયણમાં સીતા દ્વારા કમળની માળા પહેર્યાનો ઉલ્લેખ છે. બૌદ્ધસાહિત્યમાં પારિજાત, કર્ણિકાર, કમળ વગેરે પુષ્પોનો અને સુંદર માળા બનાવનાર માલાકારોનો ઉલ્લેખ છે, જે ઋતુઓ અનુસાર સુવાસિત માળાઓ બનાવતા હતા. એક જાતકકથામાં દેવપુત્રે પહેરેલી કક્કારુ નામની માળાની સુગંધ નગરમાં બાર યોજન સુધી ફેલાઈ ગઈ હતી તેવો ઉલ્લેખ છે. પુષ્પોથી બનેલા શિરોભૂષણ પહેરવાની પ્રથા હતી. નર્તકીઓ સૌંદર્યવૃદ્ધિ માટે પુષ્પમાળા પહેરતી હતી. નિર્વાણ બાદ ભગવાન બુદ્ધના શરીરને પુષ્પોથી અલંકૃત કર્યું હતું. (દીઘનિકાય, ખંડ 2, 3/24/100) ‘ભગવતીસૂત્ર’માં જણાવ્યા પ્રમાણે શિખા પર કુર્બકનું નવપુષ્પ, કાનોમાં શિરીષપુષ્પ અને સીમન્તમાં કદમ્બપુષ્પ લગાવવામાં આવતાં હતાં. ગળામાં માળાઓ બધા જ વર્ગો દ્વારા પહેરવામાં આવતી હતી, જે ક્યારેક ઘૂંટણ સુધી લટકતી હતી. તેને વૈકક્ષક કહેતા હતા. પગ સુધી સ્પર્શ કરતી માળાને આપ્રપદીન, વિવાહસમયે વધૂએ ધારણ કરેલ માળાને ‘કૌતુકમાલિકા’, વિવાહસમયે પહેરાવાતી માળાને ‘મધૂકમાલા’ કહેતા હતા. આ ઉપરાંત બકુલમાલા, કરવીરમાલા, વન્દનમાલા વગેરે માલાના પ્રકારો હતા. બકુલપુષ્પની માલા પહેરેલ પરિચારિકાઓનો પણ ઉલ્લેખ છે. પુલમ્બ અને ઋજુલમ્બ માથા પર લટકતી માળાઓ હતી.

મસ્તક પર ધારણ કરવાની માળાને ‘શેખરક’ અને ‘આપીડ’ કહેવામાં આવે છે. માલાગુંફન એ કામસૂત્રમાં જણાવેલ 64 કલાઓમાંની એક છે. વિવાહના સમયે વર-વધૂને શેખર અને આપીડથી શણગારવામાં આવતાં. રાજશેખર સ્વયંવરના પ્રસંગમાં દ્રૌપદીએ ધારણ કરેલ ‘શેખર’ (બાલભારત 1-27) અને ભવભૂતિએ માલતીના વિવાહપ્રસાધનમાં ‘કુસુમઆપીડ’નું વર્ણન કરેલ છે. (માલતીમાધવ) શેખર અને આપીડ બનાવવા માટે શ્વેત માલતીનાં પુષ્પોનો વધુ ઉપયોગ થતો હતો. વર્તમાન સમયમાં શેખરક અને આપીડ વિવાહના અવસર પર સેહરાના સ્વરૂપમાં જોવા મળે છે. કુમારગુપ્તે પુષ્પોની કલગી પહેર્યાનો ઉલ્લેખ છે. વિશેષ અવસરો પર લવંગ, કકકોલ, કપૂર વગેરે માળાઓનો પ્રયોગ થતો હતો. પુષ્પોની મેખલા પણ પહેરવામાં આવતી હતી. તપસ્વીના જીવનમાં પુષ્પોનું વિશેષ મહત્વ હતું. વનમાં રહેતી કન્યાઓ પુષ્પોનાં જ આભૂષણ પહેરતી હતી.

અત્તર : પ્રાચીન ભારતીય સૌંદર્યપ્રસાધનોમાં અત્તરનું ઘણું મહત્વ હતું. હડપ્પાકાલીન નાનાં છિદ્રોવાળાં જે સાધનો મળી આવે છે તેમાં અત્તર રાખવામાં આવતું હશે તેવું અનુમાન કરાયું છે. વૈદિક કાલમાં સ્ત્રીઓને અત્તર ઘણું પસંદ હતું. ઋગ્વેદના વિભિન્ન મંત્રોમાં તેનો ઉલ્લેખ છે. વિવાહમાં વધૂને સ્વર્ણાભૂષણોની સાથે અત્તરની સામગ્રી પણ આપવામાં આવતી હતી. અથર્વવેદમાં પણ સુગંધિત સામગ્રીઓનો ઉલ્લેખ છે. ઋગ્વેદમાં વનની રાણી અરણ્યાનીને સુવાસિત અત્તર લગાવેલ વર્ણવેલ છે. સ્મશાનમાં જનારી સ્ત્રીઓ પણ અત્તર લગાવતી હતી. સ્ત્રીઓનું અત્તર લગાવવાનું કારણ લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવાનું હતું. અપ્સરાઓ અને વેશ્યાઓ પોતાના પ્રેમીઓને મોહિત કરવા અત્તરનો ઉપયોગ કરતી હતી. સ્ત્રીઓને આકર્ષિત કરવા પુરુષો પણ અત્તર લગાવતા હતા. બુદ્ધના સમયમાં ગંધની સામગ્રીમાં એલચીના છોડ, ચંપા, કુમકુમ, ચંદન, ઉશીર, અગર, તગર વગેરેનો ઉલ્લેખ છે. ગંધીશાલાનો પણ ઉલ્લેખ મળે છે. સુગંધી વેચવાવાળો (ગન્ધિક) પોતાના વ્યવસાયમાં એટલો પ્રવીણ હતો કે કઈ સુગંધ કઈ સામગ્રીમાંથી બની છે તે સ્પષ્ટ કહેતો હતો. (‘ચુલ્લવગ્ગ’) અર્થશાસ્ત્રમાં પણ અનેક સુગંધી પદાર્થોનો ઉલ્લેખ છે. કુષાણકાલમાં અત્તર માટે સૌગન્ધપુટિકા નામનું પાત્ર મળી આવે છે. ગન્ધદ્રવ્યોને નાની નાની શીશીઓમાં પણ રાખવામાં આવતાં હતાં. ગુપ્તકાલમાં પણ સ્ત્રી-પુરુષો સુગંધ માટે અનેક દ્રવ્યોનો ઉપયોગ કરતાં હતાં.

દર્પણ : દર્પણ વગર શૃંગાર અધૂરો ગણાય. સિંધુસભ્યતાના લોકોને પ્રસાધનોનો એટલો મોહ હતો કે મૃત્યુ પછી શબની સાથે દૈનિક વસ્તુઓ રાખવાની સાથે પ્રસાધનો રાખવાનું પણ ભૂલતા નહિ. મોહેં-જો-દડોમાંથી પ્રાપ્ત એક શબ સાથે તાંબાની મૂઠવાળું દર્પણ મળી આવ્યું છે. આ ઉપરાંત પણ વિવિધ આકારનાં દર્પણો મળી આવ્યાં છે. ‘શાખાયન ગૃહ્યસૂત્ર’ અનુસાર વિવાહ પછી વરના ઘરે જતી વખતે વધૂના હાથમાં દર્પણ આપવામાં આવતું હતું. જુદા જુદા કાલ દરમિયાનનાં ધાતુઓનાં દર્પણ મળી આવે છે. દર્પણો અંડાકાર તથા ચપટાં રહેતાં અને તેને પકડવા માટે મૂઠ રહેતી હતી. અજન્તાની ચિત્રકલામાં સ્ત્રીઓ દ્વારા પકડેલ દર્પણોથી તેમની વિવિધતાનો ખ્યાલ આવે છે.

રશ્મિ ઓઝા