સૌર તિથિપત્ર (solar calendar) : સૌર વર્ષને આધારે રચાયેલ તિથિપત્ર. આકાશી ગોલક પર તારામંડળોના સંદર્ભમાં સૂર્યના સ્થાનના ક્રમિક પુનરાગમન વચ્ચેનો ગાળો એ સૌર વર્ષ ગણાય.
માનવસંસ્કૃતિના ઉદય સમયે તો આશરે 30 દિવસના ગાળે સર્જાતું ચંદ્રનું કળાચક્ર અને લગભગ 360 દિવસનાં આવાં 12 કળાચક્રો સાથે ઋતુચક્ર તેમજ સૌર વર્ષના, ઉપરછલ્લી નજરે જણાતા મેળને કારણે 30 દિવસનો મહિનો અને 360 દિવસનું વર્ષ એ અનુસારનું તિથિપત્ર શરૂ થયું હોવું જોઈએ. થોડા સમયમાં જ ખ્યાલ આવ્યો હોવો જોઈએ કે સૌર વર્ષની અવધિ લગભગ 365 દિવસની છે; જ્યારે ચંદ્રની કળાનાં 12 ચક્રો આશરે 354 દિવસમાં પૂરાં થાય છે. આ તબક્કે જુદા જુદા પ્રદેશોમાં બે અલગ પ્રકારનાં તિથિપત્રો અસ્તિવમાં આવ્યાં. એક પ્રકારનું તિથિપત્ર (જે ઇસ્લામિક દેશોમાં પ્રચલિત છે.) તે 354 દિવસના વર્ષને અનુસરે છે અને પ્રત્યેક માસની શરૂઆત તે માસના પ્રથમ ચંદ્રદર્શનથી કરવામાં આવે છે. સ્પષ્ટ છે કે આ પ્રકારનું તિથિપત્ર ઋતુચક્ર સાથે કોઈ જ પ્રકારનો મેળ ના રાખે. વિશ્વના મોટા ભાગના વિસ્તારોમાં ઋતુચક્ર સાથે મેળમાં રહેતું સૌર વર્ષ અને તે અનુસારનું તિથિપત્ર અપનાવાયું. આ પ્રકારનું તિથિપત્ર આશરે 5,000 વર્ષ પૂર્વે અમલમાં આવ્યું જણાય છે. મુશ્કેલી 30 દિવસના 12 માસ સાથે મેળમાં રહેવાની હતી, જે કારણે આ પહેલાનું જે 360 દિવસનું વર્ષ પ્રચલિત હતું તેમાં પાંચ વધારાના દિવસો ઉમેરવાની પ્રણાલી અપનાવાઈ. પારસી તિથિપત્રમાં વર્ષને અંતે ‘ગાથા’ના પાંચ દિવસો આ કારણે અપનાવાયા જણાય છે. પરંતુ આ પ્રકારના તિથિપત્રમાં મહિનાની શરૂઆતનો ચંદ્રની કળા સાથે કોઈ મેળ રહેતો નથી.
સૌર વર્ષ અનુસારના મૂળભૂત તિથિપત્રમાં ચંદ્રની કળાઓ અનુસારના મહિના ગોઠવવાનો પ્રયત્ન, એ ભારતના ઘણા વિસ્તારોમાં પ્રચલિત વિક્રમ અને શક સંવત પ્રકારનાં તિથિપત્રો. આ તિથિપત્રો ચંદ્રનાં 12 કળાચક્રોનું ‘સામાન્ય’ વર્ષ માને છે, પરંતુ જ્યારે તેની સૌર વર્ષ સાથેની ‘તાલચૂક’ એક મહિના જેટલી થઈ જાય (લગભગ ત્રણ વર્ષના ગાળે) ત્યારે તે વર્ષમાં એક વધારાનો ‘અધિક માસ’ ઉમેરી દેવાય છે. આ પ્રકારના તિથિપત્રમાં ઋતુચક્ર સાથે ‘સરેરાશ’ મેળ જળવાઈ રહે છે.
ભારતમાં બંગાળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ તથા કેરાલા જેવા વિસ્તારોમાં શુદ્ધ સૌર વર્ષ અનુસારનું તિથિપત્ર અપનાવાયું છે. આ પ્રકારના તિથિપત્રમાં મહિનાના દિવસો ચંદ્રની કળા સાથે કોઈ જ સંબંધ નથી ધરાવતા; પરંતુ દરેક મહિનાની શરૂઆત તારામંડળોના સંદર્ભે સૂર્યના સ્થાન પરથી નક્કી થાય છે. વર્ષ દરમિયાન તારામંડળો વચ્ચે સૂર્યનો (આભાસી) માર્ગ એ ક્રાંતિવૃત્ત કહેવાય છે અને આ ક્રાંતિવૃત્તના 12 સરખા ભાગને ‘રાશિ’ કહેવાય છે. શુદ્ધ સૌર પ્રકારના તિથિપત્રમાં મહિનાની શરૂઆત સૂર્યના ક્રમિક રાશિપ્રવેશ સાથે જ થાય. આ પ્રકારની ગણતરીમાં પૃથ્વીની કક્ષાની એક વિશિષ્ટતાને કારણે દિવસો સરખી અવધિના નથી રહેતા. પૃથ્વીની કક્ષા વર્તુળાકાર નહિ પરંતુ સહેજ લંબગોળ છે. આ કારણે જ્યારે પૃથ્વી સૂર્યથી દૂર હોય (જુલાઈ) ત્યારે સૂર્યની ક્રાંતિવૃત્ત ઉપરની આભાસી ગતિ ધીમી જણાય અને ક્રમિક રાશિસંક્રમણ વચ્ચેનો ગાળો સહેજ વધે; જ્યારે ડિસેમ્બર માસ નજીક પૃથ્વી સૂર્યથી નજીક હોય ત્યારે આ ગાળો નાનો થાય. (ઉત્તર ગોળાર્ધના ઉનાળામાં પૃથ્વી સૂર્યથી દૂર હોય છે.)
પૃથ્વીની કક્ષા અને તેની ભ્રમણધરીની એક અન્ય વિશિષ્ટતાને કારણે સૌર વર્ષ અને ઋતુવર્ષ વચ્ચે પણ લગભગ 70 વર્ષે એક દિવસ જેવી ‘તાલચૂક’ રહે છે; ઋતુવર્ષ, સૌર વર્ષ કરતાં 20 મિનિટ જેટલું ‘ટૂંકું’ છે !
આનું કારણ પૃથ્વીની ભ્રમણ-ધરીની દિશા, તેના સૂર્ય ફરતા પરિક્રમણના સમતલને લંબ દિશામાં નથી; પરંતુ આ લંબ સાથે 231° જેટલા ખૂણે નમેલી છે. ધરીના આ નમનને કારણે જ ઋતુચક્ર સર્જાય છે. જ્યારે આ ‘નમેલી’ ધરીનો ઉત્તર છેડો સૂર્ય તરફ હોય, ત્યારે ઉત્તર ગોળાર્ધમાં દિવસ, રાત્રી કરતાં મોટો થાય અને એ ગોળાર્ધમાં ઉનાળો સર્જાય. પૃથ્વીના સૂર્ય ફરતા કક્ષાભ્રમણ દરમિયાન આ ધરીની દિશા, બે દિવસોએ સૂર્ય અને પૃથ્વીને જોડતી રેખાને ‘લંબ’ હોય અને આ દિવસોએ બંને ગોળાર્ધમાં દિવસ-રાત સરખાં બને. આ થયા અનુક્રમે ‘શરદ’ અને ‘વસંત’સંપાતના દિવસો. ઋતુવર્ષની અવધિ બે ક્રમિક વસંતસંપાત (કે શરદસંપાત) વચ્ચેના સમયગાળા જેટલી હોય. હવે પૃથ્વીની નમેલી ધરી, કક્ષા સમતલને લંબદિશા સંદર્ભે ધૂણે છે, નમેલા ભમરડાની જેમ ! આ ‘ધૂર્ણન’ 25,800 વર્ષના સમયગાળાનું છે અને આ ‘ધૂણવા’ની ગતિ પૃથ્વીની કક્ષાગતિથી વિરુદ્ધ દિશાની છે. પરિણામે ક્રમિક વસંતસંપાતો વચ્ચેનો સમયગાળો કક્ષાભ્રમણના સમયગાળા કરતાં 20 મિનિટ ટૂંકો થાય છે. ક્રમિક વસંતસંપાતો વચ્ચેનો સમયગાળો, એ થયું ‘ઋતુવર્ષ’ (tropical year). ઋતુવર્ષને ‘અયન વર્ષ’ પણ કહેવાય; કારણ કે તે બે ક્રમિક ઉત્તરાયન કે દક્ષિણાયન વચ્ચેનો સમયગાળો છે; દક્ષિણાયન એટલે જે દિવસે પૃથ્વીની ધરીનો ઉત્તર છેડો સૂર્ય તરફ નમેલો હોય તે દિવસ (21 જૂન). આ દિવસે સૂર્ય વિષુવવૃત્તની વધારેમાં વધારે ઉત્તર તરફના સ્થાને આવીને તેની દક્ષિણ તરફની યાત્રા શરૂ કરે તે દિવસ. આ જ પ્રમાણે 22 ડિસેમ્બર ઉત્તરાયનનો દિવસ થાય. ઋતુવર્ષની અવધિ 365.242 દિવસ જેટલી છે જ્યારે સૌર વર્ષની અવધિ 365.256 દિવસ જેટલી છે.
વ્યાવહારિક કારણોસર વર્ષને હંમેશાં ઋતુચક્ર સાથે તાલમાં રાખવું યોગ્ય ગણાય. આ પ્રકારના તિથિપત્રની રચના ઈ. પૂ. 46માં Julius Caesarની ઇચ્છા અનુસાર Socigenes નામના એક તજ્જ્ઞે કરી અને આ Juliun Calendar તે સમય બાદ રોમન સામ્રાજ્ય(જેમાં ઇજિપ્તનો પણ સમાવેશ થતો હતો)માં અપનાવાયું, અને ત્યાર બાદ સમગ્ર યુરોપમાં પ્રચલિત થયું. ત્યાર બાદ 1,500 વર્ષ જેવા લાંબા ગાળે જણાયું કે હજી આમાં સહેજ તાલચૂક રહી જાય છે. આ નિવારવા માટે 1572માં Pope Gregory XIII દ્વારા એક સુધારો દાખલ કરાયો અને હાલમાં વિશ્વભરમાં વ્યવહારમાં વપરાતું તિથિપત્ર આ JulianGregorian તિથિપત્ર છે. નોંધવાનું કે આ તિથિપત્ર અનુસારની વર્ષની અવધિ, શુદ્ધ સૌર વર્ષ કરતાં 20 મિનિટ ટૂંકી છે. [JulianGregorian તિથિપત્ર માટે જુઓ વિશ્વકોશ ગ્રંથ 18, પાના નં. 363, ‘રોમન ગણરાજ્યનું તિથિપત્ર’]
જ્યોતીન્દ્ર ન. દેસાઈ