સૌર દિક્સૂચક (solar compass) : નૌનયન માટેનું ઉપકરણ. તે સૂર્યના પ્રવર્તમાન સ્થાનનો ઉપયોગ કરી દિક્કોણ સ્થાપિત કરે છે. સૌર દિક્સૂચક લગભગ છાયાયંત્ર(sun dial)ની જેમ કાર્ય કરે છે. તેમાં એક સપાટી ચકતી હોય છે. તેના પર બિંદુઓ અંકિત કર્યાં હોય છે અને દિક્કોણના અંશ અંકિત કર્યા હોય છે. તેને દિક્સૂચક કાર્ડ (compass card) કહે છે. તેના પર રચાતી સૂર્યની છાયાના કોણનો ઉપયોગ કરી તે દિશા સૂચવે છે. સૌર દિક્સૂચક ધ્રુવોની નજીક ઉચ્ચ અક્ષાંશવાળા પ્રદેશોમાં નૌનયન માટે ઉપયોગી છે. આ પ્રદેશો એવા છે જ્યાં ચુંબકીય હોકાયંત્ર (magnetic compass) વિશ્વસનીય નથી કારણ કે ત્યાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકમાં અણધાર્યાં ચલનો થતાં હોય છે. સૌર દિક્સૂચકની સરળ રચના ચૌદમી સદીમાં આલેપ્પો(Aleppo)ના સીરિયાના આરબલોકોએ વિકસાવી હતી.

કેટલાંક પક્ષીઓ, મધમાખીઓ, કાચબાઓ અને ‘મોનાર્ક’ પતંગિયાં નૌનયન માટે સૂર્યના પ્રવર્તમાન સ્થાનનો ઉપયોગ કરતાં જણાય છે.

વિહારી મ. છાયા