સૌર જ્વાળા (solar flare) : સૂર્યના રંગકવચનો કેટલોક નાનો ભાગ અચાનક અત્યંત તેજસ્વી થવાની ઘટના. સૌર જ્વાળા અથવા સૌર તેજવિસ્ફોટની ઘટના સૌર જ્યોતિ (facula) અને મોટે ભાગે સૌર-કલંકોના સમૂહની નજીકના વિસ્તારમાં બનતી હોય છે. આ ઘટના થોડી મિનિટોમાં જ થતી હોય છે અને ક્વચિત્ કેટલાક કલાકો સુધી ચાલે છે. આ ઘટના દરમિયાન અત્યંત વિપુલ પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન થાય છે, જે અસંખ્ય ન્યૂક્લિયર બૉમ્બના એકસાથે વિસ્ફોટ દ્વારા ઉત્પન્ન થતી શક્તિની બરાબર હોય છે. સૌર જ્વાળાની ઘટના દરમિયાન અત્યંત અધિક તીવ્રતા ધરાવતો પારજાંબલી પ્રકાશ, ક્ષ-કિરણો અને રેડિયો-તરંગો ઉત્પન્ન થાય છે અને તેની સાથે અધિક શક્તિ ધરાવતા કોસ્મિક કિરણો (cosmic rays) અને ઓછી શક્તિ ધરાવતા વીજકણો ઉત્સર્જિત થાય છે. પ્રકાશની ગતિ કરતાં ઓછી ગતિ ધરાવતા વીજકણો એક કે બે દિવસ બાદ પૃથ્વીની નજીક પહોંચે છે, જે અંતરિક્ષયાત્રીઓ માટે જોખમકારક હોય છે. સૌર જ્વાળાની ઘટના દરમિયાન ઉત્સર્જિત થતું વીજચુંબકીય વિકિરણ (પારજાંબલી પ્રકાશ અને ક્ષ-કિરણો) પૃથ્વીના આયનમંડળને અસર કરે છે અને રેડિયો-સંદેશાવ્યવહારને ખોરવી નાખે છે, જ્યારે વીજકણો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને પ્રભાવિત કરે છે અને ચુંબકીય તોફાનો અને ધ્રુવીય જ્યોતિ (aurora) ઉત્પન્ન કરે છે.

પરંતપ પાઠક