સગર્ભતા, પ્રસૂતિ અને સૂતિકાકાલ
અનુક્રમે ગર્ભધારણ, શિશુજન્મ (પ્રસવ) અને તે પછીનો સમય. સ્ત્રીઓનો ગર્ભધારણશીલતાનો સમયગાળો (reproductive period) સ્ત્રીયૌવનારંભ-(menarche)થી ઋતુસ્રાવનિવૃત્તિ (menopause) સુધીનો ગણાય છે. સામાન્ય રીતે તે 13થી 45 વર્ષ સુધીનો સમયગાળો છે. સ્ત્રીનો અંડકોષ પુરુષના શુક્રકોષ દ્વારા ફલિત થાય અને તે ફલિતાંડનું સ્ત્રીના જનનમાર્ગમાં અંત:સ્થાપન (implantation) થાય ત્યારથી ગર્ભધારણનો કાળ અથવા સગર્ભાવસ્થા શરૂ થાય છે. સ્ત્રીની આવી સ્થિતિને સગર્ભતા (pregnancy) કહે છે. છેલ્લા ઋતુસ્રાવ-ચક્રના પ્રથમ દિવસથી સગર્ભતાનો કાળ ગણવામાં આવે છે. અંડકોષના ફલિનીકરણ (fertilization) કે ફલિતાંડના અંત:સ્થાપનનો ચોક્કસ સમય જાણમાં આવતો ન હોવાથી સગવડ ખાતર છેલ્લા ઋતુસ્રાવચક્રના પ્રથમ દિવસથી ગણતરી કરાય છે. તે રીતે સગર્ભતાનો કુલ સમયગાળો 10 ચાંદ્ર માસ, કૅલેન્ડરના 9 માસ ને 7 દિવસ, 40 અઠવાડિયાં કે 280 દિવસ ગણાય છે. ગર્ભની આ રીતે ગણાતી ઉંમરને ગર્ભાવસ્થીય વય (gestational age) કહે છે. અંડકોષનું ફલિનીકરણ ઋતુસ્રાવચક્રમાં વચ્ચે, આશરે 14મા દિવસ પછી થતું હોવાથી ગર્ભધારણનો સાચો સમય ‘280 – 14 = 266’ દિવસ ગણાય છે. આ પ્રકારે ગર્ભની ઉંમર ગણવામાં આવે તો તેને અંડકોષ-મોચનીય વય (ovulatory age) અથવા ફલિનીકરણીય વય (fertilization age) કહે છે. રોજેરોજના નિદાન-ચિકિત્સાકાર્ય(clinical work)માં ગર્ભાવસ્થીય વય અથવા ઋતુસ્રાવચક્રીય વય (menstrual age) ઉપયોગમાં લેવાય છે; જ્યારે પ્રાગર્ભવિદ્યા અથવા ભ્રૂણવિદ્યા-(embryology)ના અભ્યાસમાં ફલિનીકરણીય કે અંડકોષમોચનીય વય ઉપયોગમાં લેવામાં આવે છે.
સગર્ભાવસ્થાના પૂરા સમયને 3 સમયખંડોમાં વહેંચવામાં આવે છે : પ્રથમ ત્રિમાસિકી (first trimester) પ્રથમ 12 અઠવાડિયાંનો સમયગાળો છે; દ્વિતીય ત્રિમાસિકી (second trimester), કે જે 13થી 28 અઠવાડિયાંનો સમયગાળો છે અને તૃતીય ત્રિમાસિકી (third trimester) કે જે 29થી 40 અઠવાડિયાં સુધી ચાલે છે.
પ્રથમ ત્રિમાસિકી : તેનાં કેટલાંક અગત્યનાં લક્ષણો (symptoms) અને ચિહ્નો (signs) છે જેને આધારે સગર્ભતા હોવાની શંકા કે નિદાન કરાય છે. તેમાં ઋતુસ્રાવ-સ્તંભન (amenorrhoea), ઉષાકાલીન વ્યાધિ (morning sickness), વારંવાર પેશાબ જવાની હાજત, સ્તનમાં ફેરફાર તથા થાક લાગવો તે છે. પૂર્વધારણા પ્રમાણે સંભવિત રીતે આવતો ઋતુકાળ જો ન આવે તો સામાન્ય તંદુરસ્તીવાળી ગર્ભધારણશીલ વયની સ્ત્રીમાં સગર્ભતા હોવાનું સૂચવે છે. ક્યારેક જોકે સગર્ભતાના પ્રથમ 12 સપ્તાહમાં ઋતુસ્રાવ-સમયે રુધિરસ્રાવ નિયમિત રીતે આવે પણ છે, જોકે આવો થતો રુધિરસ્રાવ ઓછો અને ટૂંકા ગાળાનો હોય છે. તેને ઓરચિહ્ન (placental sign) કહે છે અને તેને સંભવિત ગર્ભપાત(threatened abortion)થી અલગ પડાય છે. ક્યારેક દુગ્ધસ્રાવી અથવા દુગ્ધધારી (lactating) માતામાં ઋતુસ્રાવ ફરી શરૂ થયો ન હોય અને તે છતાં ફરીથી સગર્ભતા રહે તો દુગ્ધસ્રાવ અથવા દુગ્ધધારણ ગાળા (lactation period) વખતના ઋતુસ્રાવ-સ્તંભન (ઋતુસ્રાવ ન આવવો તે) સાથે નવી સગર્ભતાનું ઋતુસ્રાવ-સ્તંભન સળંગ જોડાઈ જાય છે. પ્રસવ પછી માતાને દૂધ આવતું હોય તો તેવા સમયગાળાને દુગ્ધસ્રાવીકાળ કહે છે અને તેવી સ્થિતિને દુગ્ધસ્રાવિતા અથવા દુગ્ધધારણ (lactation) કહે છે.
આશરે 50 % સ્ત્રીઓમાં સવારે ઊઠે ત્યારે ઊબકા આવે, ભૂખ ઘટે કે ઊલટી થાય છે. આવું પ્રથમ સગર્ભતામાં વધુ બને છે. તેને ઉષ:કાલીન વ્યાધિ (morning sickness) કહે છે. જોકે તેનાથી માતાની તબિયત પર કોઈ ખરાબ અસર થતી નથી.
8થી 12 અઠવાડિયાંના ગાળામાં માતાને ભારે થતા જતા ગર્ભાશયને કારણે, મૂત્રાશયમાં રુધિરભારિતા (congestion) થવાને કારણે તથા મૂત્રાશય પર તણાવ આવવાને કારણે વારંવાર પેશાબ જવાની હાજત થાય છે. 12મા અઠવાડિયા પછી આગળ તરફ નમેલું ગર્ભાશય સીધું થાય છે અને તેથી મૂત્રાશયની આ તકલીફ જતી રહે છે.
પ્રથમગર્ભી (primigravida) માતા 6થી 8 અઠવાડિયાંના સમયે સ્તનમાં ભરાવો (fullness) અનુભવે છે. આવી રીતે તેને ઘણી વખત થાક લાગ્યાનો પણ અનુભવ થાય છે.
પ્રથમ ત્રિમાસિકીમાં કેટલાંક ચિહ્નો પણ ઉદ્ભવે છે. માતાનાં સ્તન, પેટ તથા શ્રોણી(pelvic)ની તપાસમાં આ ચિહ્નો જોવા મળે છે. 6થી 8 અઠવાડિયાં બાદ સ્તન મોટાં થયેલાં અનુભવાય છે. તેમની ચામડી નીચે ઝીણી નસો જોવા મળે છે. ડીંટડી અને તેની આસપાસનો વિસ્તાર વધુ ગાઢો બને છે, અને તેમના પર મૉન્ટોગોમરીની નાની ફોલ્લીઓ જોવા મળે છે. 12મા અઠવાડિયા પછી તેમાંથી ઉપસ્તન્ય અથવા દુગ્ધલ (colostrum) નામનું જાડું પીળું પ્રવાહી નીકળે છે. પ્રથમ 12 અઠવાડિયાં ગર્ભાશય શ્રોણીમાં હોવાથી 12મે અઠવાડિયે પેટના નીચલા ભાગમાં નાનો ઊપસેલો ભાગ અનુભવી શકાય છે. શ્રોણીની તપાસમાં વિવિધ ચિહ્નો જોવા મળે છે જેક્વેમિયર કે ચેડ્વિકનું ચિહ્ન, યોનિક ચિહ્ન, ગ્રીવાકીય ચિહ્નો, ગર્ભાશયી ચિહ્નો, હેગરનું ચિહ્ન, પામરનું ચિહ્ન વગેરે.
સગર્ભતાના 8મા અઠવાડિયે યોનિ(vagina)ની આગળની દીવાલ ધૂલીય (dusky) બને છે. તે સમય જતાં વધુ ગાઢી બને છે. તેને જેક્વેમિયર (Jacquemier) કે ચેડ્વિક(Chadwik)નું ચિહ્ન કહે છે. આવું ગર્ભાશયની ગાંઠ હોય તોપણ થાય છે. આ ઉપરાંત ચિહ્નો રૂપે યોનિની દીવાલ વધુ મૃદુ બને છે, 6ઠ્ઠા અઠવાડિયાથી તેમાંથી પુષ્કળ શ્લેષ્મીય (mucoid) પ્રવાહી ઝરે છે અને તેમાં ધબકારા અનુભવાય છે. આવા ધબકારાને ઓસિયેન્ડર(Osiander)નું ચિહ્ન કહે છે. તે શ્રોણીમાં કોઈ કારણે સોજો આવ્યો હોય તોપણ થાય છે.
6ઠ્ઠા અઠવાડિયે ગર્ભાશયગ્રીવા (યોનિમાં પ્રવેશતો ગર્ભાશયનો ભાગ અથવા cervix) મૃદુ બને છે. તેને ગુડેલ(Goodell)નું ચિહ્ન કહે છે. સામાન્ય સ્ત્રીમાં ગર્ભાશયની ગ્રીવાનું બાહ્ય મુખ નાકના ટેરવા જેવું અર્ધમૃદુ (firm) હોય છે, જ્યારે સગર્ભા સ્ત્રીમાં તે હોઠ જેટલું પોચું (મૃદુ, soft) હોય છે. ક્યારેક મિશ્ર પ્રકારની ગર્ભનિરોધ ગોળી લેતી સ્ત્રીમાં પણ ગર્ભાશયગ્રીવાનું મુખ આવું પોચું હોય છે. તેની નસો વધવાને કારણે ભૂરાશ પડતું થાય છે.
ગર્ભાશયનું કદ, તેનો આકાર અને તેનું દલત્વ (consistency) બદલાય છે. 6ઠ્ઠે અઠવાડિયે તે મરઘીના ઈંડા જેવડું, 8મે અઠવાડિયે ક્રિકેટના દડા જેવડું અને 12મા અઠવાડિયે ગર્ભશિશુના માથાના કદનું બને છે. સામાન્ય અગર્ભીય (nonpregnant) ગર્ભાશય જમરૂખ-(pear)ના આકારનું હોય છે, જે 12મા અઠવાડિયે દડાના આકારનું (કંદુકીય, globular) બને છે. પ્રથમ 6થી 8 અઠવાડિયાં તે આગળ તરફ વળે છે (અગ્રવર્તન, anteversion). જો તેમાં અંત:સ્થાપન મધ્યરેખામાં ન થયું હોય તો તેનો આકાર અનિયમિત બને છે. તેને પિસ્કાસેક(Piskacek)નું ચિહ્ન કહે છે, જેમાં અર્ધો ભાગ વધુ કઠિન અથવા અર્ધમૃદુ (firm) હોય છે. ગર્ભયુક્ત ગર્ભાશય મૃદુ અને લવચીક (elastic) હોય છે. 6થી 10મા અઠવાડિયે યોનિમાં અને પેટ પરથી હળવેથી આંગળીઓ દબાવીને હેગર(Hegar)નું ચિહ્ન દર્શાવી શકાય છે. 4થી 8 અઠવાડિયે આવી રીતે બે હાથ વડે સંસ્પર્શન કરતાં ગર્ભાશયનાં નિયમિત અને તાલબદ્ધ સંકોચનો પણ અનુભવી શકાય છે. તેને પામર(Palmer)નું ચિહ્ન કહે છે.
સગર્ભતા ઉદ્ભવી છે એવું દર્શાવતી પ્રતિરક્ષાલક્ષી (immunological) કસોટી પણ ઉપલબ્ધ છે. સગર્ભા સ્ત્રીના પેશાબ કે રુધિરરસમાં આવેલા માનવ-ગર્ભાવરણીય જનનાંગપોષક (human choroionic gonadotrophin, HCG) નામના ગર્ભપેશી દ્વારા બનાવેલા પ્રોટીન (પ્રતિજન, antigen) સાથે ગુંફીકરણ (agglutination) કરતું પ્રતિદ્રવ્ય (antibody) બજારમાં મળે છે.
તે બંને વચ્ચે પ્રતિક્રિયા કરીને જે તે સ્ત્રીના શરીરમાં ગર્ભ વિકસી રહ્યો છે કે નહિ તે જાણી શકાય છે. આ માટે પ્રતિરક્ષાલક્ષી (એલિઝા) તથા વિકિરણશીલ પ્રતિરક્ષા-આમાપન (radio-immunoassay, RIA) એમ વિવિધ પ્રકારની કસોટીઓ ઉપલબ્ધ છે. (સારણી) જૈવિક કસોટી હવે કરાતી નથી.
સારણી : સગર્ભતાના નિદાનમાં વપરાતી કસોટીઓ
કસોટી | સંવેદિતા (sensitivity, HCG) (આંતરરાષ્ટ્રીય એકમ/મિલિ) | કેટલા સમયમાં પરિણામ મળે ? | ક્યારે કરાય ? | |
1. | પ્રતિરક્ષાલક્ષી : | |||
(અ) કાચતકતી (slide) કસોટી | 1.5-3.5 | 2 મિનિટ | 44 દિવસ | |
(આ) કશનળી (tube) કસોટી | 0.2-1.2 | 2 કલાક | 44 દિવસ | |
(ઇ) બીટા ગ્રેવિન્ડેક્સ કાચતકતી કસોટી | 0.5-1 | 2 મિનિટ | ઋતુસ્રાવ ન આવે તેના 2 દિવસે | |
(ઈ) સીધી લૅટેક્સ ગુંફીકરણ કસોટી | 0.5 | 2 મિનિટ | ઋતુસ્રાવ ન આવે તેના 3-4 દિવસે | |
(ઉ) એલિઝા | 0.020.2 | 4 મિનિટ | ઋતુસ્રાવચક્રના 27મા દિવસે | |
2. | વિકિરણશીલ પ્રતિરક્ષા કસોટી (RIA) : | |||
(અ) બીટા-ઉપએકમ | 0.003 | 3-4 કલાક | ઋતુસ્રાવચક્રના 25મા દિવસે | |
(આ) વિકિરણ-સ્વીકારક (radio receptor) | 0.001 | 1 કલાક | ઋતુસ્રાવના 22મા દિવસે |
સગર્ભતાના 5મા અઠવાડિયે ધ્વનિચિત્રણ (sonography) વડે નાનું સફેદ ગર્ભવલય (gestational ring) દર્શાવી શકાય છે. હવે 7મા અઠવાડિયે ગર્ભશિશુના હૃદયનું સંચલન જોઈ શકાય છે. ગર્ભશિશુના હલનચલનો 12મા અઠવાડિયે જોઈ શકાય છે. ડૉપ્લરની મદદથી 10મા અઠવાડિયે ગર્ભના હૃદયના ધબકારાનો દર જાણી શકાય છે.
દ્વિતીય ત્રિમાસિકી (second trimester) : તે 13થી 28 અઠવાડિયાંનો સમયગાળો છે. સામાન્ય રીતે ઊબકા, ઊલટી તથા પેશાબની વારંવાર હાજત જેવી તકલીફો શમે છે, પરંતુ ઋતુસ્રાવ-સ્તંભન ચાલુ રહે છે. માતા તે સમયે તેના પેટમાં હાલતા/ફરકતા ગર્ભશિશુની સંવેદનાઓ મેળવે છે. તેને તે સામાન્ય રીતે 18મા અઠવાડિયે થાય છે. જેને અગાઉ સગર્ભતા થયેલી હોય તેઓમાં તે 2 અઠવાડિયાં વહેલું પણ થાય છે. તેને જીવસંકેત (quickening) કહે છે. તેની મદદથી પ્રસવના સમય અંગે વધુ ચોકસાઈથી અનુમાન કરવાનું શક્ય બને છે. તેની સાથે સાથે ગર્ભાશય મોટું થતું જાય છે, જે પેટના નીચલા ભાગને મોટો કરે છે. માતાના કપાળ અને ગાલમાં વર્ણકતા (pigmentation) થાય છે એટલે કે તેઓ સહેજ ગાઢા રંગનાં બને છે. તેથી 24મા અઠવાડિયે તેનો રંગ બદલાય છે. સ્તન મોટાં થાય છે. તેની ચામડી નીચેની નસો સુસ્પષ્ટ બને છે, 20મા અઠવાડિયે દ્વૈતીયિક પરિવિસ્તાર (areola) બને છે, જેમાં મૉન્ટોગોમરીની ગંડિકાઓ જોવા મળે છે. 16મા અઠવાડિયાથી દુગ્ધલ અથવા ઉપસ્તન્ય (colostrum) જાડું અને પીળાશ પડતું બને છે. સ્તન પર વર્ણરેખિકાઓ (striae) નાની નાની આછા રંગની રેખાઓ થાય છે.
20મા અઠવાડિયાથી ગુપ્તાસ્થિ સંજોડ(pubic symphisis)થી વક્ષાસ્થિની નીચલી ટોચ સુધી પેટ પર મધ્યરેખામાં એક રેખા વિકસે છે, જે ચામડીના ગાઢા થયેલા રંગને કારણે હોય છે. તેને રેખા શ્યામા (linea nigra) કહે છે. પેટ પર સફેદ અને ગુલાબી રંગની વર્ણરેખિકાઓ પણ ઉદ્ભવે છે, જે પેટના નીચલા ભાગમાં અને બાજુ પર જોવા મળે છે. ક્રમશ: ગર્ભાશય મોટું થાય છે અને તેથી તેનો ઘુંમટ ઊંચે ચડતો જાય છે. 16મા અઠવાડિયે તે પેટના નીચલા ભાગમાં તથા 24મે અઠવાડિયે તે નાભિ પર આવે છે. 28મે અઠવાડિયે તે વક્ષાસ્થિની નીચલી ટોચ અને નાભિ વચ્ચેના અંતરના નીચલા ત્રીજા ભાગ સુધી ઊંચું ચડે છે. તે પોચું અને લવચીક (elastic) બને છે. ગર્ભાશયમાં સ્વયંભૂ સંકોચનો થયાં કરે છે. તેને બ્રૅક્સટન-હિક્સ(Braxton-Hicks)નાં સંકોચનો કહે છે. તેને શારીરિક તપાસ વખતે સંસ્પર્શી શકાય છે. સંકોચનસમયે ગર્ભાશય અલ્પકઠિન (firm) બને છે. બાકીના સમયે તે મૃદુ હોય છે. આ સંકોચનો અનિયમિત, ક્યારેક જ થતાં હોય તેવાં, સતતસંકોચનીય (spasmodic) અને પીડારહિત હોય છે. તેમની ગર્ભાશયની ડોક (ગ્રીવા) પર ખાસ કોઈ અસર થતી નથી. પૂર્ણકાલ સમયની પાસે તે વધુ તીવ્ર થતાં હોવાથી ક્યારેક સગર્ભા સ્ત્રીને તકલીફ આપે છે. જો ગર્ભાશયની બહાર ગર્ભનો વિકાસ થતો હોય તો આ સંકોચનો થતાં નથી.
20મા અઠવાડિયાથી ગર્ભશિશુનાં અંગોને સંસ્પર્શી શકાય છે. તે ગર્ભશિશુનાં સ્થાન અને વિન્યાસ અંગે માહિતી આપે છે. તે સમયથી પેટ પર હાથ મૂકવાથી ગર્ભશિશુનું હલનચલન અનુભવી શકાય છે. તે અંદરનું ગર્ભશિશુ સજીવ છે તે પણ દર્શાવે છે. ગર્ભશિશુનું કદ નાનું હોવાથી અને આસપાસ ગર્ભજલ હોવાથી બે હાથ વચ્ચે તેને હલાવી શકાય છે. તેને કંદુકક્રીડા (ballottment) કહે છે. ગર્ભશિશુના ધબકારાને સાધન વડે સાંભળી શકાય છે. તેને સંશ્રવણ (auscultation) કહે છે. તે સજીવ સગર્ભતાનું નિશ્ચિત ચિહ્ન છે. સામાન્ય રીતે 18થી 20 અઠવાડિયે તે સંભવિત બને છે. ઓશીકા નીચે મૂકેલી ઘડિયાળની ટીક-ટીક જેવો તે અવાજ હોય છે અને તેનો દર મિનિટના 140થી 160 હોય છે; પરંતુ સગર્ભતાકાળ વધતો જાય તેમ તેમ તે ઘટીને 120થી 140 વચ્ચેનો થાય છે. તેને માતાની ધમનીઓ કે ગર્ભનાળની ધમનીમાં વહેતા લોહીના ધબકારા(નાડી)થી અલગ પાડવો જરૂરી ગણાય છે.
ભગ, યોનિ તથા ગ્રીવા ભૂરાં પડે છે અને ગર્ભાશયગ્રીવા મૃદુ થાય છે. ઍક્સ-રે-ચિત્રણ લેવાય તો ગર્ભશિશુનું કંકાલતંત્ર જોવા મળે છે; પરંતુ સામાન્ય રીતે ઍક્સ-રે-ચિત્રણ લેવાનું ટાળવામાં આવે છે, જેથી કરીને ગર્ભશિશુને નુકસાન ન થાય. જોકે ધ્વનિચિત્રણ(sono-graphy)ની તપાસ હાનિકારક હોતી નથી.
તૃતીય ત્રિમાસિકી (third trimester) : તે 29થી 40મા અઠવાડિયા સુધીનો સગર્ભતાકાલ છે. તેમાં ઋતુસ્રાવ-સ્તંભન ચાલુ રહે છે. ગર્ભાશય ક્રમશ: મોટું થતું રહે છે, જે ક્યારેક શ્વાસ ચડવો, હૃદયના ધબકારા અનુભવવા, ખાટું પ્રવાહી ઉપર ચડવું જેવી શારીરિક તકલીફો કરે છે. 38મા અઠવાડિયે ગર્ભશિશુનો પ્રથમદર્શી ભાગ (presentation part) તેના પ્રસવમાર્ગમાં ગોઠવાય છે, તેથી દબાણથી થતી તકલીફો ઘટે છે. તેને ભારાલ્પન (lightening) કહે છે. પરંતુ પેશાબ માટેની હાજત ફરીથી વધે છે તથા ગર્ભશિશુનું હલનચલન પણ વધે છે.
ચામડી પરની વર્ણરેખિકાઓ વધુ ગાઢી બને છે. 36મા અઠવાડિયાથી ગર્ભાશય નલાકારને બદલે ગોલાકાર (spherical) બને છે. 32મા અઠવાડિયે ગર્ભાશયનો ઘુમ્મટ નાભિ-વક્ષાસ્થિ ટોચ વચ્ચેના અંતરના નીચલા ત્રીજા ભાગે હોય છે; જ્યારે તે 36મા અઠવાડિયે વક્ષાસ્થિ ટોચે પહોંચે છે, જે 40મા અઠવાડિયે ફરી 32 અઠવાડિયાંના સ્થાને આવે છે; તેનું કારણ ગર્ભશિશુ પ્રસવમાર્ગમાં ગોઠવાય છે તે છે. 32મા અઠવાડિયે માથું તરતું હોય છે, જ્યારે 40મા અઠવાડિયે તે સ્થિર હોય છે. બ્રૅક્સટન-હિક્સનાં સંકોચનો વધુ સ્પષ્ટ બને છે અને ગર્ભશિશુનું હલનચલન સંસ્પર્શી શકાય છે. ગર્ભશિશુનાં અંગોના સંસ્પર્શનથી તેનું ગર્ભાશયમાંનું સ્થાન, દેહવિન્યાસ તથા પ્રથમદર્શનીય ભાગ વિશે માહિતી મળે છે. ગર્ભહૃદયના ધબકારા સાંભળી શકાય છે. આ સમયે ઍક્સ-રે-ચિત્રણ કે ધ્વનિચિત્રણ (sonography) કરવાથી નિશ્ચિત નિદાન શક્ય હોય છે.
નિદાનભેદ : સગર્ભતાની સ્થિતિને ગર્ભાશય કે અંડપિંડમાંની ગાંઠ તથા પેશાબથી ભરાયેલા મૂત્રાશયથી અલગ પડાય છે. પેટના પોલાણમાં આવેલા સ્થાનિક પીડાકારક સોજા(શોથ)ને કારણે કોષ્ઠીકૃત પરિતનશોથ (cystic peritonitis) નામનો વિકાર થાય છે તેને પણ ક્યારેક સગર્ભતાથી અલગ પાડવો પડે છે. ક્યારેક કોઈ સ્ત્રી કે જેને સગર્ભતા રહેતી ન હોય તેને તે થઈ છે એવો માનસિક વિકાર થાય તો તેને છદ્મસગર્ભતા (pseudocyesis) કહે છે. તેને પણ સાચી સગર્ભતાથી અલગ પાડીને નિદાન કરાય છે.
સગર્ભા સ્ત્રી પ્રથમ વખત સગર્ભા થઈ છે કે અગાઉ પણ સગર્ભા હતી તે જાણી લેવાય છે. અગાઉ પ્રસવ થયેલો હોય તો સ્તન વધુ ઢીલાં હોય છે, ડીંટડી વધુ મોટી થયેલી હોય છે તથા તેનો પરિવિસ્તાર ગાઢો અને તેના પર વર્ણરેખિકાઓ પહેલેથી જોવા મળે છે. પેટની દીવાલ પણ ઢીલી હોય છે અને તેના પર સફેદ વર્ણરેખિકાઓ થયેલી હોય છે. ગર્ભાશયની દીવાલ ઓછી અક્કડ હોય છે, ભગ અને ગુદાની વચ્ચે તથા આસપાસ આવેલો ઉપસ્થવિસ્તાર (perineum) ઢીલો હોય છે અને તેમાં જૂના ઘાવનાં રૂઝચિહ્ન હોય છે. યોનિ પણ વધુ મોટી હોય છે. ગર્ભાશયગ્રીવાનું બહારનું મુખ નળાકારી હોય છે અને તેનું છિદ્ર ફાડ જેવું હોય છે, જેમાં 1 આંગળીની ટોચ પ્રવેશી શકે છે. જેને કદી પ્રસવ થયો નથી તેવી સ્ત્રીની ગર્ભાશયગ્રીવા શંકુ આકારની હોય છે.
પ્રસવની તારીખ તથા સગર્ભતાની વય નક્કી કરવા માટે વિવિધ પદ્ધતિઓ વિકસી છે. એક પદ્ધતિ છેલ્લા ઋતુસ્રાવના પ્રથમ દિવસથી 280 દિવસ ગણી કાઢવાની છે; પરંતુ 20 %થી 80 % કિસ્સાઓમાં તેની ચોક્કસ માહિતી હોતી નથી. જો ફલદાયી સમાગમની તારીખની ખબર હોય તો તેના 266 દિવસ x 7 દિવસે પ્રસવ થાય છે. જીવસંકેત (quickening) પછી પ્રથમ વારની સગર્ભા સ્ત્રીમાં 22 અઠવાડિયે અને પુન:સગર્ભા સ્ત્રીમાં 24 અઠવાડિયે પ્રસવ થાય છે. ગર્ભાશયના કદ પરથી સગર્ભતાનો સમયગાળો ગણી કાઢીને પ્રસવની તારીખ નક્કી કરી શકાય છે. હાલ ધ્વનિચિત્રણ સમયે ગર્ભની વય તથા સંભવિત પ્રસવની તારીખ જાણી શકાય છે.
પ્રસૂતિ (પ્રસવ) : શિશુજન્મને પ્રસૂતિ અથવા પ્રસવ કહે છે. તેને પ્રસવપીડા (labour) પણ કહે છે. જનનાંગોમાં થતી ક્રમશ: ક્રિયાઓ કે જેને કારણે ગર્ભધારણના પરિણામ-પદાર્થો (products of conceptions) – ગર્ભશિશુ, ઓર વગેરે – ને બહારના વિશ્વમાં કાઢવામાં આવે છે તેને પ્રસવપીડા કહે છે. જો તે 37 અઠવાડિયાં કરતાં વહેલી થાય તો તેને કાલપૂર્વ પ્રસવ (preterm labour) કહે છે. ગર્ભશિશુને જન્મ આપવાની ક્રિયાને પ્રસવ (parturition) કહે છે. આવી સાધન સાથે કે તેના વગરની ક્રિયાને પ્રમુક્તન (delivery) કહે છે. તેમાં સામાન્ય રીતે થતા યોનિમાર્ગી પ્રસવ ઉપરાંત ઉદરમાર્ગે શસ્ત્રક્રિયા વડે કરાવાતા શિશુજન્મનો પણ સમાવેશ થાય છે. ઉદરમાર્ગે ગર્ભાશય પર કાપો મૂકીને કરાતી શસ્ત્રક્રિયાને ગર્ભાશયછેદીય અથવા ઉદરપ્રસવીય શસ્ત્રક્રિયા (cessarian section) કહે છે. સામાન્ય રીતે થતી યોનિમાર્ગી પ્રસવની ક્રિયાને સુપ્રસવ (eutocia) કહે છે, જ્યારે તેમાં કોઈ આનુષંગિક તકલીફ થાય તો તેને દુ:પ્રસવ (dystocia) કહે છે.
પ્રસવક્રિયાની શરૂઆત કરવામાં ગર્ભાશયનું ખેંચાણ, પ્રૉજેસ્ટીરોન તથા પુર:સ્થગ્રંથિ(prostaglandins)નો ફાળો છે એવું મનાય છે. આ ઉપરાંત ઑક્સિટૉસિન તથા ચેતાતંત્ર પણ તેમાં સક્રિય હોય છે. ગર્ભાશયનાં સંકોચનો મહત્વની ક્રિયા કરે છે. આ સંકોચનો પીડાકારક હોવાથી તેમને ‘પીડા’ (pain) શબ્દ વડે દર્શાવાય છે. પ્રથમ સગર્ભા સ્ત્રીમાં ક્યારેક પ્રસવપીડા જેવી પીડા થાય, પણ પ્રસવક્રિયા શરૂ ન થઈ હોય તો તેને છદ્મપીડા (false pain) કહે છે. પ્રથમ સગર્ભામાં તે પ્રસવપીડાનાં 2થી 3 અઠવાડિયાં પહેલાં અને બહુસગર્ભા સ્ત્રીમાં પ્રસવ પહેલાં 2થી 3 દિવસે છદ્મપીડા થાય છે. છદ્મપીડા પેટના નીચલા ભાગમાં થાય છે, ગર્ભાશય સતત કઠણ થાય છે, ગર્ભાશયગ્રીવાનું મુખ ખૂલતું નથી તથા મોટેભાગે બસ્તી (enema) વડે કે નિદ્રાપ્રેરક ઔષધ વડે તે શમે છે.
પ્રસવપૂર્વ તબક્કો (prelabour) : તેને પૂર્વસંભાવના(pre-monition)નો તબક્કો કહે છે. જે પ્રથમ સગર્ભામાં 2થી 3 અઠવાડિયાં પહેલાં અને બહુસગર્ભા સ્ત્રીમાં થોડાક દિવસ પહેલાં શરૂ થાય છે. તેમાં ભારાલ્પન (lightening), છદ્મપીડા (false pains) અને ગર્ભાશયગ્રીવામાં આવતા ફેરફારો થાય છે. ગર્ભાશયગ્રીવા મૃદુ થાય છે, 1.3 સેમી.થી ઓછી લંબાઈ, પહોળી કરી હોય તેવી થયેલી હોય અને તેમાં એક આંગળી પ્રવેશી શકે તેવી થઈ હોય છે. આવી ગર્ભાશયગ્રીવાને પક્વ (ripe) થયેલી કહેવાય છે.
પ્રસવપીડા (labour pain) : સાચી પ્રસવપીડામાં ગર્ભાશયનાં પીડાકારક સંકોચનો થાય છે, ગ્રીવામાંથી શ્લેષ્મવાળું અને લોહીના ગઠ્ઠાવાળું પ્રવાહી નીકળે છે, ગ્રીવા પહોળી થાય છે અને તે પ્રજનનનલિકા બનાવવામાં ભળે છે (effacement) તથા તેમાંથી પ્રવાહી ભરેલી પોટલીની જેમ ગર્ભનાં આવરણો બહાર આવે છે.
પ્રસવક્રિયાના તબક્કા : સામાન્ય રીતે પ્રસવની સમગ્ર ક્રિયાને 3 તબક્કામાં વહેંચવામાં આવે છે. પ્રથમ તબક્કાને ગ્રીવાનો તબક્કો કહે છે, જેમાં તે પહોળી થાય છે અને પ્રસવપીડા થાય છે. તે પ્રથમ સગર્ભામાં 12 કલાક અને બહુસગર્ભામાં 6 કલાક ચાલે છે; જ્યારે ગ્રીવા પૂરેપૂરી પહોળી થાય છે તેને પૂર્ણ વિસ્ફારણ (full dilatation) કહે છે. પ્રસવનો બીજો તબક્કો ગ્રીવાના પૂર્ણ વિસ્ફારણથી શરૂ થાય છે અને જન્મનલિકામાંથી ગર્ભશિશુ બહાર આવે ત્યાં સુધી ચાલે છે. પ્રથમ સગર્ભામાં તે 2 કલાક ચાલે છે જ્યારે બહુસગર્ભામાં તે 30 મિનિટ ચાલે છે. તે સમયે સ્ત્રીઓ પણ પેટના સ્નાયુઓને સંકોચાવીને ગર્ભશિશુના બહિષ્કરણમાં મદદ કરે છે. તેને ‘પીડા લેવી’ (bearing down) કહે છે. ત્યારબાદ ત્રીજો તબક્કો શરૂ થાય છે જેમાં ઓર (placenta) અને ગર્ભની આસપાસનાં પટલો (membranes) તેમના સ્થાનેથી છૂટાં પડે છે અને તેમને બહાર કઢાય છે. સામાન્ય રીતે 15 મિનિટનો તબક્કો હોય છે. ત્યારબાદ 1 કલાક માટે માતાને નિરીક્ષણ હેઠળ રખાય છે.
જન્મનલિકામાંથી ગર્ભશિશુ પસાર થાય ત્યારે તેનું માથું જે રીતે નલિકાના માર્ગ સાથે અનુકૂલન સાધે છે તેને પ્રસવની ક્રિયાપ્રવિધિ (mechanism of labour) કહે છે. સૌપ્રથમ તે શ્રોણીની ઉપરની કિનારીથી પ્રવેશે છે. તેને શીર્ષ-શ્રોણી જોડાણ (engagement) કહે છે. તે સમયે માથું શ્રોણીમાંના પોલાણમાં ગોઠવાય છે. ત્યારપછી ક્રમશ: આ પ્રમાણે પ્રક્રિયાઓ થાય છે : જેમ જેમ ગર્ભશિશુ જન્મનલિકામાં નીચે ઊતરતું જાય છે તેમ તેમ માથું સૌપ્રથમ આગળ તરફ વળે છે (flexion). ત્યારબાદ માથાનો પાછલો ભાગ જન્મનલિકા પ્રમાણે ફરે છે (internal rotation) તથા તે સમયે ખભા પણ તે દિશામાં ફરે છે; ત્યારે માથું સરકીને ગુપ્તાસ્થિની કમાન(pubic arch)ની નીચે આવે છે. તેથી જાણે તેણે શ્રોણી(pelvis)નો મુકુટ પહેર્યો હોય એવી સ્થિતિ થાય છે. તેથી આ સ્થિતિને મુકુટીકરણ (crowning) કહે છે. વધુ નીચે ઊતરતું માથું પાછળની બાજુ વળે છે (extension) અને તેમ કરતાં તે બહાર આવી જાય છે. હવે હળવેથી ડોક પર જે આમળ આવી હોય તે જતી રહે તેમ માથું ગોળ ફરે છે. હવે ગર્ભશિશુનો ખભો પણ તે જ રીતે ગોળ ફરીને બહાર આવે છે ત્યારે ગર્ભશિશુનું માથું પણ તેની સાથે ફરે છે (external rotation). ત્યારબાદ તે એકબાજુ તરફ વળે છે અને આમ બીજો ખભો અને ધડ બહાર આવી જાય છે.
પ્રસવક્રિયાની શરૂઆતમાં ગર્ભાશયગ્રીવા પહોળી અને પાતળી થાય છે અને તે ગર્ભાશયના પોલાણ સાથે સળંગ પોલાણ બનાવે છે. તે સમયે તેનાં મુખ પણ પહોળાં થાય છે અને તેથી તે યોનિ સાથે એક સળંગ નલિકા બનાવે છે જે ગર્ભાશયગ્રીવા-યોનિ એમ ત્રણેયની બનેલી હોય છે. તેને પ્રજનનનલિકા અથવા જન્મનલિકા (birth canal) કહે છે. ગર્ભશિશુનો જન્મ આ જન્મનલિકામાંથી પસાર થઈને તે બહાર આવે ત્યારે થાય છે.
પ્રસવક્રિયાના બીજા તબક્કામાં સ્વૈચ્છિક અને અનૈચ્છિક પીડાકારી સંકોચનોમાં ઊર્જાનો ઘણો ઉપયોગ થાય છે; તેથી જો તે સમયે કાર્બોહાઇડ્રેટની ઊણપ થાય તો ચરબીનું પૂર્ણ ઑક્સિડેશન થાય છે અને કીટોન-અમ્લતા (ketoacidosis) થાય છે. માતાનો શ્વસન-દર વધે છે જે કાર્બનડાયૉક્સાઇડને દૂર કરીને અમ્લતા ઘટાડે છે. માતાના હૃદયના ધબકારાનો દર તથા દરેક સંકોચને હૃદયમાંથી બહાર ધકેલાયેલો લોહીનો જથ્થો (ક્ષેપકદ, stroke volume) વધે છે. તેને કારણે હૃદયનું લોહી બહાર ફેંકવાનું કાર્ય (output) વધે છે. ગર્ભાશયનાં સંકોચનો સમયે લોહીનું ઉપરનું દબાણ 10 મિમી.-પારો વધે છે અને તેવી રીતે શરીર પણ સહેજ (લગભગ 38° સે.) તપે છે. માતાને પરસેવો થાય છે, જેમાં ક્ષાર અને પાણી બહાર વહે છે. ગ્રીવાનું બહારનું મુખ (external os), યોનિ અને ઉપસ્થ વિસ્તારમાં ઈજા થાય છે. ગર્ભશિશુનાં આવરણરૂપ પટલો (membranes) જ્યારે ગ્રીવા પૂરેપૂરી (એટલે કે 10 સેમી.) પહોળી થાય ત્યારે ફાટે છે. તે પહેલાં જો તે ફાટે તો તેને પટલનું વહેલું ફાટવું કહે છે. જો પ્રસવક્રિયા શરૂ થાય તે પહેલાં ફાટે તો તેને કાલપૂર્વ (premature) ફાટવું કહે છે. ક્યારેક તે મજબૂત હોય અને ચોંટી રહેલાં હોય તો તેમને કૃત્રિમ રીતે ફાડવાથી ગ્રીવાના પહોળા થવામાં સરળતા ઉત્પન્ન થાય છે.
આ પ્રથમ તબક્કાનાં લક્ષણો અને ચિહ્નોમાં પીડા, ગ્રીવાનું વિસ્ફારણ (cervical dilatation) અથવા પહોળું થવું અને જન્મનલિકા બતાવવામાં ભળવું મુખ્ય છે. ગ્રીવાના પહોળા થવાને 1/4, 1/2 કે 3/4 પ્રમાણે, કેટલી આંગળીઓ તેમાં પ્રવેશી શકે છે તે પ્રમાણે – એટલે કે 1, 2, 3 આંગળીઓ (1 આંગળી = 1.6 સેમી.) અથવા કેટલા સેમી. પહોળી થઈ છે તે પ્રમાણે દર્શાવાય છે. પૂર્ણ વિસ્ફારિત (પૂરેપૂરી પહોળી થયેલી) ગ્રીવા 10 સેમી.ની હોય છે. ગ્રીવાનું પૂર્ણ વિસ્ફારણ થાય એટલે ગર્ભનાં પટલો (membranes) ફાટે છે. સબળ સંકોચનોને કારણે માતા બે સંકોચનો વચ્ચે થાક અનુભવે છે, તેની નાડીનો દર અને લોહીનું ઉપરનું દબાણ વધે છે. ગર્ભશિશુના હૃદયના ધબકાર સંકોચનો વખતે ઘટે છે (100-120/મિનિટ) પણ તે તરત મૂળ દરે પાછા આવે છે (140/મિનિટ).
પ્રસવના બીજા તબક્કામાં એટલે કે ગ્રીવાના પૂર્ણવિસ્ફારણ અને પટલોના ફાટ્યા પછી પણ પીડાકારક સંકોચનો (અનૈચ્છિક) ચાલુ રહે છે. તે સમયે માતા પણ પોતાના પેટના સ્નાયુઓ સંકોચીને ગર્ભશિશુને નીચે ધકેલે છે (ઐચ્છિક સંકોચનો). તેને પીડા લેવી (bearing down) કહે છે. તે સમયે માતાનું મોં લાલ થઈ જાય છે, ડોકની નસો ફૂલે છે, નાડી ઝડપી બને છે અને તેને પરસેવો વળે છે. પટલો ફાટવાથી અંદરનું પ્રવાહી નીકળી જાય છે અને માથું જન્મનલિકામાં નીચે દેખાવા માંડે છે. ત્યારબાદ ગર્ભશિશુનું માથું જરૂરિયાત પ્રમાણે ફરે છે અને ગર્ભશિશુ નીચે તરફ ધકેલાય છે; જેમાં પ્રથમ માથું, પછી આગળ તરફનો ખભો, ધડ અને બાકીનું શરીર ક્રમશ: બહાર આવે છે. તેને ગર્ભનાળ કાપીને છૂટું પડાય છે.
પ્રસવના ત્રીજા તબક્કામાં શરૂઆતમાં થોડો સમય કોઈ પીડા થતી નથી, પરંતુ વચ્ચે ગર્ભાશયનાં સંકોચનોને કારણે પેટમાં થોડી તકલીફ થાય છે. ગર્ભાશય તાસક જેવું (discoid) થાય છે અને તે અલ્પકઠિન (અર્ધમૃદુ) (firm) બને છે અને તે લગભગ નાભિ સુધીનું હોય છે. યોનિમાં થોડું લોહી ટપકે છે અને ગર્ભનાળનો થોડો ભાગ બહાર નીકળેલો હોય છે. આશરે 5 મિનિટમાં ઑર (placenta) છૂટી પડે છે. તેથી ગર્ભાશય ફરી ગોલાકાર બને છે. યોનિમાં થોડું લોહી વહી આવે છે. માતાની પીડા લેવાની ક્રિયા તથા પ્રસવ-સહાયકની મદદથી ઑર અને અન્ય પટલો બહાર કાઢી લેવાય છે તે સમયે 100થી 250 મિલી. લોહી વહે છે.
પ્રસવના બીજા તબક્કામાં યોનિ (vagina) તથા ઉપસ્થ વિસ્તારને ઈજા ન થાય માટે જરૂર પડ્યે ભગછેદન (episiotomy) નામની નાની શસ્ત્રક્રિયા વડે ભગ (vulva) અને ઉપસ્થ વિસ્તારમાં કાપો મુકાય છે, જેથી ગર્ભશિશુનું માથું અને શરીર સહેલાઈથી બહાર આવે. જન્મનલિકામાં ગર્ભશિશુના માથાને નીચે સરકવામાં તકલીફ હોય તો ક્યારેક ચીપિયાની મદદથી પ્રસવ કરાય છે.
પ્રસવના પ્રથમ તબક્કામાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રખાય છે; જેમ કે, સગર્ભાને પ્રોત્સાહન અને હૈયાધારણ આપવી, તેને બસ્તી આપીને મળમાર્ગ ચોખ્ખો કરી દેવો, આરામ આપવો, ઢીલો અથવા પ્રવાહી ખોરાક આપવો, તેને પાણી તથા ફળના રસ અપાય છે. તે પોતે પેશાબ કરે તે માટે પ્રોત્સાહિત કરાય છે અને જરૂર પડ્યે અને પ્રસવ 2 કલાકમાં થવાની સંભાવના ન હોય તો પીડાનાશક કે સામાન્ય પ્રશાંતક (tranquillizer) ઔષધ અપાય છે. સગર્ભાની સતત તપાસ કરીને પ્રસવક્રિયાની પ્રગતિની નોંધ લેવાય છે. આ ગર્ભશિશુના હૃદયના ધબકારા જોતા રહેવાય છે. તેના યોનિસ્રાવોનો રંગ નોંધતા રહેવાય છે. માતા કે ગર્ભશિશુને સંકટ દર્શાવતાં કોઈ ચિહ્નો નથી તેની સતત ખાતરી કરાય છે.
પ્રસવના બીજા તબક્કામાં સારવારનો અર્થ પ્રસવક્રિયાને મદદરૂપ થવાનો છે. માતાને પથારીમાં સુવાડી તેનું સતત ધ્યાન રખાય છે. ગર્ભશિશુનું માથું બહાર આવતું હોય ત્યારે તેને જરૂર પડ્યે મદદરૂપ થવાય છે. ઉપસ્થ પ્રદેશને ઈજા ન થાય તેની સતત કાળજી લેવાય છે. નવા જન્મેલા શિશુનો શ્વસનમાર્ગ ચોખ્ખો કરાય છે અને ગર્ભનાળને બાંધીને કાપી કઢાય છે. પ્રસવના ત્રીજા તબક્કામાં ઑર અને પટલો પૂરેપૂરાં નીકળ્યાં છે તેની ખાતરી કરાય છે. જરૂર પડ્યે ગર્ભાશયને માલિસ (massage) કરાય છે.
સૂતિકાકાલ (puerperium) : શિશુના જન્મ પછી માતાના શરીરની પેશીઓ, ખાસ કરીને શ્રોણી-વિસ્તાર(pelvic region)ની પેશીઓ રચના અને કાર્યની રીતે મૂળ સ્વરૂપે આવે તે સમયગાળાને સૂતિકાકાલ કહે છે. મોટેભાગે જનનાંગો અને સ્તનમાં આવા ફેરફારો થાય છે. આ પ્રક્રિયાને અંત:શમન (involution) કહે છે અને આવી સ્ત્રીને સૂતિકા (puerpera) કહે છે. સામાન્ય રીતે ઑરના નીકળ્યા પછી 6 અઠવાડિયાં સુધી આ પ્રક્રિયા ચાલે છે, જેમાં ગર્ભાશય ગર્ભ વગર જે કદ હોય ત્યાં પહોંચે છે. તેને પ્રથમ 24 કલાક, પ્રથમ 7 દિવસ અને ત્યારપછીનો – એમ અનુક્રમે તરતનો, શરૂઆતનો અને પાછળનો એમ 3 તબક્કામાં વહેંચવામાં આવે છે.
પ્રસવ પછી તરત ગર્ભાશય 20 x 12 x 7.5 સેમી. તથા 1,000 ગ્રામનું હોય છે, જે 6 અઠવાડિયે સામાન્ય કદનું અને 60 ગ્રામનું બને છે. ગર્ભાશયનો અગ્ર ભાગ લગભગ મૂળ સ્થિતિમાં આવે છે, પરંતુ ગ્રીવા સહેજ લાંબી થઈ જાય છે. સગર્ભતા-સમયે સ્નાયુઓ લંબાઈમાં 10 ગણા અને પહોળાઈમાં 5 ગણાના દરે વધે છે. સૂતિકાકાળમાં સ્નાયુતંતુઓની સંખ્યા ઘટતી નથી, પરંતુ તેમનું કદ ઘટે છે. તેવી રીતે ગર્ભાશયની નસો અને અંદરની અંત:કલામાં પણ ફેરફારો આવે છે. ગર્ભાશયની સાથે અન્ય અવયવો અને સંરચનાઓ (યોનિ, બૃહત્ તંતુપડ વગેરે) પણ સામાન્ય સ્વરૂપની થાય છે.
પ્રથમ 15 દિવસ યોનિમાર્ગે પ્રવાહી બહાર આવ્યાં કરે છે. તેને ગંધસ્રાવ (lochia) કહે છે. તે ગર્ભાશયગ્રીવા તથા યોનિમાં બને છે. તેની વિશિષ્ટ માછલી જેવી ગંધ હોય છે અને પ્રથમ તે ક્ષારદીય (alkaline) અને પાછળથી અમ્લીય (acidic) પ્રતિક્રિયા ધરાવે છે. પ્રથમ 4 દિવસ તે લાલ, બીજા 4 દિવસ પીળાશ પડતું કે ગુલાબી કે ફિક્કા છીંકણી રંગનું હોય છે અને છેલ્લા 6થી 7 દિવસ તે ફિક્કા સફેદ રંગનું હોય છે. તેને અનુક્રમે રક્ત (lochia rubra), સુતરલીય (lochia serosa) અને શ્વેત (lochia alba) ગંધસ્રાવ કહે છે. લાલ પ્રવાહીમાં લોહી, ગર્ભપટલો, અવપતનશીલ કલા (decidua), ગર્ભકેશ (lanugo) અને આંત્રોચ્છિષ્ટ (meconium) હોય છે. સુતરલીય પ્રવાહીમાં રક્તકોષો કરતાં શ્વેતકોષો વધુ હોય છે, શ્લેષ્મ અને જીવાણુઓ હોય છે. શ્વેત પ્રવાહીમાં અવપતનશીલ કોષો (decidual cells), શ્વેતકોષો, શ્લેષ્મ, કોલેસ્ટ્રૉલના સ્ફટિકો, મેદમય અને અધિચ્છદીય (epithelial) કોષો અને સૂક્ષ્મજીવો હોય છે. પ્રથમ 5થી 6 દિવસ રોજ 250 મિલી. પ્રવાહી નીકળે છે. મોટેભાગે 3 અઠવાડિયાંમાં તે પડતું બંધ થાય છે. તેના નિરીક્ષણથી ગર્ભાશયમાં ગર્ભપેશી, આવરણો કે લોહીના ગઠ્ઠા રહી ગયા છે કે નહિ, તેમાં ચેપ થયો છે કે નહિ તે જાણી શકાય છે.
સૂતિકાની નાડીનો દર ઘટીને બીજા દિવસ સુધીમાં સામાન્ય થાય છે. તેને મૂત્રમાર્ગમાં ચેપ નથી લાગ્યો તેની ખાતરી કરાય છે. સૂતિકાકાલમાં માતાને વધુ તરસ લાગે છે તથા કબજિયાત રહે છે. શરીરનું વજન ઘટે છે, શરીરમાં પ્રવાહી ઘટે છે અને તેથી લોહીનું કદ ઘટે છે.
જો માતા સ્તન્યપાન (ધાવણ) ન કરાવે તો 6 અઠવાડિયાંમાં (40 %) કે 12 અઠવાડિયાંમાં (80 %) તેનો ઋતુસ્રાવ આવી જાય છે, પરંતુ સ્તન્યપાન કરાવતી માતાઓમાં 70 %ને તે બંધ થાય પછી ઋતુસ્રાવ શરૂ થાય છે. દુગ્ધધારણ (lactation) ન કરતી માતામાં 4 અઠવાડિયે અને દુગ્ધધારણ કરતી માતામાં 10 અઠવાડિયે અંડકોષ છૂટો પડવાની ક્રિયા શરૂ થાય છે. આશરે 1/3 માતાઓને પ્રથમ ઋતુસ્રાવ આવે તે પહેલાં અંડકોષ છૂટો પડવાની ક્રિયા (અંડકોષમોચન, ovulation) થાય છે.
દુગ્ધધારણ (lactation) : સગર્ભતાના સમયથી શરૂ થયેલો દુગ્ધલ (colostrum) સ્રાવ પ્રથમ દિવસમાં વધે છે. તે ગાઢા પીળા રંગનું ક્ષારદીય (alkaline) પ્રવાહી છે. તેમાં પ્રોટીન, વિટામિન એ, સોડિયમ અને ક્લોરાઇડનું પ્રમાણ વધુ હોય છે અને તેમાં કાર્બોહાઇડ્રેટ, ચરબી અને પોટૅશિયમ ઓછું હોય છે. તેને વિશિષ્ટ ઘનતા વધુ હોય છે. તેમાં IgA પ્રકારનાં પ્રતિદ્રવ્યો (antibodies) હોય છે. સૂક્ષ્મદર્શક વડે તપાસતાં તેમાં મેદકંદુકિકાઓ (fat globular), દુગ્ધલ કણો (corpus des) અને ગ્રંથિકારી અધિચ્છદીય (acinar epithelial) કોષો હોય છે. દુગ્ધલ કણો ખરેખર તો મેદકંદુકિકાઓવાળા મોટા બહુકેન્દ્રીય શ્વેતકોષો (polynuclear leucocytes) હોય છે. તેમાંનાં પ્રતિદ્રવ્યો નવજાત શિશુને ચેપ સામે રક્ષણ આપે છે. તેમાંની મેદકંદુકિકાઓ રેચક હોય છે.
દુગ્ધધારણની ક્રિયા પ્રસવ પછી શરૂ થાય છે. જોકે તે માટેની તૈયારી અગાઉથી થયેલી હોય છે. તેમાં સ્તનવર્ધન, દુગ્ધસંશ્લેષણ (lactogenesis) અને દુગ્ધસ્રવણ (secretion of milk), દુગ્ધક્ષેપન (ejection of milk) અને દુગ્ધધારણની જાળવણી (galactopoiesis) – એમ 4 જુદી જુદી પ્રક્રિયાઓ થાય છે. આ સમગ્ર કાર્ય અંત:સ્રાવો વડે નિયંત્રિત છે. પ્રસવના 3જા કે 4થા દિવસે દુગ્ધસ્રવણ શરૂ થાય છે. જ્યારે શિશુ ધાવતું હોય ત્યારે ચેતાતંત્ર દ્વારા પીયૂષિકા-ગ્રંથિ(pituitary gland)માં સંદેશો પહોંચે છે, જે ઑક્સિટોસિન નામના અંત:સ્રાવની મદદથી દુગ્ધક્ષેપનની ક્રિયા કરે છે. તેને કારણે દુગ્ધગ્રંથિમાંનું દૂધ ડીંટડીની ટોચ સુધી પહોંચે છે. દુખાવો, સ્તનમાં ભરાવો તથા માનસિક વિષમતાના સંજોગોમાં દુગ્ધક્ષેપન ઘટે છે. દૂધ બનતું રહે અને ધાવણ આવતું રહે તે માટે પ્રૉલેક્ટિન નામનો અંત:સ્રાવ જરૂરી છે. સામાન્ય રીતે પ્રસવ પછીના દિવસની સંખ્યા ગુણ્યા 60 કરવાથી જે તે દિવસ થતું દૂધનું ઉત્પાદન ગણી શકાય છે. તેથી પ્રસવ પછી 4થા દિવસે તે (60 x 4 =) 240 મિલિ. હોય છે. બીજા અઠવાડિયે દરેક ધાવણમાં 120થી 180 મિલિ. દૂધ હોય છે. દુગ્ધધારણનું ઉત્તેજન સગર્ભાવસ્થામાં તથા પ્રસવ પછી – એમ બંને રીતે કરાય છે. સગર્ભા સ્ત્રીને સ્તન્યપાન(breast feeding)ના લાભ જણાવીને તથા ડીંટડીની સંભાળ કરવાનું શીખવીને ઉત્તેજન અપાય છે. પ્રસવ પછી દર 4થી 6 કલાકે નવજાત શિશુને 3 મિનિટ માટે ધાવવા માટે માતાના સ્તન પાસે લવાય છે. માતાને પુષ્કળ પાણી પીવાનું જણાવાય છે અને સ્તન વધુ પડતાં ભરાઈ ન જાય તે માટે સ્તન્યપાન પહેલાં જરૂર પડ્યે હાથથી થોડું દૂધ કાઢી લેવાનું સૂચવાય છે. જો શિશુ મૃત્યુ પામે તો અન્ય કારણસર દુગ્ધધારણ બંધ કરવું પડે તો અંત:સ્રાવી સારવાર અપાય છે.
સામાન્ય સૂતિકાકાલની તબીબી સંભાળ : તેનો મુખ્ય હેતુ માતા પુન: સ્વાસ્થ્ય મેળવે, ચેપ લાગતો અટકે, તેના સ્તનની કાળજી રખાય તથા માતા ગર્ભનિરોધપદ્ધતિનો સ્વીકાર કરે વગેરે છે. પ્રસવ પછી તરત તેને પાણી તથા કશુંક ખાવાનું અપાય છે. તે થાકી ગઈ હોય તો સાદી પ્રશાંતક (ડાયાઝેપામ) દવા આપીને તેને શાંત પાડી દેવાય છે. આશરે 8થી 12 કલાકના આરામ પછી તેને હરતીફરતી કરાય છે. હવે તેને તેનાથી પણ વહેલાં હરતીફરતી કરવાનું સૂચન કરાય છે. જોકે તેને સામાન્ય રોજિંદાં કાર્યો માટે 6 અઠવાડિયાં સુધી રાહ જોવાનું સૂચવાય છે. સામાન્ય રીતે 24થી 48 કલાકમાં તેને ઘરે જવા દેવાય છે. જોકે તેને કાપો મૂકીને ટાંકા લેવા પડ્યા હોય તો 3થી 5 દિવસ હૉસ્પિટલમાં રહેવું સલાહભર્યું ગણાય છે. તેને પ્રથમ દિવસે હળવો ખોરાક અપાય છે પરંતુ બીજા દિવસથી તેને સામાન્ય ખોરાક અપાય છે. દુગ્ધપાન કરાવતી માતાને કૅલરી, પ્રોટીન, ચરબી, પાણી, ક્ષારો (કૅલ્શિયમ વગેરે) તથા વિટામિનોની વધુ જરૂર રહે છે.
સૂતિકાકાલમાં માતાના મૂત્રાશય અને મળત્યાગની હાજત અંગે ખાસ ધ્યાન રખાય છે, જેથી કરીને તેના મૂત્રાશયમાં વધુ પેશાબ ભરાઈ ન રહે. તેને કબજિયાત થાય છે. માતાને માનસિક અને શારીરિક રીતે આરામ મળી રહે તે માટે પૂરતી ઊંઘ જરૂરી ગણાય છે. આ જ રીતે તેના ભગવિસ્તારની સંભાળ, જો ભગછેદન કર્યું હોય તો તેના ઘાની સંભાળ, સ્તનની સંભાળ વગેરે તરફ ખાસ ધ્યાન અપાય છે.
જો માતાનું લોહીનું જૂથ Rh-negative હોય અને શિશુનું રુધિર જૂથ Rh-positive હોય તો માતાને પ્રતિ-D-ગ્રામાગ્લોબ્યુલિન વડે રસીકરણ કરાય છે. જો માતાને સગર્ભાવસ્થામાં ધનુર્વાની રસીની બલવર્ધક માત્રા (booster dose) ન અપાયેલી હોય તો સૂતિકાકાલમાં હૉસ્પિટલમાંથી રજા આપતાં પહેલાં તે અપાય છે.
આ ઉપરાંત માતાને લોહીમાં હીમોગ્લોબિનની ઊણપ હોય (પાંડુતા, anaemia હોય) કે લોહીનું દબાણ વધેલું હોય તો તેની સારવાર અપાય છે. જરૂર પડે તો પેટ પર પાટો બાંધવાનું સૂચવવામાં આવે છે. તેના પેટ અને ઉપસ્થ વિસ્તારના સ્નાયુઓની સજ્જતા વધારવા માટે કસરત કરવાનું પણ સૂચવાય છે.
શિલીન નં. શુક્લ