સગર્ભતા, બહુગર્ભી (multiple pregnancy) : એક ગર્ભાશયમાં એકસાથે એકથી વધુ ગર્ભનો વિકાસ થવો તે. જો 2 ગર્ભશિશુઓ વિકસે તો તેને જોડકાં (twins) કહે છે. જો 3 ગર્ભશિશુઓ હોય તો તેને ત્રિજોડ (triplets), 4 ગર્ભશિશુઓ હોય તો ચતુર્જોડ (quadruplets), 5 ગર્ભશિશુઓ હોય તો તેને પંચજોડ (quintupets) અથવા 6 ગર્ભશિશુઓ હોય તો ષષ્ઠજોડ (sextuplets) કહે છે. તેમાં સૌથી વધારે 2 ગર્ભશિશુઓનું જોડકું જોવા મળે છે. તેને દ્વિજોડ (twins) પણ કહે છે.

દ્વિજોડ ગર્ભશિશુઓ 2 પ્રકારનાં હોય છે  દ્વિઅંડકોષી (binovular) અને એકઅંડકોષી (uniovular). દ્વિઅંડકોષી દ્વિજોડ શિશુઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે (66 %) અને તેઓ 2 અંડકોષોના ફલિનીકરણથી ઉદ્ભવે છે. એકઅંડકોષી દ્વિજોડ એક અંડકોષના ફલિનીકરણથી ઉદ્ભવે છે.

દ્વિઅંડકોષી જોડકાંને દ્વિફલિતાંડી (dizygotic) અથવા કૌટુંબિક (fraternal) જોડકાં કહે છે. તેઓ 2 જુદા જુદા અંડકોષોમાંથી બે જુદા જુદા શુક્રકોષો વડે ઉદ્ભવે છે અને તેમનાં અંત:સ્થાપન અને વિકાસ અમુક અંશે અલગ અલગ રહે છે; પરંતુ તે વસ્તુત: સામાન્ય (અવિષમ) પ્રકારનું હોય છે. તેઓમાં ફક્ત કૌટુંબિક સમાનતા જોવા મળે છે (જુદા જુદા સમયે જન્મતાં ભાઈ-બહેન જેવી સમાનતા) માટે તેમને કૌટુંબિક જોડકાં કહે છે.

એકઅંડકોષી જોડકાને પૂર્ણસમ (identical) અથવા એકફલિતાંડી (monozygotic) કહે છે. તેમાં એક અંડકોષને એક શુક્રકોષે ફલિત કરેલો હોય છે અને 4થી 8 દિવસોમાં જ્યારે આંતરિક કોષ દળ (inner cell mass) બન્યું હોય ત્યારપછી વિભાજન થાય છે. તેમના વિભાજનનો સમય તેમના અંત:સ્થાપન અને ગર્ભીય પટલો(foetal membranes)ના બનવાની ક્રિયાને અસર કરે છે. આમ, બંને પ્રાગર્ભો (ભ્રૂણ) એક પરિગર્ભપટલ(chorion)માં એક ઓર (placenta) સાથે અલગ અલગ ગર્ભજલકોષ્ઠ(amniotic sac)માં વિકસે છે. તેથી તેમના વિકાસને દ્વિગર્ભજલકોષ્ઠી – એકપરિગર્ભપટલીય (diamniotic – monochorionic) વિકાસ કહે છે. ક્યારેક (જવલ્લે જ) આવું વિભાજન 72 કલાકમાં થાય છે. તેવે સમયે 2 પરિગર્ભપટલ, 2 ઓર અને 2 ગર્ભજલકોષ્ઠ હોય છે. તેને દ્વિગર્ભજલકોષ્ઠી – દ્વિપરિગર્ભપટલીય (diamniotic – dichorionic) વિકાસ કહે છે. તેવી રીતે ક્યારેક (જવલ્લે જ) આવું વિભાજન 8મા દિવસ પછી થાય છે ત્યારે ગર્ભજલકોષ્ઠ બની ગયો હોવાથી ગર્ભશિશુઓને ફક્ત એક પરિગર્ભપટલ, એક ઓર અને એક ગર્ભજલકોષ્ઠ હોય છે. તેથી તેના વિકાસને એકપરિગર્ભપટલી  એકગર્ભજલકોષ્ઠી વિકાસ કહે છે.

બહુગર્ભી સગર્ભતા : નોંધ (1) ગર્ભાશય, (2) ગર્ભશિશુ, (3) ગર્ભકોષ્ઠ, (4) બંને ગર્ભશિશુની એક ઓર, (5) ગર્ભશિશુની અલગ ઓર, (6) બંને ગર્ભશિશુનું એક પરિગર્ભ પટલ, (7) ગર્ભશિશુનું અલગ પરિગર્ભ પટલ. (અ) એકફલિતાંડી જોડકું, (આ) દ્વિફલિતાંડી જોડકું.

અતિશય જવલ્લે જોવા મળતી સ્થિતિમાં પ્રાગર્ભીય ચકતી અથવા ભ્રૂણચકતી (embryonic disc) બન્યા પછી વિભાજન થાય છે. આવી સ્થિતિમાં સંજોડિત (conjoined) જોડકું બને છે. તેમને સિયામિઝ (siamese) જોડકું કહે છે. તેમાં 4 પ્રકારનાં જોડકાં જોવા મળે છે : વક્ષજોડકું (thoracopagus) – સૌથી વધુ જોવા મળતું જોડાણ, જેમાં બંને શિશુઓ છાતીથી જોડાયેલાં હોય; નિતંબજોડકું (pygopagus), જેમાં બંને શિશુઓ નિતંબથી જોડાયેલાં હોય; શીર્ષજોડકું (craniopagus), જેમાં બંને શિશુઓ માથાથી જોડાયેલાં હોય અને આસનજોડકું (ischiopagus), જેમાં બંને શિશુઓ બેઠક-વિસ્તારથી જોડાયેલાં હોય છે.

દ્વિઅંડકોષી જોડકામાં 2 ઓર હોય છે, જે કાં તો છૂટી હોય (10 %) અથવા એકબીજા સાથે જોડાયેલી હોય (90 %); પરંતુ તેમની નસો વચ્ચે કોઈ જોડાણો હોતાં નથી. દરેક ગર્ભશિશુને અલગ ગર્ભજલકોષ્ઠ (amnion) અને પરિગર્ભપટલ (chorion) હોય છે. એકઅંડકોષી જોડકામાં એક જ ઓર હોય છે અને તેથી બંને ગર્ભશિશુઓની નસો વચ્ચે જોડાણો હોય છે. બંને ગર્ભશિશુઓને અલગ અલગ ગર્ભજલકોષ્ઠ (amniotic cavity) હોય છે; પરંતુ એક જ પરિગર્ભપટલ (chorion) હોય છે. બંને ગર્ભશિશુઓની નસોનાં પોલાણ ગુહાનુગુહતા(anastomosis)થી જોડાયેલાં હોય છે.

એકઅંડકોષી જોડકાંનું લિંગ એક જ હોય છે, જ્યારે અલગ અલગ લિંગવાળું જોડકું હંમેશ દ્વિઅંડકોષી હોય છે; પરંતુ દ્વિઅંડકોષી જોડકું પણ એક લિંગનું હોઈ શકે છે. તેથી એકલિંગના જોડકામાં તે એકઅંડકોષી છે કે દ્વિઅંડકોષી છે તે જાણવા રુધિરજૂથોની કસોટી, પરસ્પર ત્વચાનિરોપની કસોટી તથા 2થી 4 વર્ષ સુધી શારીરિક અને વર્તન સંબંધિત વિકાસની સમાનતા પરથી એકઅંડકોષિતા (monozygocity) છે કે નહિ તે જાણી શકાય છે. સારણીમાં એકઅંડકોષિતા અને દ્વિઅંડકોષિતાનો તફાવત દર્શાવ્યો છે.

સારણી : અંડકોષિતા નિશ્ચિત કરવા માટેની લાક્ષણિકતાઓ

પરિણામ એકઅંડકોષિતા દ્વિઅંડકોષિતા
1. ઓર એક બે, ઘણે ભાગે ચોંટેલી
2. ગર્ભશિશુઓમાં જોડાણ કરતી નસો હોય. ન હોય.
3. ગર્ભશિશુઓને અલગ પાડતાં પટલો (membrane) 2 (2 ગર્ભ-જલકોષ્ઠ) 4 (2 પરિગર્ભપટલ, 2 ગર્ભજલકોષ્ઠ
4. લિંગી હંમેશ સમાન. અલગ અલગ હોઈ શકે.
5. પ્રભાવી રુધિરજૂથ સમાન. અલગ અલગ હોઈ શકે.
6. પરસ્પર ત્વચાનિરોપ સ્વીકાર. અસ્વીકાર.
7. 2–4 વર્ષ સુધી અનુક્રિયા લગભગ અસમાનતાઓ
(follow up) સમાનતા. સ્પષ્ટ થાય.

એકબીજાની ચામડીનો નિરોપ (graft) એકબીજાના શરીર પર ચોંટાડીને તે સ્વીકારાય છે કે નહિ તે જાણવાની પ્રક્રિયાને પરસ્પર ત્વચાનિરોપની કસોટી કહે છે.

સન 1895માં હેલિને એક ગાણિતિક નિયમ આપીને દર્શાવ્યું છે કે દર 80 સગર્ભતાઓમાં 1 દ્વિજોડ, 802 સગર્ભતાઓમાં એક ત્રિજોડ, 803 સગર્ભતાઓમાં એક ચતુર્જોડ જોવા મળે છે. તે થવાનું કારણ જાણમાં નથી. સમગ્ર વિશ્વમાં એકઅંડકોષી સગર્ભતાનું પ્રમાણ લગભગ સમાન અને સ્થિર રહે છે; પરંતુ જુદાં જુદાં કારણોસર વિવિધ પ્રકારની વસ્તીમાં દ્વિઅંડકોષી જોડકાંનું પ્રમાણ અલગ અલગ રહે છે. તે હબસીઓમાં વધુ અને મૉંગોલિયન પ્રજામાં ઓછું રહે છે. તે અંગેની આનુવંશિક પૂર્વસંભાવિતા (predisposition) માતા દ્વારા વારસામાં ઊતરે છે. માતાની 30થી 35 વર્ષની વયે તેની સંભાવના સૌથી વધુ રહે છે. 5મી સગર્ભતા પછી તેની સંભાવના વધે છે. અંડકોષ-મોચન (ovulation) એટલે કે અંડકોષ છૂટો પડવાની ક્રિયામાં વધારો કરતી દવાઓ તેનો નવસંભાવ્ય-દર વધારે છે (ગોનેડૉટ્રોફિન 20 %થી 25 %, ક્લોમિફેન 5 %થી 6 %).

દ્વિઅંડકોષી સગર્ભતા, 2 પ્રકારની છે – એકચક્રી બહુગર્ભિતા (super fecundation) અને દ્વિચક્રી બહુગર્ભિતા (super fetation). એક જ ઋતુસ્રાવચક્રમાં જ્યારે 2 અંડકોષો ફલિત થાય અને જોડકાં ગર્ભશિશુ બને તેને એકચક્રી બહુગર્ભિતા કહે છે. દ્વિચક્રી બહુગર્ભિતામાં બંને અંડકોષો જુદા જુદા ઋતુસ્રાવચક્રમાં ફલિત થયેલા હોય છે.

ક્યારેક (મોટેભાગે એકઅંડકોષી સગર્ભતામાં) એક ગર્ભશિશુ મૃત્યુ પામે અને દબાઈ જાય તેને સંદમિત જોડશિશુ (compressus) કહે છે. ક્યારેક એકગર્ભશિશુ હૃદય વગર વિકસિત થઈને બીજા ગર્ભશિશુ પર પરોપજીવી તરીકે રહેતું હોય તો તેવા ગર્ભશિશુને અહૃદ જોડશિશુ (fetus acardiacus) કહે છે.

ગર્ભાશયમાં ગર્ભશિશુઓ સમલંબ (longitudinal) સ્થિતિમાં હોય છે. મોટાભાગે બંને ગર્ભશિશુઓ શીર્ષદર્શી (vertex) સ્થિતિમાં હોય છે. ક્યારેક એક શીર્ષદર્શી અને બીજું નિતંબદર્શી હોય છે, ક્યારેક બંને નિતંબદર્શી હોય છે, ક્યારેક એક અથવા બંને ગર્ભશિશુ આડાં ગોઠવાયેલાં હોય છે.

નિદાન : ઘણી વખત દર્દીના ચિકિત્સીય વૃત્તાંત(clinical history)માં અંડકોષ છૂટો પડે તે માટેનાં ઔષધો લીધાં હોય, અફલિતતાની સારવાર કરાવી હોય કે દર્દીના માતૃપક્ષમાં જોડકાં બાળકો અવતર્યાં હોય તેવી જાણકારી હોય છે. સગર્ભતાની સામાન્ય તકલીફો આ દર્દીમાં વધુ તીવ્રતાવાળી હોય છે; જેમ કે, શરૂઆતના મહિનાઓમાં વધુ પડતા ઊબકા અને ઊલટી, પાછળના મહિનામાં હૃદયના ધબકારા અનુભવવા કે શ્વાસ ચડવો જેવી તકલીફો વધુ થાય છે. તેવી રીતે પગ પર સોજા આવવા, પગની નસો પહોળી અને વાંકીચૂકી થવી (સર્પશિરા, vericose veins) અને ગુદામાં વાહિનીમસા (piles) થવા જેવી તકલીફો પણ વધુ હોય છે. અનુભવી માતા વિષમદરે મોટું થતું પેટ તથા ગર્ભશિશુનું વધુ પડતું હલનચલન પણ નોંધી શકે છે.

દર્દીમાં પાંડુતાનું પ્રમાણ તથા વજનનો વધારો વધુ પ્રમાણમાં હોય છે. આશરે 25 % દર્દીઓમાં પૂર્વ-સગર્ભવિષતા (pre-eclampsia) જોવા મળે છે.

દર્દીને તપાસતાં તેનું મોટું થયેલું ગર્ભાશય નળાકારના આકારે મોટું થયેલું હોય છે અને પેટ વધુ પડતું મોટું થયેલું હોય છે. ગર્ભાશયની ટોચ તેના ઋતુસ્રાવ બંધ થયાના સમયગાળા કરતાં વધુ ઊંચી હોય છે. તેવી રીતે નાભિના સ્થાને પેટનો ઘેરાવો વધુ હોય છે (100 સેમી.). ગર્ભશિશુના શીર્ષ કરતાં તેનું કદ મોટું લાગે છે અને ગર્ભશિશુનાં ઘણાં અંગોનું સંસ્પર્શન થાય છે. ક્યારેક 2 શીર્ષને સંસ્પર્શી શકાય છે. બે જુદા જુદા સ્થાને 2 જુદા જુદા ગર્ભશિશુના હૃદયના ધબકારાનું સંશ્રવણ (auscultation) કરી શકાય છે. ઘણી વખતે તેમના ધબકારા 10 ધબકાર/મિનિટના દરે અલગ અલગ હોય છે. ક્યારેક આંતરિક તપાસમાં એક શીર્ષનું સંસ્પર્શન થાય અને તે સમયે પેટ પર હાથ મૂકીને બીજા શીર્ષનું સંસ્પર્શન કરી શકાય છે.

ધ્વનિચિત્રણ (sonography) નિદાનસૂચક હોય છે. તેની મદદથી 10મા અઠવાડિયે નિદાન શક્ય બને છે. 14મા અઠવાડિયે બંને શીર્ષોનાં દ્વિપાર્શ્ર્વી (biparietal) માપ મેળવી શકાય છે. 30મા અઠવાડિયા પછી ઍક્સ-રે-ચિત્રણ કરીને 2 ગર્ભશિશુ અંગે નિદાન નિશ્ચિત કરી શકાય છે. તે સમયે વધુ ગર્ભશિશુઓ હોય તો તેની માહિતી પણ મળે છે.

બહુગર્ભિતાનું નિદાન કરવામાં અતિગર્ભજલતા (hydramnios) એટલે કે ગર્ભની આસપાસ વધુ પડતું પ્રવાહી હોવું, વધુ વજનનું બાળક, ગર્ભાશય કે અંડપિંડમાં ગાંઠ, પેટમાં પાણી ભરાવું (જલોદર, ascites) વગેરેથી નિદાનભેદ કરવામાં આવે છે.

આનુષંગિક તકલીફો (complications) : માતા તથા જોડકાં ગર્ભશિશુને કેટલીક તકલીફો થાય છે. માતાને સગર્ભાવસ્થામાં, પ્રસવ- સમયે અને પ્રસૂતિકાળ(puerperium)માં તકલીફો થાય છે. સગર્ભાવસ્થામાં માતાને પાંડુતા, પૂર્વ-સગર્ભવિષતા, અતિગર્ભજલતા (25 %), પ્રસવપૂર્વ રુધિરસ્રાવ (antepartum haemorrhage), ગર્ભશિશુની વિષમદર્શિતા અથવા મૂઢદર્શિતા (malpresentation), કાળપૂર્વપ્રસવ (30 %) તથા વાહિનીમસા, સર્પશિરા, શ્વાસ ચડવો, હૃદયના ધબકારા અનુભવવા વગેરે જેવી વિવિધ તકલીફો થાય છે.

પ્રસવસમયે થતી વિષમતાઓમાં ગર્ભપટલો વહેલાં ફાટી જવાં તથા ગર્ભનાળ નીચે સરકીને આવી જવી (નાળનો અપભ્રંશ, cord prolapse), લાંબા સમય સુધી પ્રસવપીડા ચાલવી, ગર્ભશિશુ આડું કે ઊંધું હોવાથી શસ્ત્રક્રિયા કે સાધનોનો વધુ પ્રમાણમાં ઉપયોગ થવો, લોહી વહેવું તથા પ્રસવોત્તર રુધિરસ્રાવ (postpartum haemorrhage) એટલે કે પ્રસવ થયા પછી લોહી પડવું વગેરે વિવિધ તકલીફોનો સમાવેશ થાય છે.

પ્રસૂતિકાળમાં ગર્ભાશય-અપવર્ધન (involution) એટલે કે ગર્ભાશય ફરીથી નાનું થઈને મૂળ કદનું થવાની ક્રિયા થાય છે. બહુગર્ભિતાના કિસ્સામાં તે અપૂર્ણ રહે છે અને તેથી ગર્ભાશય થોડું મોટું રહી જાય છે. શસ્ત્રક્રિયા કે સાધનોના ઉપયોગને કારણે ચેપ લાગવાનો ભય વધે છે. ક્યારેક દુગ્ધસર્જન(lactation)ની ક્રિયા થતી નથી.

ગર્ભશિશુને થતી તકલીફોમાં ગર્ભપાતનો વધેલો દર, વધુ પ્રમાણમાં શિશુની અપૂર્ણ-પક્વતા(prematurity)ની સ્થિતિ (10 %), ગર્ભાશયમાં મૃત્યુ, મૃતશિશુજન્મ (still birth) તથા પ્રસવસમયે ગૂંગળામણ (asphyxia)ની સ્થિતિ વગેરેનો નિર્દેશ કરી શકાય.

સારવાર : સગર્ભાવસ્થા સમયે વધુ કૅલરીવાળો ખોરાક લેવાનું સૂચવાય છે. તેવી રીતે ખોરાકમાં પ્રોટીન પણ વધુ હોય તેવું જોવાય છે. લોહતત્વ, કૅલ્શિયમ, પ્રજીવકો (vitamins), ફૉલિક ઍસિડ વગેરેની માત્રા પણ વધારાય છે. સગર્ભા સ્ત્રીને શારીરિક અને માનસિક તણાવથી દૂર રહેવાનું કહેવામાં આવે છે. તેમની જન્મ પૂર્વની તપાસ વારંવાર કરાય છે. જરૂર પડ્યે 30મા અઠવાડિયાથી આરામ માટે હૉસ્પિટલમાં દાખલ કરાય છે. આરામ કરવાથી અનેક પ્રકારની આનુષંગિક તકલીફો ઘટે છે.

પ્રસવ હૉસ્પિટલમાં જ કરાય છે. ત્યાં નવજાતશિશુસંભાળ-કક્ષની સગવડ હોય તે જરૂરી ગણાય છે. પ્રસવના પ્રથમ તબક્કામાં સામાન્ય સારવાર ઉપરાંત કેટલીક ચોક્કસ બાબતો તરફ ધ્યાન રખાય છે; જેમકે, માતાને આરામ અપાય છે અને ગર્ભપટલો વહેલાં ફાટી ન જાય તે માટે બસ્તી (enema) આપવામાં મોડું કરાય છે. ઝડપી પ્રસવ થાય માટે પીડાનાશકોનો ઉપયોગ ઘટાડાય છે. ગર્ભશિશુનાં મહત્વનાં જૈવિક લક્ષણોનું સતત નિરીક્ષણ (monitoring) કરાય છે. ગર્ભના પટલો ફાટે કે તુરત જ આંતરિક તપાસ કરીને ગર્ભનાળ નીચે ઊતરી ગઈ નથી ને તેની ખાતરી કરાય છે. તે સમયે નસ વાટે ગ્લુકોઝ ચડાવાય છે અને જરૂર પડ્યે આપી શકાય તે માટે લોહીની વ્યવસ્થા પણ કરાય છે.

પ્રથમ શિશુનો પ્રસવ સામાન્ય પ્રસવપદ્ધતિએ કરાય છે. સામાન્ય રીતે શિશુનું કદ નાનું હોવાથી કોઈ વિશેષ અડચણ પડતી નથી. ભગછેદન (episiotomy) માટેનો કાપો ત્યાંની ચામડી બહેરી કરીને મુકાય છે. જો પ્રસવચીપિયાની જરૂર પડે તો પુડેન્ટલ બ્લૉક નામની સ્થાનિક ચેતાઓને બહેરી કરવાની પ્રક્રિયા કરાય છે. શિશુના અગ્રસ્થ ખભાના પ્રસવસમયે અર્ગોમેટ્રિન અપાતું નથી. ગર્ભનાળને બે જગ્યાએ સાધન વડે બાંધી(clamp)ને વચ્ચેથી કપાય છે, જેથી અંદર રહેલા ગર્ભશિશુનું લોહી બહાર વહી ન જાય. 8થી 10 સેમી. જેટલી નાળ અંદર રખાય છે જેથી તેમાં કોઈ દવા આપી શકાય કે લોહી ચડાવી શકાય. નવજાત શિશુને યોગ્ય લેબલ લગાવીને નવજાતશિશુસંભાળ માટે સોંપી દેવાય છે.

બીજા ગર્ભશિશુનો ઝડપથી પ્રસવ થાય તે જોવાય છે; જેથી ગર્ભાશયના સંકોચનને કારણે તેને ઓરની અપર્યાપ્તતા (placental insufficiency) અને ગૂંગળામણ ન થાય. પ્રથમ શિશુના જન્મ પછી તરત પેટ ઉપરથી બીજા ગર્ભશિશુનાં સ્થાન, સ્થિતિ અને હૃદયના ધબકારા વિશે જાણી લેવાય છે. આંતરિક તપાસ કરીને ગર્ભનાળ નીચે સરકી નથી તેની ખાતરી કરાય છે. બાળક આડું છે કે ઊંધું છે તે જાણીને તે પ્રમાણે પ્રસવક્રિયા કરાવાય છે. આડા ગર્ભશિશુને પ્રથમ બહારથી અને તે નિષ્ફળ જાય તો અંદરથી ફેરવીને સમલંબ (longitudinal) સ્થિતિમાં લાવવા પ્રયત્ન કરાય છે. સમલંબ સ્થિતિમાં ગર્ભશિશુ હોય તો જરૂર પડ્યે ઑક્સિટોસિન અને નીચેના સ્થાને પ્રસવચીપિયાનો ઉપયોગ કરાય છે. જો ગર્ભશિશુનું માથું ઊંચે રહેલું હોય તો વેન્ટોઝ(ventouse)નો ઉપયોગ કરાય છે. જો ગર્ભશિશુ નિતંબદર્શી (breech presentation) હોય તો તેને તે રીતે પ્રસવ કરાવાય છે. સાંકડો માર્ગ, ઓરનું વિષમ સ્થાન, તીવ્ર સગર્ભવિષતા, નાળનો અપભ્રંશ, આડું ગર્ભશિશુ વગેરે વિવિધ કારણોસર જરૂર પડ્યે ઉદરમાર્ગી પ્રસવ માટે સિઝરિયન સેક્શનની શસ્ત્રક્રિયા કરવી પડે છે; જ્યારે સિયામિઝ જોડકું હોય તો પણ તેવી જ સ્થિતિ રહે છે.

પરિણામ : માતાનો મૃત્યુદર વધુ રહે છે. તેનું મુખ્ય કારણ પાંડુતા તથા રુધિરસ્રાવ હોય છે. ક્યારેક સગર્ભવિષતા પણ જોખમી બને છે. ગર્ભશિશુ અને નવજાતશિશુમાં પણ મૃત્યુદર વધુ રહે છે. તેમાં બીજું શિશુ વધુ જોખમ ધરાવે છે. આશરે 1/3 ભાગે મૃતજન્મશિશુનો પ્રસવ અને 2/3 ભાગે નવજાતશિશુનું મૃત્યુ જોવા મળે છે. એકઅંડકોષી જોડકાંમાં ક્યારેક લોહીની નસોના જોડાણને કારણે એક ગર્ભશિશુનું લોહી બીજામાં વહી જાય છે. તે સમયે એક શિશુ રુધિરની ઊણપ અનુભવે છે અને બીજામાં તેની અતિશયતા થયેલી હોય છે; તેથી તેની જાણકારી મેળવીને યોગ્ય સારવાર કરવાથી તેમને બચાવી શકાય છે.

શિલીન નં. શુક્લ