સગર્ભતા, અન્યત્રી (ectopic pregnancy)

January, 2007

સગર્ભતા, અન્યત્રી (ectopic pregnancy) : ગર્ભાશયના પોલાણને બદલે અન્ય સ્થળે ફલિત અંડકોષનું અંત:સ્થાપન થવું અને ગર્ભશિશુ રૂપે વિકસવું તે. ફલિત થયેલો અંડકોષ ભ્રૂણ તરીકે વિકસે માટે કોઈ યોગ્ય સપાટી પર સ્થાપિત થાય તેને અંત:સ્થાપન (implantation) કહે છે. સામાન્ય રીતે ફલિત અંડકોષ ગર્ભાશયના ઘુમ્મટ(fundus)ની પાસે આગળ કે પાછળની દીવાલ પરની ગર્ભાશયાંત:કલા(endometrium)માં અંત:સ્થાપિત (implated) થાય છે. જ્યારે તે ગર્ભાશયમાં કોઈ અન્ય સ્થાને કે ગર્ભાશયની બહાર અંત:સ્થાપિત થાય અને વિકસે ત્યારે તે અન્યત્રી સગર્ભતા સર્જે છે.

ગર્ભાશય, અંડવાહિની અને અંડપિંડનાં સ્થાન અને ભાગોને આકૃતિ 1માં દર્શાવ્યાં છે. તેને આધારે ગર્ભાશય અને તેની બહાર અંત:સ્થાપિત થતાં ફલિત અંડકોષનાં સ્થાનો અને અન્યત્રી સગર્ભતાનાં સ્થાનોની સમજણ મળી શકે છે. ફલિત અંડકોષ ગર્ભાશયના સામાન્ય સ્થાન સિવાય અન્યત્ર જ્યાં જ્યાં અંત:સ્થાપિત થાય છે તેમને આકૃતિ 2 અને 3માં દર્શાવ્યાં છે.

આકૃતિ 1 : સ્ત્રીનાં અંદરનાં જનનાંગો : (1) યોનિ (vagina), (2) બાહ્ય ગ્રીવામુખ (external os), (3) અંદરનું ગ્રીવામુખ (internal os), (4) ગ્રીવાંત:નલિકા (cervical canal), (5) 2થી 4  ગર્ભાશય-ગ્રીવા (uterine cervix), (6) ગર્ભાશયાંત:કલા (endometrium), (7) ગર્ભાશય સ્નાયુસ્તર (myometrium), (8) ગર્ભાશયનું પોલાણ, (9) ઘુમ્મટ (fundus), (10) કોણિકા (cornu), (11) 6થી 10  ગર્ભાશય (uterus), (12) ભિત્ત્યંત:ભાગ (intramural part), (13) સંધિકા (isthumus), (14) વિસ્ફારિકા (ampulla), (15) અંગુલિકાઓવાળી વિસ્ફારમુખિકા (infundibulum with fimbria), (16) 12થી 15  અંડવાહિની (fallopian tube), (17) અંડપિંડ (ovary), (18) બૃહત્ તંતુબંધ (broad ligament), (19) અંડપિંડી તંતુબંધ (ovarian ligament).

ગર્ભાશયમાં અવિષમસ્થાની (સામાન્ય સ્થાનવાળી) સગર્ભતા સિવાય ગર્ભાશય-ગ્રીવા તથા ગર્ભાશયને અંડવાહિની સાથે જોડતા ખૂણાના સ્થાને અનુક્રમે ગ્રૈવસ્થાની (cervical) અને કોણિકસ્થાની (angular) સગર્ભતા થાય છે. વિકસતા ગર્ભમાં મધ્યરેખાની બંને બાજુએ વિકસેલી નલિકાઓ એકબીજા જોડે જોડાઈને ગર્ભાશયનું એક પોલાણ બનાવે છે. ક્યારેક આવું જોડાણ અધૂરું રહે તો ગર્ભાશયનો ઉપલો ભાગ અથવા આખું ગર્ભાશય બે શંકુ આકારના શૃંગો (cornua) હોય છે. તેમાંથી ક્યારેક એક શૃંગ અલ્પવિકસિત રહે અને તેમાં જો ફલિત અંડકોષ અંત:સ્થાપિત થાય તો તેને શૃંગીય (cornual) સગર્ભતા કહે છે. ગર્ભાશયની બહાર થતું અંત:સ્થાપન અંડવાહિની, અંડપિંડ કે પેટ કે શ્રોણી(pelvis)માં થાય છે.

આકૃતિ 2

ક્યારેક તે અંડવાહિનીમાં પ્રવેશીને તેના કોઈ ભાગમાં પણ અંત:સ્થાપિત થાય છે. તેથી 4 પ્રકારની અંડવાહિનીક સગર્ભતા (tubal pregnancy) જોવા મળે છે. અંડવાહિનીનો ખુલ્લો છેડો 1.25 સેમી.નો હોય છે અને તેમાં અંત:સ્થાપન થવાથી થતી સગર્ભતાને વિસ્ફારમૌખિક(infundibulum) સગર્ભતા કહે છે. ત્યારપછી પહોળો અને વાંકોચૂકો ભાગ આવે છે, જેને વિસ્ફારિકા (ampula) કહે છે. તે 5 સેમી. લાંબો છે અને તેમાં 55 % અન્યત્રી સગર્ભતા થાય છે. ગર્ભાશય સાથે જોડાતા અંડવાહિનીના ભાગને સંધિકા (isthumus) કહે છે અને તે 2.5 સેમી. લાંબો ભાગ છે અને તેમાં આશરે 25 % અન્યત્રી સગર્ભતા થાય છે. ગર્ભાશયની દીવાલમાં 1.25 સેમી. જેટલી અંડવાહિની હોય છે. તેમાં આશરે 2 % જેટલી અન્યત્રી સગર્ભતા થાય છે.

ક્યારેક તે અંડવાહિનીમાં અંત:સ્થાપિત થઈને વિકસે છે અને પછી તેને ફાડીને પરિતનગુહામાં કે બૃહત્ તંતુબંધ પર ફરીથી અંત:સ્થાપિત થઈને વિકસે છે. તેને દ્વૈતીયિક ઉદરસ્થાની અંત:સ્થાપન કહે છે. ક્યારેક ફલિત અંડપિંડ અંડવાહિનીમાં પ્રવેશવાને બદલે સીધો જ પરિતનગુહામાં અંત:સ્થાપિત થઈને વિકસે છે. તેને પ્રારંભિક ઉદરીય અંત:સ્થાપન કહે છે.

() અંડવાહિનીક સગર્ભતા (tubal pregnancy) : અન્યત્ર સગર્ભતાના 95 % કિસ્સામાં તે અંડવાહિનીક સગર્ભતા હોય છે. દીર્ઘકાલી શ્રોણીય શોથકારી રોગ (chronic pelvic inflammatory disease, PID), નસબંધીમાં કાપીને બાંધેલી અંડવાહિનીની પુનર્રચના કરવાની શસ્ત્રક્રિયા (tuboplasty) તથા ગર્ભાશયના પોલાણમાં ગર્ભનિરોધક સંયોજના (intra-uterine contraceptive device, IUCD) મૂકવાને કારણે અંડવાહિનીક સગર્ભતાનો દર વધ્યો છે. શ્રોણીના અવયવો અને પેશીમાં ચેપ લાગવાથી પીડાકારક સોજો આવે તેને PID કહે છે. આ ઉપરાંત મુખમાર્ગી ગર્ભનિરોધક દવામાં પ્રોજેસ્ટિનનો ઉપયોગ અંડવાહિનીની વિકાસાત્મક કુરચનાઓ (વધુ પડતી લંબાઈ, અંધનાલિ કે એકથી વધુ વધારે ખૂલતાં મુખ), ગર્ભાશયમાં થયેલી ગાંઠને કારણે નળી વાંકી થવી, અંડવાહિનીમાં સીધા પ્રવેશને બદલે પરિતનગુહામાં થઈને બીજી બાજુની અંડવાહિનીમાં ફલિતઅંડનું પ્રવેશવું તથા અંત:સ્રાવોને કારણે અંડવાહિનીના સ્નાયુઓનું સતત આકુંચન (spasm) વગેરે પણ અંડવાહિનીક સગર્ભતા સર્જે છે. અંડવાહિનીની દીવાલમાંથી બીજા છેડે બંધ હોય એવી નાની નલિકાઓ કે પુટિકાઓ બને તો તેને અંધનાલિ (diverticulum) કહે છે. સામાન્ય રીતે અફલિતતા(infertility)ના દર્દીમાં, અગાઉ અન્યત્રી સગર્ભતા થઈ હોય તેવા દર્દીઓમાં, અંડવાહિનીમાં એન્ડોમેટ્રિયોસિસ નામનો વિકાર થયેલો હોય તેવા દર્દીઓમાં તે વધુ પ્રમાણમાં જોવા મળે છે.

અંત:સ્થાનને કારણે અંડવાહિનીની અંદરની દીવાલમાં ગર્ભાશયની માફક ફેરફારો થતા નથી અને ફલિત અંડકોષ સ્નાયુસ્તરમાં પ્રવેશીને અંત:સ્થાપિત થાય છે. તેથી તેને સ્નાયવી અંત:સ્થાપન (intramuscular implantation) કહે છે. અંડવાહિની તે સ્થળે ફૂલે છે પણ તેની દીવાલ ખેંચાઈ જવાથી પાતળી થઈ જાય છે. પ્રાગર્ભ(ભ્રૂણ)ને વધુ વિકાસ માટે જગ્યા ન હોવાથી 6થી 8 અઠવાડિયાંમાં સગર્ભતા પૂરી થઈ જાય છે. પ્રાગર્ભ (ભ્રૂણ) અંડવાહિનીમાં વિકસતું હોય તે સમયે અંત:સ્રાવોની અસર હેઠળ ગર્ભાશયની દીવાલમાં સગર્ભતા જેવા જ ફેરફારો થાય છે, જે અંડવાહિનીક સગર્ભતામાં ગર્ભપાત થાય એટલે શમે છે; પરંતુ જો તે અંડવાહિનીમાંથી બહાર નીકળીને પરિતનગુહામાં વિકાસ કરવાનું ચાલુ રાખે તો ગર્ભાશયમાં પણ થતા ફેરફારો ચાલુ રહે છે.

આકૃતિ 3 : અન્યત્ર સગર્ભતાનાં વિવિધ સ્થાનો : (1) યોનિ, (2) ગ્રીવા, (3) ગર્ભાશય, (4) અંડવાહિકા, (5) અંડપિંડ, (6) ભિત્ત્યંત:, (7) અંડવાહિનીક (સંધિકા), (8) અંડવાહિનીક (વિસ્ફારિકા), (9) વિસ્ફારમુખિકા, (10) એકપિંડિક, (11) ઉદરીય, (12) ગૈવ.

પ્રાગર્ભ(ભ્રૂણ)ને વિકાસ માટે અંડવાહિનીમાં યોગ્ય વાતાવરણ મળતું ન હોવાથી 6થી 8 અઠવાડિયે આવી સગર્ભતા પૂરી થઈ જાય છે. સંધિકામાં તે 3થી 4 અઠવાડિયે પણ પૂરી થઈ શકે છે. અંડવાહિનીક સગર્ભતાનો જુદી જુદી 5 રીતોમાંથી કોઈ એક રીતે અંજામ આવે છે.

(1) અંડવાહિનીક કોષ્ઠાર્બુદ (tubal node), (2) અંડવાહિનીક ગર્ભપાત, (3) અંડવાહિનીનું ફાટી જવું (rupture), (4) અંડવાહિનીક છિદ્રણ (perforation) અને (5) સગર્ભતા ચાલુ રહેવી (ક્યારેક જ).

સામાન્ય રીતે અંડવાહિનીક સગર્ભતા અંડવાહિનીક કોષ્ઠાર્બુદમાં પરિણમે છે. તે કાં તો અવશોષાઈ જાય છે અથવા તેનો ગર્ભપાત થાય છે, જે સંપૂર્ણ અથવા અપૂર્ણ હોય છે. તેને કારણે અંડવાહિનીની આસપાસ અને શ્રોણી(pelvis)માં લોહી ભરેલી ગાંઠ અથવા પુટિકા થાય છે, તેને શ્રોણીય રુધિરકોષ્ઠિકા (pelvis haematocoele) કહે છે. ક્યારેક પ્રાગર્ભનો જ ગર્ભપાત થાય છે, જે સંપૂર્ણ હોય તો શ્રોણીય રુધિરકોષ્ઠિકા કરે છે અથવા અપૂર્ણ હોય તો પરિતનગુહામાં રુધિરસ્રાવ (haemorrhage) કરે છે. ક્યારેક અંડવાહિનીની છત ફાટે છે અને તો તે પરિતનીય રુધિરસ્રાવ (પેટના પોલાણમાં લોહી વહેવું) કરે છે. ક્યારેક અંડવાહિનીનું તળિયું ફાટે છે અને તેવે સમયે બૃહત્ તંતુબંધમાં લોહીની ગાંઠ (રુધિરાર્બુદ, haematonal) બનાવે છે. કેટલીક વખતે અંડવાહિનીમાં છિદ્ર પડે છે અને તેમાંથી પ્રાગર્ભ (ભ્રૂણ) બહાર નીકળી જાય છે. જો તે છતમાંથી નીકળે તો પરિતનગુહા(પેટના પોલાણ)માં અને તે તળિયામાંથી નીકળે તો બૃહત્ તંતુબંધમાં ફરીથી અંત:સ્થાપન કરીને દ્વૈતીયિક અન્યત્રી સગર્ભતા તરીકે વિકસે છે. આ સ્થિતિઓને અનુક્રમે દ્વૈતીયિક ઉદરીય અને દ્વૈતીયિક બૃહત્ તંતુબંધીય સગર્ભતા કહે છે. આવી સગર્ભતામાં મોટેભાગે ભ્રૂણ મૃત્યુ પામે છે અને સંપૂર્ણપણે અવશોષાઈ જાય છે અથવા પેટમાં ખૂબ લોહી વહે છે, તેમાં ચેપ લાગે છે અને આંતરડાં અને અન્ય અવયવો વચ્ચે સંયોગનળી બને છે. ક્યારેક ભ્રૂણ મૃત્યુ પામે છે અને તેની શુષ્કશવતા (mummification) અને તેમાં કૅલ્શિયમ જામવાથી તે અશ્મિશિશુ (lithopaedion) બને છે. ક્યારેક પૂર્ણકાલ સુધી વિકાસ થાય છે, પરંતુ અંતે છદ્મપ્રસવ (pseudo-labour) થાય છે અને ગર્ભશિશુ મૃત્યુ પામે છે. જવલ્લે જ એવું બને છે કે અંડવાહિનીમાં સગર્ભતા ચાલુ રહે અને પૂરે મહિને શિશુનો જન્મ શક્ય બને.

નિદાન : અંડવાહિનીક સગર્ભતાનાં ચિહ્નો અને લક્ષણો એટલા બધા જુદા જુદા પ્રકારનાં છે કે તે અનેક પ્રકારની પેટની તકલીફોના જેવી સ્થિતિ પેદા કરે છે. સામાન્ય રીતે ફલિત અંડકોષ ક્યાં અંત:સ્થાપિત થાય છે અને તેની આનુષંગિક તકલીફ રૂપે ક્યાં અને કેટલું લોહી વહે છે તેને આધારે તેનાં લક્ષણો અને ચિહ્નો જોવા મળે છે. અંડવાહિનીક સગર્ભતાને 2 ભાગમાં વહેંચવામાં આવે છે

(1) ઉગ્ર (ટૂંકા ગાળાની અને તીવ્ર લક્ષણોવાળી) તથા (2) ઉપોગ્ર (subacute) અથવા દીર્ઘકાલી (chronic).

ઉગ્ર વિકાર આશરે 30 % દર્દીઓમાં જોવા મળે છે અને તેમાં અંડવાહિની ફાટી જાય છે અથવા તેમાંથી પેટમાં ગર્ભપાત થાય છે અને તેથી પેટના પોલાણ(પરિતનગુહા, peritoneal cavity)માં પુષ્કળ લોહી વહે છે. સામાન્ય રીતે દર્દીની ઉંમર 20થી 30 વર્ષ હોય છે. તે કાં તો એવી સ્ત્રીઓમાં થાય છે જેમને બાળક હોતું નથી અથવા લાંબા સમય સુધી સગર્ભતા થઈ હોતી નથી. ઘણા કિસ્સાઓમાં દર્દી પેટના નીચલા ભાગમાં કોઈ એક બાજુએ તણાવ કે ભાર અનુભવતી હોય છે. મોટાભાગના કિસ્સામાં અચાનક જ તબિયત બગડે છે. સામાન્ય રીતે 6થી 8 અઠવાડિયાં સુધી ઋતુસ્રાવ ન આવ્યો હોય અને પછી અચાનક પેટના નીચલા ભાગમાં તીવ્ર પીડા ઊપડે છે. તેમાં ચૂંક પણ આવતી હોય છે. ક્યારેક ડાબા ખભામાં પણ પીડા અનુભવાય છે. ક્યારેક થોડો લોહીવાળો કે ગાઢા રંગનો પરંતુ સતત થતો યોનિસ્રાવ જોવા મળે છે. દર્દીને ઊબકા અને ઊલટી થાય છે તથા તેને મૂર્ચ્છા આવી જાય છે. દર્દી સ્ત્રી તેની પથારીમાં શાંત, સભાન, પ્રસ્વેદિત (પરસેવાવાળી) અને ફિકાશવાળી સૂતેલી હોય છે. લોહી વહેવાની તીવ્રતા પ્રમાણે ફિકાશ આવે છે. તેને કારણે નાડી ઝડપી બને છે, લોહીનું દબાણ ઘટે છે અને રુધિરાઘાતની સ્થિતિ સર્જાય છે. પેટ કઠણ અને સ્પર્શવેદના(tenderness)વાળું હોય છે. પેટના નીચલા ભાગમાં સ્પર્શવેદના વધુ હોય છે. પેટમાં કોઈ ગાંઠ હોતી નથી પરંતુ પ્રવાહી ભરાવાનાં ચિહ્નો હોય છે. સામાન્ય રીતે રક્ષણાત્મક સ્નાયુ-અક્કડતા (muscle gaurd) જોવા મળતી નથી. આ રીતે તેને આંત્રપુચ્છશોથ (appendicitis) કે પેટના અન્ય ચેપજન્ય રોગોથી અલગ પાડી શકાય છે. યોનિમાર્ગી તપાસ તથા દ્વિહસ્તીય તપાસ (bimanual examination) પૂરતી માહિતી આપતી નથી; કેમકે, અતિશય સ્પર્શવેદના હોય છે. વળી તેનાથી પેટમાં લોહી વહેવાનું પણ વધે છે.

ઉગ્ર વિકારને આંત્રપુચ્છશોથ (appendicitis), પચિતકલા વ્રણમાં છિદ્રણ (perforation peptic ulcer), આમળ ખાઈ ગયેલી અંડપિંડી ગાંઠ તથા પરિતનગુહામાં લોહી વહેવાનાં અન્ય કારણોથી અલગ પાડીને નિદાન કરાય છે.

દીર્ઘકાલી વિકાર ઘણી વખત જોવા મળે છે. તેમાં અંડવાહિનીક ગર્ભપાત કે કોષ્ઠાર્બુદ થવાને કારણે કે તે ફાટી જવાને કારણે લોહીની ગાંઠ (રુધિરકોષ્ઠ, haematocoele) બને છે જે સામાન્ય રીતે શ્રોણી વિસ્તારમાં હોય છે. દર્દીને 6થી 8 અઠવાડિયાં સુધી ઋતુસ્રાવ બંધ રહે છે, પેટના નીચલા ભાગમાં ધીમો સતત દુખાવો રહે છે. યોનિમાર્ગે થોડું લોહીવાળું કે ગાઢા રંગનું પ્રવાહી પડે છે તથા મૂત્રાશયનું સંક્ષોભન થવાથી વારંવાર પેશાબ જવાની હાજત, તેમાં બળતરા અથવા પેશાબ અટકી જવાની સ્થિતિ થાય છે. ક્યારેક તેમાં ચેપ લાગે તો તાવ આવે છે. દર્દી સ્ત્રી માંદી, ફિક્કી અને તાવવાળી થાય છે. તેની નાડી ઝડપી થાય છે અને તેનું લોહીનું દબાણ ઘટેલું જોવા મળે છે; પરંતુ રુધિરાઘાત (shoke) થતો નથી. પેટના નીચલા ભાગમાં રક્ષણાત્મક અક્કડતા (gaurdiry) અને સ્પર્શવેદના થાય છે, ત્યાં ગાંઠ જેવું સંસ્પર્શી શકાય છે અને નાભિની આસપાસ ગાઢો ભૂરો રંગ થાય છે. તે પરિતનગુહામાં થયેલો રુધિરસ્રાવ સૂચવે છે. તેને કલન(Cullen’s)નું ચિહ્ન કહે છે. દર્દીની પેટ પરથી યોનિમાર્ગે તથા ગુદામાર્ગે તપાસ કરાય છે. જરૂર પડ્યે તે કિસ્સામાં તેને બેભાન કરીને પણ તપાસ કરાય છે.

દીર્ઘકાલી વિકારને અપૂર્ણ ગર્ભપાત, અંડવાહિનીશોથ (salpingitis), આંત્રપુચ્છશોથ, અમળાઈ ગયેલી અંડપિંડી ગાંઠ વગેરેથી અલગ પાડીને નિદાન કરાય છે.

ભિત્ત્યંત: સગર્ભતા અંડવાહિનીના ભિત્ત્યંત: ભાગમાં વિકસે છે જે 12થી 14 અઠવાડિયાં સુધી વિકસીને પછીથી ફાટે છે અને ઉગ્ર વિકાર કરે છે. તેનું વહેલું નિદાન મુશ્કેલ હોય છે.

અંડવાહિનીક સગર્ભતાના નિદાન પછી કે શંકા પછી દર્દીને તરત હૉસ્પિટલમાં દાખલ કરીને તાત્કાલિક સારવાર અપાય છે. ઉગ્ર વિકારમાં દર્દીને પથારીમાં સીધા સૂવાની સલાહ અપાય છે. તેને મોર્ફિન તથા નસ વાટે ગ્લુકોઝ અપાય છે. જરૂર પ્રમાણે લોહી ચડાવાય છે. રુધિરાઘાત થયો હોય તો તેની ઘનિષ્ઠ સારવાર શરૂ કરાય છે. દર્દીની સ્થિતિને સ્થિર કરીને ઝડપથી ઉદર-છેદન(laparotomy)ની શસ્ત્રક્રિયા કરાય છે. સારવારમાં અંડવાહિની-ઉચ્છેદન (salpingeotomy) અથવા જરૂર પડ્યે તે કિસ્સામાં અપૂર્ણ ગર્ભાશય-ઉચ્છેદન (subtotal hysterectomy) કરાય છે. આ શસ્ત્રક્રિયાઓમાં અનુક્રમે અંડવાહિની કે ગર્ભાશયને કાઢી નંખાય છે.

દીર્ઘકાલી વિકારમાં પણ દર્દીને દાખલ કરીને તેની સ્થિતિની સતત નોંધ અને સંભાળ લેવાય છે. યોગ્ય સમયે આયોજનપૂર્વક શસ્ત્રક્રિયા કરીને ઉદર-છેદન (laparotomy) કરાય છે. તેમાં અંડવાહિની-છેદન (salpingotomy) કરીને લોહી કે પરુ કાઢી નખાય છે. ક્યારેક યોનિછેદન(colpotomy)ની ક્રિયા કરીને યોનિમાર્ગે પરુ દૂર કરાય છે. જો આકસ્મિક રીતે જ અંડવાહિનીક સગર્ભતાનું નિદાન થયું હોય અને અંડવાહિની ફાટી ગયેલી ન હોય તો પ્રાગર્ભ(ભ્રૂણ)ને શસ્ત્રક્રિયા વડે દૂર કરાય છે. તેમાં જરૂર પડ્યે અંડવાહિની-ઉચ્છેદન (salpingeotomy) કરીને કાઢી નખાય છે. કેટલાક કિસ્સામાં અંડપિંડ પણ તેની સાથે ચોંટી ગયેલું હોય છે. તેવે સમયે અંડપિંડ-ઉચ્છેદન (oophorectomy) કરીને તેને દૂર કરવું જરૂરી બને છે. જો સ્ત્રીનું રુધિરજૂથ Rhઋણાત્મક (Rh negative) હોય તો અસંવેદિત સ્ત્રીને પ્રતિ-ડી-ગામા ગ્લોબ્યુલિન અપાય છે.

વહેલા નિદાન તથા યોગ્ય સારવારને કારણે હવે અંડવાહિનીક સગર્ભતામાં મૃત્યુપ્રમાણ ઘટીને 0.05 % થયું છે. આવી સ્ત્રીને ફરીથી અન્યત્રી સગર્ભતા થવાની સંભાવના 1 : 20 છે જ્યારે સામાન્ય (અવિષમ) સગર્ભતા થવાની સંભાવના 1 : 3 છે. ફરીથી અન્યત્રી સગર્ભતા ન થાય તે માટે શસ્ત્રક્રિયા વખતે શક્ય હોય એટલા બધા જ લોહીના ગઠ્ઠા દૂર કરાય છે, બીજી બાજુની અંડવાહિનીમાંથી લોહીને નિચોવીને બહાર કાઢી નંખાય છે અને જે બાજુની અંડવાહિની અસરગ્રસ્ત હોય તે બાજુના અંડપિંડને પણ દૂર કરવાનું સૂચવાય છે.

() ઉદરીય સગર્ભતા (abdominal pregnancy) : તે પ્રારંભિક તથા દ્વૈતીયિક પ્રકારની હોય છે. પ્રારંભિક પ્રકારની ઉદરીય સગર્ભતા ક્યારેક જ થાય છે. તેમાં ફલિત અંડકોશ પરિતનગુહામાં અંત:સ્થાપિત થાય છે. તેમાં બંને અંડવાહિનીઓ અને અંડપિંડો અવિષમ હોય છે અને તેમની અને પરિતનગુહા (પેટમાંનું પોલાણ) વચ્ચે તે બંનેને જોડતી કોઈ સંયોગનળી (fistula) હોતી નથી; પરંતુ પેટમાં પરિતનકલા (peritoneum) પર ફલિત અંડકોષ સ્થાપિત થઈને ભ્રૂણ-સ્વરૂપે વિકસી રહ્યો હોય છે.

દ્વૈતીયિક ઉદરીય સગર્ભતામાં પ્રારંભિક અંત:સ્થાપન અંડપિંડ, અંડવાહિની કે ગર્ભાશયમાં થયેલું હોય છે, જ્યાંથી જે તે અવયવ ફાટી જવાથી પેટમાંની પરિતનગુહામાં તે આવે છે અને ત્યાં ફરીથી સ્થાપિત થાય છે. દ્વૈતીયિક પ્રકાર અંડવાહિનીક સગર્ભતામાં વર્ણવ્યો છે.

દર્દીને પેટના નીચલા ભાગમાં દુખાવો, યોનિમાર્ગે લોહી પડવું; ઊબકા, ઊલટી, કબજિયાત, પેટમાં દુખાવો અને ગર્ભશિશુનું વધુ પડતું હલનચલન જેવી તકલીફો થાય છે. ગર્ભાશયનો આકાર સુસ્પષ્ટ હોતો નથી. પેટની દીવાલને ચોળવાથી જોવા મળતાં બ્રેકસ્ટન-હિક્સનાં સ્નાયુસંકોચનો જોવા મળતાં નથી. ગર્ભશિશુના શરીરના ભાગોનું સહેલાઈથી સંસ્પર્શન કરી શકાય છે અને તેનો વિષમ વિન્યાસ (abnormal position) બદલાતો નથી. જો પરિતનીય સગર્ભતા (intra-peritoneal pregnancy) હોય તો ગર્ભશિશુ પેટમાં ઊંચે હોય છે, પણ જો તે બૃહત્ તંતુબંધ(brood ligament)માં વિકસતી તંતુબંધીય સગર્ભતા (intro-ligamentary pregnancy) હોય તો તેનું સ્થાન નીચે રહે છે. આંતરિક તપાસમાં ગર્ભાશયના કદમાં 12થી 16 અઠવાડિયાં જેટલી જ વૃદ્ધિ થાય છે તથા ગર્ભાશયગ્રીવા તેના સામાન્ય સ્થાનથી ખસેલી જોવા મળે છે. ધ્વનિચિત્રણ (sonography) વડે નિદાન સરળ બને છે. સારવારમાં સગર્ભતાના કોઈ પણ તબક્કે ઉદર-છેદન(laparotomy)ની શસ્ત્રક્રિયા કરીને ગર્ભશિશુને કાઢી નંખાય છે. શક્ય હોય ત્યાં સુધી ઓર (placenta) પણ દૂર કરાય છે. જો ઓર કાઢી ન શકાય તેમ હોય તો અંદર રહી ગયેલી ઓર સ્વવિલયન(autolysis)થી નાશ પામે છે. જવલ્લે જ સગર્ભતાને વિકસવા દઈને પૂર્ણકાલ સુધીની સગર્ભતા કરવાનો નિર્ણય કરી શકાય છે. તે સમયે દર્દીને સંભવિત જોખમની જાણ કરાય છે અને તેને હૉસ્પિટલમાં સતત નિરીક્ષણ હેઠળ રખાય છે.

() અંડપિંડી સગર્ભતા : સ્પેલબર્ગે (Spiegelberg) તેના નિદાન માટે ગુણમાનાંકો (criteria) આપેલા છે. તેના પ્રમાણે અંડવાહિની અકબંધ હોવી જોઈએ, ગર્ભકોષ્ઠ (gestational sac) અંડપિંડમાં હોવો જોઈએ અને તે અંડપિંડી તંતુબંધ (ovarian ligament) વડે ગર્ભાશય સાથે જોડાયેલો હોવો જોઈએ તથા તેની સૂક્ષ્મદર્શકીય તપાસમાં તેની સાથે અંડપિંડી પેશી ચોંટેલી હોવી જોઈએ. સામાન્ય રીતે અવયવ ફાટી જવાથી તે દ્વૈતીયિક ઉદરીય સગર્ભતામાં પરિણમે છે અને તેની સારવારમાં શસ્ત્રક્રિયા કરીને જે તે બાજુની અંડવાહિની અને અંડપિંડને દૂર કરાય છે. આ શસ્ત્રક્રિયાને અંડવાહિની અંડપિંડ-ઉચ્છેદન (salpingo oopherotomy) કહે છે.

() ગર્ભાશયી અન્યત્રી સગર્ભતા : તે 3 પ્રકારની છે  ગ્રૈવ (cervical), કોણિક (angular) અને શૃંગીય (cornual).

ગ્રૈવ સગર્ભતા (cervical pregnancy) ભાગ્યે જ જોવા મળે છે. તેમાં ફલિત અંડકોષ ગર્ભાશયની ગ્રીવાની નલિકામાં અંત:સ્થાપિત થાય છે. તેનું અંત:સ્થાપન સ્થાન આંતરિક ગ્રીવામૂળ (internal os) અથવા ગ્રીવાનલિકા(cervical canal)માં હોય છે. તેમાં લોહીને વહેતું અટકાવવા ક્યારેક ગર્ભાશય-ઉચ્છેદન (hysterectomy) કરાય છે. કેટલાક કિસ્સાઓમાં ગ્રીવાનલિકામાં દાબ-પદ્ધતિ(plugging)થી લોહી વહેતું અટકાવીને ગર્ભાશય બચાવવાનો પણ પ્રયત્ન કરી શકાય છે.

ગર્ભાશય સાથે જ્યાં અંડવાહિની જોડાય છે તે ખૂણામાં અંત:સ્થાપન થાય ત્યારે કોણિક સગર્ભતા (angular pregnancy) થાય છે. તેમાં પુષ્કળ દુખાવો રહે છે, ગર્ભાશય એક બાજુ વધુ મોટું થાય છે, ગર્ભપાતની સંભાવના રહે છે અને ઓર અંદર રહી જવાની વધુ સંભાવના રહે છે, જેથી તેને હાથ વડે કાઢવી પડે છે.

ક્યારેક ગર્ભાશય બનાવતી પ્રાગર્ભ(ભ્રૂણ)ની નળીઓ બરાબર જોડાય નહિ અને દ્વિશૃંગી (bicornuate) ગર્ભાશય બને ત્યારે તેના બંને શૃંગો કાં તો પૂર્ણ વિકસિત હોય અથવા કોઈ એક શૃંગ અપૂર્ણ વિકસિત રહી જાય છે. આવા અપૂર્ણ વિકસિત શૃંગમાં થતી સગર્ભતાને શૃંગીય સગર્ભતા (cornual pregnancy) કહે છે. આવું અપૂર્ણ વિકસિત શૃંગ ગર્ભાશયના પોલાણ સાથે જોડાયેલું હોતું નથી અને તેથી તેવા કિસ્સામાં પેટના પોલાણ(પરિતનગુહા, peritoneal cavity)માં અંડકોષનું ફલનીકરણ થયેલું હોય છે અને ફલિત અંડકોષ અંડવાહિની દ્વારા પ્રવેશીને અપૂર્ણ વિકસિત શૃંગમાં અંત:સ્થાપિત થાય છે. મોટાભાગના કિસ્સામાં શૃંગ ફાટી જવાની સાથે સગર્ભતા પૂરી થાય છે; પરંતુ તે સમયે પેટમાંથી ઘણું લોહી વહે છે. શસ્ત્રક્રિયા કરીને અપૂર્ણ વિકસિત શૃંગને દૂર કરવામાં આવે છે. કેટલાક કિસ્સામાં આવું શૃંગ ગર્ભાશય સાથે એવી રીતે જોડાયેલું હોય છે કે આખું ગર્ભાશય પણ કાઢવું પડે તેવું બને છે.

શિલીન નં. શુક્લ