સોમવંશ : સોમ-ચન્દ્રથી પ્રવર્તેલો વંશ. પુરાણોમાં સૂર્ય-ચંદ્રથી પ્રવર્તેલા વંશો ઉપરાંત સ્વયંભુવ વંશ, ભવિષ્ય વંશ અને માનવેતર વંશોનાં વર્ણન મળે છે. પૌરાણિક સાહિત્યમાં ઘણોખરો રાજકીય વંશોનો ઇતિહાસ ચંદ્રવંશ સાથે સંબંધિત છે. પ્રાચીન ઇતિહાસમાં સૂર્યવંશી રાજવીઓનું પ્રાબલ્ય હતું; પરંતુ ઉત્તરકાલીન યુગમાં સૂર્યવંશી રાજ્યસત્તા અયોધ્યા, વિદેહ અને વૈશાલીમાં સૂર્યોદિત બની રહી. તેમાંય માંધાતૃ–માંધાતા સગર જેવા રાજવીઓનું શાસન ઉત્તર ભારતમાં પ્રબળ બની રહ્યું, જ્યારે ઉત્તર, વાયવ્ય અને દક્ષિણ ભારતમાં ચંદ્રવંશી રાજવીઓના વંશોએ શાસન કર્યું છે.
ચંદ્રે બૃહસ્પતિની પત્ની તારાનું અપહરણ કરતાં તારાને છોડાવવા થયેલા સંગ્રામના અંતે ગુરુ-બૃહસ્પતિને તારા પાછી મળી ત્યારે સગર્ભા હતી. તેને ચંદ્રથી રહેલો ગર્ભ બુધ તરીકે જન્મ્યો. ચંદ્રપુત્ર બુધ અને ઇલાનો સંસર્ગ થતાં પુરુરવા ઐલ જન્મ્યો. તે ચંદ્રવંશનો આદ્ય સ્થાપક છે. તેની રાજધાની પ્રતિષ્ઠાનપુર (પેશાવર) હતી. હિમાલય તેમનું મૂળ સ્થાન હતું. પુરુરવા-ઉર્વશીના પુત્રો આયુ-અમાવસુથી કે કેટલાકના મતે 6 પુત્રોથી વંશ આગળ વધ્યો. આ વંશની આયુ અને અમાવસુ શાખાઓ પ્રવર્તી.
પુરુરવસના પુત્ર અમાવસુથી પ્રવર્તેલા વંશનું શાસન કાન્યકુબ્જ(કનોજ)ના પ્રદેશમાં હતું. પુરુરવાના પુત્ર આયુના અનેનસ, નહુષ, ક્ષત્રવૃદ્ર, રમ્ભ અને રજિ નામના પાંચ પુત્રોમાંથી અનેનસ આયુ નામનો વંશ ચાલ્યો. આયુના બીજા પુત્રોથી ચાલેલો વંશ પુરુવંશ તરીકે ઓળખાયો.
આયુના પુત્ર ક્ષત્રવૃદ્રે કાશી, આયુના પૌત્ર યદુએ યદુવંશ, તુર્વસુએ તુર્વસુ, હ્યુદ્યુએ હ્યુદ્યુ (ગાંધારમાં શાસન), અનુએ અનુ અને પુરુએ પૌરવ વંશ પ્રવર્તાવ્યો. આયુના પુત્ર યયાતિના પાંચેય પુત્રોથી રાજવંશો પ્રવર્ત્યા છે.
ચંદ્રવંશના અનુવંશોમાં હૈહય વંશ, કોષ્ટુવંશ, યદુવંશ જેવા વંશો મહત્વના છે. અનુવંશમાંથી ઉશીતર–સૌવીર, કેકય–મદ્રક વગેરે ઉપશાખાઓ વિસ્તરી છે. તિતિક્ષુ શાખામાંથી અંગ–વંગ આદિ ઉપશાખાઓ ફેલાઈ છે.
પુરુવંશના લોકો સામાન્ય રીતે ‘ભરત’ નામે ઓળખાય છે. આ વંશમાંથી અજમીઢે સ્થાપેલ હસ્તિનાપુરના કુરુ અને પાંચાલની શાખાઓ પ્રવર્તી હતી. દ્વિમીઢ રાજાએ ભરતવંશની દ્વિમીઢ ઉપશાખા પ્રવર્તાવી છે. તુર્વસુ અને દ્રુહ્યુના વંશો આગળ ચાલ્યા નથી.
અજમીઢ વંશ : વાયુ, હરિવંશ, મત્સ્યપુરાણ, ભાગવત અનુસાર દક્ષિણ પાંચાલની કાંપિલ્ય રાજધાનીમાં રહી અજમીઢના પુત્ર બૃહદિશુએ આ પરંપરા ચલાવી છે. પ્રિયમેઘથી આ શાસન-પરંપરા હસ્તિનાપુરમાં આગળ ચાલી તો કેટલાકના મતે હસ્તિનાપુરમાં ઋક્ષવંશીય પરંપરા હતી. તેમાંથી કુરુવંશ થયો. અજમીઢના પુત્ર નીલથી ઉત્તર પાંચાલમાં વંશ પ્રવર્ત્યો છે. રાજવંશીય પરંપરા વિશે એકમત નથી. મત્સ્યપુરાણમાં આની પૂરી વંશાવલી મળે છે. ભાગવતમાં આ વિગતો ટૂંકી છે. વિષ્ણુપુરાણમાં અંતિમ રાજા જનમેજય અને મત્સ્યપુરાણમાં સમર નામે છે.
અનુવંશ : યયાતિના પુત્ર અનુથી પ્રવર્તેલા વંશની વિગતો વાયુ, બ્રહ્મ, ભાગવત, મત્સ્ય જેવાં પુરાણોમાં મળે છે. અનુથી આઠમી પેઢીએ જન્મેલા મહામનસના ઉશીનર અને તિતિક્ષુ બંને પુત્રો વંશપ્રવર્તક બન્યા. તેમાં ઉશીનરની શાખામાં કેકય, મદ્રક વગેરે અને તિતિક્ષુ વંશમાં અંગ, વંગ, કલિંગ, સુહમ, પુંડ્ર વગેરે શાખાઓ પ્રવર્તી છે. અનિલ, કોટિક, સુરથ આદિ વંશો અનુથી પ્રવર્તેલા વંશના જ અનુવંશો છે. બ્રહ્મ અને હરિવંશ પ્રમાણે આ વંશના આદ્ય સ્થાપક યયાતિના પુત્ર અનુને બદલે પુરુવંશીય રૌદ્રાક્ષ્ય રાજાના પુત્ર કક્ષેયુ ગણવામાં આવે છે. પુરાણોમાં યયાતિના પુત્ર દ્રુહ્યુની ગાંધારમાં ચાલેલી શાખાનો કેટલોક ભાગ અનુવંશ તરીકે બતાવાયો છે.
અનેનસ વંશ : આયુના અનેનસથી ક્ષત્રવર્મન નામે ચાલેલા વંશમાં ક્ષત્રવર્મન – પ્રતિક્ષત્ર – સંજય – જય – વિજયકૃતિ – હર્યત્વત – સહદેવ અહીન, જયત્સેન – સંકૃતિ – કૃતધર્મનનાં નામો બ્રહ્માંડ અને વાયુપુરાણ ગણાવે છે.
અંધક વંશ : યદુપુત્ર અંધકથી પ્રવર્તેલી શાખા કુકુર અને ભજમાન શાખાઓ થઈ. કુકુરવંશમાં દેવક, ઉગ્રસેન વગેરે અને ભજમાન વંશમાં પ્રતિક્ષત્ર, કૃતવર્મન, કેવલબર્હિષિ, અસૌજલ વગેરે રાજાઓ થયા હોવાનું હરિવંશ નોંધે છે.
અમાવસુ વંશ : પુરુરવાના પુત્ર અમાવસુએ બ્રહ્માંડ, વાયુ, બ્રહ્મ, હરિવંશ, વિષ્ણુપુરાણ અને વાલ્મીકિ-રામાયણ અનુસાર કાન્યકુબ્જમાં પ્રવર્તાવેલા વંશમાં અમાવસુ, ભીમ, સુહોત્ર, જહનુ જેવા રાજાઓ થઈ ગયા છે. અગ્નિપુરાણ અને મહાભારતે અમાવસુને જ આ વંશનો સ્થાપક માન્યો છે, પણ તેને ભરતવંશી અને અજમીઢનો પુત્ર ગણાવ્યો છે; પરંતુ આ બાબતને ઐતિહાસિક પુષ્ટિ મળતી નથી. જહનુની આઠમી પેઢીએ વિશ્વામિત્ર ઋષિ ઉત્પન્ન થયા હતા. [ઋ. વે. 3–53.12; ઐ. બ્રા. 7–5–3, સાં. શ્રૌ. 15–25] આ વિશ્વામિત્ર આદ્ય વિશ્વામિત્ર નહિ, પણ ભરત સુદાસના રાજપુરોહિતના વંશના વિશ્વામિત્ર જણાય છે. આ વિશ્વામિત્ર ભરતર્ષભ કહેવાયા છે.
આનવ વંશ : અનુવંશના આનવના અંગ, વંગ વગેરે પુત્રોએ પૂર્વ ભારતમાં પાંચ સ્વતંત્ર રાજ્યો સ્થાપ્યાં હતાં. તેમાં અંગ, વંગ, કલિંગ, સુહ્મ અને પુંડ્રનો સમાવેશ થાય છે.
આયુપુત્ર અનેનસનો વંશ આયુવંશ તરીકે ઓળખાયો છે. ઉશીનસ વંશે અનુના અનુવંશ તરીકે વાયવ્ય ભારતમાં શાસન જમાવ્યું હતું. હસ્તિનાપુરમાં ઋક્ષ વંશમાં ચોથો પુરુષ કુરુપુત્ર જહનુ હતો. આ વંશમાં વસુપુત્ર બૃહદ્રથે મગધમાં શાસન કરી મગધવંશ પ્રવર્તાવ્યો હતો. આ બધા પોતાને ઋક્ષવંશીય માને છે. પુરુરવા અને મનુક્ધયા ઇલાથી પ્રવર્તેલો વંશ ‘ઐલ’ વંશ પણ કહેવાય. કુરુવંશના કરુષથી કરુષ કે મત્સ્ય વંશ થયો છે. કાશીમાં પુરુરવાના પૌત્ર અને આયુના પુત્ર ક્ષત્રવૃદ્રદ્ધથી થયેલા સુમહોત્ર (સુહોત્ર) વગેરે કાશ્યવંશીય કહેવાયા છે. યાદવ-વંશના અંધકપુત્ર કુકુરથી કુકુર, રાજા હસ્તિના પુત્રોમાં ઋક્ષવંશીય કુરુથી કુરુવંશ (આગળ ઉપર કૌરવ અને પાંડવ વંશ), કુરુવંશીય વસુના પુત્ર કુશાંબથી કુશાંબ, યદુવંશીય કૃષ્ણથી કૃષ્ણ વંશ, યદુવંશમાં કોટ્ટુથી મથુરામાં કોટ્ટુવંશ પ્રવર્ત્યા છે. આ વંશમાં જ્યામઘ, ભજમાન, વૃષ્ણિ વગેરેએ વંશો પ્રવર્તાવ્યા છે.
કુરુવંશીય ચેદિએ ચૈદ્ય વંશ પ્રવર્તાવ્યો છે. આ વંશની સ્થાપના ચૈદ્યોપરિચર વસુના પ્રત્યગ્રહ નામના પુત્ર દ્વારા થઈ છે. કેટલાકનવિદર્ભ પુત્ર ચેદિએ આ વંશ પ્રવર્તાવ્યો હતો, પણ આને બહુ સમર્થન મળ્યું નથી.
સોમવંશના વિસ્તાર સાથે શાખાઓ અને ઉપશાખાઓમાં આ વંશ ખૂબ જ વિસ્તર્યો છે. જહનુ, જ્યામઘ, તિતિક્ષુ વગેરે વંશો આ રીતે થયા છે.
યયાતિના પુત્ર તુર્વસુ દ્વારા પ્રવર્તેલો તુર્વસુવંશ વહિન–ગર્ભ–ગોપાત–ત્રિસાનુ, કરધમ–મસત પર્યંત ચાલેલો. તેમાં પુરુવંશીય દુષ્યંતને ખોળે લીધો હતો. પદ્મપુરાણ આ વંશની દક્ષિણાત્ય શાખાનું સમર્થન પાંડવ, ચોલ, કેરળ આદિ વંશોના ઉલ્લેખ સાથે મળે છે. બ્રહ્માંડ, વાયુ, મત્સ્ય જેવાં પુરાણોમાં આ વંશોની વિગતો મળે છે. વૈદિક સાહિત્યમાં તુર્વસુવંશીય રાજા કુરંગને મ્લેચ્છોનો રાજા કહ્યો છે, પણ આ વંશાવળીમાં તે નામ નથી.
યયાતિપુત્ર દ્રુહ્યુથી વાયવ્ય ભારતમાં ચાલેલા આ વંશની વિગતો બ્રહ્મ, હરિવંશ, મત્સ્ય, વિષ્ણુ, ભાગવત, બ્રહ્માંડ, વાયુપુરાણ જેવાં પુરાણોમાં મળે છે. દ્રુહ્યુના પુત્ર બભ્રુ અને સેતુથી અંગારસેતુ, ગાંધાર, કૃત, પ્રચેતસુ આદિથી વંશ-વિસ્તાર થયો હતો. પ્રચેતસના વંશજો ભરતવર્ષની ઉત્તરમાં રહેલા મ્લેચ્છ રાજ્યોમાં પરિવર્તિત થયા. હરિવંશમાં મળતી વિગતો અનુસાર ગાંધાર પછીના રાજવીઓને અનુવંશીય બતાવ્યા છે.
પુરુવંશીય હસ્તિનના અજમીઢ અને દ્વિમીઢે સ્વતંત્ર વંશો પ્રવર્તાવ્યા છે. હરિવંશ, વિષ્ણુ, ભાગવત, વાયુ અને મત્સ્યપુરાણ અનુસાર જનમેજયથી કુરુવંશમાં તે વંશ ભળી ગયો છે.
પાર રાજાના પુત્રે સ્થાપેલા નીપ વંશમાં જનમેજય દુર્બુદ્ધિ નામના કુલાંગાર રાજાનો ઉગ્રત્યુધે વધ કરતાં આ વંશ સમાપ્ત થયો હોવાનું મત્સ્ય અને હરિવંશ પુરાણ નોંધે છે.
અજમીઢના પુત્ર નીતિથી પ્રવર્તેલા પાંચાલના આ વંશમાં સોળ રાજાઓ થયા હોવાનું વાયુ, બ્રહ્મ, હરિવંશ, વિષ્ણુ, ભાગવત, મહાભારત અને મત્સ્યપુરાણ કહે છે. પાંચાલ નામ પાંચ પુત્રોનું સામૂહિક નામ છે. આ વંશમાં થયેલા રાજાઓમાં મુદગલ, વધ્યશ્વ, દિવોદાસ, સુદાસ્, ચ્યવન, સોમપ, પિજવન વગેરે રાજાઓના ક્રમે થયેલા દ્રુપદ રાજા દ્રૌપદીના પિતા અંતિમ રાજા હતા.
સોમવંશ પુરુરવસથી ચાલ્યો હોવાથી તેને પુરુરવા વંશ પણ કહે છે.
યયાતિના પુત્ર પુરુથી પુરુવંશ ચાલ્યો છે. પુરુથી અજમીઢ સુધીના રાજાઓ તેમજ કુરુ, જહનુ જેવા વંશો પણ પુરુવંશના અનુવંશો છે.
આમ સમગ્ર ભારતમાં વિસ્તરેલા સોમવંશની શાખાઓ અને પ્રશાખાઓ પ્રતિક્ષત્ર, બાબેય, બભ્રુ, ભજમાન, ભરત, ભોજ, મગધ, યદુ-યાદવમાંથી કોષ્ટુ, દેવાવૃધ, અંધક, વૃષ્ણિ, સુમિત્ર, યુધાજિત વગેરે શાખા-પ્રશાખામાં વહેંચાયેલા સોમવંશના વિભિન્ન વંશો અને તે વંશોના પ્રખ્યાત રાજાઓનાં ચરિત્રો વંશાનુચરિત તરીકે પુરાણોમાં વર્ણવાયાં છે.
પુરાણોમાં વંશ અને વંશાનુચરિત – એ પાંચ લક્ષણોમાં મુખ્ય છે. આ વંશાવળીઓમાં પુત્રપરંપરાની સાથે સાથે અનુગામી રાજવીઓની પરંપરા પણ છે. પુરાણોનાં વંશવર્ણનોમાં ઐતિહાસિકતા હોવાનું પાર્જિટર જેવા વિદ્વાનો માને છે. તે દૃષ્ટિએ તેનું અધ્યયન કરવાના પ્રયત્નો થયા છે; પણ પુરાણોનો ઇતિહાસ પૌરાણિક રંગે રંગાયેલો છે.
પુરાણોમાં મળતી સૂર્યવંશ અને ચંદ્રવંશની વિગતોને ઇતિહાસના પાને નોંધાયેલી વિગતોના સંદર્ભે જોતાં નીચેની બાબતો ધ્યાનપાત્ર છે.
હાલના મધ્યપ્રદેશમાં આવેલ બિલાસપુર–રાયપુર તથા ઓરિસામાં આવેલ સંબલપુરના પ્રદેશમાં આવેલ કોસલ દેશ દક્ષિણ કોસલ તરીકે ઓળખાતો હતો. અયોધ્યાની આસપાસ આવેલ ઉત્તર કોસલ સાથે તેને ગાઢ સંબંધ હોવો જોઈએ.
પાંડુવંશી અથવા સોમવંશી એટલે કે ચંદ્રવંશમાં પાંચમી સદીના અંતમાં ઉદયન નામે રાજા થયો. તેને ઇન્દ્રબલ નામે પુત્ર હતો. તેને ચાર પુત્ર હતા, જેમાં સૌથી મોટો નન્ન હતો. તે નન્નદેવ, નન્નેશ્વર અને નન્ન રાજાધિરાજ પણ કહેવાતો હતો. નન્ન અને તેના ભાઈઓ મધ્યભારતના વિશાળ પ્રદેશ પર સત્તા ધરાવતા હતા. નન્નના સમયમાં દક્ષિણ કોસલ પર તેમની સત્તા ફેલાવા માંડી. નન્નના દીકરા તીવરે શ્રીપુર (સિરપુર) જીતી લીધું અને તે ‘કોસલાધિપતિ’ કહેવાયો. તે છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં થયો. તે પરમ વૈષ્ણવ હતો.
તીવર પછી તેનો નાનો ભાઈ ચંદ્રગુપ્ત ગાદીએ બેઠો. તેનો વારસો તેના દીકરા હર્ષગુપ્તને મળ્યો. તે મૌખરી રાજા સૂર્યવર્માની કુંવરી વાસટાને પરણ્યો હતો. રાણી વાસટાએ શ્રીપુરમાં વિષ્ણુનું મંદિર બંધાવ્યું. હર્ષગુપ્તના પુત્ર બાલાર્જુને ‘શિવગુપ્ત’નો ખિતાબ અપનાવ્યો હતો. કેટલીક વાર તે ‘મહાશિવગુપ્ત’ કહેવાતો હતો. તેણે આશરે 60 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. તેને ચાલુક્ય-વંશના રાજા પુલકેશી 2જાએ હરાવ્યો જણાય છે. ત્યારબાદ કેટલાક સમયમાં આ પ્રદેશ પર નલ વંશની સત્તા સ્થપાઈ લાગે છે.
દક્ષિણ કોસલની પાસે આવેલ મેકલ દેશમાં પણ પાંડુવંશી (સોમ-વંશી) રાજાઓ રાજ્ય કરતા હતા. તેઓ દક્ષિણ કોસલના પાંડુવંશીઓ સાથે સંબંધ ધરાવતા હોય તેમ લાગે છે. આ વંશમાં જયબલ, વત્સરાજ, નાગબલ અને ભરતબલ નામે રાજાઓ થઈ ગયા. તેઓ ‘પરમ માહેશ્વર’ તથા ‘પરમ બ્રહ્મણ્ય’ કહેવાતા હતા. મહારાજ ભરતબલની રાણી લોકપ્રકાશ કોસલની રાજકુમારી હતી. જયબલ તથા વત્સરાજ ગુપ્ત સમ્રાટોના સામંત હોવાનું તથા નાગબલ અને ભરતબલ ગુપ્ત સામ્રાજ્યના પતન પછીના સ્વતંત્ર રાજા હોવાનું જણાય છે. વાકાટક વંશના નરેશ નરેન્દ્ર સેને કોસલ, મેકલ તથા માલવ પર પોતાનું આધિપત્ય જમાવ્યું હતું (ઈ. સ. 450–475).
દસમી સદીમાં દક્ષિણ કોસલમાં ગજલક્ષ્મીનું રાજપ્રતીક ધરાવતું બીજું એક રાજકુલ સત્તારૂઢ થયું. તે પણ સોમવંશી ગણાતું હતું. આ વંશનો સ્થાપક શિવગુપ્તનો પુત્ર જનમેજય મહાભવગુપ્ત હતો. એ પરમ માહેશ્વર હતો. તેણે ઓડ્રદેશના કરવંશના રાજાઓ પાસેથી રાજ્યશ્રી કબજે કરી. તે પોતાને ‘ત્રિકલિંગાધિપતિ’ કહેતો. એણે આશરે 35 વર્ષ શાસન કર્યું. તેના પછી તેનો દીકરો યયાતિ–મહાશિવગુપ્ત ગાદીએ બેઠો. તેણે મહાનદીને કાંઠે પોતાના નામનું યયાતિનગર વસાવ્યું. તેણે ઈ.સ. 970થી 1000 સુધી એટલે ત્રીસ વર્ષ શાસન કર્યું. ચેદિદેશના કલચુરિ વંશના રાજાઓ સોમવંશી રાજ્ય પર ચડાઈઓ કરાવતા હતા. સ્વભાવતુંગ નામના કોસલના રાજાએ ચેદિ લશ્કરનો પીછો પકડી તેણે અપહરણ કરેલી મહિલાઓ પાછી મેળવી તથા તેના કુંવરે ડાહલદેશને તારાજ કર્યો એવા ઉલ્લેખ યયાતિ–મહાશિવગુપ્ત 1લાના લેખની પુરવણીમાં આવે છે. તેમાં જણાવેલ સ્વભાવતુંગ તે યયાતિ–મહાશિવગુપ્ત 1લો હોવા સંભવ છે. તેની કુંવરી ત્રિભુવનમહાદેવી ઉત્કલના કરવંશના રાજા શુભાકરદેવ 4થાની રાણી હતી.
અગિયારમી સદીમાં સોમવંશના રાજાની સત્તા કોસલ ઉપરાંત ઉત્કલ પર પણ પ્રવર્તતી હતી. યયાતિ–મહાશિવગુપ્ત 1લા પછી તેનો પુત્ર ભીમરથ મહાશિવગુપ્ત 2જો ગાદીએ આવ્યો. તેણે ઈ. સ. 1000થી 1015 સુધી રાજ્ય કર્યું. તેના અમલ દરમિયાન તેનો યુદ્ધ અને શાંતિ માટેનો મંત્રી સિંહદત્ત હતો. ભીમરથ પછી તેનો પુત્ર ધર્મરથ (ઈ. સ. 1015–1020) ગાદીએ બેઠો. ધર્મરથ અપુત્ર હતો એટલે તેના પછી તેનો ભાઈ નહુશા (કે નગુશા) ગાદીએ બેઠો. તેના શાસનનો સમય મુશ્કેલીઓથી ભરેલો હતો. ભુવનેશ્વરના અભિલેખમાં નહુશાનો ઉલ્લેખ નથી. તે અભિલેખ મુજબ ધર્મરથ પછી મંત્રીઓએ રાજકુટુંબના ચંડીહાર યયાતિને ગાદીએ બેસાડ્યો. તેણે કોસલ અને ઉત્કલના તેના પ્રદેશોમાંથી દુશ્મનોને હાંકી કાઢ્યા. ચંડીહાર પછી તેનો પુત્ર ઉદ્યોતકેસરી મહાભવગુપ્ત 4થો
(ઈ. સ. 1055–1080) ગાદીએ બેઠો. તે પરમ માહેશ્વર હતો. તે આ કુળનો છેલ્લો મહાન શાસક હતો. તેણે ડાહલ, ઓડ્ર અને ગૌડ પ્રદેશો પર વિજય મેળવ્યો હતો. તેના પછીના સોમવંશી રાજાઓ નિર્બળ હતા. ગંગનરેશ ચોડગંગે (ઈ. સ. 1078–1150) સોમવંશી રાજાની સત્તા હેઠળનો ઉત્કલનો પ્રદેશ જીતી લીધો અને છિંદક (નાગ) રાજા સોમેશ્વર (ઈ. સ. 1090–1110) તથા તેના ચોળવંશના સામંત યશોરાજે સોમવંશની સત્તા હેઠળનું કોસલ પણ જીતી લીધું.
દશરથલાલ ગૌ. વેદિયા
જયકુમાર ર. શુક્લ