નિર્યામ ગણતરી (dead reckoning) : નૌકાની સફર દરમિયાન, નૌનયન નકશા પર, અફાટ સમુદ્ર પર નૌકાનું અંદાજિત સ્થાન નક્કી કરવાની રીત. આવું અંદાજિત સ્થાન, અગાઉ ચોકસાઈપૂર્વક નિશ્ચિત કરાયેલ સ્થાનના સંદર્ભમાં હોય છે.
નૌનયન દરમિયાન સમયાંતરે, સમુદ્ર પર નૌકાનું સ્થાન, અવકાશના ચોક્કસ ગ્રહો કે તારાઓના નિરીક્ષણ તથા આનુષંગિક ગણતરીઓ દ્વારા ચોકસાઈપૂર્વક નિશ્ચિત કરાય છે. આ પ્રમાણે, ચોકસાઈપૂર્વક નૌકાનું સ્થાન નક્કી કરવાના સાતત્યપૂર્ણ (successive) ગાળા દરમિયાન પણ, ગતિમાન નૌકા, નિર્ધારિત દિશામાં જ લક્ષ્ય તરફ ગતિ કરે એ સુનિશ્ચિત (ensure) કરવા માટે, વખતોવખત નૌકાનું સ્થાન, ત્વરિત પણ અંદાજિત રીતે, નિર્યામ ગણતરી દ્વારા નક્કી કરાય છે.
સફર દરમિયાન ગતિમાન નૌકા પર પવન તથા સમુદ્રના પ્રવાહોની અસર થાય છે, જેને લીધે નૌકા, લક્ષ્ય તરફની નિર્ધારિત દિશામાંથી ચ્યુત થાય છે. ગતિની દિશામાં થતા, આ સંભવિત ફેરફારનો સામનો કરવા માટે નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ, નૌકાની ગતિની દૃશ્યમાન દિશા(apparent direction)માં થોડો ફેર રાખવામાં આવે છે, જેથી પવન તથા સમુદ્રપ્રવાહોને લીધે થતી અસર નીચે પણ નૌકા નિર્ધારિત લક્ષ્ય તરફ જ ગતિ કરે.
નિર્યામ ગણતરી દ્વારા નક્કી કરાયેલ નૌકાનું સ્થાન અંદાજિત જ હોય છે અને સમયાંતરે ગ્રહો કે તારાઓના નિરીક્ષણ દ્વારા અથવા અન્ય આધુનિક સાધનો દ્વારા નૌકાનું ચોક્કસ સ્થાન નકશા પર નક્કી કરવાનું આવશ્યક છે. તેમ છતાં, નૌનયનમાં નિર્યામ ગણતરી ખૂબ ઉપયોગી અને જરૂરી છે.
નિર્યામ ગણતરી દ્વારા નૌકાનું સ્થાન અંદાજવામાં બે પ્રકારની માહિતી જરૂરી છે. એક નૌકાની ગતિની દિશા અને બીજું નૌકાએ કાપેલું અંતર. આ બંને માહિતી નૌકાના અગાઉ નિશ્ચિત કરાયેલ, ચોક્કસ સ્થાનના સંદર્ભમાં હોય છે. નૌકાની ગતિની દિશા સામાન્યત: હોકાયંત્રથી નક્કી કરાય છે અને નૌકાએ કાપેલું અંતર, નૌકાની અંદાજિત ઝડપ તથા સમયના ગુણાકારથી મેળવાય છે.
હોકાયંત્ર (ચુંબકીય કંપાસ) પ્રાચીન સમયથી નૌનયનમાં દિશા જાણવા માટે વપરાતું અગત્યનું સાધન છે. આધુનિક મરીન ચુંબકીય કંપાસમાં, ઉત્તર દિશા બતાવતી અને ધરી પર સરળતાથી ફરી શકે એેવી ચુંબકીય સોય તથા એની સાથે જોડાયેલ અને 0°થી 360° દર્શાવતું કંપાસ કાર્ડ હોય છે. ચુંબકીય કંપાસમાં બે પ્રકારની ક્ષતિઓ (errors) હોય છે, જેને ચુંબકીય ક્ષતિ (variation) તથા ચ્યુતિ (Diviation) કહે છે. નૌકામાં ચુંબકીય કંપાસ બેસાડતાં પહેલાં આ ક્ષતિઓ યોગ્ય રીતે નિર્મૂલ કરવી પડે. આધુનિક નૌકાઓમાં ઉપર્યુક્ત ક્ષતિઓ રહિત ગાયરોકંપાસ પણ ગોઠવવામાં આવે છે.
નિર્યામ ગણતરી માટે નૌકાએ કાપેલું અંતર નક્કી કરવા, નૌકાની અંદાજિત ઝડપ, નૌકામાંથી ફેંકાતા તરતા પદાર્થ (log) દ્વારા જાણી શકાય છે.
ભ. પ. કૂકડિયા