નિર્વાણ : બૌદ્ધમતે મોક્ષ. બૌદ્ધો મોક્ષ માટે ‘નિર્વાણ’ શબ્દનો પ્રયોગ કરે છે. બૌદ્ધમતે ચિત્ત જ આત્મા છે. ચિત્ત સ્વભાવથી પ્રભાસ્વર છે. જ્ઞાન અને દર્શન તેનો સ્વભાવ છે. રાગ-દ્વેષ આદિ મળો આગંતુક છે. આ આગંતુક મળો અનાદિ કાળથી ચિત્તપ્રવાહ સાથે સેળભેળ થઈ ગયા છે. તેમને દૂર કરી ચિત્તને તેના મૂળ સ્વભાવમાં લાવવા માટે બુદ્ધોપદેશ છે. મળો દૂર થતાં ચિત્તનું સ્વ-સ્વભાવમાં આવવું તે જ નિર્વાણ છે. રાગાદિ ક્લેશવાળું ચિત્ત એટલે સંસાર. રાગાદિથી મુક્ત ચિત્ત એટલે મોક્ષ. શાંતરક્ષિત સ્પષ્ટ લખે છે કે ચિત્તની મલવિહીન સ્થિતિ તે મોક્ષ.

બૌદ્ધ નિર્વાણને વિશે કહેવામાં આવ્યું છે કે રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન એવા પંચસ્કંધાભાવ એ મોક્ષ અર્થાત્ નિર્વાણ છે. રૂપસ્કન્ધ દેહવાચી છે. તેનો વ્યાપક અર્થ છે ભૂત-ભૌતિક જ્ઞેય પદાર્થો. વિજ્ઞાન-સ્કન્ધ એ નિર્વિચાર અને પરિણામે કેવળ અનુભવાત્મક એવું વિષયાકાર જ્ઞાન છે. સંજ્ઞાસ્કન્ધ એ સવિચાર અને સ્મૃતિરૂપ જ્ઞાન છે. વેદનાસ્કન્ધ સુખદુ:ખનું વેદન છે. સંસ્કારસ્કન્ધ એ વાસના છે. આ પાંચ સ્કન્ધોનો નિરોધ નિર્વાણ છે. આનો અર્થ એ થયો કે ચિત્તની વૃત્તિરહિતતા નિર્વાણ છે. નિર્વાણમાં વિષયાકારો કે સુખદુ:ખાકારો ચિત્તમાં ઊઠતા નથી. નિર્વાણમાં કેવળ શાંતિ હોય છે. તેને સુખ ગણવું હોય તો સુખ ગણો. એક વાર ચિત્ત આવી અવસ્થાને પામે પછી તે તેમાંથી ચ્યુત થતું નથી. આ અર્થમાં નિર્વાણને અચ્યુત અને નિત્ય ગણવામાં આવે છે.

રૂપાદિ પાંચ સ્કન્ધો જ સંસારી અવસ્થામાં એક ચિત્તનો બીજા ચિત્તથી ભેદ કરે છે અને વ્યક્તિત્વ બક્ષે છે. આ વ્યક્તિત્વને માટે ‘પુદગલ’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. રૂપ આદિ પાંચ સ્કન્ધો જ ચિત્તનું વ્યક્તિત્વ છે, મહોરું છે. તેમનાથી અતિરિક્ત વ્યક્તિત્વ છે જ નહિ. આ સમજાવવા માટે જ નાગસેને રથનું પ્રસિદ્ધ દૃષ્ટાંત આપ્યું છે. રથના એક એક અવયવને લઈને નાગસેન પૂછે છે, ‘‘આ રથ છે! દરેક વખત મિલિન્દ ‘‘ના’’ કહે છે. છેવટે કોઈ અવયવ કે કશું બચતું નથી . ત્યારે નાગસેન પૂછે છે કે તો પછી રથ ક્યાં ? ચક્ર આદિ અવયવોથી અતિરિક્ત રથ નામની કોઈ અવયવી વસ્તુ નથી. અવયવોથી ભિન્ન અવયવી નામની કોઈ વસ્તુને બૌદ્ધો સ્વીકારતા નથી એ જાણીતું છે. સ્કન્ધો પોતે જ વ્યક્તિત્વ છે. આ વ્યક્તિત્વને જ પુદગલ કહેવામાં આવે છે. નિર્વાણમાં પાંચ સ્કન્ધોનો અભાવ થતાં વ્યક્તિત્વ અર્થાત્ પુદગલનો અભાવ થાય છે; પરંતુ એનો અર્થ એ નહિ કે ચિત્તનો અભાવ થઈ જાય છે. વ્યક્તિત્વવિહીન ચિત્ત તો નિર્વાણમાં રહે છે જ. અર્થાત્ નિર્વાણમાં બધાં ચિત્તો તદ્દન એકસરખાં જ હોય છે. તેમની વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ હોતો નથી. દીપનિર્વાણનું દૃષ્ટાંત આ પુદગલ નિર્વાણને સમજાવે છે. તેલ ખૂટી જતાં દીવો જેમ ઓલવાઈ જાય છે, તેનો ઉચ્છેદ થાય છે, તેમ પાંચ સ્કન્ધોનો અભાવ થતાં વ્યક્તિત્વનો (પુદગલનો) નાશ થાય છે. ‘આત્મા’ શબ્દ ચિત્ત અને પુદગલ બંનેને માટે વપરાયો હોવાથી નિર્વાણમાં ચિત્તનોય અભાવ થઈ જાય છે એવી ગેરસમજ ઊભી થઈ છે.

કેટલાકના મતે દીપનિર્વાણનું દૃષ્ટાન્ત, મુક્ત થયેલું ચિત્ત ક્યાં જાય છે એવા પ્રશ્નનો પોતાનો ઉત્તર સમજાવવા બૌદ્ધોએ આપેલ છે. દીવો બુઝાઈ જતાં ક્યાં જાય છે ? પૂર્વમાં, ઉત્તરમાં, ઉપર, નીચે, દક્ષિણમાં, ઇત્યાદિ ? આવો પ્રશ્ન પૂછી બૌદ્ધો સૂચવવા માગે છે કે મુક્ત થયેલું ચિત્ત ક્યાં જાય છે એ પ્રશ્ન પૂછવો યોગ્ય નથી. તે અમુક જગ્યાએ જઈને રહે છે એમ કહેવું ઉચિત નથી.

બૌદ્ધોએ નિર્વાણના બે પ્રકાર માન્યા છે : સોપધિશેષ અને નિરુપધિશેષ. સોપધિશેષમાં રાગાદિનો નાશ થઈ જાય છે, પણ પંચસ્કન્ધો રહે છે. અહીં ચિત્તનું પુદગલ નિરાસ્રવ (રાગાદિ દોષરહિત) હોય છે. આને જીવન્મુક્તિ ગણી શકાય. નિરુપધિશેષમાં પાંચ સ્કન્ધોનો પણ અભાવ થઈ જાય છે. અહીં ચિત્તનું પુદગલ અર્થાત્ વ્યક્તિત્વ પણ નાશ પામે છે. કેવળ ચિત્ત જ રહે છે. આને વિદેહમુક્તિ ગણી શકાય.

બૌદ્ધોનું ચિત્ત ક્ષણિક છે, તો પછી તેના મોક્ષની વાત કરવાનો શો અર્થ ? આનો ઉત્તર એ છે કે ચિત્ત ક્ષણિક હોવા છતાં ક્ષણિક ચિત્તોની એક હારમાળાને (સન્તતિને), જેમાં પૂર્વ-પૂર્વનાં ક્ષણિક ચિત્તો ઉત્તર-ઉત્તરનાં ક્ષણિક ચિત્તોનાં ઉપાદાનકારણો હોય છે એવું બૌદ્ધો માને છે. ચિત્તસન્તતિમાં પ્રવાહનિત્યતા છે. તેથી તેના મોક્ષની વાત કરવામાં કશું અનુચિત નથી. જે ચિત્તસન્તતિ મળો દૂર કરી શુદ્ધ થાય છે તે જ ચિત્તસન્તતિ મુક્ત થાય છે, બીજી નહિ. ચિત્તસન્તતિ ચિત્તદ્રવ્યસ્થાનીય છે.

બુદ્ધે નિર્વાણના ઉપાયો તરીકે શીલ, સમાધિ અને પ્રજ્ઞાને ગણાવ્યાં છે. વળી તેમણે આર્ય અષ્ટાંગિક માર્ગ, સાત બોધિ-અંગ, ચાર મૈત્રી આદિ ભાવના (બ્રહ્મવિહાર) અને સમાધિને પણ નિર્વાણના ઉપાયો ગણ્યા છે. બૌદ્ધો પણ કહે છે કે તૃષ્ણા જ દુ:ખનું મૂળ છે અને કર્મબંધનું કારણ છે. જે તૃષ્ણારહિત બની પ્રવૃત્તિ કરે છે, તે દુ:ખી થતો નથી અને કર્મથી બંધાતો નથી.

નગીનભાઈ જીવણલાલ શાહ