નિર્માલ્ય ખનિજ : ધાતુઓનાં અલગીકરણ કે સંકેન્દ્રીકરણની ક્રિયાઓમાંથી મળતાં ઉપયોગમાં ન આવી શકે તેવાં ખનિજદ્રવ્યો. ખનિજો એ ઘણી જ અગત્યની કુદરતી સંપત્તિ ગણાય છે. ધાતુઓ, અકાર્બનિક રસાયણો તેમજ ઘણીબધી અન્ય ઔદ્યોગિક પેદાશો ખનિજોમાંથી મેળવાય છે. જંગલોની અને ખેતીની પેદાશો જમીનના પ્રકાર અને ફળદ્રૂપતા પર આધાર રાખે છે, તે જમીનો પણ છેવટે તો ખનિજોમાંથી જ બનેલી હોય છે. ખનિજોને ધાત્વિક અને અધાત્વિક ખનિજોમાં વહેંચેલાં છે. અધાત્વિક ખનિજોને સામાન્ય ખનિજો, ઔદ્યોગિક ખનિજો તથા કીમતી-અર્ધકીમતી ખનિજોમાં વહેંચેલાં છે. નિર્માલ્ય ખનિજોનું અર્થઘટન આ પ્રમાણે કરવામાં આવે છે : (1) મૂલ્યવાન-કીમતી ખનિજ કે ધાતુખનિજ સાથે સંકળાયેલાં અસાર ખનિજો. (2) ધાતુખનિજનિક્ષેપો સાથે રહેલાં બિનકીમતી ખનિજો. (3) શિરાપાષાણ (veinstones) કે ધાતુશિરા સાથે મળતી બિનકીમતી ખનિજપુરવણી. (4) જેમાંથી ધાતુ મેળવી શકાય નહિ એવા કોઈ પણ ધાતુખનિજનો ભાગ. (5) ધાતુખનિજોના ખનનકાર્યમાંથી મળતું બિનઉપયોગી દ્રવ્ય.

ધાતુઓના અલગીકરણ અને સંકેન્દ્રીકરણની ક્રિયામાંથી ઉપયોગમાં ન આવી શકે એવા નકામા દ્રવ્ય માટે આ પર્યાય વપરાય છે. નિર્માલ્ય ખનિજોમાં સામાન્ય રીતે ક્વાર્ટ્ઝ, કૅલ્શાઈટ, ફ્લોરાઇટ, સિડેરાઇટ, પાયરાઇટ વગેરેનો સમાવેશ થતો હોય છે, તેમ છતાં કોઈ એક ધાતુખનિજ–જથ્થામાંથી મળતાં નિર્માલ્ય ખનિજ અન્ય કોઈ જથ્થા માટે કાર્યોપયોગી હોઈ શકે, અથવા આજનું નિર્માલ્ય ખનિજ ભવિષ્યમાં ઉપયોગી નીવડી શકે. સીસા-જસત-ધાતુખનિજ નિક્ષેપોમાંથી મળતું પાયરાઇટ તે નિક્ષેપજથ્થા માટે નિર્માલ્ય ખનિજ ગણાય, પરંતુ જ્યાં પાયરાઇટના વિપુલ જથ્થા સ્વતંત્ર રીતે મળતા હોય ત્યાંથી તે ફાયદાકારક બનતા હોય તો ઉપયોગમાં લેવાય છે. બેરાઇટ કે ફ્લોરાઇટ જેવા ખનિજ-નિક્ષેપો પણ ઔદ્યોગિક કાર્યમાં એક યા બીજી રીતે મદદરૂપ નીવડે છે.

ગિરીશભાઈ પંડ્યા