નાસ્તિક : ભારતીય પરંપરા પ્રમાણે વેદમાં અને વેદધર્મમાં આસ્થા કે શ્રદ્ધા ન ધરાવનાર મનુષ્ય. ભારતમાં પ્રાચીન કાળથી વેદમાં અશ્રદ્ધા રાખનારા નાસ્તિકોની પરંપરા ચાલી આવે છે. વેદના મંત્રો અર્થ વગરના છે એવો મત વ્યક્ત કરનારા કૌત્સ ઋષિનો મત છેક વેદાંગ નિરુક્તમાં રજૂ કરી આચાર્ય યાસ્કે તેનું ખંડન કર્યું છે. પ્રાચીન ભારતના નાસ્તિકોમાં ચાર્વાક બૃહસ્પતિ અગ્રેસર છે. ચાર્વાકના અનુયાયીઓ શરીરને જ આત્મા માને છે. વેદો, વૈદિક યજ્ઞો અને તેનાં ફળસ્વરૂપ પરલોક, સ્વર્ગ, નરક, અપ્રત્યક્ષ બ્રહ્મ કે ઈશ્વર વગેરેને માનતા નથી. દેવું કરીને ઘી પીને શરીરને જ ટકાવી રાખવામાં માનનારા આ નાસ્તિકો તમામ ભય કે ડર બાજુએ મૂકીને જીવનારા હોય છે એમ મહાકવિ માઘે તેમના ‘શિશુપાલવધ’માં કહ્યું છે.
ધર્મશાસ્ત્રીય ગ્રંથ ‘મનુસ્મૃતિ’ 4/163માં નાસ્તિક એટલે વેદ અને દેવની નિંદા કરનાર, પરલોક અને તેનાં કારણ, અષ્ટ કર્મફળ વગેરેનો અભાવ માનનાર, કર્મનો સાક્ષી ઈશ્વર છે જ નહીં એમ માનનાર, વેદ અને વેદમાં કહેલી સ્વર્ગ વગેરે વસ્તુઓ નહીં માનનાર વ્યક્તિ છે એમ કહ્યું છે.
વેદને પ્રમાણ નહીં માનનારાં દર્શનો નાસ્તિક છે કે જેમાં (1) ચાર્વાક-દર્શન, (2) જૈન દર્શન, (3) માધ્યમિક બૌદ્ધ દર્શન, (4) યોગાચાર બૌદ્ધ દર્શન, (5) સૌત્રાન્તિક બૌદ્ધ દર્શન અને (6) વૈભાષિક બૌદ્ધ દર્શનનો સમાવેશ થાય છે. સાંખ્ય વગેરે છ દર્શનો વેદને પ્રમાણ માનતાં હોવાથી આસ્તિક દર્શનો કહેવાય છે.
‘નાસ્તિક’ શબ્દનો અર્થ કઠ અને છાંદોગ્ય ઉપનિષદો મુજબ દેહાતિરિક્ત આત્માનું અસ્તિત્વ ન માનનારા એવો છે. અસત્ તત્વથી જગતની ઉત્પત્તિ થાય છે એમ માનનારા નાસ્તિક છે એમ શંકરાચાર્ય ઉપનિષદ્-ભાષ્યમાં જણાવે છે. જડ તત્વમાંથી ચૈતન્યની ઉત્પત્તિ થાય છે એમ માનનારા નાસ્તિક છે એવો અભિપ્રાય નાગેશ ભટ્ટે પોતાની ‘દુર્ગાસપ્તશતી’ પરની ટીકામાં દર્શાવ્યો છે. વૈયાકરણ પાણિનિ અને નિરુક્તકાર યાસ્ક પરલોકનું અસ્તિત્વ ન માનનારાને નાસ્તિક કહે છે. હેમચંદ્ર પાપ-પુણ્ય ન માનનારાને નાસ્તિક ગણાવે છે. મહાભારત જણાવે છે કે વિવેક, ધર્મ, અર્થ વગેરેનો નાશ કરનારા અજ્ઞાનને લીધે ભોગ માટે હિંસા વગેરે દુરાચાર કરનાર નાસ્તિક છે. જ્યારે ‘સર્વસિદ્ધાન્તસંગ્રહ’ અને ‘સર્વદર્શનસંગ્રહ’ વગેરે ગ્રંથો ‘મનુસ્મૃતિ’ને અનુસરી વેદને ન માનનારા ચાર્વાક, જૈન, બૌદ્ધ વગેરેને નાસ્તિક કહે છે.
પ્ર. ઉ. શાસ્ત્રી
યજ્ઞેશ્વર શાસ્ત્રી