નાસૂર (dacryocystitis)

January, 1998

નાસૂર (dacryocystitis) : ચેપને કારણે થતો અશ્રુપોટીનો પીડાકારક સોજો. તેને અશ્રુપોટીશોથ (dacryocystitis) કહે છે. આંખમાં નેત્રકલા (conjunctiva) અને સ્વચ્છા(cornea)ને ભીનાં રાખવા માટે અશ્રુગ્રંથિ(lacrimal gland)માં આંસુ (અશ્રુ) બને છે. આંખના ડોળાની બહાર, આંખના ગોખલામાં બહાર અને ઉપલી બાજુ અશ્રુગ્રંથિ આવેલી છે. તે લગભગ 12 જેટલી નલિકાઓ (ducts) દ્વારા ઉપલા પોપચાની પાછળથી અશ્રુનો સ્રાવ (secretion) કરે છે. આંખના નાક પાસેના ખૂણે એક છિદ્રદ્વાર આવેલું છે. તેને અશ્રુછિદ્રદ્વાર (lacrimal punctum) કહે છે. તે 6 મિમી.નો ઊપસેલો ભાગ હોય છે. તેમાંની અશ્રુદ્વારનલિકા (lacrimal canaliculus) દ્વારા આંખની ફાડમાં ભરાયેલું અશ્રુનું પ્રવાહી વહીને નાકની પાસે આવેલા હાડકાના પોલાણમાં રહેલી અશ્રુપોટી(lacrimal sac)માં એકઠું થાય છે. અશ્રુદ્વારનલિકા 7થી 9 મિમી.ની હોય છે. અશ્રુપોટીમાંથી ત્યારબાદ તે અશ્રુપોટી-નાસિકા-નલિકા અથવા નાસાશ્રુનલિકા (naso-lacrimal duct) દ્વારા નાકમાં વહી જાય છે. અશ્રુપોટી 13 મિમી.  6 મિમી.ની નાની પોટલી જેવી છે અને અશ્રુપોટી-નાસિકાનલિકા 17 મિમી.ની હોય છે. અશ્રુનું ઉત્પાદન આ માર્ગની ક્ષમતા કરતાં વધુ હોય ત્યારે તે નીચલા પોપચા પરથી ઊભરાઈને ગાલ પર વહે છે. તેને આંસુ વહેવાં કહે છે. લાગણીઓના ઉશ્કેરાટમાં, નેત્રકલાના રોગોમાં કે આંખમાં કોઈ બહારનો પદાર્થ પડે ત્યારે આ સ્થિતિ થાય છે.

અશ્રુમાર્ગ : (1) અશ્રુગ્રંથિ, (2) અશ્રુગ્રંથિનલિકાઓ, (3) અશ્રુછિદ્રદ્વાર, (4) અશ્રુછિદ્રદ્વારનલિકા, (5) અશ્રુપોટી, (6) નાસાશ્રુનલિકા, (7) નાક

અશ્રુપોટી માટેનો ગોખલો અશ્રુલક્ષી અસ્થિ (lacrimal bone) અને ઉપલા જડબાના હાડકાના અગ્રસ્થ પ્રવર્ધ(frontal process)નો બનેલો હોય છે. તેને અશ્રુપોટીકોટર (lacrimal fossa) કહે છે. અશ્રુદ્વાર-નલિકા ખૂલે છે તે ભાગને અશ્રુપોટીનો અંતસ્તલ(fundus) કહે છે.

આંસુ અશ્રુગ્રંથિનો સ્રાવ છે. તે આલ્કેલાઇન PH ધરાવે છે. તેમાં મુખ્યત્વે પાણી અને થોડા પ્રમાણમાં સોડિયમ ક્લોરાઇડ (મીઠું), શર્કરા, યુરિયા અને પ્રોટીન હોય છે. તેમાંનો લયનકારી ઉત્સેચક (lysozyme) આંખની ફાડમાંના જીવાણુનો નાશ કરે છે. જન્મનાં 3થી 4 અઠવાડિયાં પછી જ આંસુ બને છે. આંખમાંથી ગાલ પર આંસુ વહે ત્યારે તે મુખ્યત્વે 2 કારણે હોય છે  અધિસરણ (epiphora) અથવા અતિઅશ્રુસ્રાવ (excessive lacrimation). જો અશ્રુવાહી તંત્ર(અશ્રુછિદ્રદ્વાર, અશ્રુદ્વાર-નલિકા, અશ્રુપોટી કે અશ્રુપોટી-નાસિકાનલિકા)માં અવરોધ હોય તો આંખની ફાડમાંનું અશ્રુ ઊભરાઈને ગાલ પર વહે છે. તેને અશ્રુનું અધિસરણ કહે છે. જો અશ્રુગ્રંથિમાં અશ્રુનું ઉત્પાદન વધે તો તેને અતિઅશ્રુસ્રાવ કહે છે. બંને પ્રક્રિયાને સંયુક્ત રૂપે આંખમાં પાણી આવવું (watering of eyes) કહે છે. તેનાં કારણો સારણીમાં દર્શાવ્યાં છે.

સારણી : આંખમાંથી આંસુ વહેવાનાં મુખ્ય કારણો

જૂથ   કારણ
(અ) અશ્રુમાર્ગમાં અવરોધ (1) જન્મથી અશ્રુછિદ્રદ્વાર બંધ હોવું.
(2) મોટી ઉંમરે સ્નાયુની નબળાઈને લીધે, ચહેરાના લકવાને લીધે કે બહાર બાજુ વળી ગયેલા પોપચાને લીધે અશ્રુછિદ્રદ્વાર તેના સ્થાનેથી બહારની બાજુ ખસી ગયેલું હોય.
(3) અશ્રુછિદ્રનલિકામાં ફૂગના ચેપને કારણે અવરોધ.
(4) અશ્રુપોટીમાં સોજો, ગાંઠ કે તેને શસ્ત્રક્રિયાથી દૂર કરેલી હોય.
(5) અશ્રુપોટી-નાસિકાનલિકામાં અવરોધ; દા. ત., અશ્રુપોટીશોથ, નાકમાં મસા, ઉપલા જડબામાં ગાંઠ.
(આ) અશ્રુનું વધેલું ઉત્પાદન (1) ચેતાપરાવર્તી (reflex) ક્રિયારૂપ અતિસ્રાવ (hypersecretion) :
(ક) આંખમાં બાહ્ય પદાર્થ, સ્વચ્છા પર ચાંદું અથવા ઠંડી હવા, ધૂળ, ધુમાડો કે ક્ષોભ કરતા વાયુનો સંસર્ગ.
(ખ) અતિશય તીવ્ર પ્રકાશની હાજરી.
(ગ) આંખને પડતો વધુ પડતો શ્રમ (તણાવ).
(ઘ) નાકમાં થયેલી શરદી.
(2) પાયલોકાર્પિન અને ફાયઝોસ્ટિગ્મીન દવાનો ઉપયોગ.
(3) અશ્રુગ્રંથિનો રોગ; દા. ત., મિકુલિઝ રોગનો શરૂઆતનો તબક્કો.
(4) લાગણીજન્ય કે માનસિક કારણો.

અશ્રુમાર્ગના વિવિધ રોગોમાં નેત્રશુષ્કતા (dryness of eyes), અશ્રુગ્રંથિશોથ (dacryoadenitis), અશ્રુગ્રંથિની ગાંઠો તથા અશ્રુપોટીશોથ અથવા નાસૂર મુખ્ય છે. વિટામિન – એની ઊણપ, નેત્રખીલ (trachoma) તથા જોગ્રેન સંલક્ષણ કે સ્ટીવન જૉનસન સંલક્ષણ પછી આંખ સુક્કી થાય છે. તેને નેત્રશુષ્કતા કહે છે. લાપોટિયું કે ગૉનોરિયાનો ચેપ લાગ્યો હોય ત્યારે ક્યારેક અશ્રુગ્રંથિમાં પીડાકારક સોજો આવે છે. તેને અશ્રુગ્રંથિશોથ કહે છે. તેમાં પણ આંસુ વહેવાનો વિકાર થાય છે.

અશ્રુપોટીશોથ : અશ્રુપોટીના પીડાકારક સોજાના 3 પ્રકારો છે : (અ) નવજાત શિશુને થતો જન્મજાત અશ્રુપોટીશોથ (congenital dacryocystitis), (આ) પુખ્તવયનો પ્રાથમિક અશ્રુપોટીશોથ જેના 2 ઉપપ્રકારો છે : (આ-1) દીર્ઘકાલી અને (આ-2) ઉગ્ર તથા (ઇ) આનુષંગિક (secondary) અશ્રુપોટીશોથ, જેના પણ 2 ઉપપ્રકારો છે : (ઇ-1) શિશુનો વિકાર અને (ઇ-2) પુખ્તવયનો વિકાર.

(અ) જન્મજાત અશ્રુપોટીશોથ : નવજાત શિશુમાં જો નાસાશ્રુનલિકા ન વિકસી હોય અથવા તો તે કોઈ બાહ્ય દ્રવ્યથી બંધ થયેલી હોય તો અશ્રુપોટીમાં પ્રવાહી ભરાઈ રહે છે. તે ક્યારેક બંને આંખમાં પણ થાય છે. તેના કારણે ગાલ પર આંસુ વહે છે, આંખના અંદરના ખૂણે પરુનાં બિન્દુ (પીયા) બાઝે છે. નાકના આંખ પાસેના  ભાગને દબાવવાથી અશ્રુછિદ્રદ્વારમાંથી પરુ નીકળે છે. તેમાં ચેપ લાગે છે. ઘણી વખતે અશ્રુપોટીની જગ્યાએ નાકના મૂળ પાસે જોરથી દબાવવાથી જ નાસાશ્રુનલિકા ખૂલી જાય છે. ક્યારેક તેમાં તાર નાખીને તેને ખોલવી પડે છે (probing). સામાન્ય રીતે 2થી 6 મહિનાની ઉંમર પહેલાં આ પ્રકારની સારવાર આપવાનું સૂચવાય છે.

(આ-1) પુખ્તવયનો દીર્ઘકાલી પ્રાથમિક અશ્રુપોટીશોથ (chronic primary dacryocystitis) : તે મુખ્યત્વે પુખ્તવયની સ્ત્રીઓમાં જોવા મળે છે (75 %). તે એક અથવા બંને બાજુ થાય છે. સામાન્ય રીતે નીચલા મધ્યમ વર્ગની વ્યક્તિઓમાં તે વધુ જોવા મળે છે. નાકમાંના મસા કે અન્ય રોગોને કારણે તે શરૂ થાય છે અને પાછળથી અશ્રુપોટીમાં જીવાણુ(bacteria)નો ચેપ લાગે છે તેના કારણે આંખમાં પાણી આવ્યા કરે છે તથા આંખનો અંદરનો ખૂણો લાલ રહે છે. શરૂઆતના સમયે અશ્રુછિદ્રદ્વારમાંથી કોઈ પ્રવાહી નીકળતું નથી તથા કોઈ સોજો કે દુખાવો થતો નથી. પાછળથી અશ્રુપોટી પ્રવાહી ભરાવાથી ફૂલે છે અને તેને દબાવવાથી અશ્રુછિદ્રદ્વારમાંથી પ્રવાહી બહાર આવે છે. ક્યારેક જો અશ્રુદ્વારનલિકા બંધ થયેલી હોય તો આ પ્રકારનું પાછું ફરતું પ્રવાહી આંખના અંદરના ખૂણામાં બહાર આવતું નથી. આંખનો અંદરનો ખૂણો સહેજ લાલ રહે છે. રોગના છેલ્લા તબક્કામાં અશ્રુપોટીમાંનું પ્રવાહી ચેપના કારણે પરુમાં ફેરવાય છે. આંખની લાલાશ વધે છે અને નાકના મૂળ પાસે દબાવતાં અશ્રુછિદ્રદ્વારમાંથી પરુ નીકળે છે. આંખમાંથી પાણી ઊભરાવાનું સતત ચાલુ રહે છે. જો નાસાશ્રુનલિકા થોડી ખુલ્લી રહી ગઈ હોય તો અશ્રુપોટીમાંનું પ્રવાહી કે પરુ નાકમાં વહે છે. તેની આનુષંગિક તકલીફ રૂપે ક્યારેક ઉગ્ર અશ્રુપોટીશોથ, સ્વચ્છા (કીકીનું ઢાંકણ) પર ચાંદું કે લાંબા સમય માટે આંખ આવવાનો વિકાર થાય છે.

શરૂઆતના તબક્કામાં અશ્રુપોટી-નાસિકાનલિકામાં તાર પરોવીને કે તેમાં પ્રવાહીનું ઇન્જેક્શન આપીને તેને સાફ કરાય છે. તેમાં જરૂર પડ્યે પેનિસિલીન કે અન્ય ઍન્ટિબાયૉટિક દવા પણ નંખાય છે. જો ઉપર જણાવેલી નલિકા ખુલ્લી ન હોય તો આ પ્રક્રિયા નિષ્ફળ જાય છે. તે સમયે અશ્રુપોટી કાઢી નાંખવાની શસ્ત્રક્રિયા કરાય છે. તેને અશ્રુપોટી-ઉચ્છેદન (dacryocystectomy) કહે છે. તેનાથી ચેપનું સ્થાન જતું રહે છે; પરંતુ આખી જિંદગી આંખમાંથી પાણી વહ્યાં કરે છે. તેથી તેના બદલે જો શક્ય હોય તો અશ્રુપોટી અને નાક વચ્ચે કૃત્રિમ જોડાણ ઊભું કરાય છે. તેને અશ્રુપોટી-નાસિકા કૃત્રિમછિદ્રણ (dacryocysto-rhinostomy) કહે છે. તેમાં આંખમાંથી આંસુ ઊભરાવાનું બંધ થાય છે.

(આ-2) ઉગ્ર અશ્રુપોટીશોથ : અશ્રુપોટીમાં પરુ કરતો ઉગ્ર પ્રકારનો ચેપ ક્યારેક દીર્ઘકાલી વિકારમાં આનુષંગિક તકલીફ રૂપે થઈ આવે છે અથવા તો ક્યારેક આપોઆપ જ ઉગ્રવિકાર થાય છે. ગ્રામ-પૉઝિટિવ પ્રકારના જીવાણુઓ મુખ્યત્વે કારણરૂપ હોય છે. અશ્રુપોટીમાં પરુ ભરાય છે અને તેથી તે ભાગ ગરમ થાય છે અને તેમાં પીડા થાય છે. દર્દીને તાવ આવે છે અને આંખમાંથી પાણી પડે છે. આંખનાં પોપચાં અને નાકના નજીકના ભાગ પર સોજો આવે છે. તે સ્થળે અડવાથી પીડા થાય છે. સામાન્ય રીતે નાકના મૂળ પાસે દબાવવાથી પરુ કે પાણી નીકળતું નથી. ક્યારેક પરુનું ગૂમડું ચામડીમાં ફૂટે છે. તેની આનુષંગિક તકલીફ રૂપે હાડકામાં, આંખના ગોખલામાં, ચહેરા પર કે મગજની નીચે આવેલા જાળીયુક્ત શિરાવિવર(cavernous sinus)માં ચેપ ફેલાય છે.

જો પરુ ભરાઈને ગૂમડું ન થયું હોય તો સ્થાનિક શેક, ઍન્ટિબાયૉટિક (પેનિસિલીન જૂથ) અને પીડાનાશક દવાઓનો ઉપયોગ સફળ રહે છે. જો પરુનું ગૂમડું થયું હોય તો છેદ મૂકીને તે કાઢી નંખાય છે. ચેપ મટ્યા પછી અશ્રુપોટીને કાઢી નાંખવી પડે છે. જો ગૂમડું ફાટી જવાથી સંયોગનળી (fistula) બની હોય તો તેને શસ્ત્રક્રિયાથી દૂર કરવી પડે છે. ફાટી ગયેલા ગૂમડાથી બનેલી નળી ચામડીમાં છેદ કરીને બહારની હવા અને અંદરની અશ્રુપોટી વચ્ચે સંયોગનળી બનાવે છે, જેમાંથી પરુ આવ્યાં કરે છે.

(ઇ) આનષુંગિક અશ્રુપોટીશોથ : બાળકોમાં આસપાસના હાડકામાં ક્ષય કે ઉપદંશ(syphilis)નો ચેપ લાગ્યો હોય તો ક્યારેક તે ચેપ અશ્રુપોટીમાં ફેલાય છે. મોટી ઉંમરે ક્યારેક નેત્રખીલ, કુષ્ઠરોગ (leprosy) કે આસપાસના હાડકાનો ક્ષય કે ઉપદંશીય ચેપ પણ અશ્રુપોટીશોથ કરે છે. આવો ફેલાયેલો ચેપ ક્યારેક જ જોવા મળે છે.

શિલીન નં. શુક્લ

રોહિત દેસાઈ