નાડર, રાલ્ફ (જ. 27 ફેબ્રુઆરી 1934, વિન્સ્ટેડ, કનેક્ટિકટ, યુ.એસ.) : અમેરિકાના અગ્રણી ધારાશાસ્ત્રી તથા ગ્રાહકસુરક્ષાના વિખ્યાત હિમાયતી. લેબનોનથી અમેરિકામાં કાયમી વસવાટ માટે દાખલ થયેલાં પ્રવાસી માતાપિતાના પુત્ર. ઉચ્ચ શિક્ષણ અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટી તથા હાવર્ડ લૉ સ્કૂલમાં લીધું. કાયદાના અભ્યાસ દરમિયાન સ્વયંચાલિત વાહનો દ્વારા થતા માર્ગઅકસ્માતોનો તથા તે વાહનોના ઉત્પાદન દરમિયાન ઉપયોગમાં લેવાતી તકનીકોનો ઊંડો અભ્યાસ કર્યો અને અમેરિકાનો સ્વયંચાલિત વાહન-ઉદ્યોગ લોકોની સુરક્ષાની અવગણના કરી પોતાનો નફો મહત્તમ કરવાના પ્રયાસમાં જ વધુ રચ્યોપચ્યો રહે છે એવો જાહેર આક્ષેપ કર્યો.
આ દૃષ્ટિકોણનું સમર્થન કરતું તેમનું પુસ્તક ‘અનસેફ ઍટ એની સ્પીડ’ (1965) પ્રકાશિત થતાંની સાથે જ લોકપ્રિયતાની ટોચ પર પહોંચી ગયું. આ પુસ્તકના પ્રકાશન ઉપરાંત અમેરિકાની સંસદ(કૉંગ્રેસ)ના ઉપલા ગૃહ-સેનેટમાં તેમણે આ બાબતને લઈને જે સાક્ષી આપી તેના પરિણામ રૂપે નવાં સ્વયંચાલિત વાહનોના ઉત્પાદન દરમિયાન તેમાં સુરક્ષા માટે કયા પ્રકારની તકેદારી રાખવી તેનાં ધોરણો નિર્ધારિત કરતો કાયદો ‘નૅશનલ ટ્રૅફિક ઍન્ડ મોટર વીહિકલ્સ ઍક્ટ, 1966’ પસાર કરવામાં આવ્યો. તેમના સંનિષ્ઠ પ્રયાસોને લીધે જ અમેરિકાની સંસદે 1967માં કતલખાનાંઓ, માંસનું પ્રક્રમણ કરતા ઔદ્યોગિક એકમો, પ્રાકૃતિક વાયુની પાઇપલાઇનો, મરઘાં-બતકાં-ઉછેરકેન્દ્રો જેવા જાહેર જનતાના સ્વાસ્થ્ય પર પ્રત્યક્ષ કે પરોક્ષ અસર કરતા એકમોની ચુસ્ત ચકાસણીને લગતો એક ખાસ કાયદો પસાર કર્યો.
સાથોસાથ જંતુનાશક દવાઓ, રંગીન ટેલિવિઝનને લીધે પ્રસરતું કિરણોત્સર્જન, ક્ષ-કિરણોનો વધુ પડતો ઉપયોગ, ખાદ્ય પદાર્થોમાં ભેળવાતાં સંયોજનો(additives)ની વિપરીત અસરોને લગતા અભ્યાસપૂર્ણ અહેવાલો તથા ઔદ્યોગિક પ્રદૂષણ, ગ્રાહકોને ગેરરસ્તે દોરનાર જાહેરખબરો, સ્વાસ્થ્યકેન્દ્રોમાં આચરવામાં આવતી ગેરરીતિઓ, ખાણોમાં કામ કરતા કામદારોને વેઠવાં પડતાં જોખમો વગેરે પર વસ્તુલક્ષી પ્રકાશ પાડતી પુસ્તિકાઓ તેમણે પ્રકાશિત કરી. તેમના માર્ગદર્શન હેઠળ કામ કરતાં અન્ય અભ્યાસજૂથોએ 1982માં રાષ્ટ્રપ્રમુખ રીગનના વહીવટી તંત્ર પર તલસ્પર્શી પ્રકાશ પાડતો અભ્યાસપૂર્ણ અહેવાલ ‘રીગન્સ રૂલિંગ ક્લાસ: પૉર્ટ્રેટ્સ ઑવ્ ધ પ્રેસિડન્ટ્સ ટૉપ વન હન્ડ્રેડ ઑફિશિયલ્સ’ શીર્ષક હેઠળ પ્રકાશિત કર્યો તો તેમના નેજા હેઠળનાં અન્ય કેટલાંક જૂથોએ ગ્રાહકસુરક્ષા તથા પર્યાવરણીય સંતુલન માટે ઝુંબેશ ઉપાડી અને તેને લગતા ઘણાખરા કિસ્સાઓના દાવાઓ ન્યાયાલયોમાં દાખલ કર્યા.
તેમણે 1968માં ‘સૅન્ટર ફૉર ધ સ્ટડી ઑવ્ રિસ્પૉન્સિવ લૉ’ તથા 1971માં ‘પબ્લિક સિટિઝન ઇન્કૉર્પોરેટેડ’ નામની સંસ્થાઓની સ્થાપના કરી જેમાંથી બીજી સંસ્થાના તે એક દાયકા (1971–80) સુધી અધ્યક્ષ રહ્યા. આ સંસ્થાઓના ઉપક્રમે જાહેર હિતને સ્પર્શતાં કાર્યો તથા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે; દા.ત., સ્વાસ્થ્ય-સુરક્ષા, કરપ્રણાલીમાં સુધારા, ઊર્જાની સમસ્યા વગેરે.
અમેરિકાની સંસદ પર સાચા અર્થમાં કોનું પ્રભુત્વ હોય છે તેના પર પ્રકાશ પાડતો અહેવાલ 1972માં તેમણે ‘હુ રન્સ કૉંગ્રેસ ?’ શીર્ષક હેઠળ પ્રકાશિત કર્યો, જેમાં સંસદનાં બંને ગૃહોના સભ્યોનાં ચરિત્રો સામેલ કરવામાં આવ્યાં હતાં. ઉપરાંત, અમેરિકાના વ્યાપારી નિગમોના માળખા પર તથા તેમના પર અંકુશ ધરાવતાં સત્તામંડળોની ભીતરમાં ચાલતી પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડતો ગ્રંથ ‘બિગ બૉઇઝ : પાવર ઍન્ડ પોઝિશન ઇન અમેરિકન બિઝનેસ’ (1986) પ્રકાશિત કર્યો છે.
આવા ગ્રંથોના પ્રકાશન તથા જાહેરજીવનની પ્રવૃત્તિઓમાં સક્રિય રહેવાને કારણે તેઓ અમેરિકાના ઘરે ઘરે જાણીતું નામ બનવા સાથે સુપ્રસિદ્ધ નેતા પણ બન્યા, લાખો અમેરિકાવાસીઓના તેઓ મૂર્તિમંત (idol) નેતા છે. 1971માં પહેલી વાર તેમનું નામ પ્રમુખપદના સંભવિત ઉમેદવાર તરીકે વહેતું થયું. 1974માં ‘ખાનગી વ્યક્તિ દ્વારા મહાન જાહેર સેવા’ કરવા માટે તેમને એસ. રોજર હોર્થો ઍવૉર્ડ એનાયત થયો. ધીમે ધીમે પર્યાવરણના પ્રખર કર્મશીલ તરીકે તેમનું નામ પહેલી હરોળમાં સ્થાન પામવા લાગ્યું. પર્યાવરણના કર્મશીલ તરીકે નુક્લીઅર શક્તિ વિરોધી આંદોલનમાં ચાવીરૂપ નેતૃત્વ હાંસલ કરીને તેઓ આ નુકલીઅર શક્તિનાં ભયસ્થાનો બાબતે પ્રજાને જાગૃત કરતા રહે છે. 1974માં તેમનું આ આંદોલન અમેરિકામાં સૌથી મોટું આંદોલન ગણાતું હતું. તેના સ્થાનિક ટેકેદારો ઉપરાંત સમગ્ર અમેરિકામાં લગભગ બે લાખથી વધુ ટેકેદારો/સમર્થકો તે ધરાવતા હતા. આ રીતે નુક્લીઅર શક્તિનો વિરોધ કરનાર તેઓ અમેરિકાના અગ્રણી નેતા છે. સિત્તેર અને એંસીના દાયકાઓ દરમિયાન તેઓ ગ્રાહકોના અધિકારો અને જાહેર જવાબદારીના પ્રશ્નોમાં પણ સક્રિય રહ્યા અને નાગરિકો વતી જાહેર હિતના પ્રશ્નોને વાચા આપતા રહ્યા. તેમના આવા વ્યવસ્થિત અને જવાબદાર વિરોધને કારણે અમેરિકાની કૉંગ્રેસને ફ્રીડમ ઑવ્ ઇન્ફરમેશન ઍક્ટ, ફોરેન કરપ્ટ પ્રૅક્ટિસિસ ઍક્ટ, ક્લીન વૉટર ઍક્ટ અને વ્હીસલબ્લોઅર પ્રોટૅક્શન ઍક્ટ જેવા કાયદાઓમાં સુધારા કરવાની ફરજ પડી હતી. આવાં કારણોસર જૂન, 2000માં રુડોલ્ફ નાદર ગ્રીન પાર્ટી વતી અમેરિકાના પ્રમુખપદના દાવેદાર તરીકે સ્વીકારાયા હતા. તેમની આ ઉમેદવારી સમયે વ્યક્તિ દીઠ 20 ડૉલરની ટિકિટ લઈને 15,000 નાગરિકો તેમને સાંભળવા હાજર રહ્યા હતા. 2006માં બીલ ક્લીન્ટનના પ્રમુખપદ હેઠળ જાહેરહિતની તેમની ઘણી વાતો અને વિરોધોને આંખ આડા કાન કરી તેને અવગણવામાં આવતી. એથી 2006માં તેમણે એક દસ્તાવેજી ચિત્ર ‘એન અનરીઝનેબલ મૅન’નું પ્રસારણ કરી ઉપર્યુક્ત બાબતે જાગૃતિ કેળવી સરકારને જાહેરહિતના પ્રશ્ર્નોને સાંભળવાની ફરજ પાડેલી. આ ઉપરાંત વખતોવખત પ્રમુખીય ચૂંટણી વેળા તેઓ તેમના વિચારો અને અભિપ્રાયો સ્પષ્ટ રીતે જાહેરમાં મૂકી ઉમેદવારનું સમર્થન કે વિરોધ કરતા.
અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડી.સી.માં એક અસાધારણ પુસ્તકાલય છે. જે ટૂંકમાં ડી.સી. લાઇબ્રેરી તરીકે જાણીતું છે. આ પુસ્તકાલયની સુધારણા માટે તેમણે ‘ડી.સી. લાઇબ્રેરી રેનેસાં પ્રોજેક્ટ’ રજૂ કરી સ્થગિત બની ગયેલી આ લાઇબ્રેરીને ગતિશીલતા પૂરી પાડી તેનું ખાનગીકરણ (privatization) રોકેલું.
2009માં તેમની પ્રથમ નવલકથા ‘ઑન્લી સુપર રીચ કૅન સેવ યુએસ’ પ્રકાશિત કરી હતી. જેમાં તેમણે અતિધનિકો સામેનું દૃષ્ટિબિંદુ રજૂ કર્યું છે. અલબત્ત, મીડિયામાં તેમની આ નવલકથાએ મિશ્ર પ્રત્યાઘાત ઊભા કરેલા.
એક દસકાના આયોજન પછી 2015માં નાદરે ‘અમેરિકન મ્યુઝિયમ ઑવ્ ટોર્ટ લૉ’ની સ્થાપના કરી. તેમજ આ મ્યુઝિયમ માટે તેમણે વ્યક્તિગત રીતે દોઢ લાખ ડૉલરનું દાન કરેલું. દેશ 200 વર્ષો સુધી આવાં મ્યુઝિયમ વગરનો રહેલો તે અંગે તેમણે ભારે ખેદ પણ વ્યક્ત કર્યો હતો.
હાર્વર્ડ યુનિવર્સિટીના બોર્ડના એક સભ્ય તરીકે ‘ફ્રી હાર્વર્ડ, ફેર હાર્વર્ડ’ની ગતિવિધિ દ્વારા તેમણે યુનિવર્સિટીની પારદર્શકતા વધારવાની ભલામણ કરેલી.
વૈયક્તિક રીતે ઈસ્ટર્ન ઑર્થોડોક્સ ચર્ચના સભ્ય હોવા સાથે તેઓ લૌરા, ક્લેર નામની બે બહેનો અને શફીકના ભાઈ છે. વૉશિંગ્ટન ડી.સી.માં રહેવા છતાં તેઓ કનેક્ટીક્ટ રાજ્યના રજિસ્ટર્ડ મતદાતા છે. અંગ્રેજી ઉપરાંત અરેબિક, રશિયન, પોર્ટુગીઝ અને સ્પૅનિશ ભાષાઓ બોલી જાણે છે. વૈયક્તિક રીતે સાદા નાના ઍપાર્ટમેન્ટમાં રહીને મોજશોખથી દૂર રહી ઓછાં સાધનો સાથેનું સાદગીભર્યું જીવન તેઓ જીવે છે. સામાન્ય રીતે વર્ષાંત ‘સેલ’માંથી કપડાં ખરીદી જીવનખર્ચ નીચે રાખવા પ્રયત્ન કરે છે. ઘણી વાર ચોળાયેલાં, જૂના જેવાં અને અદ્યતન ફૅશનની ઢબછબ વગરનાં કપડાં પહેરવામાં તેમને કોઈ સંકોચ નથી. લગ્ન કર્યા વિના મનમોજી ઢબે જીવવું તે તેમની રોજિંદી શૈલી છે. જીવન ‘પરિવાર કરતાં કારકિર્દીને સમર્પિત’ કરવાની મનોકામના તેમના જીવનને ગતિશીલ રાખે છે. આમ નાદર આજના જીવનનું અનોખું વ્યક્તિત્વ ધરાવતા પ્રજાકીય નેતા છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે
રક્ષા મ. વ્યાસ