નાડકર્ણી, જ્ઞાનેશ્વર

January, 1998

નાડકર્ણી, જ્ઞાનેશ્વર (. 21 મે 1928, મુંબઈ; . 23 ડિસેમ્બર 2010) : મરાઠી લેખક. મુંબઈ યુનિવર્સિટીમાંથી પ્રથમ વર્ગમાં એમ.એ.. ત્યારબાદ કેટલાંય વર્ષો સુધી કૉલેજમાં અધ્યાપન કર્યું અને પછી પત્રકાર બન્યા. એ ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’માં કલા-સમીક્ષક હતા.

એમના ચાર વાર્તાસંગ્રહો પ્રસિદ્ધ થયા છે : ‘પાઉસ’ (1956), ‘ભરતી’ (1958), ‘ચિદઘોષ’ (1966) તથા ‘પ્રસ્થાન’ (1967). એમની ત્રણ નવલકથાઓ પ્રગટ થઈ છે : ‘દોન બહિણી’ (1956), ‘કવડી’ (1958) અને ‘વલયાંકિત’ (1996). એ ઉપરાંત એમનું પ્રવાસપુસ્તક ‘વિલાયતચી વારી’ (1959) પણ પ્રગટ થયું છે. એમણે જગવિખ્યાત ચિત્રકાર પિકાસો તથા રહસ્યચલચિત્રોના સર્જક આલ્ફ્રેડ હિચકૉકના ચરિત્રગ્રંથો લખ્યા છે. એમના અંગ્રેજી પુસ્તક ‘હુસેન રાઇડિંગ ધ લાઇનિંગ’(1996)માં ચિત્રકાર હુસેનનાં ચિત્રો વિશેની ચર્ચા છે; તે માટે એમને મહારાષ્ટ્ર રાજ્ય-સરકારનો પુરસ્કાર મળ્યો હતો. તેમણે અંગ્રેજીમાં ‘ન્યૂ ડિરેક્શન્સ ઇન ધ મરાઠી થિયેટર’ (1987) તથા મહાન મરાઠી નટ બાળ ગંધર્વ વિશે ‘બાળ ગંધર્વ ઍન્ડ ધ મરાઠી થિયેટર’ (1987) લખીને, મરાઠી રંગભૂમિ વિશેના અભ્યાસગ્રંથો આપ્યા છે. પ્રસિદ્ધ મરાઠી ચિત્રકાર ગાયતોંડે વિશે એમણે એક પુસ્તક લખ્યું છે, જે લલિતકલા અકાદમીએ પ્રકાશિત કર્યું છે. આ ઉપરાંત એ લલિતકલા અકાદમીની કાર્યકારિણી સમિતિના સભ્ય તથા નૅશનલ ફિલ્મ્સ ડિવિઝનના સલાહકાર હતા. એમને મળેલાં સન્માનોમાં લલિતકલાનો ઉત્તમ મરાઠી પુસ્તકનો પુરસ્કાર (1967), મહારાષ્ટ્ર રાજ્યશાસન પુરસ્કાર (1989–1996), મહારાષ્ટ્ર નાટ્ય પરિષદનો ‘ખાંડેકર પુરસ્કાર’ તથા ‘કેશવલાલ કોઠાવળે પુરસ્કાર’ (1995) મુખ્ય છે. 1986માં એમને ફ્રેન્ચ સરકારે Knight of the Order of Axis and Lettersનો ખિતાબ આપ્યો હતો.

અરુંધતી દેવસ્થળે