નાડી (pulse)

લોહીના તરંગને કારણે લોહીની નસનું પહોળું થવું તે. સામાન્ય રીતે પોલી અને ધબકતી નસને નાડી કહે છે, જેને અંગ્રેજીમાં pulse કહે છે. તેને ગુજરાતીમાં નાડીનો ધબકાર કહેવાય, પરંતુ રોજિંદા વ્યવહારમાં ‘નાડી’ શબ્દ પણ નાડીના ધબકારા માટે વપરાશમાં લેવાય છે. નસોના કે હૃદયના ધબકારાને સંયુક્ત રીતે pulsations કહે છે. નસોના ધબકારા મુખ્યત્વે 2 ભાગમાં વહેંચવામાં આવે છે : ધમનીજન્ય (arterial) અને શિરાજન્ય (venous). તેવી જ રીતે કેશવાહિનીઓના ધબકારા (pulsations) પણ હોય છે. હૃદયમાંથી ધમનીતંત્ર(arterial system)માં ધકેલાતા લોહીના વહેણને કારણે નાડીનો ધબકાર બનતો નથી, પરંતુ હૃદયના સંકોચનનો ધબકાર એક તરંગ(wave) રૂપે ધમનીઓમાં પ્રસરે છે. તેથી નાડી કે નસનો ધબકાર એક પ્રકારનો તરંગ છે. હૃદયમાંથી ધકેલાયેલું લોહી ત્યાં પહોંચે તે પહેલાં ધબકારનો આ તરંગ ત્યાં પહોંચે છે.

ધમનીજન્ય ધબકાર (arterial pulse) : સામાન્ય રીતે ધમનીઓ શરીરમાં અંદરના ભાગમાં આવેલી હોય છે. તેમાં હૃદયમાંથી આવતું લોહી દબાણ સાથે વહેતું હોવાથી તેમની સુરક્ષા માટે તેને સ્નાયુઓના થરમાં ઊંડે સાચવીને રખાય છે. પરંતુ કેટલેક સ્થળે તે સપાટી પાસે આવે છે ત્યારે તેના ધબકારાને સ્પર્શ વડે જાણી શકાય છે. લમણામાં લમણાની ધમની (temporal artery), ગળામાં શીર્ષકીય ધમની (carotid artery), બાહુમાં કોણીની ઉપર ઊર્ધ્વભુજા ધમની (brachial artery), કાંડા પાસે અગ્રભુજા ધમની (radial artery), અનુઅગ્રભુજા (ulnar) ધમની, જાંઘના ઉપલા ભાગમાં જાંઘીય ધમની (femoral artery), ઢીંચણની પાછળ નળાની નલાકીય (popliteal) ધમની, પાદ(foot)ના ઉપલા ભાગમાં ઘૂંટી(ankle)ના સાંધાની આગળ પાદપૃષ્ઠ (dorsalis paedis) ધમનીના ધબકારા સહેલાઈથી સ્પર્શીને જાણી શકાય છે. સામાન્ય રીતે કાંડા પાસેની અગ્રભુજા ધમનીના ધબકારા નોંધવામાં આવે છે. કાંડાની અંગૂઠા બાજુના છેડા પર હાડકાની ઉપર અગ્રભુજા ધમનીને સહેજ દબાવવાથી તે ધબકારા જાણી શકાય છે. તેને અગ્રભુજા નાડી (radial pulse) કહે છે. અગ્રભુજા નાડી અને શીર્ષકીય નાડી(carotid pulse)ની તપાસથી હૃદયની કેટલીક તકલીફોનું નિદાન સરળ બને છે.

નાડીપરીક્ષણ (examination of pulse) દ્વારા કેટલીક અગત્યની નિદાનલક્ષી માહિતી મળે છે : (1) ધમનીની દીવાલની સ્થિતિ, (2) લોહીના ઉપલા અને નીચલા દબાણ અંગેનો અંદાજ, (3) હૃદય અને રુધિરાભિસરણની સ્થિતિ, (4) હૃદયના ધબકારાની અનિયમિતતાની જાણકારી તથા તેની રુધિરાભિસરણ પરની અસર તથા (5) કેટલાક ચોક્કસ પ્રકારના વિકારોની જાણકારી; દા. ત., મહાધમની વાલ્વમાં થતું લોહીનું વિપરીતગમન (regurgitation) જળહથોડી (water-hammer) પ્રકારની નાડી રચે છે. હૃદયના ડાબા ક્ષેપકની નિષ્ફળતામાં એકાંતરિત નાડી (pulsus alternans) થાય છે. તેથી નાડીને હૃદયના કાર્યનો નિર્દેશાંક કે અરીસો પણ કહે છે.

નાડીપરીક્ષણની પદ્ધતિ : કાંડા પાસે અગ્રભુજાસ્થિ(radius)નો લેખિનીસમ (styloid) નામનો પ્રવર્ધ આવેલો છે. તેનાથી શરીરની મધ્યરેખા તરફ (અંગૂઠા બાજુએ) અને કાંડાની હથેળી તરફની એટલે કે અગ્રસ્થ (anterior) સપાટી પર અગ્રભુજા ધમની (radial artery) પસાર થાય છે. દર્દીના હાથને હથેળી ઉપર રહે તેમ રાખીને કાંડા આગળથી સહેજ વાળવામાં આવે છે અને તે સમયે અગ્રભુજા ધમનીને 3 આંગળી વડે કાંડાની હથેળી તરફની સપાટી પર અંગૂઠા તરફની કિનારી પાસે નીચેના હાડકા ઉપર સહેજ દબાવીને તપાસવામાં આવે છે. સૌપ્રથમ બંને હાથની નાડીને એકસાથે તપાસવામાં આવે છે, જેથી તેમની વચ્ચે જો અસમાનતા હોય તો તે જાણી શકાય. ક્યારેક અગ્રભુજા ધમની નાની હોય કે તેના યોગ્ય સ્થાને ન હોય તો તેની નાડી જાણવામાં તકલીફ પડે છે. તે સમયે અન્ય સ્થળની નાડીની જાણકારી લેવાય છે. મોટાભાગના કિસ્સામાં ઊર્ધ્વભુજા (brachial) ધમનીની નાડી પણ તપાસવામાં આવે છે. તેમાં ધમનીની દીવાલ જાડી થઈ છે કે નહિ તે સહેલાઈથી જાણી શકાય છે. વળી જો તેના ધબકારા સ્પષ્ટપણે જોઈ શકાય તેવા હોય તો તેને નૃત્યકારી ઊર્ધ્વભુજા (dancing brachial) ધમની કહે છે.

કાંડા કે કોણી પાસેની નાડી સિવાય લમણા, ગળા, જાંઘ, ઢીંચણની પાછળ કે પાદના ઉપરના ભાગે ઘૂંટી પાસેની નાડીનું પરીક્ષણ કરવાથી કેટલાક વિકારોનું નિદાન શક્ય બને છે. તેમાંના મુખ્ય વિકારો છે : (1) પરિઘીય વાહિનીવિકારો (peripheral vascular disorders), (2) મહાધમનીનું કુસંકીર્ણન (coarctation of aorta), (3) ધમનીનું વિસ્ફારણ (aneurysm), (4) લોહીનું ઊંચું દબાણ અને મેદજન્ય ધમનીકાઠિન્ય (atherosclerosis), લમણાની ધમનીનો શોથ (temporal arteritis). હાથ કે પગની ધમની વિકારયુક્ત થઈને જાડી થાય તો તેને પરિઘીય વાહિનીનો વિકાર કહે છે. મહાધમનીનો કોઈ ભાગ સાંકડો રહી જાય તો તેને મહાધમનીનું કુસંકીર્ણન કહે છે. ધમનીની દીવાલમાં ચરબી અને તંતુઓની ચકતીઓ બને અને ધમનીનું પોલાણ ઘટે તો તેને મેદજન્ય ધમનીકાઠિન્ય કહે છે. લમણામાંની ધમનીમાં શોથજન્ય વિકાર (inflammatory disorder) થાય તો ક્યારેક અંધાપો આવે છે. તેને લમણાની ધમનીનો શોથ કહે છે. આ બધા વિકારોના નિદાનમાં શરીરના જુદા જુદા ભાગની નાડીનું પરીક્ષણ કરવામાં આવે છે અને તેના દ્વારા નિદાન કરી શકાય છે.

નાડીની લાક્ષણિકતાઓ : જ્યારે કાંડા આગળની નાડીનું પરીક્ષણ કરાય છે ત્યારે કેટલીક લાક્ષણિકતાઓનું ખાસ ધ્યાન રખાય છે : (1) નાડીના ધબકારાનો દર, (2) નાડીના ધબકારાના તાલ (rhythm) અથવા ધબકારાની નિયમિતતા, (3) ધમનીની દીવાલની સ્થિતિ, (4) નાડીનું કદ (volume), વ્યાપ (amplitude) અથવા વિસ્તરણ (expansion), (5) બળ અથવા દાબક્ષમતા (compressibility), (6) તણાવ (tension) અને (7) તેના તરંગનો ઘુમ્મટઘાટ (contour).

(1) નાડીનો દર : દર્દીને થોડાક સમય માટે આરામ કરાવી તે શાંત પડે તે પછી એક મિનિટમાં તેની નાડીના કેટલા ધબકારા થાય છે તે ગણવામાં આવે છે. સામાન્ય પુખ્તવયની વ્યક્તિમાં તે 60 થી 90 જેટલા હોય છે. પરંતુ મોટેભાગે તે 70થી 75 હોય છે. બાળકોમાં, સ્ત્રીઓમાં, ઊભાં ઊભાં કે કામ કરતાં, ખાતી વખતે તેમજ લાગણીઓની ઉત્તેજના હોય તો નાડીનો દર ઊંચો રહે છે. તાવ, ગલગ્રંથિ(thyroid gland)નું કાર્ય વધે ત્યારે, ચેપ લાગે અથવા હૃદયના ધબકારાની ઝડપી-અતાલતા (દ્રુત-અતાલતા, tachyarrhymia) થાય તો પણ નાડીનો દર વધે છે. એટ્રોપિન અને ઍડ્રિનાલિન જેવી દવાઓ પણ નાડીનો દર વધારે છે. જો નાડીનો દર 100/મિ.થી વધે તો તેને દ્રુતહૃદ્તાલતા (tachycardia) કહે છે અને જો તે 60/મિ.થી ઘટે તો તેને શનૈર્હૃદ્તાલતા (bradycardia) કહે છે. હૃદયના અને નાડીના ધબકારા ઘટવાનાં મુખ્ય કારણોમાં વૃદ્ધાવસ્થા, કૌટુંબિક કે વારસાગત બંધારણ, કમળો, ખોપરીની અંદરના દબાણનો વધારો તથા હૃદ્રોધ (heart block) નામના હૃદયના ધબકારા ઘટાડતા વિકારનો સમાવેશ થાય છે. ક્યારેક ન્યુમોનિયા કે ઇન્ફ્લુએન્ઝા મટે ત્યારે નાડીના ધબકારા ઘટી જાય છે. ટાઇફૉઇડ તાવ(આંત્રજ્વર, enteric fever)માં જેટલું તાપમાન વધ્યું હોય તેટલા પ્રમાણમાં નાડીના ધબકારા વધતા નથી. આવી સ્થિતિને સાપેક્ષ શનૈર્હૃદ્તાલતા (relative bradycardia) કહે છે. હૃદયના એક ખંડમાંથી બીજા ખંડમાં વીજ-આવેગને લઈ જવા માટે આવેગવાહી તંતુઓનાં દોરડાં (રજ્જુ) આવેલાં છે. આવેગવાહી રજ્જુઓમાં જ્યારે કોઈ અવરોધ આવે ત્યારે હૃદયની અંદર આવેગનું વહન અટકે છે. તેને હૃદ્રોધ (heart block) કહે છે. જો કર્ણક અને ક્ષેપક સંપૂર્ણપણે અલગ અલગ રીતે ધબકે તો તેને પૂર્ણ હૃદ્રોધ (complete heart block) કહે છે. પરંતુ જો કોઈક કર્ણકનો આવેગ ક્ષેપકમાં વહન કરી શકે અને કોઈક આવેગ ક્ષેપકમાં ન પ્રવેશી શકે તો તેને આંશિક (partial) હૃદ્રોધ કહે છે. તેમાં નાડીના ધબકારા ઘટીને 30થી 40 થઈ જાય છે. ઘણી વખત તે જીવનને જોખમી સ્થિતિમાં મૂકે છે. આવા સંજોગોમાં જરૂર પડ્યે કૃત્રિમ તાલજનક ઉપકરણ(artificial pacemaker)ને હૃદયમાં અંત:સ્થાપિત કરાય છે. ખોપરીમાંથી નીકળતી 10મી ચેતાની જોડને બહુવ્યાપી કર્પરીચેતા (vagus carnial nerve) કહે છે. તેની સજ્જતા વધે ત્યારે પણ હૃદયના ધબકારાનો દર ઘટે છે. યોગની પ્રક્રિયા તથા વાલ્સાલ્વા પ્રક્રિયામાં પણ હૃદય અને નાડીના ધબકારા ઘટે છે.

સામાન્ય રીતે હૃદયના ધબકારા અને નાડીના ધબકારાનો દર સરખો રહે છે પરંતુ જ્યારે હૃદયનાં સંકોચનો યોગ્ય સમય કરતાં સહેજ વહેલાં થઈ જાય અથવા કર્ણકના સ્નાયુતંતુઓનાં સંકોચનો એક સમયે ન થાય તો હૃદયના દરેક ધબકારનો તરંગ નાડીમાં ફેલાતો નથી અને તેથી હૃદયના ધબકારા કરતાં નાડીના ધબકારાની સંખ્યા અને દર ઓછાં રહે છે. તેને હૃદ્ટોચનાડી સંખ્યાઘટ (apex-pulse deficit) કહે છે. આવું ખાસ કરીને દ્વિદલ વાલ્વના સંકીર્ણન (mitral stenosis) નામના વિકારમાં થાય છે, જેમાં હૃદયનો દ્વિદલ વાલ્વ સાંકડો થઈ ગયેલો હોય છે. કર્ણકના સ્નાયુતંતુઓ અલગ-અલગ સમયે સંકોચાય તે સ્થિતિને કર્ણકીય તંતુલ-સંકોચનતા (atrial fibrillation) કહે છે. તેવી જ રીતે નાડીના ધબકારા અને શ્વસનના દર વચ્ચેનું ગુણોત્તર પ્રમાણ 4:1 જેટલું હોય છે. હૃદયની નિષ્ફળતાના કિસ્સામાં તે ઘટીને 3:1 કે 2:1 જેટલું થઈ જાય છે અને અફીણની ઝેરી અસરમાં વધીને 5:1 કે 6:1 થાય છે.

(2) નાડીનો તાલ (rhythm of the pulse) : સામાન્ય રીતે કાંડા આગળની નાડીનો તાલ અને બળ એકસરખાં હોય છે. નિયમિત રીતે ધબકતી નાડીને તાલબદ્ધ (rhythmic) નાડી કહે છે. જો નાડીનો તાલ તૂટે તો તેને અતાલતા (arrhythmia) કહે છે. અનિયમિત રીતે અનિયમિત રહેતી નાડીનાં મૂળ 4 કારણો છે : (1) વિવરીય અતાલતા (sinus arrhythmia), (2) પૂર્વકાલ ધબકારા (premature beats) (3) આંશિક હૃદ્રોધ (partial heart block) અને (4) કર્ણકીય તંતુલ સંકોચન (atrial fibrillation). શ્વાસ અને ઉચ્છવાસ સમયે હૃદયના ધબકારા ક્રમશ: વધે અને ઘટે છે. તેને વિવરીય અતાલતા કહે છે. તે બાળપણમાં સૌથી વધુ જોવા મળે છે. કેટલીક પુખ્ત વયની વ્યક્તિઓમાં પણ તે જોવા મળે છે. હૃદયનો ધબકારો વિવરગંડ(sinus node)ને બદલે કર્ણક કે ક્ષેપકમાં ઉદભવે ત્યારે તે તેના યોગ્ય સમય કરતાં વહેલો ઉદભવે છે. આવા વહેલા ઊઠતા ધબકારને પૂર્વકાલ ધબકાર કહે છે. આવા પૂર્વકાલ ધબકાર નાડીની નિયમિત પ્રકારની કે અનિયમિત પ્રકારની અતાલતા સર્જે છે. પૂર્વકાલ ધબકાર અથવા પૂર્વધબકાર પછી મૂળ ધબકારો તેના યોગ્ય સમયે આવે છે. માટે તે વચ્ચેનો સમયગાળો સહેજ લાંબો હોય છે. તેને પૂરકકાળ (compensatory period) કહે છે. ક્ષેપકીય પૂર્વધબકાર પછીનો પૂરકકાળ સંપૂર્ણ હોય છે, એટલે કે પૂર્વધબકાર પહેલાંનો સામાન્ય ધબકાર અને પૂર્વધબકાર પછીના સામાન્ય ધબકાર વચ્ચે બરાબર ધબકારાના પૂરકકાળ જેટલો જ સમયગાળો વ્યતીત થાય છે. કર્ણકીય પૂર્વધબકાર પછીનો પૂરકકાળ અપૂર્ણ અથવા સહેજ નાનો રહે છે. ક્યારેક પૂર્વધબકાર બે-બે કે ત્રણ-ત્રણના જૂથમાં આવે છે ત્યારે તેને અનુક્રમે દ્વિજોડ (bigeminy), ત્રિજોડ (trigeminy) કહે છે. આવા સમયે, નિયમિત અને અનિયમિત એમ બે પ્રકારનો, વારાફરતી થતો, નાડીનો તાલ જોવા મળે છે. આવી નાડીને સમયાંતરિત નાડી (intermittent pulse) કહે છે. હૃદયમાં થતો આંશિક હૃદ્રોધ પણ સમયાંતરિત નાડી કરે છે. કસરત કરીને નાડીના ધબકારા વધારવામાં આવે તો પૂર્વધબકારથી થતી સમયાંતરિત નાડી ક્યારેક નિયમિત થાય છે. જ્યારે આંશિક હૃદ્રોગ હોય તો તેની તીવ્રતા વધે છે. સંપૂર્ણપણે અનિયમિત રૂપે અનિયમિત નાડીનું મુખ્ય ઉદાહરણ કર્ણકીય તંતુલ સંકોચન છે. કર્ણકના સ્નાયુતંતુલો (muscle fibres) એકસામટા સંકોચાવાને બદલે વારાફરતી સંકોચાય તો તેને તંતુલ સંકોચન કહે છે. આવા સમયે હૃદયના બધા જ ધબકારાના તરંગો કાંડાની નાડી સુધી પહોંચતા નથી. તેથી હૃદયના ધબકારાના દર કરતાં નાડીના ધબકારાનો દર ઓછો રહે છે. તેને હૃદ્-ટોચનાડી ઘટ (apexpulse deficit) કહે છે.

(3) ધમનીની દીવાલની સ્થિતિ : કાંડા પાસેની ધમનીને પૂરેપૂરા દબાણથી ચપટી કરીને આંગળીને તેના પર ઉપર, નીચે અને આજુબાજુ ફેરવવામાં આવે છે. સામાન્ય ધમનીને સહેલાઈથી સ્પર્શી શકાતી નથી, પરંતુ મેદજન્ય ધમનીકાઠિન્ય(atherosclerosis)થી ધમની જાડી થઈ ગઈ હોય તો તેને સહેલાઈથી સ્પર્શી શકાય છે. તે લીસી અને સ્નાયુદાર જાડી અથવા કઠણ, અક્કડ અને નળી જેવી, તાર જેવી કે દોરી જેવી બની ગયેલી હોય છે. ક્યારેક તેમાં નાની નાની ગંડિકાઓ (nodules) હોય છે. અથવા તો તે સર્પસમ વાંકીચૂકી થયેલી હોય છે. ધમનીની દીવાલની સ્થિતિસ્થાપકતા ઘટેલી હોય છે અને તેથી તેમાંનો નાડીનો ધબકાર સહેજ નબળો રહે છે.

(4) નાડીની વિસ્તૃતિ (expansion) : નાડીના ધબકારના તરંગના વ્યાપને નાડીની વિસ્તૃતિ કહે છે. તેને નાડીનું કદ (volume) પણ કહે છે. નાડી તપાસતી વખતે નસ પર મુકાયેલી આંગળીઓ જેટલી ઊંચકાય છે, તેટલી નાડીની વિસ્તૃતિ ગણાય છે. લોહીના ઉપલા અને નીચલા દબાણ વચ્ચેના તફાવતને નાડીદાબ (pulse pressure) કહે છે. નાડીની વિસ્તૃતિ જેટલો નાડીદાબ હોય છે. જો મહાધમનીનો વાલ્વ અક્ષમ (incompetent) હોય તો તે નાડીદાબ તથા નાડીની વિસ્તૃતિ વધુ હોય છે. જ્યારે મહાધમની વાલ્વ સાંકડો થયો હોય (સંકીર્ણતા, stenosis) કે હૃદયની નિષ્ફળતા થયેલી હોય તો તે ઘટે છે.

(5) નાડીનું બળ (force) : દર્દીની નસ પર 3 આંગળીઓ મૂક્યા પછી કાંડા તરફની આંગળી વડે નસને સંપૂર્ણપણે દબાવાય છે. વચલી આંગળીને ભારપૂર્વક નસ પર ગોઠવવામાં આવે છે, જેથી નાડીના ધબકારાને બરાબર સ્પર્શી શકાય. ત્યારબાદ કોણી તરફની પહેલી આંગળી વડે નસને ધીમે ધીમે દબાવવામાં આવે છે, જેથી કરીને વચલી આંગળીથી નાડીનો ધબકાર સ્પર્શી ન શકાય. પહેલી આંગળી દ્વારા નાડીને સંપૂર્ણપણે બંધ કરવા માટે વપરાતું બળ નાડીનું બળ ગણાય છે. તે લોહીના ઉપલા દબાણ સાથે સુસંગત હોય છે. એક હાથની 3 આંગળીઓને બદલે એક હાથની આંગળીઓ વડે બાહુની ધમની દબાવીને બીજા હાથની આંગળીઓ વડે કાંડા પાસેની નાડી તપાસવાથી પણ નાડીના બળની જાણકારી મેળવાય છે. લોહીનું ઉપલું દબાણ વધુ હોય ત્યારે નાડીનું બળ વધે છે અને લોહીનું દબાણ ઘટે ત્યારે નાડીનું બળ પણ ઘટી જાય છે. તે સમયે સહેલાઈથી નાડીને બંધ કરી શકાય છે.

આકૃતિ 1 : વિવિધ પ્રકારની ધમની-નાડી : (અ) સામાન્ય નિયમિત નાડી, (આ) કર્ણકીય તંતુલ સંકોચનતા(atrial fibrillation)ની જુદા જુદા સમયે આવતા ધબકારા અને જુદા જુદા બળવાળી અનિયમિતપણે અનિયમિત નાડી, (ઇ) ઊર્ધ્વભુજ ખાંચ અને તરંગવાળી ઊર્ધ્વભુજ તરંગ નાડી, (ઈ) અધ:ભુજ ખાંચ અને તરંગવાળી અધ:ભુજ તરંગ નાડી, (ઉ) નિયમિત સમયે એકાંતરિત વધુ અને ઓછા વળવાળી એકાંતરિત નાડી, (ઊ) દ્વિજોડ નાડી, જેમાં પૂર્વકાલ ધબકાર પછીનો સમયગાળો લાંબો હોય છે, (ઋ) બે સમાન ટોચવાળી નાડી, (એ) એકદમ ઉપર ચડતા અને નીચે પડતા તરંગવાળી જળહથોડી-નાડી, (ઐ) ધીમેથી ચડતા અને ધીમેથી ઊતરતા તરંગવાળી મંદનાડી, (ઓ) ઓછા વળ અને આંદોલનવાળી સૂત્રસમ નાડી, (ઔ) ઉચ્છવાસ-સમયે ધીમી અને અંત:શ્વાસ-સમયે ઝડપી એવી વિવરગંડિકાજન્ય અતાલતા(sinus arrhyia)ની નાડી, (અં) ઊંડા શ્વાસ સમયે ઉપલું દબાણ ઘટે તેવી વિપરીતગુણી નાડી (pulus alternaus). નોંધ : (1) ઊર્ધ્વભુજ, (2) અધ:ભુજ, (3) ટોચ, (4) ઊર્ધ્વભુજ તરંગ, (5) અધ:ભુજ તરંગ, (6) વહેલા આવતા ધબકારા પછીના લાંબા પૂરકકાળ(compensatory period)વાળો સમયગાળો, (7) બે સમાન ટોચવાળી નાડીનો તરંગ, (8) અંત:શ્વાસ, (9) ઉચ્છવાસ.

(6) નાડીનો તણાવ (tension) : તે લોહીના નીચલા દબાણની જાણકારી આપે છે. તે બે રીતે જાણી શકાય છે : (અ) બે ધબકારા વચ્ચે ધમની કેટલી મૃદુ કે કઠણ છે તે જાણવાથી નાડીનો તણાવ જાણી શકાય છે. મૃદુનાડી (pulsus mollis) હોય તો બે ધબકારા વચ્ચે ધમની મૃદુ હોય છે, અથવા સ્પર્શી શકાતી નથી. જો નાડીનો તણાવ વધુ હોય તો તેને ત્રસ્તનાડી (pulsus durus) કહે છે. તે સમયે બે ધબકારા વચ્ચે તે રજ્જુ જેવી મધ્યમ કઠિનતાવાળી હોય છે. (આ) ધમનીને હળવેથી સહેજ ભાર સાથે કે જોરથી દબાવીને નાડી પારખવામાં આવે તોપણ નાડીના તણાવ વિશે જાણી શકાય છે. ઓછા તણાવવાળી નાડી હળવા દબાણ વડે અને વધુ તણાવવાળી નાડી ભારે દબાણ વડે સ્પર્શી શકાય છે. સામાન્ય તણાવ હોય તો મધ્યમ પ્રકારના દબાણ વડે નાડીની જાણકારી મળે છે.

(7) નાડીના તરંગનો ઘાટ (contour of pulse wave) : નાડીના તરંગના 3 મુખ્ય ભાગ છે : (અ) ઊર્ધ્વભુજ (upstroke), (આ) નાડીટોચ (peak) અને (ઇ) અધ:ભુજ (down stroke). અનુભવી આંગળીઓ વડે તેને પારખી શકાય છે; પરંતુ વધુ આધારભૂત માહિતી માટે રુધિરદાબમાપક(sphygmomano-meter)નો ઉપયોગ કરાય છે. જો ઊર્ધ્વભુજ અને અધ:ભુજ ઝડપી બને તો તેને વેગવંતી નાડી (pulsus celer) કહે છે. અને જો તે ધીમો હોય તો તેને અલ્પવેગી નાડી (pulsus tardus) કહે છે. ક્યારેક ઊર્ધ્વભુજમાં ખાંચ હોય છે. તો તેને ઊર્ધ્વતરંગી નાડી (anacrotic pulse) કહે છે. જો તેના અધ:ભુજમાં ખાંચ હોય તો બે ટોચ જેવો દેખાવ થાય છે. તેને દ્વિતરંગી નાડી (dicrotic pulse) કહે છે. મહાધમનીનો વાલ્વ નબળો હોય તો વેગવંતી નાડી જોવા મળે છે અને તે સાંકડો થયેલો હોય તો અલ્પવેગી નાડી જોવા મળે છે. દ્વિતરંગી નાડી ઘણી વખત ટાઇફૉઈડના તાવમાં કે લોહીનું દબાણ ઘટ્યું હોય ત્યારે જોવા મળે છે.

(8) નાડીના અન્ય વિશિષ્ટ પ્રકારો : સામાન્ય રીતે બંને હાથની નાડી એકસરખા દબાણ, આંદોલનવ્યાપ અને તણાવવાળી હોય છે. ક્યારેક તેમાં તફાવત હોય છે. અથવા તો એક બાજુ કાંડા પાસે નાડી જ મળતી નથી. આવી સ્થિતિને અસમ (unequal) નાડી કહે છે. જો એક બાજુની અગ્રભુજ ધમની ન હોય ને તેનું સ્થાન બદલાયેલું હોય, બગલ કે બાહુની ધમનીમાં લોહી જામી ગયું હોય, મહાધમનીની કમાનમાં દુ:સંકીર્ણન (coarctation) હોય, અથવા સોજો હોય અને તેને કારણે મહાધમની-કમાન સાંકડી થયેલી હોય, ગળામાં વધારાની પાંસળી હોય જે હાથમાં જતી ધમનીને દબાવતી હોય અથવા મહાધમનીની દીવાલમાં ચીરો પડ્યો હોય અને તેમાં લોહી ભરાયું હોય તો બે બાજુની નાડી એકસરખી હોતી નથી. ક્યારેક કાંડા આગળના ધબકારા અને જાંઘમાં મળતા ધબકારા એકસરખા હોતા નથી. મહાધમનીની કમાન કે પેટમાંની મહાધમનીનું પોલાણ સાંકડું થયું હોય તો તેવું બને છે.

ઊછળતી (ઉત્તરંગી, bounding) નાડીમાં નાડીના તરંગનો ઉપર જતો અને નીચે ઊતરતો ભુજ ઝડપથી પસાર થાય છે. તાવ, લાગણીજન્ય ઉત્તેજના (emotional excitement), અતિગલગ્રંથિતા (thyrotoxicosis) કે ઘટેલો પરિઘીય અવરોધ (peripheral resistance) રુધિરાભિસરણને ઝડપી બનાવે છે. તેને અતિગતિશીલ (hyperdynamic) રુધિરાભિસરણ કહે છે. તેમાં ઉત્તરંગી નાડી જોવા મળે છે. આવી નાડીમાં જો બળ પણ વધુ હોય તો તે ઉત્તરંગી તેમજ મહાબલી (magnus) નાડીનું એક સંયુક્ત રૂપ બનાવે છે. તેને અધ:પાતી (collapsing), જળહથોડીસમ (water hammer), તોપગોળાસમ (cannon ball) કે કૉરિગાનની નાડી કહે છે. તેનું સૌપ્રથમ વર્ણન કૉરિગાન અને વાઇસેન્સે કર્યું હતું. તે મહાધમનીના વાલ્વની અલ્પક્ષમતાના નિદાન માટેનું અતિમહત્વનું ચિહન ગણાય છે. જળહથોડી નામનું એક ઓગણીસમી સદીમાં રમકડું મળતું હતું. તેમાં શૂન્યાવકાશવાળી પોલી નળીમાં થોડું પ્રવાહી ભરાતું હતું. નળીને ઊંધી કરવામાં આવે ત્યારે તેમાંનું પ્રવાહી નીચે તરફ ધબાક કરીને પડતું. તેનો આઘાત કે થડકારો અનુભવી શકાતો. અધ:પાતી નાડીમાં તેવો જ થડકારો અનુભવાતો હોવાથી તેને જળહથોડીસમ નાડી કહે છે. મહાધમની–ફેફસીધમની વચ્ચેની સંયોગનળી(patent ductus arteriosus)ના જન્મજાત વિકારમાં, ધમની-શિરા સંયોગનળી(arterio-venous fistula)ના વિકારમાં, ક્યારેક દ્વિદલ વાલ્વની અલ્પક્ષમતામાં, અતિગલગ્રંથિતામાં, પેજેટના રોગમાં, કેટલીક અતિગતિશીલ રુધિરાભિસરણ કરતી પરિસ્થિતિઓ – દા.ત., અતિશય ગરમી, સખત કસરત, લાગણીઓની ઉત્તેજના, સગર્ભાવસ્થા, દારૂ પીધેલી સ્થિતિમાં તેમજ ક્યારેક હૃદ્રોધ(heart block)ના વિકારોમાં કૉરિગાનની જળહથોડીસમ નાડી જોવા મળે છે. સામાન્ય રીતે જળહથોડીસમ નાડી હોય તો અગ્રબાહુને હથેળીમાં આખો પકડવાથી તેની હથેળી તરફની સપાટી પર જળહથોડી રમકડા જેવો થડકારો અનુભવી શકાય છે.

મહાધમનીના વાલ્વની સંકીર્ણતા હોય તો મંદ (parvus) અને અલ્પતરંગી (tardus) નાડી જોવા મળે છે. તેના તરંગના ઊર્ધ્વભુજ (ઉપર ચડતી બાજુ) પર ખાંચ હોય છે. તેથી તેને ઊર્ધ્વભુજતરંગી (anacrotic) નાડી પણ કહે છે. જો નાડીના તરંગમાં ઉદભવતી બંને ટોચ સરખી હોય તો તેને દ્વિસમતરંગી (bisferious) નાડી કહે છે. તે મહાધમની વાલ્વની સંકીર્ણતા (stenosis) અને અલ્પક્ષમતા (incompetence) બંને હોય તેવો મિશ્રવિકાર હોય તો અથવા તંતુમય ધમનીકાઠિન્ય કે દીર્ઘકાલી મૂત્રપિંડશોથ(chronic nephritis)નો વિકાર થયો હોય તો જોવા મળે છે.

જો ઊંડો શ્વાસ અંદર લેતી વખતે નાડીના ધબકારાનું બળ તથા લોહીનું ઉપલું દબાણ ઘટે તો તેને કુસમોલની વિપરીતગુણી (paradoxus) નાડી કહે છે. તે હૃદયના આવરણના સંકીર્ણનમાં કે તેમાં પ્રવાહી ભરાયું હોય ત્યારે થાય છે. આ વિકારોને અનુક્રમે સંકીર્ણદાબી પરિહૃદ્શોથ (constrictive pericarditis) કે પરિહૃદ્-ઉત્સાર (pericardial effusion) કહે છે. જો સ્વરપેટીમાં કે શ્વાસની નળીમાં કોઈ અવરોધ ઉદભવે તોપણ આ પ્રકારની નાડીનો વિકાર થાય છે.

લોહીનું ઊંચું દબાણ, લોહીની નસોમાંના રુધિરાભિસરણનો વિકાર કે મહાધમનીના વાલ્વનો વિકાર ક્યારેક હૃદયના ડાબા ક્ષેપકના કાર્યમાં નિષ્ફળતા લાવે છે. તે જીવનની એક જોખમી સ્થિતિ છે. તેમાં વારાફરતી આવતા નાડીના ધબકારાના તરંગો સામાન્ય અને નબળા આવે છે. તેને એકાંતરિત નાડી કહે છે. ક્યારેક હૃદયના ધબકારાની અનિયમિતતા હોય તોપણ તે જોવા મળે છે. લોહીનું દબાણ ઘટે ત્યારે નાડીના તરંગો નાના થઈ જાય છે. તેને મૃદુ અથવા સૂત્રસમ નાડીનો વિકાર કહે છે.

કેશવાહિની નાડી : જ્યારે મહાધમનીનો વાલ્વ અલ્પક્ષમતાવાળો થાય અથવા તો શરીરની નસો પહોળી થઈ જાય ત્યારે કેશવાહિનીઓમાંના ધબકારા જાણી શકાય છે. તે સમયે આંગળીઓની ટોચને આંગળીઓથી દબાવવાથી કે હોઠની અંદરની બાજુ પર કાચની તકતી દબાવવાથી જોઈ શકાય છે. તેને કેશવાહિની નાડી કહે છે.

શિરાજન્ય નાડી : ગળામાંની શિરામાં જોવા મળતા તરંગોને કંઠસ્થ શિરાનાડી (jugular venous pulse) કહે છે. કંઠસ્થ શિરા ગળાના બાજુના ભાગમાં આવેલી છે અને હાંસડીના હાડકાની નીચે તે ઊર્ધ્વમહાશિરા(superior vena cava)માં ખૂલે છે. ઊર્ધ્વમહાશિરામાં બંને બાજુની કંઠસ્થ શિરાઓ દ્વારા માથામાંથી આવતું લોહી અને અધ:હાંસડી શિરા (subclavian vein) દ્વારા બંને હાથનું લોહી ઠલવાય છે. ઊર્ધ્વમહાશિરા હૃદયના જમણા કર્ણકમાં ખૂલે છે. જમણી બાજુની કંઠસ્થ શિરા, ઊર્ધ્વમહાશિરા અને જમણું કર્ણક લગભગ સીધી રેખામાં હોય છે. તેથી જમણા કર્ણકના સંકોચન-વિકોચન સમયે થતા દબાણના ફેરફારો તરંગ રૂપે કંઠસ્થ શિરામાં a, c અને v નામની ટોચ અને x અને y નામનો ગર્ત (trough) બનાવે છે.

આકૃતિ 2 : ડોકમાં જોવા મળતી શિરાનાડીના તરંગો અને હૃદયના ખંડોના સંકોચન-વિકોચન વચ્ચેનો સંબંધ. (ક) શિરાનાડી (venous pulse), (ખ) હૃદયના ખંડોના વિકોચન-સંકોચનનું ચક્ર. નોંધ : સાદું તીર લોહીના વહન અને દબાણની દિશા દર્શાવે છે અને ખાંચા-ખાંચાવાળું તીર હૃદયના સ્નાયુઓનું સંકોચન દર્શાવે છે. (1) શિરાનાડીનો ‘a’ તરંગ, કર્ણક સંકોચન(atrialcontraction)થી વધતું દબાણ, (2) ‘c’ તરંગ શીર્ષસ્થ ધમની(carotidartery)ના ધબકારાની અસર, (3) ‘v’ તરંગ ક્ષેપક સંકોચન(ventricular contraction)થી વધતું દબાણ, (4) ‘x’ ગર્ત-કર્ણકના વિકોચનથી ઘટતું દબાણ, (5) ‘y’ ગર્ત-ક્ષેપકના વિકોચનથી ઘટતું દબાણ, (6) જમણું કર્ણક, (7) ડાબું કર્ણક, (8) જમણું ક્ષેપક, (9) ડાબું ક્ષેપક, (10) ઊર્ધ્વમહાશિરા (superior vena cava), (11) ફેફસી શિરાઓ, (12) ફેફસી ધમની, (13) મહાધમની (અ) બંને કર્ણક સંકોચાય એટલે ઊર્ધ્વમહાશિરા અને ફેફસી શિરામાં લોહીનું દબાણ વધે ને ‘a’ તરંગ થાય, (આ) બંને કર્ણક વિકોચન-કાળમાં પહોળાં થાય એટલે ઊર્ધ્વમહાશિરામાં દબાણ ઘટે, (ઇ) બંને ક્ષેપક સંકોચાય એટલે કર્ણક અને ઊર્ધ્વમહાશિરામાં દબાણ વધે, (ઉ) કર્ણક-ક્ષેપકના વિકોચન-સમયે ઊર્ધ્વમહાશિરામાં દબાણ ઘટે.

જ્યારે જમણું કર્ણક સંકોચાય અને તેમાં દબાણ વધે ત્યારે તે ગળાની નસમાં ‘a’ ટોચવાળો તરંગ સર્જે છે. તે સમયે જમણા કર્ણકમાંનું લોહી જમણા ક્ષેપકમાં જાય છે. ત્યારબાદ જમણા કર્ણકનો વિકોચનકાળ (diastolic period) શરૂ થાય છે, અને તે પહોળું થવા માંડે છે. તેથી શિરાનાડીનો તરંગ ‘a’ નીચે ઊતરીને ‘x’ ગર્ત (ખીણ) સુધી જાય છે, જ્યારે કર્ણક પૂરેપૂરું પહોળું થઈને શરીરમાંથી પાછું ફરતું લોહી સ્વીકારે છે. x ગર્ત પૂરેપૂરો થાય તે પહેલાં ડોકમાં કંઠસ્થ શિરાની બાજુમાં આવેલી શીર્ષમાર્ગી ધમની(carotid artery)નો નાડીતરંગ (ધમની નાડી) જોડે આવેલી શિરામાં ‘c’ સંજ્ઞા ધરાવતો એક ટોચધારી તરંગ સર્જે છે. જમણું કર્ણક પૂરેપૂરું પહોળું થાય (x ગર્ત) ત્યારે કર્ણક-ક્ષેપક વચ્ચેનો વાલ્વ બંધ હોય છે અને તે સમયે ક્ષેપક સંકોચાય છે. તેને કારણે ભરેલા જમણા કર્ણકમાં પણ એક ધક્કો લાગે છે, જે તરંગ રૂપે કંઠસ્થ શિરામાં ‘v’ ટોચનો તરંગ કરે છે. ‘a’ કર્ણક(atrium)નું સંકોચન સૂચવે છે અને ‘v’ ક્ષેપક(ventricle)નું સંકોચન સૂચવે છે. ક્ષેપકનો સંકોચનકાળ પૂરો થાય એટલે કર્ણક-ક્ષેપકનો વાલ્વ ખૂલે છે, અને કર્ણકમાંનું લોહી ક્ષેપકમાં ઠલવાવા માંડે છે. તેથી કર્ણકની અંદરનું દબાણ ઘટે છે, જે કંઠસ્થ શિરામાં ‘y’ ગર્ત ઉત્પન્ન કરે છે. આમ ‘x’ ગર્ત કર્ણકનો વિકોચનકાળ અને ‘y’ ગર્ત ક્ષેપકનો વિકોચનકાળ સૂચવે છે. આમ ગળામાંની શિરાના તરંગોનો અભ્યાસ કરવાથી કર્ણક અને ક્ષેપકના સંકોચન-વિકોચનનો અભ્યાસ કરી શકાય છે.

આકૃતિ 3 : કેન્દ્રીય શિરાદાબ (central venous pressure) નોંધવાની રીત. દર્દીને 45°ના ખૂણે સુવાડીને હાંસડી ઉપર ડોકમાંની શિરામાં લોહીનો કેટલો સ્તંભ છે, તેનું લંબ-અંતર મપાય છે. સામાન્ય લંબ-અંતર – 6 સેમી. (1) વક્ષાસ્થિ (sternum), (2) મહાધમની (3) જમણું કર્ણક, (4) ઊર્ધ્વમહાશિરા (superior vena cava), (5) હાંસડીનું હાડકું, (6) કંઠસ્થ શિરા (jugular vein), (7) ડોક, (8) નીચલા જડબાનો ખૂણો. નોંધ : માથું 45°ના ખૂણે ઊંચું કરાયેલું છે.

ધમની અને શિરાના ધબકારામાં કેટલાક મૂળભૂત તફાવત છે. ધમનીના ધબકારાને સ્પર્શીને જાણી શકાય છે. માટે ધમનીની નાડીની જાણકારી માટે તેને સ્પર્શીને તથા દબાવીને તપાસવામાં આવે છે. શિરાલક્ષી ધબકારાનું બળ ઓછું હોય છે અને તેથી તેના સ્પર્શ કરતાં તેને જોઈને વધુ સારી રીતે સમજી-જાણી શકાય છે. વળી શ્વાસોચ્છ્વાસ વખતે છાતીમાંનું દબાણ વધે અને ઘટે છે. તેની પણ શિરાનાડીના તરંગો પર અસર વર્તાય છે. તરંગનોંધક (wave recorder) ઉપકરણ દ્વારા નાડીના તરંગોનું આલેખન કરવામાં આવે તો જણાય છે કે ધમનીના ધબકારા ધક્કા જેવા (thrust like) તરત ઊપડીને તરત શમે છે. જ્યારે શિરાના ધબકારા તરંગોની જેમ ધીમે ધીમે ઊપડીને ધીમે ધીમે શમે છે. ધમની નાડીમાં મુખ્યત્વે એક ટોચ અને એક ગર્ત હોય છે. જ્યારે શિરામાં 2 (a,v) કે 3 (a,c,v) તરંગો અને 2 ગર્ત (x,y) હોય છે.

ગળામાં શિરા નાડીના તરંગો જોવા માટે વ્યક્તિને 45°ના ખૂણે ટેકે બેસાડાય છે. તે સમયે હાંસડીથી 6 સેમી. જેટલી ઊંચાઈ ધરાવતો લોહીનો સ્તંભ કંઠસ્થ શિરામાં ઉદભવે છે.

શિરાસ્તંભ(venous column)ની ઊંચાઈ જમણા કર્ણક અને શિરાતંત્રમાંના દબાણનું સૂચન કરે છે. તે અંદર શ્વાસ લેતી વખતે ઘટે છે.

નાડીના કેટલાક વિશિષ્ટ પ્રકારો

ક્રમ નાડીનો પ્રકાર/નામ વર્ણન કેટલાંક ઉદાહરણ/કારણ
1 2 3 4
1. અનિયમિત તાલ વગરના નાડીના ધબકારા પૂર્વકાલ થબકારા, હૃદ્રોધ
2. અધિજઠરીય (epigastric) પેટના ઉપલા ભાગમાં મહા-ધમનીના ધબકારા પાતળી વ્યક્તિ સૂએ ત્યારે
3. અધ:દ્વિતરંગી (catadicrotic) નાડીતરંગના અધ:ભુજમાં ખાંચથી થતા વધારાના 2 તરંગ તાવ, પાંડુતા (anaemia) વગેરે
4. અધ:પાતી (collapsing) આંચકા સાથે ઊછળીને એકદમ શમી જતો બળવાળો તરંગ, જેમાં ઉત્તરંગી અને મહાબલી નાડીનો સમન્વય હોય છે. મહાધમની વાલ્વની અક્ષમતા
5. અધસ્તરંગી (catacrotic) નાડીતરંગના અધ:ભુજમાં ખાંચથી થતો વધારાનો તરંગ ટાઇફૉઈડનો તાવ
6. અધસ્ત્રિતરંગી (catatricrotic) નાડીતરંગના અધ:ભુજમાં ખાંચાથી થતા વધારાના 3 તરંગ વિવિધ પ્રકારના તાવ
7. અલ્પક્રમી (deficient) પહેલા નાડીતરંગ પછી આવતો બીજો તરંગ ન આવે હૃદરોધ
8. અલ્પતરંગી (tardus) ધીમે ઊઠીને ધીમે શમતો તરંગ મહાધમની વાલ્વની સંકીર્ણતા
9. અસમ (unequal) બે બાજુનાં કાંડાં પર એકસરખો નાડી- તરંગ ન હોય તે ધમનીઓની વિકૃતિ
10. ઉત્તરંગી (bounding) એકદમ ઊછળીને શમી જતો નાડીનો તરંગ મહાધમની વાલ્વની અલ્પક્ષમતા, તાવ, ઉત્તેજના, અતિગલગ્રંથિતા
11. ઉદરીય (abdominal) પેટમાં મહાધમનીના દેખાતા ધબકારા પાતળી વ્યક્તિ ચત્તી સૂઈ રહે ત્યારે
12. ઊર્ધ્વભુજતરંગી (anacrotic) નાડીતરંગના ઉગ્રભુજમાં ખાંચથી થતી વધારાની તરંગટોચ મહાધમની વાલ્વની સંકીર્ણતા
13. ઊર્ધ્વભુજત્રિતરંગી (anatricrotic) નાડીતરંગના ઉગ્રભુજમાં ખાંચથી થતી વધારાની 3 તરંગટોચ મહાધમની વાલ્વની સંકીર્ણતા
14. ઊર્ધ્વભુજદ્વિતરંગી (anadicrotic) નાડીતરંગના ઉગ્રભુજમાં ખાંચથી થતી વધારાની 2 તરંગટોચ મહાધમની વાલ્વની સંકીર્ણતા
15. એકાંતરિત (alternating) વારાફરતી નાનામોટા તરંગોવાળી નાડી લોહીનું ઊંચું દબાણ, મહાધમની વાલ્વના વિકારથી હૃદયની નિષ્ફળતા
16. કર્ણીય શિરા (auriculo-venous) કર્ણકના સંકોચનથી ગળાની શિરામાં ઉદ્ભવતા તરંગવાળી શિરાનાડી (venous pulse) સામાન્ય સ્થિતિ
17. કુસમોલની નાડી ઊંડો શ્વાસ લેવાય ત્યારે નાડી ધીમી પડે તેવી સ્થિતિ હૃદયના આવરણમાં પ્રવાહી ભરાય ત્યારે
18. કેશવાહિની નાડી આંગળીની ટોચ પર આંગળી દબાવવાથી કે હોઠની અંદર બાજુ કાચની તકતી દબાવવાથી અનુભવાતા ધબકારા મહાધમની વાલ્વની અલ્પક્ષમતા
19. કૉરિગાનની નાડી અધ:પાતી નાડીનું બીજું નામ મહાધમની વાલ્વની અલ્પક્ષમતા
20. ક્વિંકની નાડી કેશવાહિની નાડીનું બીજું નામ સામાન્ય સ્થિતિ
21. જળહથોડીસમ (water hammer) અધ:પાતી નાડીનું બીજું નામ મહાધમની વાલ્વની અલ્પક્ષમતા
22. તોપગોળાસમ (cannon ball) અધ:પાતી નાડીનું બીજું નામ મહાધમની વાલ્વની અલ્પક્ષમતા
23. ત્રિજોડી (trigeminal) 3-3ની જોડીમાં આવતા ધબકારા હૃદયના ધબકારાની અનિયમિતતા (પૂર્વકાલ ધબકારા)
24. ત્વરિત (abrupt) ઝડપથી તરંગટોચે પહોંચતો ધબકારો મહાધમની વાલ્વની અલ્પક્ષમતા
25. દ્વિઅંગુલિસમ (digitate) 2-2 ની જોડમાં આવતા ધબકારા હૃદયના ધબકારાની અનિયમિતતા (પૂર્વકાલ ધબકારા)
26. દ્વિજોડી (bigeminal) 2-2 ની જોડમાં આવતા ધબકારા હૃદયના ધબકારાની અનિયમિતતા (પૂર્વકાલ ધબકારા)
27. દ્વિસમતરંગી (bisferious) દ્વિતરંગી નાડીની બંને તરંગટોચ સરખી હોય મહાધમની વાલ્વનો મિશ્ર વિકાર, તંતુમય ધમનીકાઠિન્ય, દીર્ઘકાલી મૂત્રપિંડશોથ
28. નિયમિત નિયમિત ધબકારાવાળી નાડી સામાન્ય સ્થિતિ
29. પૂર્ણભારિત (full) સામાન્ય તરંગ-વિસ્તૃતિવાળી નાડી સામાન્ય નાડી
30. મહાબલી (magnus) વધુ વળવાળી નાડી લોહીનું ઊંચું દબાણ
31. મંદ (parvus) ઓછા વળવાળી અને નાનાં આંદોલનોવાળી નાડી લોહીનું ઘટેલું ઉપલું દબાણ
32. મૃદુ (mollis) ધમનીની દીવાલમાં ઓછા તણાવવાળી નાડી લોહીનું ઘટેલું નીચલું દબાણ
33. વિપરીતગુણી (paradoxical) કુસમોલની નાડીનું બીજું નામ હૃદયના આવરણમાં પ્રવાહી ભરાય ત્યારે
34. વેગવંતી (celer) ત્વરિત નાડીનું બીજું નામ મહાધમની વાલ્વની અલ્પક્ષમતા
35. શિરાલક્ષી (venous) ગળાની શિરામાં જોવા મળતા ધબકારા સામાન્ય સ્થિતિ
36. સમયાંતરિત (intermittent) અનિયમિત નાડીનું બીજું નામ હૃદયના ધબકારાની અનિયમિતિતા
37. સંત્રસ્ત (durus) ધમનીની દીવાલમાં વધુ તણાવવાળી નાડી લોહીનું નીચલું દબાણ વધેલું હોય
38. સૂત્રસમ (thready) મૃદુ નાડીનું બીજું નામ લોહીનું ઘટેલું ઉપલું દબાણ

શિલીન નં. શુક્લ